સીધા-સાદા માણસને શાણો પણ સમાજ જ બનાવી દે છે

Published: 20th November, 2014 05:17 IST

દરેક વ્યક્તિનાં બે લાડકા સંતાન હોય છે - હું અને મારું
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા


તમને છે ખબર? માણસની અંદર કેટલા માણસ હોય છે?

તેના મુખમાં રામ ને બગલમાં કાતિલ ખંજર હોય છે

ગુલાંટો મારતો રહે છે તે શબ્દોની

સમય અને સંજોગ અનુસાર

છેવટે તો માણસ એક બંદર હોય છે

બસ ધ્યેય તેનું હોય એટલું, પામી

લઉં બધું

જેનું જે પણ થાય

તેની ભીતર એક આ જ મકસદ

હોય છે

મારું અને હું આ બે તેના લાડકા દીકરા

તે પોતે જાણે બિલાડી

ને બાકી બધા તો ઉંદર હોય છે

વરસોથી તે છેતરતો રહ્યો છે અરીસાને પણ

ચહેરો બદલી બદલીને

કળવા નથી દેતો, શું તેના મનની અંદર હોય છે

ખબર છે આમ તો તેને, લાવ્યો નથી તે કંઈ જગમાં

ને નથી લઈ જવાનો અહીંથી કંઈ, એમ છતાં

સ્વભાવે તે જીવતો સિકંદર હોય છે


થોડા વખત પહેલાં ચૂંટણીનો ગરમાગરમ માહોલ હતો. નેતાઓ અને પક્ષો એકબીજા પર સતત આક્ષેપોનો મારો ચલાવી રહ્યા હતા. એકબીજાને ઉતારી પાડવાનું મહાભારત ચાલી રહ્યું હતું. બીજાઓને ભાંડતી વખતે માણસ પોતે કેવો છે એ તો સાવ ભૂલી જાય છે. રાજકારણમાં તો આવું જ ચાલે, અહીં તો જેવા સાથે તેવા થવું પડે, આ તો કાદવમાં ઊતરવા જેવું છે, મેલા તો થવું જ પડે એવી ચર્ચા ખુદ સમાજ પણ કરતો હોય છે. સમાજે આ બાબત સ્વીકારી લીધી છે. જોકે થોડા ઊંડા ઊતરીએ તો એ સત્ય પણ સામે આવી જશે કે માત્ર રાજકારણમાં નહીં, સમાજમાં બધે આવું ચાલતું હોય છે. ક્યાંક દેખાય, ક્યાંક ન દેખાય. જોકે આપણે અહીં રાજકીય ચર્ચા કરવી નથી. હા, ઉપર જણાવેલો માણસ આપણી અંદર પણ અને આપણી આસપાસ પણ હોઈ શકે. અહીં આપણે માણસની નિંદા કરવાનો કે માણસજાતને વગોવવાનો પણ કોઈ ઇરાદો ધરાવતા નથી, પરંતુ માણસના સ્વભાવની ચર્ચા કરી જાતને ચકાસવાનો પ્રયાસ કરવો છે. આપણને કદાચ પાકી ખબર છે કે આપણે એકલા નથી, આપણી અંદર બીજા માણસો એક યા બીજા સ્વરૂપે રહે છે અને એક યા બીજા પ્રસંગે બહાર આવે છે. દુનિયાને પણ આપણે દેખાઈએ એકલા છીએ અથવા આપણે બીજાને જોઈએ છીએ ત્યારે બીજો માણસ પણ આપણને એકલો દેખાય ભલે, પરંતુ વાસ્તવમાં એકલો નથી. તેની અંદર પણ રીટેલ કે હોલસેલમાં માણસો હોય જ છે. સમયાંતરે એનો અનુભવ કે પરિચય થાય છે.

માણસ માટે મુખ મેં રામ ઔર બગલ મેં છુરી એ તો સદીઓ જૂની કહેવત છે, પણ એ આજેય એટલી જ તાજી છે. કહે છે કે માણસની ઉત્પત્તિ વાનરમાંથી થઈ છે તેથી માણસમાં બંદરના ગુણો રહેવાના જ છે. એમાંનો એક ગુણ છે ગુલાંટ મારવાનો. જોકે માણસ વાંદરાની જેમ શારીરિક ગુલાંટ ભલે મારતો નથી, પરંતુ સમય અને સંજોગોને પારખીને પોતાના સ્વભાવ તેમ જ વાણી-વચનોની ગુલાંટ તે વાંદરા કરતાં પણ બહુ જ વધુ ચપળતાથી તથા વધુ પ્રમાણમાં મારે છે. વાંદરાની ગુલાંટ તો નિર્દોષ પણ હોય છે, જ્યારે માણસની ગુલાંટ ગણતરીપૂવર્‍કની હોય છે. એમાં તેનો સ્વાર્થ હોવા ઉપરાંત બીજાને માત કરવાની નીતિ કે લક્ષ્ય પણ હોઈ શકે છે.

જોકે સ્વાર્થ એ કોઈ પાપ નથી કે અનૈતિકતા નથી. સ્વભાવે દરેક માણસ વધુ-ઓછે અંશે સ્વાર્થી હોય જ છે. સવાલ ત્યારે થાય છે કે માણસ જ્યારે એ સ્વાર્થમાં બીજાઓને સાવ જ ભૂલી જાય અથવા પોતાના સ્વાર્થ ખાતર બીજાને હાનિ પહોંચાડવા કે કચડી નાખવા પણ તૈયાર થાય એ જરૂર દર્દજનક બની રહે છે. બીજા બધાનું જે થવાનું હોય એ થાય, મારું ગજવું અને ઘર ભરી લઉં એવી મનોવૃત્તિ પીડાજનક કહેવાય. અનેક માણસોના જીવનમાં હું અને મારું એ તેમના લાડકા દીકરા હોય છે. સૌથી વધુ તેમને આ હું તથા મારુંથી જ પ્યાર કે લગાવ હોય છે અને આ બન્ને સંતોષાય ત્યારે માણસને જે ગુમાન ચડે છે એમાં તે બીજા બધાને તો જાણે સાવ ગૌણ જ ગણવા લાગે છે.

આપણે અન્ય માણસોને તો એક યા બીજા કારણસર છેતરતા હોઈએ છીએ, પરંતુ સૌથી વધુ તો જાતને જ છેતરતા રહીએ છીએ. આપણે અરીસાને પણ આપણું ખરું પ્રતિબિંબ બતાવતા નથી. ખરેખર તો આપણે અરીસા સામે સુધ્ધાં જે નથી એ જ પ્રગટ થઈએ છીએ અને પકડાઈ ન જઈએ એ માટે અરીસા સામે પણ ચહેરો બદલતા રહીએ છીએ. અરીસાને આપણે આપણું મન કળવા દેતા નથી કે એની અંદર શું ચાલી રહ્યું છે એનો અણસાર આવવા દેતા નથી. આ અરીસો આપણો સમાજ કે આપણી આસપાસના લોકો પણ હોઈ શકે. આપણો ચહેરો દરેક વ્યક્તિએ, સ્થળે કે પ્રસંગે બદલાતા રહે છે. ઘણી વાર તો આપણે પોતે પણ થાપ ખાઈ જઈએ છીએ કે વાસ્તવમાં આપણે કયા સ્વરૂપે કે કયા ચહેરા સાથે સાચા છીએ.

આપણે માણસ તરીકે એટલું ચોક્કસ જાણીએ-સમજીએ છીએ કે આ જગતમાં આપણે કંઈ લાવ્યા નથી. સાવ જ ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ. એમ છતાં છેવટ સુધી આપણી અંદર એક સિકંદર સતત જીવતો રહે છે.

 કેમ છીએ આપણે આવા? કોણ બનાવે છે આપણને આવા? સમાજ કે ખુદ આપણે પોતે? સીધા-સરળ માણસને સમાજ પાછળ રાખી દે છે, તેની સાદાઈ કે સરળતાને મૂર્ખતા ગણે છે. આપણે બધા માણસોએ મળીને સમાજની રચના જ એવી કરી નાખી છે કે માણસ ચાલાક, ચતુર, શાણો ન બને તો તેને ફેંકી દેવામાં-ધકેલી દેવામાં આવે છે. તેને ચીડવવામાં આવે, તેની મશ્કરી થાય, તેના પર કટાક્ષ થાય, તેની નિંદા થાય. આ બધાને લીધે માણસ માણસનો હરીફ અને પછી દુશ્મન થતો જાય છે. આપણે માણસની જિંદગીને એવી દોડતી કરી નાખી છે જેમાં પોતે આગળ નીકળી જવા માટે તે બીજા માણસને પાડતો જાય છે. આમ માણસ-માણસ વચ્ચે જ તનાવ ઊભો કરી દેનાર સમાજને ખુદ માણસો જ ઊભો કરે છે અને પછી માણસો આવા કેવા છે, સમાજ આવો કેવો છે એવું પૂછ્યે રાખે છે, એનો રંજ કરે રાખે છે. માણસે જાતથી જ શરૂઆત

કરવી જોઈએ કે તે પોતે કેવો છે? કહે છે કે હું પ્રથમ મારી જાતને સુધારી લઉં તો દુનિયામાંથી કમસે કમ એક ખરાબ માણસ તો ઓછો થઈ જશે... આવું દરેક જણ વિચારે તો? જવાબ દરેક પાસે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK