સેહત મેં ભી સાથીદાર

Published: 20th November, 2014 05:18 IST

પતિ-પત્ની તરીકે એકબીજાની હેલ્થનું ધ્યાન રાખતાં, પાર્ટનરની હેલ્થ માટે વસ્તુ મૂકી દેતાં કે પાર્ટનરને પ્રોત્સાહિત કરવા વગર કારણે મૉર્નિંગ વૉક શરૂ કરી દેતાં પણ આજકાલનાં કપલ્સ અચકાતાં નથી. આ બાબતને યથાર્થ પુરવાર કરતાં કેટલાંક લાઇવ એક્ઝામ્પલને મળી લો
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ


વાઇફનું વેઇટ વધે એટલે હસબન્ડ વહેલો-વહેલો જાગીને તેને જગાડીને દોડવા લઈ જાય, પોતાને દોડવાની જરૂર ન હોય તો પણ. હસબન્ડે તળેલી વસ્તુ નથી ખાવાની એવું જાણી લીધા પછી વાઇફ પણ તેની સાથે સૅલડ અને સૂપ પીતી થઈ જાય, તેને જરૂર ન હોય તો પણ. આજકાલ આ રીતે કપલ્સ હેલ્થના મામલે પણ એકબીજા સાથે જબરી કમ્પૅન્યનશિપ નિભાવી રહ્યાં છે. જીવનસાથી જ નહીં, તંદુરસ્ત જીવનના સાથી બનીને કપલ્સ એકબીજાનો સાથ આપવા તત્પરતા બતાવી રહ્યાં છે. પતિ-પત્ની તરીકે એકબીજાને લગતી કેટલીક ટિપિકલ ફરજો નિભાવીને કપલ્સ અટકતાં નથી. તેમને માટે ખાવાનું બનાવવું, બાળકો મોટાં કરવાં કે ઘરખર્ચ માટે કમાઈ લાવવું કે સાથે વેકેશન પર જવું કે વર્ષે એક દિવસ કરવાચોથનું વ્રત કરવા જેવી સીમિત બાબતો દામ્પત્યજીવનનો હિસ્સો નથી રહી. સાચા અર્થમાં બેટરહાફ બનીને લાંબો સમય સુધી તંદુરસ્તી સાથે એકબીજા સાથે ક્વૉલિટી લાઇફ જીવવી એ તેમનો દામ્પત્યમંત્ર છે. કેટલાંક એવાં કપલ્સને મળીએ જેમણે સૅક્રિફાઇસની ડેફિનેશનને નવો અર્થ આપ્યો છે, જેમણે જતું કરવાની બાબતથી પ્રૅક્ટિકલ રીતે એકબીજાની પડખે ઊભાં રહીને પરસ્પરને દીર્ઘાયુ આપવાના પ્રયત્નો કર્યા છે.

વાઇફે મીઠાઈ છોડી, હસબન્ડે જિમ જૉઇન કરાવ્યું

પૅકેજિંગ મટીરિયલનું કામ કરતાં પ્રમોદભાઈ અને કલ્પના પારેખ એકબીજાની હેલ્થનું બરાબર ધ્યાન રાખે છે. પ્રમોદભાઈ મીઠાઈ ખાવાના જબરા શોખીન છે, પરંતુ જ્યારથી તેમને ડાયાબિટીઝ આવ્યો ત્યારથી ઘરમાં બધાએ જ મીઠાઈ ખાવાનું ઓછું કરી દીધું છે. કલ્પનાબહેન કહે છે, ‘અમારા ઘરમાં મીઠાઈનાં બૉક્સ હંમેશાં રહેતાં જ, કારણ કે બધાને ઘરમાં મીઠાઈ ખૂબ ભાવે. પરંતુ જેવો તેમને ડાયાબિટીઝ ડિટેક્ટ થયો કે અમે ઘરમાં મીઠાઈ રાખવાનું જ બંધ કરી દીધું. અમે લોકોએ ઈવન આઇસક્રીમ કે કોલ્ડ ડ્રિન્ક પણ ઘરમાં લાવવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ બૅન્કમાં જૉબ કરવાને કારણે મારી લાઇફ-સ્ટાઇલ ખૂબ બેઠાડુ થઈ ગઈ હતી. મને દોડવા માટે લઈ જવા માટે રોજ સવારે ઊઠીને અડધો કલાક તેઓ વેઇટ કરતા હતા. મને કંટાળો આવે છે, તું સાથે આવ એમ કહીને રોજ મને લઈને જ જાય. જોકે એમાં પણ મને કંટાળો આવતો એટલે તેમણે મને પૂછuા વિના જિમની એક વર્ષની મેમ્બરશિપ ભરી દીધી. હવે રોજ સવારે તેમને કારણે મારે પણ જિમમાં જવું પડે છે.’

કલ્પનાબહેનનું કહેવું છે કે એકલા-એકલા કરવાનું હોય તો ખૂબ કંટાળો આવતો હોય છે. એના બદલે આપણો પાર્ટનર આમાં આપણને સપોર્ટ કરે તો મજા આવતી હોય છે. એકનું જોઈને બીજાને મન થાય એ એકદમ નૉર્મલ બાબત છે.

પત્નીનો જીવ બળે અને તે ન ખાય એટલે પતિએ ખાવાનું છોડ્યું
 
સાઉથ મુંબઈમાં વૉર્ડન રોડ પર રહેતાં ફાલ્ગુની મહેતા માટે તો જાણે તેમના હસબન્ડ ફિટનેસ ટ્રેઇનર જ છે. મૅરેજ બ્યુરોનું કામ કરતાં ફાલ્ગુનીબહેનનું બેઠાડુ લાઇફ-સ્ટાઇલ અને આડેધડ ખાનપાનની આદતોને કારણે વજન વધીને ૧૦૦ કિલો સુધી પહોંચી ગયું હતું. જ્યારે ફૅમિલી ડૉક્ટરે રેડ અલર્ટ દેખાડીને હેલ્થ માટે વેઇટ નુકસાનકારક સાબિત થઈ શકે છે એમ જણાવીને વજન ઘટાડવાનું ઇજન આપ્યું ત્યારે તેમના હસબન્ડ હિતેશભાઈએ જાણે એને મિશન જ બનાવી દીધું. તેઓ કહે છે, ‘૧૦ વર્ષ પહેલાં મને જોનારા લોકો આજે મને ઓળખી નથી શકતા. લગભગ ચાર-પાંચ વર્ષમાં મારા હસબન્ડની મદદથી મેં ૩૫ કિલો વજન ઘટાડી દીધું. હું ક્યારેય હેલ્થના મામલે સિરિયસ નહોતી, પરંતુ તે હતા. મારા પર બહુ દબાણ ન કરી શકે એટલે તેમણે મારો જીવ બાળવાનું શરૂ કર્યું. જેમ કે અમે અવારનવાર હોટેલમાં મોડી રાતે જમવા જતાં તો તેઓ મારી સાથે આવે, પણ કંઈ ખાય નહીં. એક-બે વાર તો મેં તેમની પરવા કર્યા વિના ખાઈ લીધું, પણ પછી મને ગિલ્ટ થવા માંડ્યું. તે ભૂખ્યા રહે અને માત્ર હું ન ખાઉં એ કહેવા માટે તેઓ ન જમે, કારણ કે તે પોતે એટલા હેલ્ધી છે અને તેમની લાઇફ-સ્ટાઇલ પહેલેથી મેઇન્ટેન હતી કે તેમણે આવા સૅક્રિફાઇસ કરવાની જરૂર નહોતી. છતાં મને અટકાવવા માટે તેમણે આ રસ્તો અપનાવ્યો. રોજ સવારે ઉઠાડીને મારી પાસે ચલાવવાનું શરૂ કર્યું. તે તો બહુ સારા બ્રિસ્ક વૉકર છે અને હું તો પાંચ ડગલાં ચાલીને થાકી જતી. હું બેસી જતી તો એ જ્યાં સુધી હું ફરી ચાલવાનું શરૂ ન કરું ત્યાં સુધી મને ચલાવતાં. હન્ટર હાથમાં હોય એમ રિંગ માસ્ટરની જેમ તેમણે મારી પાછળ મહેનત કરી છે. ૨૫ દિવસ પછી દોઢ કિલો વજન ઘટuું અને મને એની અસર પણ દેખાવા લાગી. સવારે ઊઠીને મધ અને લીંબુનું પાણી મને બનાવી આપે. ગ્રીન ટી, સૂપ, સૅલડ જેવી આઇટમો તેઓ રેડી કરાવે અને મને ખવડાવે. ફ્રાઇડ આઇટમ તો અમારા માટે લક્ઝરી થઈ ગઈ હતી. સમોસાથી અમે સેલિબ્રેશન કરતાં હતાં. અઠવાડિયામાં એક દિવસ રવિવારે બપોરે લંચમાં મારે જે ખાવું હોય એ મને ખાવા મળતું. ક્યાંય જઈએ તો તે લિફ્ટ ન વાપરે. તેમને જોઈને તેમની પાછળ-પાછળ મારે પણ દાદર ચડવા પડે. આમ યેનકેન પ્રકારેણ તેમણે મારી પાછળ પુષ્કળ મહેનત કરી છે. અને ધીમે-ધીમે લગભગ ચાર વર્ષમાં મિરૅકલ રિઝલ્ટ મને મળ્યું.’

સવારે ઉઠાડીને પતિદેવ દોડવા માટે લઈ જતા

બોરીવલીમાં રહેતાં ભારતી અને મગન ભાદાણી માટે ફિટનેસનું મહત્વ છેલ્લાં પાંચ-છ વર્ષમાં અનેકઘણું વધ્યું છે. આવતી ૨૦ નવેમ્બરે તેમનાં લગ્નને બાવીસ વર્ષ પૂરાં થવાનાં છે. બન્ને જણ એકબીજાને સાચવવામાં પોતાની હેલ્થને પણ સાચવી લે છે. એ વાતને રમૂજ સાથે શરૂ કરતા ભારતી કહે છે, ‘ડિલિવરી પછી સ્વાભાવિક છે કે મારું વેઇટ થોડું વધી ગયું હતું અને તેમનું પણ ઑફિસમાં બેઠાડુ જીવન થઈ જવાને કારણે પેટ થોડું બહાર આવી ગયું હતું. ડાયટ અને એક્સરસાઇઝને લઈને છેલ્લાં છ વર્ષમાં અમે વધુ કૉન્શિયસ થઈ ગયા. જલેબી અમારા ઘરમાં બધાને જ ભાવે, પણ જો બેમાંથી એક પણ જલેબી ન ખાય તો બીજાના ગળે જલેબી ન ઊતરે. એટલે નૅચરલી અમે બન્ને એક-એક પીસ ખાઈને સંતોષ માની લઈએ. બીજી તરફ સવારે ઘરનું કામ પણ હોય અને મને વહેલા ઊઠવાનો કંટાળો આવે તો પણ રોજ મને દેખાડવા માટે તેઓ દોડવા જતા અને પછી આખો દિવસ મને કહ્યા કરે કે આજે એકલા જવું પડ્યું એથી બહુ કંટાળો આવ્યો. લગભગ ૧૫ દિવસ આ સિલસિલો ચાલ્યો એટલે મને જ અંદરથી એમ થવા લાગ્યું કે મારા માટે પોતે જ એકલા દોડવા જાય છે એટલે તેમને સપોર્ટ આપવા માટે મેં પણ દોડવા જવાનું શરૂ કર્યું. અમુક આદતો વષોર્ની હોય તો એ ઝડપથી બદલાતી નથી, પરંતુ એને બદલવામાં જો આપણો પાર્ટનર આપણને સાથ આપે તો ઇમોશનલ મોટિવેશન મળતું હોય છે. એકબીજાની સાથે ક્વૉલિટી ટાઇમ પણ વિતાવવા મળે અને હેલ્થ પણ બને.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK