વાગડ ગુરુકુળના બે ટીચરને વસઈ કોર્ટમાંથી જામીન મળ્યા

Published: 27th November, 2014 06:16 IST

સ્ટુડન્ટસને સુસાઇડ માટે ઉશ્કેરવાનો મુખ્ય આરોપ ચાર્જશીટમાં પડતો મુકાયોવિરાર પાસે સકવાર વિસ્તારમાં આવેલી વાગડ ગુરુકુળમાં ઑગસ્ટ મહિનામાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ પ્રકરણમાં પોલીસે પકડેલા સંસ્કૃત ટીચર રિપુસુદન ગર્ગ અને PT ટીચર સંદીપ પાલવેને ગઈ કાલે વસઈ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ૨૭ ઑગસ્ટે નવમા ધોરણના ત્રણ સ્ટુડન્ટ્સ કુશલ ડાઘા, મિત છેડા અને પ્રાહુલ પટેલના મૃતદેહો સ્કૂલની પાછળ આવેલી નદીમાંથી મળ્યા હતા.

વિદ્યાર્થીઓના મૃત્યુના પ્રકરણમાં પોલીસે ૨૮ ઑગસ્ટે આ બન્ને ટીચરની ધરપકડ કરી હતી અને ત્યારથી જ તેઓ થાણે સેન્ટ્રલ જેલમાં હતા. જોકે વસઈ કોર્ટના જજ એન. એમ. પઠાણે ગઈ કાલે ૧૫ હજાર રૂપિયાના બૉન્ડ પર જામીન આપ્યા છે. આ ઑર્ડરને થાણે જેલમાં મોકલવામાં આવશે અને શુક્રવારે તેમને જેલમાંથી છોડવામાં આવશે.

મુખ્ય આરોપ પડતા મુકાયા

વસઈ કોર્ટમાં મંગળવારે ફાઇલ કરાયેલી ચાર્જશીટમાં બોઇસરના ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ વિજયકાન્ત સાગરે આરોપી ટીચર્સ પર આ સ્ટુડન્ટ્સને સુસાઇડ માટે ઉશ્કેરવાના મુકાયેલા આરોપો પડતા મૂકીને એના બદલે  જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ અને ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે કૉર્પોરલ પનિશમેન્ટ અને ક્રુઅલ્ટીની કલમો અંતર્ગત આરોપો કર્યા છે.

પેરેન્ટ્સનો આરોપ

ખળભળાટ મચાવનારા આ ભેદી પ્રકરણમાં મૃત્યુ પામેલાં બાળકોના પેરન્ટ્સે આરોપ કર્યો હતો કે ૧૪ વર્ષના આ સ્ટુડન્ટ્સને ઢોરમાર મારીને નદીમાં ફેંકી દેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગુરુકુળમાં અપમાન અને અન્યાય કરીને આ છોકરાઓને સુસાઇડ માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તપાસકર્તા અધિકારીઓએ મર્ડરના આરોપો તો ફગાવ્યા હતા, પરંતુ રોજેરોજ ભણાવતી વખતે આ બાળકો સાથે અપમાનજનક વર્તન અને મારપીટ બદલ આરોપીઓ પર સુસાઇડ માટે ઉશ્કેરણીના આક્ષેપોની તપાસ કરી હતી. ચાર્જશીટમાં કહેવાયું હતું કે રોજેરોજની મારપીટ અને અપમાનથી કંટાળીને આ બાળકો પચીસ ઑગસ્ટે ગુરુકુળમાંથી નાસી ગયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK