કોઈએ આપણી એક્સ્પાયરી ડેટ પહેલેથી ફિક્સ કરેલી નથી હોતી

Published: 19th November, 2014 05:23 IST

બધા કહે છે કે આપણા સૌનાં મૃત્યુની તારીખ, તિથિ, ક્ષણ અને મૃત્યુનું સ્થળ, મૃત્યુનો પ્રકાર વગેરે જન્મની સાથે જ નિશ્ચિત થયેલું હોય છે. આ વાત હંબગ છે. મૃત્યુ માત્ર આકસ્મિક ઘટના જ છે
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

મૃત્યુ શું છે અને મૃત્યુ પછી શું છે એ વિશે જેટલું લખાયું-બોલાયું છે એ તદ્દન બિનઅનુભવી વ્યક્તિઓ દ્વારા જ બોલાયું-લખાયું છે, એને કેટલું ઑથેન્ટિક માનવું?

શું જન્મની સાથે જ આપણી કોઈ એક્સ્પાયરી ડેટ ફિક્સ હોય છે? સૌ કહે છે કે મોત ક્યારે અને ક્યાં આવવાનું છે એ તો પરમ શક્તિએ નક્કી કરેલું જ છે. તેણે નક્કી કરેલી અવધિ પહેલાં મોત આવી જ નથી શકતું અને એ અવધિમાં એક સેકન્ડનો ઉમેરોય કરી નથી શકાતો. જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રયત્ન કરશે તોય તેનું આયુષ્ય બાકી હશે તો તે કોઈ પણ સંજોગોમાં મરશે નહીં! કાં તો તેના માત્ર હાથ-પગ તૂટશે કે માથું ફૂટશે. જો અãગ્નસ્નાન વડે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હશે તો કોઈ ને કોઈ આવીને બચાવી લેશે અને છેલ્લે અડધા બળેલા કદરૂપા શરીર સાથે જીવવું પડશે. એટલે આત્મહત્યાનો પ્રયત્ન કદી ન જ કરવો જોઈએ એમ જ્ઞાની જનો ઉપદેશે છે. જ્ઞાની જનો બીજી વાત એ પણ કરે છે કે તમે ગમે તેટલા શ્રીમંત હો તોય મૃત્યુ આવી જાય પછી એક ઘડી જેટલુંય આયુષ્ય ખરીદી શકતા નથી, તમે વીર હો તોય મૃત્યુને હંફાવી શકતા નથી, તમે મહાસત્તાધીશ હો તોય મૃત્યુને અટકાવી શકતા નથી.

મૃત્યુની આપણી અવધિ ફિક્સ હોય છે એવું હું માની શકતો નથી. મૃત્યુ ફિક્સ છે, એની મુદત ફિક્સ નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે એમ કહીએ છીએ કે તેની આવરદા પૂરી થઈ. કોઈ વ્યક્તિ ગંભીર અકસ્માતમાંથી બચી જાય તો તેનું આયુષ્ય લાંબું હશે એમ કહીને આપણે રાગડા તાણવા બેસી જઈએ છીએ કે ‘જાકો રાખે સાંઇયા, માર સકે ના કોય!’

કાગળ ફાટે છે, કાચ ફૂટે છે, મજબૂત મકાન પડે છે. જગતની કોઈ ચીજ શાશ્વત  નથી. નામ તેનો નાશ નિશ્ચિતછે એટલે કે જે ચીજનું અસ્તિત્વ છે એ ચીજનો અંત પણ છે. વ્યક્તિ જીવંત છે, વસ્તુ નિર્જીવ છે છતાં બન્નેની એક જ અંતિમ સ્થિતિ છે : નાશ. આપણે જીવતી વ્યક્તિ માટે કહીએ છીએ કે ઈશ્વરે કે અન્ય કોઈ સત્તાએ તેના મૃત્યુની તિથિ, તારીખ અને ક્ષણ તથા સ્થળ વગેરે નક્કી કરી રાખ્યાં છે; પણ જડ વસ્તુ માટે આવા તર્ક આપણે કરતા નથી. જે કાગળ પર છપાયેલું અખબાર કે પુસ્તક તમે અત્યારે વાંચી રહ્યા છો, એ કાગળ ગમે ત્યારે નાશ તો પામવાનો જ છે. કાં તો એ ફાટશે, કાં બળશે, કાં ઊધઈ એને ખાઈ જશે, કાં કચરામાં ભળીને એ ખાતર બની જશે. એનો અંત શો એ નક્કી છે, એનો અંત ક્યારે એ નક્કી નથી.

સમય સિવાયનું કશું જ શાશ્વત નથી. સમયને જન્મ નથી અને મોત પણ નથી. તે અનાદિ-અનંત છે. એ સિવાયની પ્રત્યેક ચીજ અને પ્રત્યેક જીવને અંત છે. એ અંત વિશેના અજ્ઞાનને કારણે જીવંત વ્યક્તિ મૃત્યુથી ભયભીત રહે છે. ‘મૃત્યુ પછી મારી શી ગતિ થશે?’ એની ચિંતા તેને ડરાવે છે. શું એવું ન હોય કે મૃત્યુ પછી નર્યું સુખ જ સુખ હોય? મૃત્યુ પછી કોઈ જવાબદારી ન હોય, ક્યાંય નોકરી-વ્યવસાય કરવાનાં ન હોય, ક્યાંય વ્યવહારો સાચવવા દોડાદોડી કરવાની ન હોય, જ્યાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર ન હોય, જ્યાં ન કોઈ ટૅક્સ ભરવાના હોય - એવી સ્થિતિ શું જીવન કરતાંય અધિક મંગલમય હોય એવું ન બની શકે શું? સ્વર્ગ અને નરક કરતાંય અધિક મંગલમય હોય એવું ન બની શકે શું? સ્વર્ગ અને નરક તો માણસે કરેલી માત્ર કલ્પના જ છે. એ કલ્પના ગલત પણ હોઈ જ શકેને!

ર્ચોયાસી લાખ જીવ યોનિ છે. દરેક યોનિમાં લાખો-કરોડો-અબજોની સંખ્યામાં જીવો છે. એ દરેક જીવનું આયુષ્ય ક્યારે પૂરું કરવાનું છે એની નોંધ કોઈ કમ્પ્યુટર વગર કોણ રાખતું હશે? સપોઝ, એની નોંધ હોય તોય રોજ-રોજ એની ચકાસણી કે એનો હિસાબ કોણ કરતું હશે? ફલાણાં કીડીબાઈને દસ સેકન્ડ પછી ઉપાડી લેવાનાં છે, આ અમીબાને પાંચ સેકન્ડ પછી પાછા બોલાવી લેવાના છે, ફલાણા વાંદરાભાઈ હવે જમ્પ મારે એટલી જ વાર  છે. આ એમનો લાસ્ટ જમ્પ બની રહેવો જોઈએ. ફલાણાં બહેનના માથાની જૂ હવે એક સેકન્ડ પછી ખતમ કરવાની છે, પેલા ચામાચીડિયાને આવતી કાલે સવારે પતાવવાનું છે, આ વંદાને આજે સાંજે ફિનિશ કરવાનો છે - શું આ રીતે કોઈ એ દરેક જીવની એક્સ્પાયરી ડેટની નોંધ રાખતું હશે? કદાચ નોંધ રાખતું હોય તો તેનાથી ક્યારેય ભૂલ થતી જ નહીં હોય? સમુદ્રમાં અબજો માછલીઓ છે, એમાંથી કઈ માછલીનું આયુષ્ય કઈ ક્ષણે પૂરું કરવાનું છે એની ખબર કઈ રીતે પડે? આપણે તો નામ પણ પાડીએ છીએ એટલે એ નામથી ઓળખીય શકીએ કે મારે પ્રબોધભાઈના બેસણામાં જવાનું છે...અથવા મારે પ્રફુલ્લભાઈને ત્યાં લગ્નમાં જવાનું છે અથવા મારે બિપિનભાઈની બેબીને રમાડવા જવાનું છે અથવા મારે સુભાષભાઈની ખબર પૂછવા જવાનું છે... વગેરે. આત્માને તો નામ કે નંબર હોતા જ નથી તો હવે કોને મૃત્યુ આપવાનું છે એની ખબર એ દિવ્ય શક્તિને શી રીતે પડતી હશે? અને એ કામ પૂરી ચોકસાઈથી જ થાય, એમાં કોઈ ગફલત કે ભ્રષ્ટાચાર ન જ થાય એનું સુપરવિઝન કોણ કરતું હશે? એ પૉસિબલ જ નથી લાગતું. તેથી જ દૃઢપણે માની શકાય કે મૃત્યુ ભલે નિશ્ચિત હોય, એની તિથિ-તારીખ અને ક્ષણ નક્કી ન જ હોય.

મોત તો મોત છે. એને આવવું હોય ત્યારે આવે, ન આવવું હોય તો ડોરબેલ વગાડ્યા પછીય ભાગી જાય. જો એને આવવું જ હોય તો ડોરબેલ વગાડ્યા વગર પણ આવી જાય. ક્યારેક કોઈ એકને જ આંતરે તો ક્યારેક મોટા સમૂહને પકડે. કોઈ માણસ પ્રવાસે ગયો હોય અને ત્યાં મૃત્યુ પામે તો લોકો કહે છે કે તેનું મોત જ તેને ત્યાં ખેંચી ગયું! સાવ હંબગ વાત છે. મૃત્યુ શા માટે કોઈને અહીંથી ત્યાં લઈ જાય? એ તો ધારે ત્યાં તેને પકડી જ શકેને! કોઈ ઘરમાં મરે, કોઈ સરહદ પર શહીદ થાય; કોઈ ખૂબ રિબાઈને મરે, કોઈ એક પળમાં છૂટી જાય; કોઈ મોતના જડબામાંથી પાછું વળે, કોઈ હસતાં-રમતાં ઢળી પડે. મોત સર્ટન છે, સ્થળ અને સમય સર્ટન હોવા વિશે આપણે ન્યુટ્રલ રહેવું જોઈએ.

મૃત્યુ વિશે ‘બેફામ’ના ચોટદાર શેર

કબર જોઈ તમારી અમને ઈર્ષા થાય છે ‘બેફામ’,

જગા ફાની જગતમાં પણ મળી ગઈ છે સરસ તમને!

જિવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે ‘બેફામ’?

કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા!

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી!

‘બેફામ’ સૌને યાદ તો આવ્યો છું મોતથી,

કે જીવતાં તો ભૂલી ગયું’તું જગત મને!

કબરને જોઈને દુ:ખ એ જ થાય છે ‘બેફામ’,

તમારે મરવું પડ્યું ફક્ત આટલી જગા માટે?

મોત આગળ તો હવે ‘બેફામ’ પણ લાચાર છે,

બોજ નહીં તો એ બીજાની પાસ ઊંચકાવે નહીં!

મળ્યું જેને મરણ એ ભાગ્યશાળી થઈ ગયા ‘બેફામ’

જે વંચિત રહી ગયા એ આંખમાંથી અશ્રુ સારે છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK