બીજાના પેટનો ખ્યાલ કરે તેને માણસ કહેવાય

Published: 17th November, 2014 05:16 IST

પેટ શબ્દનીઆસપાસ રચાયેલી કહેવતોની પેટછૂટી વાતો કરીએ આજે
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

આપણી ગુજરાતી કહેવતો બડી ઇન્ટરેસ્ટિંગ છે. પ્રત્યેક કહેવતના પેટમાં હજારો વ્યક્તિઓના અનુભવોનો ખજાનો હોય છે. કેટલીક કહેવતો સોનેરી સૂત્ર જેવી હોય છે. એક જ શબ્દની આસપાસ રચાયેલી કહેવતોની રોમાંચક યાત્રા આજે કરવી છે અને એ શબ્દ છે : પેટ.

આમ તો પેટ એટલે ઉદર કે હોજરી એવો અર્થ આપણે જાણીએ છીએ, પણ આ કહેવતોમાં ‘પેટ’ શબ્દ દ્વારા વિવિધ અને વિશિષ્ટ અનેક અર્થ પ્રગટ થતા રહ્યા છે.

જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે: આ કહેવતમાં ‘પેટ’ શબ્દ સંતાનના સંદર્ભમાં પ્રયોજાયો છે. કોઈ સમર્થ કે માથાભારે આદમી દુનિયામાં કોઈને મચક ન આપતો હોય, પરંતુ તેના સંતાન સામે તે કંઈ કરી શકતો નથી. ભલભલાને ભારે પડનારો મર્દ માણસ પોતાના સંતાન પ્રત્યે વહાલ-વાત્સલ્યને કારણે વામણો બની જતો હોય છે. કોઈ પણ તાકાતને નહીં ગાંઠનાર વ્યક્તિ પોતાના સંતાન આગળ લાચાર-બેબસ બની જાય છે. સંતાનનાં કરતૂતો તે સહન પણ કરી નથી શકતો કે સંતાનને તે સજા પણ નથી કરી શકતો.

પેટ પર પગ મૂકવો અથવા પેટ પર છૂરી ચલાવવી : કોઈની આજીવિકા કે રોજી-રોટીને છિન્નભિન્ન કરી દેવાય ત્યારે આ કહેવતનો પ્રયોગ થાય છે. બિઝનેસમાં સ્પર્ધા (કૉમ્પિટિશન) પણ હોય છે અને ઈર્ષા (જેલસી) પણ હોય છે. એવા કોઈ કારણે કોઈની આજીવિકા છિનવાઈ જતી હોય છે. ક્યારેક અન્ય અંગત અદાવતને કારણે પણ બીજાની આજીવિકા પર અટૅક કરવામાં આવે છે તો ક્યારેક વ્યક્તિની પોતાની જ કોઈ ભૂલ માટે કે તેના અપરાધની પનિશમેન્ટરૂપે તેને નોકરી-ધંધામાંથી રૂખસદ આપવામાં આવે છે.

પેટ ખોલીને વાત કરવી અથવા પેટછૂટી વાત કરવી  : દુનિયામાં દરેક વ્યક્તિને લાઇફમાં કશુંક ખાનગી અને ભેદ (રહસ્ય) ભર્યું અવશ્ય હોય છે, ક્યારેક એમાં અંગત પીડા પણ હોઈ શકે. નિકટના કોઈ સ્વજન દ્વારા વિશ્વાસઘાત થયો હોય, જેની વ્યથા જાહેરમાં કહી શકાય તેમ ન હોય તો વળી ક્યારેક કોઈ માથાભારે માણસનો છૂપો ત્રાસ હોય એ જાહેર કરવામાં જીવનું જોખમ હોય છે. આવા સંજોગોમાં માણસ કોઈને કશું કહી શકતો નથી, પરંતુ લાઇફમાં કોઈ વખત અનુકૂળ સંજોગો આવે; સ્નેહભર્યા સ્વજનો મળી જાય તો તેમની સામે માણસ પેટ ખોલીને પેટછૂટી વાત કરીને ખાસી રાહત અનુભવે છે.

પેટ ચોળીને પીડા પેદા કરવી : કેટલાક અણઘડ અને ગમાર લોકો સામે ચાલીને આફતને, સંકટને નોતરું આપે છે. સામાન્ય સંજોગોમાં કોઈ કષ્ટ કે પીડા થવાનાં ન હોય, પણ વ્યક્તિ કંઈક એવું બિહેવિયર કરે કે તે પોતે મુસીબતમાં મુકાઈ જાય.

પેટમાં દુખવું-પેટ દુખવું : કોઈ અપ્રિય-અણગમતી પરિસ્થિતિ માણસને વિમાસણમાં મૂકી દે છે. કોઈ લાલચ-લાલસા તેને લોભાવ્યા કરે છે. ક્યારેક રઘવાટ, ઉચાટ હોય અને વ્યક્તિ કોઈ કામ માટે આનાકાની કરે ત્યારે ‘તેના પેટમાં શું દુખે છે?’ એમ લોકો પૂછે છે.

પેટે પથરો પાક્યો : પોતાનું સંતાન વંઠેલું પાકે ત્યારે મા-બાપને લાગે છે કે આ તો પેટે પથરો પાક્યો છે!

પેટમાં પાણી ન પડવા દેવું : કેટલાક દુષ્ટ લોકો બીજાઓને એવો ત્રાસ આપે છે કે સામેની વ્યક્તિ શાંતિથી જીવી ન શકે. ન ખાઈ-પી શકે, ન નિરાંતે ઊંઘી શકે. આવા નફ્ફટ માણસો માટે કહેવાય છે કે ‘જવા દો, એ માણસ તો પેટમાં પાણી પડવા દે એવોય નથી!’

પેટ મોટું રાખવું : ગુપ્ત અને રહસ્યમય વાતો દિલમાં છુપાવી રાખવી, ઉદારભાવે બીજાઓના અપરાધ માફ કરવા, ગમ ખાવો, લેટ-ગો કરવું, ઊંડી સમજણપૂર્વક સૌ વિરોધીઓને વેઠવા... આ બધું કરનાર વ્યક્તિ મહાન હોય છે. એના માટે કહેવાય છે કે તેનું પેટ મોટું છે.

પેટનું પાણી ન હલવું  : ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ધીરજ અને સબૂરી ટકી રહે બહુ મોટી સિદ્ધિ કહેવાય. સામે સંકટ જોવા છતાં વ્યક્તિ ગભરાય નહીં, હથિયાર છોડીને ભાગી જાય નહીં ઊલટાનું સ્વસ્થ અને શાંત ચિત્તે આવેલા સંકટનો ઉપાય કરે એવા ધીર-વીર પુરુષો માટે આ કહેવત છે.

પેટમાં ખૂચવું  : કોઈ અપ્રિય વ્યક્તિને વિશિષ્ટ સિદ્ધિ મળી જાય ત્યારે ઈર્ષા ઊપજે છે. આપણા શત્રુને કે આપણા વિરોધીને સુખ-સગવડ મળી જાય અને આપણને ન મળે ત્યારે આપણને અવશ્ય પેટમાં ખૂંચે છે. આમ તો આ માનવસહજ નબળાઈ છે છતાં સંયમી લોકો એને કાબૂમાં રાખે છે.

પેટમાં તેલ રેડાવું : અણધાર્યા-આકસ્મિક રીતે કોઈ હાનિકારક ન્યુઝ સાંભળવા મળે ત્યારે આપણને ફાળ પડે છે. એ જ રીતે કોઈકની પ્રોગ્રેસ જોઈને આપણને જેલસી થાય છે એવો અર્થ રજૂ કરવા આ કહેવત પ્રયોજાય છે.

પેટને ભાડું આપવું : દરરોજ પેટમાં ભોજન નાખતા જવું પડે છે. ભૂખનું દુ:ખ ટાળવા માટે આહાર લેવો એટલે પેટને ભાડું આપવું. પ્રત્યેક જીવે પોતાના પેટને ભાડું ચૂકવવું જ પડતું હોય છે.

પેટે પાટા બાંધવા : ગરીબ પેરન્ટ્સ પોતાનાં સંતાનોના ઉછેર માટે ક્યારેક પોતે ભૂખ્યા રહીને સંતાનોને જમાડે છે, પોતે તકલીફો વેઠીને સંતાનો માટે સુખ સુરક્ષિત કરે છે. આર્થિક સંકડાશ વેઠીને લાઇફ સાથે કૉમ્પ્રોમાઇઝ કરવું એટલે પેટે પાટા બાંધવા.

પેટ કરાવે વેઠ : જો માણસને પેટ (ભૂખ) ન હોત તો તે કેટલો સુખી હોત! ભૂખનું દુ:ખ ટાળવા માટે માણસે જાતજાતના ઉદ્યમ કરવા પડે છે. ક્યારેક તો અણગમતાં કામના ઢસરડાય કરવા પડે છે. કેટલાક લોકો જીવનમાં જોખમ ખેડીને અવનવાં કરતબ બતાવે છે તો કેટલીક સ્ત્રીઓ પોતાના ચારિhયનો સોદો કરીને મજબૂરીમાં પરિવારનું પોષણ કરે છે. આ એક પેટ માણસ પાસે જ નહીં, જંગલી પશુ-પંખીઓ પાસે પણ શિકાર કરવા વગેરે વેઠ કરાવે છે.

બીજાના પેટનો ખ્યાલ

પહેલી નજરે એમ લાગે છે કે પેટ ન હોત તો આટલી પીડાઓ પણ ન હોત, પરંતુ ઊંડો વિચાર કરીએ છીએ ત્યારે એમ સમજાય છે કે પેટ ન હોત તો આટલી પ્રોગ્રેસ પણ ન હોત. પેટના પોષણ માટે પશુઓ તો શિકાર કરે છે કે ઝૂંટાઝૂંટી કરે છે, પણ માણસ નોકરી-વ્યવસાય કરે છે. ઇજ્જતથી જીવવા કોશિશ કરે  છે. જાતજાતની કલાઓ બતાવે છે. એની સામે ચોરી, લૂંટફાટ, મારધાડ, છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવાં દૂષણોય પાંગરતાં હોય છે. કહેવાય છે કે સિંહ ભૂખે મરે, પણ કદી ઘાસ ન ખાય એમ સંસ્કારી-ખાનદાન સજ્જનોય કદી પોતાની મર્યાદાઓ ઓળંગતા નથી. બરબાદ થવા છતાં બેઈમાન થતા નથી. પેટ તો સૌને છે જ, પણ જે બીજાના પેટનો વિચાર કરે તેને માણસ કહેવાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK