આ મદદગાર ગુજરાતીઓને સલામ કરો

Published: 27th November, 2014 03:08 IST

ભણવાનું ગમતું નહોતું એટલે વડોદરાથી મુંબઈ ભાગી આવેલા સોળ વર્ષના છોકરાનું ગોરેગામના કબૂતરપ્રેમી જીવદયા મંડળના સભ્યોએ જે રીતે તેના પપ્પા સાથે પુનિર્મલન કરાવ્યું એ ખરેખર કાબિલેદાદ છે
અલ્પા નિર્મલ

ગોરેગામ (વેસ્ટ)ના કબૂતરપ્રેમી જીવદયા મંડળના કાર્યકરોએ ગઈ કાલે ગુજરાતથી ભાગીને આવેલા ૧૬ વર્ષના તરુણને તેનાં માતા-પિતાને અહીં બોલાવીને તેમના હાથમાં સુપરત કરીને માનવતાનો સુંદર દાખલો બેસાડ્યો.

વડોદરામાં સિવિલ એન્જિનિયરિંગના ફસ્ર્ટ યરમાં ભણતો અને પ્રાઇવેટ હૉસ્ટેલમાં રહેતો ૧૬ વર્ષનો હર્ષલ શાહ (નામ બદલ્યું છે) ભણવાનું ન ગમતું હોવાથી અને ખૂબબધા પૈસા કમાવાના હેતુથી મંગળવારે ૨૫ નવેમ્બરની રાત્રે હૉસ્ટેલમાંથી ભાગીને બરોડા એક્સપ્રેસમાં બેસીને ગઈ કાલે સવારે મુંબઈ આવ્યો. મુંબઈ સેન્ટ્રલ ઊતરીને તે ફિલ્મસિટીમાં જવાના ઇરાદાથી લોકલ ટ્રેનમાં ગોરેગામ આવ્યો અને વેસ્ટમાં ફિલ્મસિટીનું ઍડ્રેસ પૂછતાં-પૂછતાં સુધરાઈના એક કૉન્ટ્રૅક્ટરની નજરે ચડ્યો. કૉન્ટ્રૅક્ટરે શું થયું, ક્યાંથી આવ્યો છે એવું પૂછતાં હર્ષલે જણાવ્યું કે તેને કામ જોઈએ છે અને તે અમદાવાદથી આવ્યો છે. હર્ષલની બોલવાની સ્ટાઇલ અને વર્તન જોતાં કૉન્ટ્રૅક્ટરને તે ગુજરાતી હશે અને કંઈક ગરબડ છે એવો ખ્યાલ આવ્યો અને તે કબૂતરપ્રેમી જીવદયા મંડળના કાર્યકરો પાસે લઈ ગયો. સફાઈકામદારોના મુકાદમ તરીકે કામ કરતો આ માણસ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહે છે, ‘હું ઘણાં વષોર્થી આ કબૂતરપ્રેમીઓને જોઉં છું. તેઓ સારું કાર્ય કરે છે અને ગુજરાતી છે એટલે પેલા છોકરાનું સારું કરશે એમ જાણી તેમની પાસે લઈ ગયો.’

કાઉન્સેલિંગ કર્યું

કૉન્ટ્રૅક્ટર પાસેથી બધી માહિતી મેળવીને મંડળના કાર્યકરોએ પહેલાં તો હર્ષલને કામ આપવાનો વાયદો કર્યો અને પછી ધીરે-ધીરે વાતો કરતાં-કરતાં તેની પાસેથી સાચી હકીકત જાણી. મંડળના પ્રમુખ હરિલાલ રીટા કહે છે, ‘તે ભાગીને આવ્યો છે એનો અંદેશો તો આવી જ ગયો હતો એટલે અમે અડધો કલાક શું આવડે છે, શું ગમે છે એવી આડીઅવળી વાતો કરીને તેના પપ્પાનો નંબર માગ્યો, જે આપવાની પહેલાં તો તેણે ના પાડી, પણ પછી તેને કામ પર રાખવા માટે પપ્પા સાથે વાત કરવી જરૂરી છે એમ સમજાવીને પપ્પાનો નંબર લીધો અને તેના પપ્પાને ગુજરાત ફોન કરીને બધી માહિતી આપી.’

પપ્પાને ફોટો મોકલ્યો

મંડળના વિનોદ ગડા કહે છે, ‘અમે આણંદ જિલ્લાના આકલાઉ તાલુકાના બામણ ગામ ખાતે રહેતા હર્ષલના પપ્પાને ફોન કર્યો. હર્ષલ અહીં હતો, વળી તેણે સાચ્ચે પપ્પાનો ફોન-નંબર જ આપ્યો છે એ કન્ફર્મ કરવા વૉટ્સઍપ દ્વારા અમે ફોટોની આપ-લે કરી.’

એક સ્ટેપ આગળ

મુંબઈગરાઓની મદદરૂપ થવાની ભાવના તો જગજાહેર છે, છતાં ટાઇમના અભાવે કોઈ વાતો-વસ્તુમાં ઊંડાણમાં પડ્યા વગર પૈસાની મદદ કરીને છૂટી જાય છે. જ્યારે મોટા બિઝનેસમેન અને લાખો-કરોડો રૂપિયાના આસામી એવા આ કાર્યકરોએ એક અજાણ્યો યુવાન અને મા-બાપનો એકનો એક દીકરો દુનિયાની ગર્તામાં ક્યાંક ગુમ ન થઈ જાય એ સારુ પોતાનો આખો સમય તેને આપ્યો. મંડળના જયંતી નંદુ કહે છે, ‘હર્ષલના પપ્પા-ફુઆ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેને બરોડાની ટ્રેનમાં બેસાડી દો, પણ અમને વિચાર આવ્યો કે ૬-૮ કલાકની જર્નીમાં તે ફરી પાછો ક્યાંક ઊતરીને ગાયબ નહીં થઈ જાય એની શું ખાતરી? એટલે અમે તેમને અહીં આવીને હર્ષલને લઈ જવાનો આગ્રહ રાખ્યો.’

આખો દિવસ સાથે ને સાથે

સવારના સાત વાગ્યાથી મંડળના કાર્યકરોને મળેલા હર્ષલને તેઓ કબૂતરને ચણ નાખવા પણ લઈ ગયા તો મંડળના તુષાર ગાલાના ઘરે જઈને તેણે નાહીધોઈને નાસ્તો કર્યો. પછી મણિલાલ નંદુની દુકાને ગયો અને ત્યાર બાદ બપોરથી સાંજ સુધી હરિલાલ રીટાની ઑફિસમાં કમ્પ્યુટર પર રમ્યો. મંડળના કાર્યકર જયંતી કારિયા કહે છે, ‘અમે તેને એક પળ પણ એકલો નથી રાખ્યો. તેણે આ પગલું ભર્યું એ ખોટું છે એમ હસતાં-રમતાં સમજાવ્યું, પણ જરાપણ ઊંચે સાદે તેની સાથે વાત નથી કરી.’

હર્ષલ શાહ મળ્યો ત્યારથી તેને તેના પપ્પાને સોંપતાં સુધી મંડળના પ્રવીણ ગડા, શૈલેશ સંગોઈ, દેવજી ડાઘા, કાન્તિલાલ કારિયા, વિપુલ ડાઘા, વિનોદ છાડવા, પ્રવીણ ગડા, ધીરજ ગડા, સુરેશ રીટા, અરવિંદ શાહ, બિપિન રીટા જેવા કાર્યકરોએ બનતી મદદ કરી હતી.

(છોકરો સગીર વયનો હોવાથી અને તેની સામાજિક બદનામી ન થાય એ હેતુથી તેનું નામ બદલી નાખ્યું છે અને તેની તસવીર પણ પ્રગટ નથી કરી)

મંડળના કાર્યકરોને બાળપણ યાદ આવ્યું

કબૂતરપ્રેમી જીવદયા મંડળના કાર્યકરો જે કચ્છ-વાગડના વતનીઓ છે એવા કેટલાક મેમ્બરોને હર્ષલની સ્ટોરી સાંભળીને પોતાનું બાળપણ યાદ આવ્યું. મંડળના ભગવાનજી નંદુ કહે છે, ‘અમારામાંના પણ ઘણા કિશોરવયે આ જ રીતે ભણવાનું ન ગમતાં પૈસો કમાવા ગામથી મુંબઈ ભાગી આવ્યા હતા. જોકે એ સમય અલગ હતો અને આજનો કાળ વિપરીત છે. ત્યારે ખોટા રસ્તે ચડવાના ચાન્સ ઓછા હતા અને અહીં મુંબઈમાં અમારા જ્ઞાતિના લોકો સહારો આપવા માટે હતા, જ્યારે અત્યારે તો ખરાબ દૂષણોની માત્રા વધી ગઈ છે. વળી હર્ષલનાં તો કોઈ સગાં-સ્નેહી પણ અહીં નથી. તે ફક્ત ફિલ્મસિટીના મોહે અહીં આવી ચડ્યો.’

એકદમ નાદાન

બરોડામાં પ્રાઇવેટ હૉસ્ટેલમાં રહેતો, કુલપતિ કે રૂમમેટની જાણ વગર ભાગી આવેલો હર્ષલ રૂમમાં ચિઠ્ઠી અને પોતાનો મોબાઇલ પણ ત્યાં જ મૂકીને આવ્યો હતો. જોકે તે બે જોડી કપડાં અને બે બુક્સ અને થોડા પૈસા લઈને આવ્યો હતો અને બરોડાથી મુંબઈ આવવા એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ તેમ જ મુંબઈ સેન્ટ્રલથી ગોરેગામની લોકલ ટ્રેનની ટિકિટ પણ કઢાવી હતી. સારા ઘરનો દેખાતો હર્ષલ ‘મિડ-ડે’ને મળે છે ત્યારે તેની વાતો પરથી એકદમ નાદાન લાગે છે. શા માટે ભાગીને આવ્યો? એના જવાબમાં તે કહે છે, ‘હું ભણવામાં પહેલેથી વીક છું. મને દસમામાં માત્ર પચાસ ટકા આવ્યા હતા ત્યારે પેરન્ટ્સે ડોનેશન અને ઊંચી ફી ભરીને પ્રાઇવેટ કૉલેજમાં ઍડ્મિશન અપાવ્યું, પણ મને કાંઈ સમજણ નહોતી પડતી. કૉલેજની સેમેસ્ટર એક્ઝામમાં હું બધા સબ્જેક્ટમાં ફેલ થયો હતો. પછી તો કૉલેજ પણ નહોતો જતો અને હવે યુનિવર્સિટીની એક્ઝામ આવવાની છે.’

મમ્મી-પપ્પાને કેમ ન કહ્યું? એના જવાબમાં હર્ષલ કહે છે, ‘મને ભણવાનું નથી ગમતું એમ તેમને કહેતો. એ સાંભળીને તેમનાં મોઢાં સૅડ થઈ જતાં અને આ રીતે હું તેમને જોઈ નહોતો શકતો. એટલે પછી મને થયું કે મારા ઍડ્મિશનનો જેટલો ખર્ચ થયો છે એ પૈસા કમાવા હું ફિલ્મસિટી-મુંબઈ જાઉં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK