મહિલા સાથે મિસબિહેવ કરનારાનો સામાજિક બહિષ્કાર કરો

Published: 25th November, 2014 04:56 IST

આવું તાજેતરમાં સ્ત્રીઓની સેફ્ટીના માપદંડ માટે કામ કરી રહેલી રિટાયર્ડ જસ્ટિસ ધર્માધિકારીની પૅનલે કહ્યું ત્યારે જાહેર ક્ષેત્રની મહિલાઓને પૂછી જોઈએ કે તેઓ આ બાબતે શું કહેવા માગે છે
સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

એક સમયે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: જેવી ગરિમા જે દેશમાં સ્ત્રીઓની જાળવવામાં આવતી હતી ત્યાં આજે મહિલાઓ સાથેનું મિસબિહેવિયર બહુ સામાન્ય બાબત બની રહી છે. ડગલે ને પગલે સ્ત્રીઓએ એનો સામનો કરવો પડી રહ્યો છે પછી તે સ્ત્રી ભણેલી હોય કે અભણ, પૈસાદાર હોય કે ગરીબ, વર્કિંગ હોય કે હાઉસવાઇફ; સ્થિતિ સેમ છે. મિસબિહેવિયર અનેક પ્રકારનું હોય છે, માત્ર શારીરિક કે શાબ્દિક જ નહીં; માનસિક પણ હોઈ શકે છે. સ્ત્રીની મારઝૂડ, અપશબ્દો કહેવા એ જ માત્ર મિસબિહેવિયર નથી; તાજેતરમાં અર્પિતાનાં લગ્નની પાર્ટીમાં સલમાન ખાને કૅટરિનાને ચિકની ચમેલી ગીત પર ડાન્સ કરવા બોલાવી અને તે ન આવી ત્યારે તેને કૅટરિના કપૂર કહીને પછી જે કંઈ જાહેરમાં કહ્યું એ પણ એક પ્રકારનું મિસબિહેવિયર જ છે. ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા સાથે તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ નસલી વાડિયાએ જાહેરમાં જે મિસબિહેવિયર કયુંર્ હતું એવી રીતે  ખાનગીમાં પણ એ થતું રહે છે. સ્ત્રીઓની સેફ્ટીના માપદંડો માટે કામ કરી રહેલી રિટાયર્ડ જસ્ટિસ ધર્માધિકારીની પૅનલે એક સૂચન એવું કયુંર્ છે કે સ્ત્રીઓ સાથે મિસબિહેવ કરનારાઓનો લોકોએ બહિષ્કાર કરવો જોઈએ. આ બાબતે જાહેર ક્ષેત્રની મહિલાઓનું શું કહેવું છે એ જોઈએ.

સ્ત્રીઓ ચેન્જ થશે તો જ આ સ્થિતિ સુધરશે  : અપરા મહેતા (ઍક્ટ્રેસ)

દરેક સ્ત્રી સાથે અનેક વાર મિસબિહેવિયર થતું જ રહે છે પછી એ શારીરિક અડપલાં હોય, સેક્સ્યુ્અલ કમેન્ટ્સ હોય, મશ્કરી હોય, ખરાબ શબ્દો હોય, અપમાન હોય કે માનસિક ત્રાસ હોય કે અનેક જાતનું શોષણ પણ હોય. સેક્સ્યુઅલ બાબતો ઉપરાંત પણ અનેક રીતે સ્ત્રીઓનું શોષણ થતું રહે છે.

સ્ત્રીઓ સાથે મિસબિહેવિયર માત્ર પુરુષો જ કરે છે એવું નથી;

સાસુ-સસરા, નણંદ, ભાઈ, ભાભી કે કોઈ પણ સગાં અને બૉસ, સહકાર્યકરો જેવા કોઈ પણ લોકો કરે છે. ઘરમાં હોય તેને જ નહીં;

કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી, બિઝનેસ કરતી કે કલા કે શિક્ષણના ફીલ્ડમાં કામ કરતી તમામ સ્ત્રીઓએ ક્યારેક ને ક્યારેક તો મિસબિહેવિયરનો સામનો કરવો જ પડે છે.

આ બધું અટકાવવા માટે સ્ત્રીઓએ પોતે જ બદલાવાની જરૂર છે. સ્ત્રીઓ જો પોતાને દરેક  રીતે પુરુષ સમોવડી માને છે તો તેણે પહેલાં તો ફાઇનૅન્શિયલી પગભર થવાની જરૂર છે. પગભર સ્ત્રીઓ પણ કેટલીક વાર માનસિક રીતે ચેન્જ નથી થઈ હોતી. જાતજાતના મિસ બિહવિયરને તે સહન કરી લે છે એના બદલે તેણે પોતે એમ્પાવર્ડ રહી નક્કી કરવું જોઈએ કે આઇ ડોન્ટ નીડ ટુ ટેક ધિસ. સ્ત્રીઓએ કોઈ પણ વ્યક્તિના મિસબિહેવિયરને ચલાવી લેવાની જરૂર નથી. અને આ માટે તેણે કટિબદ્ધ બનવાની જરૂર છે.

આ બધું ત્યારે જ શક્ય બની શકશે જ્યારે સ્ત્રી પોતે પગભર હશે.  ફાઇનૅન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રહેવું તેથી જ સ્ત્રીઓ માટે બહુ જરૂરી છે. સ્ત્રીઓ ઘણી વાર પોતાનાં બાળકો માટે થઈને પતિ અને પરિવારનું ખરાબ વર્તન સહીને પણ લગ્ન ટકાવી રાખે છે. તેથી જ આમાં સ્ત્રીઓએ પોતે જ ચેન્જ થવાની જરૂર છે.

કમસે કમ પ્રમોટ નહીં થાય આવા લોકો: કિરણ બેદી (રિટાયર્ડ પોલીસ-ઑફિસર)

સ્ત્રીઓ સાથ મિસબિહેવ કરતા લોકોનો સમાજે બહિષ્કાર કરવો જોઈએ. તેમને તેમની જગ્યા બતાવવાની જરૂર છે. જો આ વસ્તુ ઇમ્પ્લીમેન્ટ થશે તો ઍટલીસ્ટ એટલું તો જરૂર થશે કે તેઓ પ્રમોટ નહીં થાય. આમ તો તેઓ બિન્દાસ ફરી રહ્યા છે. જો સમાજિક બૉયકૉટ થશે તો તેઓ જરૂર શરમિંદગી અનુભવશે. આવા લોકોને તેમની જગ્યા બતાવવી બહુ જરૂરી છે.

સરકાર કે કોર્ટ કશું પોતાના પર રાખવા નથી માગતી : સોનલ શુક્લ (સમાજસેવિકા)

સ્ત્રીઓની સેફ્ટી માટે જસ્ટિસ ધર્માધિકારીની પૅનલે કરેલી આ ભલામણ યોગ્ય છે, પણ આ બાબતે મારે ખાસ કહેવું છે કે સરકાર અથવા તો કોર્ટ પોતે જ્યારે કોઈ ક્ષેત્રમાં પોતાની ફરજ બજાવી નથી શકતી ત્યારે એ એને સમાજ પર છોડી દે છે એ યોગ્ય નથી. એક ઉદાહરણ કહું કે દેશના વૃદ્ધ લોકોની સંભાળ રાખવાનું કામ સામાન્ય રીતે સરકારનું છે. આ દેશના નાગરિક તરીકે તેમણે અત્યાર સુધી દેશને ઘણું આપ્યું છે, પણ આમાંય સરકારે પોતા પર નાનું એવું રાખીને બાકીનું તેમનાં સંતાનો પર છોડી દીધું છે. આ બાબતમાં પણ સરકારે પોતે નક્કી કરવું જોઈએ કે તેઓ શું કરી શકશે. બાકી સમાજને બહિષ્કાર કરવાનું કહેશે તો એ થશે પણ ખરો. સ્ત્રીઓ સાથે અભદ્ર વર્તન કરનાર સાથે આડોશી-પાડોશી વાત ન કરે, સગાંવહાલાં તેને ન બોલાવે, લગ્નમાં પણ ન બોલાવે અને આવે તો તેનું અપમાન કરે, વેપારીઓ તેની સાથે વેપાર ન કરે, આવા લોકોને સારા કે ખોટા કોઈ પ્રસંગે ન બોલાવે વગેરે રીતે તેનો બહિષ્કાર સમાજ કરી શકે છે.

સ્ત્રીઓ સાથે અભદ્ર વર્તન કરતા લોકો ખાસ કરીને પૈસાવાળા, ગુંડા ટાઇપના અથવા તો માફિયા લોકો હોય છે જેમને સમાજ સાથે કોઈ લેવાદેવા જ નથી હોતી. તેથી જો તેમનો બૉયકૉટ થાય તો એની સામે તેમનો ઍટિટ્યુડ તો હુ કૅર્સ ટાઇપનો હશે. તેથી જ આવા લોકોને તેમનો બહિષ્કાર સમાજ કરશે તો કોઈ ફરક જ નહીં પડે. આ વિષયમાં તો જસ્ટિસની પૅનલ અને સરકારે જ કહેવું જોઈએ કે તેમનો બહિષ્કાર કેવી રીતે કરવો. માત્ર સ્ટેટમેન્ટો આપી દેવાથી સ્ત્રીઓના હકે કે પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી આવતો.

આ પૅનલ ક્યારે અને શું કામ બની?

રિટાયર્ડ જસ્ટિસ સી. એસ. ધર્માધિકારીના નેતૃત્વમાં કમિટી ૨૦૧૧માં સ્ત્રીઓની સુરક્ષા બાબતની ભલામણો માટે બની હતી. આ કમિટીએ ૧૪૧ ભલામણોનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો જેમાંથી ૧૦૯ ભલામણો તેમણે સ્વીકારી છે. સ્ત્રીઓના સેફ્ટી-ઇશ્યુને લગતી કેટલીક પબ્લિક લિટિગેશનના હિયરિંગ દરમ્યાન આ કમિટી બનાવવામાં આવી છે.

સ્ટ્રૉન્ગ ઍક્શન જરૂરી : મૃણાલિની દેશપાન્ડે (સેલિબ્રિટી ઍડ્વોકેટ)

રિટાયર્ડ જસ્ટિસ ધર્માધિકારીની પૅનલે કરેલું આ યોગ્ય રેકમેન્ડેશન છે. સ્ત્રીઓ પ્રત્યે થતા મિસબિહેવિયર જેવી બાબતને ખરેખર લાઇટ્લી ન લેવી જોઈએ. એને સિરિયસ ગણી એની સામે તરત ઍક્શન લેવાં જોઈએ. સ્ત્રીઓ પ્રત્યે અભદ્ર વર્તન કરતા લોકોનો બૉયકૉટ થશે તો જ તેમને પાઠ મળશે. તેમના આવા વર્તનથી સ્ત્રીઓ પર શું વીતે છે એની તેમને આ પ્રકારનો પાઠ ભણાવવામાં આવે તો જ ખબર પડશે અને તે અટકશે. વાસ્તવમાં સ્ત્રીઓનું ઈવટીઝિંગ કે સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ ઉપરાંત પણ અનેક જાતનાં મિસબિહેવિયરનો સામનો સ્ત્રીઓએ ઘરે, કામના સ્થળે પણ સહેવો પડે છે. આની સામે સ્ટ્રોન્ગ ઍક્શન લેવાવાં જોઈએ, એને બિલકુલ સહન ન જ કરી લેવાય. જસ્ટિસ ધર્માધિકારી પૅનલની આ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK