ઘેરબેઠાં કરો ઑનલાઇન બિઝનેસ

Published: 27th November, 2014 06:14 IST

સમય બચે, પૈસા પણ બચે અને બીજું ઘણું કરવાનો ચાન્સ રહે
સ્પેશ્યલ સ્ટોરી - કૃપા પંડ્યા

મહિલાઓ પહેલેથી જ ઘરગથ્થુ કામ કરતી આવી છે. ભરતગૂંથણ, પાપડ વણવા, અથાણાં બનાવવાં, વારતહેવારે કોઈ વસ્તુઓ બનાવી ઇત્યાદિ અનેક કામો મહિલાઓ ઘરે બેસીને કરતી આવી રહી છે અને એ હજી પણ ચાલે છે. ફરક બસ એટલો છે કે ટેક્નૉલૉજીના હિસાબે કામ કરવાની રીતમાં ફરક આવી ગયો છે. હવે ઘરગથ્થુ કામ ઘરની ચાર દીવાલો સુધી સીમિત ન રહેતાં ઘરની બહાર આવી ગયું છે. હવે ન તો ઑર્ડર માટે અહીંતહીં ભટકવું પડે છે અને ન માલ લેવા માટે. આખો બિઝનેસ હવે ઘરે બેસીને કંઈ પણ ઇન્વેસ્ટ કર્યા વગર થઈ શકે છે. હવે જમાનો આવી ગયો છે ઑનલાઇન બિઝનેસનો. આપણી આસપાસ એવી કેટલીયે મહિલાઓ છે જે ઑનલાઇન બિઝનેસ કરી રહી છે. આવો મળીએ એવી મહિલાઓને જે ઑનલાઇન ટેક્નૉલૉજીના ક્રેઝનો પૂરેપૂરો સદુપયોગ કરી રહી છે અને ઘરબેઠાં પોતાનો બિઝનેસ ચલાવી રહી છે.

ઍક્સેસરીઝનો ઑનલાઇન બિઝનેસ

સાંતાક્રુઝમાં રહેતી બાવીસ વર્ષની મિન્નત દોશી બે વર્ષથી ઑનલાઇન બિઝનેસ કરે છે.  તેના પેજને ૧૦,૫૦૦ લાઇક્સ મળી છે જેનું નામ છે એક્સઓ એક્સઓ ઍક્સેસરીઝ (XOXO Accessories). મિન્નતે BMMમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. BMM ભણતી વખતે મિન્નતને એમાં આવતા બ્રૅન્ડિંગ મૅનેજમેન્ટનો વિષય ઘણો ગમ્યો, જેમાં એક ફૅશન બ્રૅન્ડ કેવી રીતે ઊભી કરવી એના વિશે શીખવવામાં આવતું એ તેને ખૂબ ગમતું. એટલે એ જ વિષયમાં માસ્ટર્સ કરવા તેણે ફૅશન-મૅનેજમેન્ટનો કોર્સ કર્યો. મિન્નત અપૅરલ અને ઍક્સેસરીઝની ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ વેરો મોડામાં ૬ મહિનાથી વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝર તરીકે કામ કરે છે. તે જ્યારે BMM કરતી હતી ત્યારે તેને કૉલેજથી એક પ્રોજેક્ટ બનાવવા માટે આપવામાં આવ્યો હતો જેમાં રિયલ લાઇફમાં ઑનલાઇન મારફત માલ વેચીને આપવાનો હતો. આ ઑનલાઇન પ્રોજેક્ટ કેવી રીતે બનાવ્યો એના પ્રશ્નનો જવાબ આપતાં મિન્નત કહે છે, ‘મેં આ પ્રોજેક્ટ માટે ફેસબુક પર એક પેજ બનાવ્યું જેને નામ આપ્યું એક્સઓ એક્સઓ ઍક્સેસરીઝ જે આગળ જઈને મારી પ્રોડક્ટનું બ્રૅન્ડ નામ રાખ્યું. એના પર હોલસેલમાંથી લીધેલી જ્વેલરીનું કલેક્શન અને મારા હાથે બનાવેલી જ્વેલરીના ફોટો અપલોડ કર્યા. એ પ્રોજેક્ટ ૨૦ દિવસનો હતો. એ ૨૦ દિવસ મને સારોએવો રિસ્પૉન્સ મળ્યો. એટલે પછી મેં આ કામને કન્ટિન્યુ કર્યું. પહેલાં કેવળ મિત્રો વચ્ચે જ સેલ થતું, પણ ધીરે-ધીરે માઉથ ટુ માઉથ પબ્લિસિટીને લીધે કસ્ટમર વધવા લાગ્યા અને હવે બૉમ્બેની બહારના પણ કસ્ટમર છે.’

મિન્નત જ્યારે પ્રોજેક્ટ કરતી ત્યારે તે મુંબઈના હોલસેલર પાસેથી માલ લાવતી તથા પોતાનો બનાવેલો માલ વેચતી, પણ જ્યારે તેનો આ પ્રોજેક્ટ બિઝનેસમાં રૂપાંતર થયો ત્યારથી તે ચાઇનાથી માલ મગાવે છે. ચાઇના સાથે કેવી રીતે કૉન્ટૅક્ટ થયો એની માહિતી આપતાં મિન્નત કહે છે, ‘હું જ્યારે પ્રોજેક્ટ કરતી હતી ત્યારે મુંબઈથી જ માલ લેતી, પણ હવે ચાઇનાથી માલ મગાવું છું. ચાઇના વિશે મેં નેટ પર સર્ચ કરીને મેળવ્યું. ચાઇનાના સપ્લાયર મને માલનો કૅટલૉગ મોકલે છે. એ પછી જે મને ગમે એ જ્વેલરી હું તેમની પાસેથી મગાવું છું. એ ફોટો હું ફેસબુક પર અપલોડ કરું છું. એ પછી જે કસ્ટમરે મારું પેજ ફેસબુક પર લાઇક કર્યું હોય એ લોકો જે જ્વેલરી ગમે એના ફોટો વૉટ્સઍપ દ્વારા કે પછી ઈ-મેઇલ દ્વારા મને સેન્ડ કરે છે. એ પછી એની જે પણ કિંમત હોય એના પૈસા બૅન્ક-ટ્રાન્સફર, ઇન્ટરનેટ-ટ્રાન્સફર દ્વારા અથવા ચેક ડિપોઝિટ દ્વારા આ ત્રણમાંથી કોઈ પણ રીતે મને તે પૈસા આપે એ પછી એની રિસીટનો ફોટો મને દેખાડે એ પછી હું તેમને માલની ડિલિવરી કરું છું. કસ્ટમર જો બૉમ્બેનો હોય તો બે દિવસમાં અને જો તે બૉમ્બેની બહારનો હોય તો ચાર દિવસ માલની ડિલિવરી કરતાં લાગે છે. ચાઇનાથી ઑર્ડર કરેલી જ્વેલરીને આવતાં એક મહિનો લાગે છે. ઘણી વાર કસ્ટમરને આ ઑનલાઇન શૉપિંગ પર વિશ્વાસ થતો નથી. તેમનો વિશ્વાસ જીતવા મારા કસ્ટમરો જેમણે મારી પાસેથી શૉપિંગ કર્યું છે તેમના ફોટોગ્રાફનું એક આલબમ મારા પ્રોફાઇલ પર અપલોડ કર્યું છે જેથી કસ્ટમરનો વિશ્વાસ વધે. મારે મેઇન બિઝનેસ તો ઍક્સેસરીઝનો જ છે, પણ ક્યારેક વચ્ચે-વચ્ચે હેર ઍક્સેસરીઝ કાં તો મોબાઇલ-કવર એવું નવું-નવું મૂકતી હોઉં છું.’

સ્ટેશનરીનો ઑનલાઇન બિઝનેસ

દાદરમાં રહેતી બાવીસ વર્ષની ઊર્જા મસરાણી ઑનલાઇન સ્ટેશનરીનો બિઝનેસ કરે છે. ઊર્જા ફૅશન-મૅનેજમેન્ટનું ભણી છે. તેને ડિઝાઇનિંગનો ઘણો શોખ છે. એ સાથે તેને સ્ટેશનરી પણ બહુ ગમે છે. ઊર્જાએ બન્ને શોખનો સારોએવો સદુપયોગ કરીને પોતાનો સ્ટેશનરીનો ઑનલાઇન બિઝનેસ ચાલુ કર્યો છે જેમાં તે પોતાના હાથે ડિઝાઇન કરેલી બુક્સ, નોટપૅડ, ફાઇલ, બુકમાક્ર્‍સ અને કૅલેન્ડર વેચે છે. ઊર્જાના પેજનું નામ શ્પ્ છે. પોતાના ઑનલાઇન બિઝનેસની જાણકારી આપતાં ઊર્જા કહે છે, ‘મેં આ બિઝનેસ ૨૦૧૨થી ચાલુ કર્યો હતો. પહેલાં હું મારી બુક્સ ડેકોરેટ કરતી હતી અને મને એ સાથે સ્ટેશનરી પણ ગમતી હતી. એટલે મેં ઑનલાઇન બિઝનેસ અને એક્ઝિબિશનમાં જવાનું ચાલુ કર્યું. આમાં ફાયદો એ છે કે આમાં કોઈ ટાઇપનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું પડતું. બીજું, અત્યારે ઑનલાઇનનો ક્રેઝ પણ ઘણો છે. એને ધ્યાનમાં રાખીને મેં આ ચાલુ કર્યું. સાયનમાં મારા અંકલનું સ્ટેશનરી મૅન્યુફૅક્ચરિંગનું કારખાનું છે. તેમને હું મારી ડ્રૉ કરેલી ડિઝાઇન આપું છું. ડિઝાઇન એ લોકો મને બુક પર કે નોટપૅડ પર કે કોઈ પણ સ્ટેશનરી જે મારી ઑર્ડરની હોય એના પર પ્રિન્ટ કરીને આપે છે. મં પેમેન્ટ મોડ કૅશ ઑન ડિલિવરી રાખ્યો છે. એક માણસ રાખ્યો છે જે માલની ડિલિવરી કરે છે. અગાઉ મહિનામાં પચાસ કસ્ટમર થતા હતા, હવે મહિનામાં એનાથી ડબલ થઈ ગયા છે. કસ્ટમરને તેમનો ઑર્ડર ઓછામાં ઓછા બે દિવસ અને વધારેમાં વધારે એક વીકની અંદર મળી જાય છે.’

કસ્ટમરોનો ટ્રસ્ટ મેળવવા ઊર્જાએ પોતાનું વિઝિટિંગ કાર્ડ બનાવ્યું છે જે તે જ્યારે-જ્યારે એક્ઝિબિશન હોય ત્યારે એમાં સ્ટૉલ રાખે છે અને જે પણ સ્ટૉલ જોવા આવે તેને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. ઊર્જા પણ અપૅરલ અને ઍક્સેસરીઝની ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ વેરો મોડામાં વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝરની નોકરી કરે છે.

કપડાંનો ઑનલાઇન બિઝનેસ

અંધેરી સાત બંગલોમાં રહેતી અને BMMના ત્રીજા વર્ષમાં ભણતી રિતિકાના ફેસબુક પર પેજનું નામ ફૅશન પોશન છે. રિતિકા અને તેની મામી શિલ્પા શેટ્ટીએ આ ઑનલાઇન બિઝનેસ ગયા જાન્યુઆરીમાં જ ચાલુ કર્યો છે. ઑનલાઇન બિઝનેસની પ્રેરણા ક્યાંથી મળી એનો જવાબ આપતાં રિતિકા કહે છે, ‘મારી સાથે મારાં મામી શિલ્પા શેટ્ટી પણ કામ કરે છે. અમે બન્નેએ ઑનલાઇન બિઝનેસ વિશે ઘણું રિસર્ચ કયુર્. એ સાથે ફેસબુક પર પણ અમે ઑનલાઇન બિઝનેસના ઘણાં પેજિસ જોયાં એટલે પછી અમે પણ ઑનલાઇન બિઝનેસ કરવાનું નક્કી કર્યું. પહેલાં અમે હૅન્ડબૅગનું કરતાં હતાં પછી ધીરે-ધીરે અમે કપડાંનું કરવા લાગ્યાં. એ પછી અમે હૅન્ડબૅગ વેચવાની બંધ કરી દીધી. અમારા સપ્લાયર જે બૅન્ગકૉક, ચાઇના અને કોરિયાના છે તે અમને તેમના સ્ટૉકનો કૅટલૉગ મોકલાવે છે. એ કૅટલૉગ અમે ફેસબુક પર અપલોડ કરીએ છીએ અને એના પરથી કસ્ટમરને જે કપડાં ગમે એ અમે ત્યાંથી મગાવીએ છીએ. સપ્લાયર એ માલ અમને શિપિંગ દ્વારા પાંચ દિવસમાં મોકલાવે છે. અમે એક વીકમાં એકસાથે ૧૦થી ૧૫ ઑર્ડર પ્લેસ કરીએ છીએ. કસ્ટમર અમને તેમને ગમતાં કપડાંના ફોટો મેઇલ કરે છે અથવા અમને વૉટ્સઍપ કરે છે. અમે પેમેન્ટ મોડ બૅન્ક-ટ્રાન્સફરનો જ રાખ્યો છે. જે કસ્ટમરને અમારા પર ટ્રસ્ટ છે તે પૂરા પૈસા બૅન્કમાં ટાન્સફર કરે છે, પણ જેને ભરોસો ન આવતો હોય તે પહેલાં થોડા પૈસા ટ્રાન્સફર કરે છે અને માલ મળ્યા પછી બાકીના પૈસા ટ્રાન્સફર કરે છે. થોડા સમયમાં અમે કૅશ ઑન ડિલિવરી ચાલુ કરવાનું વિચારી રહ્યાં છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK