સિનિયર સિટિઝનોની તકલીફ સામે આંખ આડા કાન ન કરો

Published: 17th November, 2014 05:23 IST

મુંબઈ શહેરમાં સિનિયર સિટિઝનોને બસની મુસાફરી કરતાં ઘણી વાર હાડમારી ભોગવવી પડે છે.


બિન્દાસ બોલ - ગિરીશ શાહ, સિનિયર સિટિઝન, ગિરગામ

બસ-સ્ટૉપ આગળ બસ ફૂટપાથથી દૂર ઊભી રખાય છે અને એનું પહેલું પગથિયું એટલું ઊંચું હોય છે કે મોટી ઉંમરની વ્યક્તિને બસમાં ચડતાં નાકે દમ આવી જાય છે. એમાં બસ અને બસ-સ્ટૉપ વચ્ચે રહેલી જરા જેટલી સાંકડી જગ્યામાંથી પણ સ્કૂટર અને બાઇકવાળા એકધારા હૉર્ન વગાડી આગળ નીકળી જવાની કોશિશ કરે છે. એ લોકો તો ધમધમાટી કરી આગળ નીકળી જાય છે, પણ એમાં જો એકાદ સિનિયર સિટિઝનને ધક્કો કે માર લાગે તો? પણ અહીં કોને પડી છે? બીજી બાજુ બસ-કન્ડક્ટર પણ બસની ઘંટડી મારી દે છે એટલે પૅસૅન્જરને લીધા વગર જ બસ ઉપાડી લેવાય છે. મોટી ઉંમરની વ્યક્તિની પરેશાની તો સમજો એટલું જ નહીં, મુંબઈની કાયમી ટ્રાફિક-સમસ્યા વિશે સૌકોઈ જાણે છે છતાં મોટા ભાગના વાહનચાલકો ચક્કાજામ ટ્રાફિક દેખાતો હોવા છતાં સતત કાન ફાડી નાખે એવું હૉર્ન મારતા રહે છે. ટ્રાફિકમાંથી ઊડીને તો જવાવાનું નથી તો પછી કાન બહેરા થઈ જાય એ રીતે હૉર્ન મારવાનો કોઈ અર્થ ખરો? પણ અહીં કોને પરવા છે? અને આ ઘોંઘાટ અને પ્રદૂષણભર્યા ચક્કાજામ વાતાવરણમાં ટ્રાફિક-પોલીસ ટ્રાફિકને હળવો કરવાની કોશિશમાં શોભાના ગાંઠિયાની જેમ ફક્ત ઊભા જ રહે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK