જગતમાં જે ચીજ અતિ અનિવાર્ય હશે એ ચીજ અતિ ખતરનાક પણ હશે

Published: Dec 01, 2014, 05:55 IST

હવા, પાણી, પૈસા, વીજળી, અગ્નિ જેવી ચીજો વગર આપણું અસ્તિત્વ ન ટકે એટલી હદે એ ચીજો અનિવાર્ય છે તો એ જ ચીજો ક્યારેક આપણા માટે પ્રાણઘાતક પણ પુરવાર થાય છેસોશ્યલ સાયન્સ - રોહિત શાહ

‘સ્ત્રીનો ભરોસો કરશો તો પસ્તાશો અને જો સ્ત્રીનો ભરોસો નહીં કરો તો વધારે પસ્તાશો.’ આવું વાક્ય ‘મનુસ્મૃતિ’માં કહેવાયું હોત તો મારે એની માત્ર વિસ્તૃત સમીક્ષા કરવાની રહેત, પણ અહીં તો એ વિધાન ખુદ મારે જ કહેવું પડ્યું છે. ‘મનુસ્મૃતિ’માં એવું કોઈ વિધાન નથી.

‘તમે ભલે ગમે એટલી સ્ત્રીઓને ચાહજો, પણ એમાંથી એકેય સ્ત્રીને સમજવાની કોશિશ કરશો તો મહાદુ:ખી થઈ જશો.’ ભતૃર્હરિએ મારા પહેલાં આવું માર્મિક વિધાન કહી દીધું હોત તો કેવું સારું થાત! ખેર, એ જવાબદારી પણ મેં નિભાવી જ લીધી છે.

સુંદર સ્ત્રી કોઈ પણ પુરુષ માટે માત્ર આકર્ષણનું જ નહીં, લાલચનું પણ કેન્દ્ર બની રહે છે. સૌંદર્યના મેઘધનુષ જેવી સ્ત્રીને જોયા પછી જે પુરુષ સ્વસ્થ રહી શકે એ પુરુષ કાં તો પુરુષ જ નહીં હોય, કાં તો એ સ્ત્રીમાં કશી આવડત નહીં હોય. સ્ત્રીના સૌંદર્યનો જે પુરુષ કદી શિકાર ન બન્યો હોય એ પુરુષને દુર્ભાગી સમજવો. સ્ત્રીના મોહપાશમાં ફસાવા જેવું સુખ તો બીજું એકેય નથી. સંસારને રિળયામણો બનાવવામાં સ્ત્રીઓનો ફાળો અધિક છે. સ્ત્રીઓ ન હોત તો સંસાર કેવો કાંટાળો અને કંટાળાજનક હોત!

કહેવાતા અનેક મહાત્માઓએ અને કહેવાતા અનેક ધર્મગ્રંથોએ ઠેર-ઠેર બકવાસ કર્યો છે કે સ્ત્રી નરકનું દ્વાર છે. હું તો માનું છું કે સ્ત્રી ન હોય તો આ સંસાર સ્વયં નરક બની જાય. વૈકુંઠને વૈકુંઠ બનાવવા માટે પણ આખરે તો અપ્સરાઓની જ ગરજ પડે છેને! અપ્સરાઓ ન મળવાની હોય તો કોઈ પણ નિખાલસ પુરુષને વૈકુંઠ મેળવવાની કોઈ લાલચ રહે ખરી?

કોઈ સ્ત્રીનો નેગેટિવ અનુભવ થયો હોય એટલામાત્રથી તેને વખોડી નાખવાનું વાજબી નથી. એમ તો પુરુષો કંઈ બધા સારા જ હોય એવું ક્યાં છે? અધ્યાત્મગુરુઓ એક વાતે અવશ્ય ભૂલા પડેલા છે. તેઓ સ્ત્રીને સાધનામાર્ગનું સંકટ સમજે છે, પરંતુ સ્ત્રીને ભૂલી જઈને સાધના કરવાની જરૂર જ શી છે? સાધના તો સ્ત્રી માટે કરવાની હોય, સ્વર્ગ માટે નહીં! સ્ત્રી હશે ત્યાં સ્વર્ગ સ્વયં ખડું થઈ જશે. સ્ત્રી પોતાના સૌંદર્યથી, પોતાના સ્નેહયુક્ત ગુણોથી અને પોતાના શીલસમૃદ્ધ ચારિhયથી સંસાર પર શાસન કરવા સમર્થ છે. કોઈ પણ સ્ત્રીમાં આ ત્રણ પૈકીનો કોઈ એક ગુણ હોય તો ઇનફ છે. ત્રણે ગુણ હોય તો તે સ્વયં દેવી છે.

સ્ત્રી વિશે નેગેટિવ ડહાપણ વ્યક્ત કરનારા બબૂચકોને કદાચ એ સત્યની ખબર નથી કે જગતમાં જે ચીજ અત્યંત અનિવાર્ય હશે એ ચીજ એટલી જ ખતરનાક પણ હોવાની જ. હવા, પાણી, પૈસા, વીજળી, અગ્નિ જેવી ચીજો વગર આપણું અસ્તિત્વ ટકી ન શકે એટલી હદે એ અનિવાર્ય છે; પરંતુ વાવાઝોડું, સુનામી અને ભીષણ આગની હોનારતો કેવી પ્રાણઘાતક પુરવાર થતી હોય છે! જે જીવન છે એ જ મૃત્યુ છે. પૈસા સુખ આપે છે તો દુ:ખ પણ આપે છે. સંપત્તિના વારસા માટે સગા ભાઈઓ વચ્ચે કલહ થાય છે અને કેટલીક વખત સંપત્તિ લૂંટવા આવનાર વ્યક્તિ હત્યા પણ કરે છે. વીજળી આપણને અજવાળું આપે છે, શીતળતા આપે છે, દાહકતા આપે છે, ગતિ આપે છે, ઘણુંબધું આપે છે; એ જ વીજળી કરન્ટ દ્વારા મોત પણ આપી શકે છે. શું આ કારણે આપણે આ બધી ચીજોથી દૂર પલાયન થઈ જઈએ છીએ?

એક વખત કોઈકે રમૂજમાં કહેલું કે શરાબ કરતાં પાણી વધારે ખતરનાક છે. આ દુનિયામાં જેટલા લોકો શરાબ પીવાથી મૃત્યુ નથી પામ્યા એટલા પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામ્યા છે. ઇન શૉર્ટ, શરાબ પીને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કરતાં પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઘણી મોટી છે. શરાબનું ક્યાંય પૂર-ઘોડાપૂર નથી આવતું અને શરાબની કદી સુનામી પણ નથી આવતી. તો શું પાણી છોડીને આપણે હવે શરાબને જીવનની અનિવાર્ય ચીજ માનીશું?

જે અનિવાર્ય હશે એ ખતરનાક પણ હશે જ! વ્યક્તિ હોય કે વસ્તુ, સ્થળ હોય કે સંજોગો હોય - જો એ ભરપૂર સુખ અને આનંદ આપનાર હશે તો ખતરનાક પણ અવશ્ય હશે જ હશે. ત્રીજા માળની કે પાંચમા માળની બારીમાંથી જગતને જોવાની જે મજા આવે છે એના કરતાં પચીસમા માળની બારીમાંથી જગતને માણવાની વધારે મજા આવે છે અને જેમ-જેમ ઊંચે જઈએ એમ-એમ મજા વધતી જાય છે. પરંતુ એ ઊંચાઈની એક લિમિટ તો હોવાની જને! પર્વતના શિખર તરફ જઈએ એમ હવા પાતળી થતી જાય છે અને શ્વાસ ગૂંગળાય છે. ઊંચાઈ જાનનું જોખમ બની શકે છે. વળી એટલે ઊંચેથી પટકાઈ પડવાનો પણ ભય રહે છે. જે ચીજ મજા આપશે એ સજા પણ આપશે.

સ્ત્રી માટે આ સત્ય આપણે કેમ સહજ રીતે સ્વીકારી શકતા નથી? સ્ત્રી સુખ આપે છે તો દુ:ખ પણ આપશે જ! કલાપીએ કહ્યું જ છે : જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી!

જળ અનેક સંકટો ખડાં કરે છે તોય એના કેટલાક ગુણોને કારણે આપણે એને અમૃત કહીએ છીએ. પવન અનેક વખત વાવાઝોડાના વિનાશકરૂપે સર્વનાશ કરે છે તોય એને આપણે દેવ કહીએ છએ. અગ્નિ પણ બધું બાળીને ભસ્મ કરી મૂકે છે તોય એને આપણે દેવરૂપે પૂજીએ છીએ. તો સ્ત્રીની વિનાશક કે વિઘાતક શક્તિના બહાને તેનાથી દૂર ભાગવાનો ઉપદેશ શા માટે આપવાનો? અને ઉપદેશ આપનારા તો આપે, આપણે તેમનો એવો બકવાસ શા માટે સાંભળવાનો?

ચીભડું કે નારિયેળ?

વડોદરામાં રહેતી ૪૫ વર્ષની ચાંદની રાજગોર નામની યુવતીએ પોતાનાં બીમાર મા-બાપની સેવા-સારવાર માટે પોતાની જાતને વેચવાની તૈયારી ફેસબુક પર બતાવી ત્યારે ટીવી-ચૅનલોવાળાઓ તેની પાછળ પડી ગયા. ચાંદની ભૂતકાળમાં મૉડલિંગ કરતી હતી, પછી સમાજસેવા કરતી હતી. આજે આર્થિક સંકટના ઉપાયરૂપે તેણે પોતાની જાતને બજારમાં મૂકવાની વાત સ્વયં કહી છે. ચાંદની માટે સહાનુભૂતિ બતાવવી કે રોષ વ્યક્ત કરવો? કે પછી ન્યુટ્રલ રહેવું? જગતમાં અનેક સ્ત્રીઓ-યુવતીઓ ભીષણ આર્થિક સંકટ વેઠતી હોય છે. એ બધી કંઈ વેશ્યા તો નથી બની જતી! પૈસા કમાઈ લેવાનો શૉર્ટ કટ વ્યક્તિને પતન તરફ જવા પ્રેરે ત્યારે તેના પ્રત્યે માત્ર કરુણાભાવ જ રાખવો જોઈએ. ‘દીવાર’ ફિલ્મમાં એ. કે. હંગલ એક સરસ ડાયલૉગ બોલે છે : વૈસે તો હિન્દુસ્તાન મેં લાખોં બચ્ચે ભૂખે મર રહે હૈં, તો ક્યા વે સબ ચોર બન જાએ? વિકટ પરિસ્થિતિમાં પણ સમતા રાખવી એ જ તો ચારિhય છે. ચીભડું જરાક આંચકાથી ફસકી-ફાટી જાય છે, જ્યારે લીલું નારિયેળ ગમે એટલા આંચકા ખમી જાય છે. આપણે ચીભડું છીએ કે નારિયેળ?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK