તે આપણો ખોટો યુઝ કરે છે એ જાણ્યા છતાંય તેની લાગણીમાં તણાયા કરવું એ બેવકૂફી છે

Published: 28th November, 2014 05:22 IST

ઇમોશનલ થઈ જઈને આપણે આપણા દુષ્ટ સ્વજનની સોગઠાબાજીનું પ્યાદું બની જવાની કોઈ જ જરૂર નથીસોશ્યલ સાયન્સ - રોહિત શાહ

અદ્દલ આલિયા ભટ્ટ જેવી દેખાતી એક ઇનોસન્ટ યુવતી કોઈકની મોહજાળમાં અટવાઈ ગઈ છે. આ કોઈક પાછું અજાણ્યું કે પારકું તો નથી, ખુદ તેનો લવર છે. બન્ને યુવાન છે, તેમની વચ્ચે લવ છે. બન્ને જણ પોતાની મરજીથી વારંવાર મળે છે અને ડેટ પર જાય છે એટલું જ નહીં, મૅરેજ કર્યા પહેલાં સ્વેચ્છાએ બન્ને જણ સેક્સ પણ એન્જૉય કરે છે.

યુવક દેખાવમાં ઠીક છે, હૅન્ડસમ તો ન જ કહી શકાય. યુવતી બ્યુટિફુલ અવશ્ય કહી જ શકાય. યુવક વારંવાર યુવતીને તેની ઑફિસે મળવા બોલાવે, પોતાના બૉસ સાથે પરિચય કરાવે. એટલું જ નહીં, તે યુવક જૉબ કરવા ઉપરાંત કમ્પ્યુટર સ્ટેશનરીની સપ્લાયનો બિઝનેસ પણ કરતો હતો. એ માટે જ્યારે-જ્યારે કોઈ મોટી ઑફિસમાં સાહેબોને મળવા જવાનું હોય ત્યારે-ત્યારે તે યુવક આ યુવતીને સાથે લઈ જતો, સૌની સાથે પરિચય કરાવતો અને ‘મીટ માય ફિયાન્સે’ એમ કહેતો. યુવતી સૌની સામે સ્મિત કરે અને હાથ મિલાવે એવી યુવકની ઇચ્છા રહેતી. તે કહેતો કે આ બધા બૉસ અને મોટા ઑફિસરો આગળ જરાય ઑર્થોડૉક્સ નહીં દેખાવાનું, આપણે નવા જમાનામાં ઓપન માઇન્ડેડ યુવક-યુવતી તરીકે દેખાવાં જોઈએ.

ધીમે-ધીમે યુવતીને ખ્યાલ આવી ગયો કે યુવક બડો ચાલાક છે અને મને યુઝ કરી રહ્યો છે. જૉબમાં પ્રમોશન મેળવવા માટે તથા સ્ટેશનરી-સપ્લાયના બિઝનેસમાં મોટા ઑર્ડર લેવા માટે તે આ યુવતીને સાથે રાખતો. યુવતીના રૂપથી સામેના પુરુષને પ્રભાવિત કરીને તે પોતાનું કામ કઢાવી લેતો. કેટલાક લોકોને તો યુવતીનો મોબાઇલ-નંબર પણ આપતો. ક્યારેક કોઈ સાહેબનો કે બૉસનો ફોન આવે અને યુવતી સાથે અર્થહીન બકવાસ કરે, વલ્ગર જોક કહે, તમને કેવી ફિલ્મો જોવાનું ગમે એવા સવાલ પૂછે. કોઈ-કોઈ વખત તો પેલો યુવક પોતે જ યુવતીને એકલીને પેમેન્ટ લેવા મોકલે. અજાણ્યા પુરુષની પાસે પેમેન્ટ લેવા તેની કૅબિનમાં જવું યુવતીને ગમતું તો નહીં, પણ યુવકે જ તેને એવું બહાનું કાઢીને મોકલી હોય કે તે ના પાડી શકતી નહીં. રંગીન મિજાજી પુરુષ ભલે કોઈ શારીરિક અડપલાં ન કરે તોય હોશિયાર યુવતીને તેની નજરથી થતાં અડપલાં દેખાયા વગર નથી રહેતાં. યુવતી વારંવાર તેની અકળામણ પેલા યુવક સામે રજૂ કરે છે, પણ યુવક એક જ વાત કહે છે કે ‘આ બધા બહુ મોટા બિઝનેસમેન છે, કંઈ રોડ-રોમિયો કે રખડેલ નથી. તું જરાય ચિંતા ન કરીશ. હું બધાને બરાબર ઓળખું જ છું. હું થોડો કંઈ તને ખરાબ અને ખોટા પુરુષો પાસે મોકલતો હોઉં? આખરે તો આપણે પરસ્પરના લાઇફ-પાર્ટનર બનવાનાં છીએ!’

યુવતી પોતાનો અણગમો પી જાય છે. પોતાના પ્રેમીની વાતો અને પોતાની ભીની-ભીની સંવેદનાને કારણે યુવતી કશો વિરોધ કરતી નથી, કરી શકતી નથી. ક્યારેક તેને મનમાં ડાઉટ પડે છે તો ક્યારેક તેને ખાતરી પણ થઈ જાય છે કે આ યુવક તેને યુઝ કરી રહ્યો છે. અલબત્ત, આજ સુધી તેની સાથે કોઈએ કશી બળજબરી કરી નથી છતાં યુવતીને એવી પરિસ્થિતિમાંથી વારંવાર પસાર થવું પડતું જરૂર લાગ્યું છે. તે યુવકથી એટલી ઇમ્પþસ્ડ છે, તેના પ્રેમમાં એટલી ગળાડૂબ છે કે પોતે ઠીક-ઠીક પ્રમાણમાં તેની ચાલાકીઓ જાણી ગઈ હોવા છતાં તેને કંઈ જ કહી શકતી નથી.

કોઇ વ્યક્તિ પ્રત્યે શુદ્ધ લવ કે લાગણી હોવી એ જુદી વાત છે અને તે આપણને યુઝ કરે છે એ જાણ્યા છતાંય તેની લાગણીમાં તણાયા કરવું એ તો ચોખ્ખી બેવકૂફી જ છે.

આવી એક ઘટના અગાઉ અખબારનાં પાનાં પર ન્યુઝ તરીકે આવી ચૂકી છે. એમાં તો એવું બનેલું કે યુવક-યુવતીની સગાઈ થઈ હતી. એક વખત યુવકના બૉસ સાથે ગાર્ડનમાં તેમનો પરિચય થયો અને બૉસ વારંવાર પેલી યુવતીને ફોન કરે, મળવા બોલાવે એવો સિલસિલો શરૂ થયો. છોકરીએ તેના ફિયાન્સેને કહ્યું કે તારો બૉસ મને બિલકુલ ગમતો નથી; તેને કહેજે કે સખણો રહે અને મારી સાથે મિસબિહેવ ન કરે, નહીંતર...

પણ છોકરાએ કહ્યું, ‘જોજે એવું કંઈ ન કરતી. તે મારો બૉસ છે. તેણે ગયા અઠવાડિયે મને પ્રમોશન આપવાનું અને સૅલરી-પૅકેજમાં પણ વધારો કરી આપવાનું પ્રૉમિસ કર્યું છે.’

યુવતી ખામોશ રહી. અને એક વખત દુર્ઘટના ઘટી જ ગઈ. પ્રમોશન મેળવવાની લાયમાં યુવકે જાતે જાણે પોતાની ફિયાન્સેને બૉસ પાસે ધકેલી હતી. છેલ્લે અંજામ શો આવ્યો એ ખબર છે? યુવકે સગાઈ જ તોડી નાખી. પોતે પ્રમોશન વગેરે લાભ તો લઈ લીધા અને પછી યુવતીએ જ સામે ચાલીને બૉસ સાથે ખોટો સંબંધ રાખ્યો હોવાનો આક્ષેપ કરીને સગાઈ તોડી નાખી. પોલીસકેસ થયેલો, પણ પછી બધું ભીનું સંકેલાઈ ગયેલું. અખબારો માટે એ સનસનાટીવાળા ન્યુઝ હતા, પણ પેલી યુવતી માટે તો લાઇફની સિરિયસ ટ્રૅજેડી હતી; જાણી જોઈને, ભરપૂર અજવાળામાં ખાડામાં પડવા જેવી એ ઘટના હતી.

માત્ર યુવાન સ્ત્રીઓને-યુવતીઓને જ નહીં, ક્યારેક તો બાળકોને અને વડીલોને પણ યુઝ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર હોય તેની ઓળખાણનો વારંવાર ગેરલાભ લેનારા લોકો હકીકતમાં તો તેનો યુઝ જ કરતા હોય છે. ઘણી વખત વ્યક્તિ સભાન હોય છે કે અહીં મારો યુઝ થઈ રહ્યો છે તો ક્યારેક ભોળી વ્યક્તિને ભાન પડતું જ નથી અને તે છેતરાઈ જાય છે. કેટલીક વખત તો આપણને ખબર પણ ન હોય એ રીતે પરોક્ષરૂપે આપણો યુઝ થતો રહે છે. તેની પાસે આપણું વિઝિટિંગ કાર્ડ માત્ર હોય, એ લઈને તે એવી જગ્યાએ પહોંચી જાય જ્યાં સામાન્ય વ્યક્તિને જવા દેવામાં ન આવતી હોય. ત્યાં જઈને એવી રજૂઆત કરે કે તેને આપણી સાથે ઘર જેવો સંબંધ છે.

શી જરૂર છે?

આપણો ખોટી રીતે કોઈ યુઝ કરતું હોય તો તેને તરત અટકાવી દેવો જોઈએ, ભલે પછી તે વ્યક્તિ આપણી ગમે એટલી અંગત કે નિકટની સ્વજન જ કેમ ન હોય. જો શરૂથી જ તેને નહીં રોકો તો તમે બેવકૂફમાં ખપશો અને તમારે જ ખોટ ખાવાનો વારો આવશે. પોતે કંઈ રમકડું નથી, પોતે કંઈ સાધન નથી, પોતે કંઈ સીડી નથી જેનો યુઝ કરવામાં આવે એવું ચોખ્ખેચોખ્ખું કહી દેવું જોઈએ. જો આપણું સ્વજન જેન્યુઇન સ્વજન હશે તો આપણો યુઝ કરવાનો લંપટ ખ્યાલ જ નહીં કરે અને જો તે જેન્યુઇન સ્વજન ન હોય તો આપણે તેની સોગઠાબાજીનું પ્યાદું બની રહેવાની પણ શી જરૂર છે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK