નેગેટિવ રોલ પહેલાં ડેવલપ થતા હતા, હવે એમાં કોઈ મહેનત કરવામાં નથી આવતી

Published: 20th November, 2014 05:34 IST

એક સમય હતો જ્યારે ફિલ્મમાં નેગેટિવ કૅરૅક્ટર એકદમ શાર્પ દેખાતાં હતાં. એવું દેખાતું કે આ માણસ સારો છે અને આ માણસ ખરાબ છે.સ્પેશ્યલ કમેન્ટ - ડૅની ડેન્ઝોન્ગ્પા, ફિલ્મ-ઍક્ટર

ખરાબની ખરાબી પણ બહાર આવતી અને સારા માણસની સારી વાત પણ દેખાતી, પણ છેલ્લાં દસથી પંદર વર્ષથી એ બંધ થઈ ગયું છે. હવે સ્ટોરીમાં ક્યાંય એ વાત રહી નથી કે આ શેડ ગ્રે છે અને આ શેડ નેગેટિવ છે. આ શેડ્સ જે રીતે ફિલ્મમાં આવતા બંધ થઈ ગયા એ ખોટું થયું છે. હું આજે પણ કહું છું કે પહેલાંના જે વિલન હતા એ વિલન ટેરિફિક હતા. મોગેમ્બો યાદ કરો, શાકાલને જુઓ, ગબ્બર સિંહને જુઓ. આ બધા એવા વિલન હતા કે તેમનાં વર્તન અને વ્યવહારમાં જ એવિલ પાવર દેખાતો, પણ આજના વિલનમાં મેન્ટલ લેવલ પર એને ખરાબ દેખાડવામાં આવે છે. હું માનું છું કે વિલન તો વિલન જ હોવો જોઈએ. તે આવે ત્યારે જ તેની એન્ટ્રી પરથી જ સમજાઈ જવું જોઈએ કે આ માણસ હવે કંઈક ખરાબ કરશે. તે જ્યારે પણ સ્ક્રીન પર આવીને ઊભો રહે ત્યારે તેના માટે મનમાં ગાળ આવવી જોઈએ. જો તે મનમાં ગાળ લઈ આવી શકે તો તે પોતાનું કૅરૅક્ટર યોગ્ય કરી શક્યો એવું કહી શકાય, પણ એવું અત્યારની ફિલ્મોમાં નથી થતું.

એવું નથી કે આજની ફિલ્મોમાં વિલન નથી. નેગેટિવ કૅરૅક્ટર વિના કોઈ ફિક્શન હોઈ જ ન શકે. હા, એવું બને કે નેગેટિવનેસ અમુક અંશે ઓછી કે વધારે હોય, પણ એ હોય તો ખરી જ. નેગેટિવનેસ વચ્ચે જ હંમેશાં પૉઝિટિવનેસ સારી રીતે બહાર આવતી હોય છે. જો રાવણ સ્ટ્રૉન્ગ હોય તો જ રામ પણ સ્ટ્રૉન્ગ છે એવું પુરવાર થાય. આ બહુ સિમ્પલ ફન્ડા છે. વિલન સ્ટ્રૉન્ગ હોય તો જ હીરો એ સ્ટ્રૉન્ગનેસને પહોંચી શકવાને સમર્થ છે એ સારી રીતે અને સજ્જડ રીતે સમજાવી શકાય કે પછી દેખાડી શકાય. અસંખ્ય ફિલ્મ એવી છે જેમાં વિલન સ્ટ્રૉન્ગ હોવાને કારણે હીરો આપોઆપ વધુ સ્ટ્રૉન્ગ દેખાયો છે અને એ વાર્તા લોકોને પસંદ આવી છે. હું અનેક ડિરેક્ટરને એ દિશામાં જવા માટે સમજાવું છું કે વિલનને સ્ટ્રૉન્ગ કરો. સ્ટ્રૉન્ગ વિલન હિરોઇઝમ વધારવાનું કામ કરશે. ‘શોલે’ની વાત કરું તો એમાં ગબ્બર સિંહ એટલો સ્ટ્રૉન્ગ હતો કે જય અને વીરુ બન્ને તેની પાસે બાળક દેખાતા હોવા છતાં પણ ઑડિયન્સ તે બન્નેને પ્રેમ કરવા માંડી. એવું જ બીજી ફિલ્મોમાં છે. મોગેમ્બો સામે ‘મિસ્ટર ઇન્ડિયા’નો હીરો તો સાવ બાઘા જેવો હતો, પણ મોગેમ્બો જે લેવલ પર હતો એ લેવલ પર પેલા બાઘા જેવા હીરોનું હિરોઇઝમ સ્ટ્રૉન્ગ બની ગયું હતું. જો ફિલ્મમાં વિલન સ્ટ્રૉન્ગ હશે તો જ એ ફિલ્મ જસ્ટિફાય થશે એવું મારું માનવું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK