બચ્ચાંનું ખોવાયેલું બાળપણ પાછું લાવી શકશો?

Published: Nov 14, 2014, 05:26 IST

આજના પેરન્ટ્સ, સરકાર અને સમાજ જો આ કરી શકશે તો જ આ દેશમાં ખરા અર્થમાં બાળદિવસ ઊજવાયો ગણાશે નહીં, તો બાળદિવસ પર થયેલાં સેલિબ્રેશનોનો કોઈ અર્થ નથી


uddanસ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય


લંગડી, ખો-ખો, છૂપાછૂપી, સાતતાળી, લખોટી કે ગિલ્લી-દંડો, પાંચીકા અને કોડીઓથી રમાતી ગેમ્સની આજનાં બાળકોને ખબર જ નથી; કારણ કે તેઓ રમે છે ટેમ્પલ રન, કૅન્ડીક્રશ, સબવે સર્ફર જેવી મોબાઇલ ગેમ્સ! ટૅબ્લેટ, આઇપૅડ, લૅપટૉપ અને કમ્પ્યુટરના જમાનામાં ટેક્નૉલૉજીનો શિકાર બચ્ચાં પણ બની ગયાં છે જેણે તેમનાં તન, મન અને સંસ્કારોને સંપૂર્ણપણે તબાહ કર્યા છે. ટેક્નૉલોજીની હવા અને કૉમ્પિટિશનના આજના જમાનામાં પોતાનું બાળક પાછળ ન રહી જાય એ માટે પેરન્ટ્સ બાળકોને રેસમાં જોતરી રહ્યાં છે જેને લઈને બાળકોનું બાળપણ સદંતર ખોવાઈ ગયું છે. ‘યે કાગઝ કી કશ્તી..’ ગીતની જેમ યાદોનો ભરપૂર મજાનો ખજાનો બાળકો પાસે રહી શકે એવી કોઈ વકી નથી, કારણ કે તેમની પાસે પોતાની રીતે રમવા માટેનો ટાઇમ રહ્યો જ નથી. તેમને હર જગ્યા પર સામનો કરવાનો છે કૉમ્પિટિશનનો.

બાળકને જવાબદાર નાગરિક બનાવવામાં તેના બચપણનું ઘડતર બહુ મહત્વનો ભાગ ભજવે છે, બચપણમાં રમાતી રમતો અને મસ્ત લાઇફ તેના તનને જ નહીં, મનને પણ હેલ્ધી બનાવે છે. ટીમવર્ક, શિસ્ત, કો-ઑપરેશન, પડકારોનો સામનો જેવા ગુણો વિકસે છે જે જીવન જીવવા માટે બહુ મહત્વના છે. તેથી જ આજના બાળદિવસે પેરન્ટ તરીકે સંકલ્પ કરો કે બાળકના સર્વાંગી વિકાસ માટે તેનું ઝૂંટવાયેલું બાળપણ તેને પાછું મળે.

બાળકોની હાલત કેવી છે?

ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઍન્ડ બિહેવિયરલ પીડિયાટ્રિશ્યન તરીકે ૧૨ વર્ષથી કાર્યરત ડૉ. સમીર દલવાઈ બાળકોની હાલત અત્યારે કેવી છે એ હકીકતને બહુ આક્રમક સૂરે રજૂ કરતાં કહે છે, ‘બાળકોની પરવરિશ આજે ઍકૅડેમિકલ સરાઉન્ડિંગવાળી છે. તેની સાથેની દરેક બાબત ઍકૅડેમી સાથે જોડાયેલી છે, કારણ કે પેરન્ટ્સનું માનવું છે કે આજના જમાનામાં તેનું ભણવું અને ટૉપ પર જવું બહુ જરૂરી છે. તેથી તેઓ સારી સ્કૂલો પાછળ ભાગી રહ્યા છે.’

આ સારી સ્કૂલોએ આજે બાળકોને પર્ફોર્મન્સની આંધળી દોડમાં જોતરી દીધાં છે જેને લઈને બાળકોનું બચપણ ઝૂંટવાઈ રહ્યું છે. આજે બાળકોની હાલત કેવી છે એ દર્શાવતા કેટલાક કેસ ડૉક્ટરે કહ્યા જે રિયલી ચોંકાવનારા છે.

સાંતાક્રુઝમાં રહેતી એક મમ્મી તેના અઢી વર્ષના દીકરાને ડૉક્ટર પાસે લઈ આવી, કારણ કે સ્કૂલના ઍન્યુઅલ ડેના ડાન્સમાં તેનો દીકરો ફર્સ્ટ રૉમાં રહેવાના બદલે સેકન્ડ રૉમાં જતો રહ્યો તેથી તેની મમ્મીને ચિંતા થઈ કે તેનો દીકરો જો આવી રીતે કરશે તો આગળ જતાં તે શું પર્ફોર્મ કરી શકશે? આ બાળકની મમ્મીની ફરિયાદ હતી કે તેના છોકરામાં કિલર ઇન્સ્ટ્રિક્ટ નથી, ડૉક્ટર તેનું કાઉન્સેલિંગ કરે.

સવાચાર વર્ષના એક છોકરાને સ્કૂલની એક્ઝામના પેપરમાં એક ખાલી જગ્યા ખોટી પડી તેથી તેની મમ્મી તેને ડૉક્ટર પાસે લઈ આવી. તેને લાગ્યું કે દીકરાના રાઇટિંગમાં પ્રૉબ્લેમ છે કે શું અને જો આવું જ રહેશે તો આગળ જતાં શું થશે? યુનાઇટેડ સ્ટેટની લૉન્ગેસ્ટ રિવર કઈ એના જવાબમાં મિસિસીપીનો સ્પેલિંગ લખવામાં છોકરાએ નાનકડી ભૂલ કરી હતી.

એક પેરન્ટ તેમના ૬ વર્ષના છોકરાને ડૉક્ટર પાસે એટલા માટે લઈ આવ્યા હતા કે તેમનું બાળક સ્કૂલમાં માર ખાઈને આવે છે. તેમનું કહેવું હતું કે તે બાળકને શીખવે છે કે સામે મારીને આવે, પણ તે એવું નથી કરતું એ તેમની સમસ્યા હતી અને તેથી તેમને લાગતું હતું કે તેમનું બાળક ટૉપ ફેલ્યર છે. જો આવું જ રહેશે તો આજના સ્પર્ધાત્મક યુગમાં તે પાછળ રહી જશે.

૧૧ વર્ષની એક છોકરી ડિપ્રેશનમાં સરી ગઈ હતી. કારણ એ હતું કે તેનો પેટ ડૉગ મરી ગયો. આ છોકરીને તેનાં મા-બાપે એવી આદત પાડી હતી કે તે જે માગે એ ચીજ તેઓ હાજર કરી દેતાં હતાં. ટીવીની એક જાહેરાતમાં જોયો હતો એવો ડૉગ આ છોકરીને જોઈતો હતો અ તેના પેરન્ટે લાવી આપ્યો, પણ એ મરી ગયા પછી એને પાછો કેવી રીતે લાવી શકાય? તેથી આ છોકરીને લાગવા લાગ્યું કે તેનાં માબાપ તેને પ્યાર નથી કરતાં, તેને જોઈએ તે ચીજ લાવી આપી નથી શકતાં. ફેલ્યર યા ડિસઅપૉઇન્ટમેન્ટની તેને આદત જ નથી પડી, તેથી તે ડિપ્રેશનમાં ચાલી ગઈ.

બાળકો રમે છે?

વિલે પાર્લેમાં એક ફૅમિલી ગેટ-ટુગેધર હતું અને ત્યાંનો એક સીન આજનાં બાળકોની વાસ્તવિક હાલત રજૂ કરે છે. એક સોફા પર આઠથી દસ વર્ષનાં આઠેક બાળકો બેઠાં હતાં અને બધાં જ મોબાઇલમાં ગુંથાયેલાં હતાં. ન કોઈ મસ્તી કરતું હતું કે એક ન બીજા સાથે વાત કરતું હતું. અગાઉના સમયમાં એવું કદી ન બનતું કે આ ઉંમરનાં છોકરાં સાથે મળ્યાં હોય ને મસ્તી ન કરતાં હોય. પાસે-પાસે બેસીને પણ બાળકો વાતો મોબાઇલ ટેક્સ્ટથી કરે છે એમ જણાવતાં એજ્યુકેશનિસ્ટ અને ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ ડૉ. પ્રજ્ઞા મહેતા કહે છે, ‘આજકાલ બાળકોમાં હસવા, બોલવા, રમવાનું વગેરે ટેક્સ્ટ પર આવી ગયું છે એ તો ખરું જ, પણ પેરન્ટ્સને પણ એમ લાગે છે કે હવે તો આવું જ હોય! ટેક્નૉલૉજીનો ઉપયોગ થવો જોઈએ, પણ જો આ હદે થાય તો માણસ મશીન બની જશે.’

બાળક કોઈ ઇતર પ્રવૃત્તિઓ કરે છે તો એ પણ તેની ઍકૅડેમી સાથે જ જોડાયેલી હોવાથી એની તુલના પર્ફોર્મન્સથી થાય છે એમ જણાવતાં ડૉ. સમીર કહે છે, ‘પેરન્ટ્સ પણ  બાળકના બચપણને બદલે પર્ફોર્મન્સને વધુ મહત્વ આપે છે. પર્ફોર્મન્સ હોય ત્યાં હાર-જીતનો કન્સેપ્ટ આવી જ જાય. આમ બહુ નાની એજમાં બાળકોને ફેલ્યરનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યો છે.’

બાળકોને તેમનું બાળપણ કેવી રીતે પાછું આપશો?

એજ્યુકેશનિસ્ટ, વિચારક અને લેખક ડૉ. દિનકર જોષીનું કહેવું છે કે બાળકોના બચપણની મહત્તા પહેલાં પેરન્ટ્સને સમજાવવાની જરૂર છે અને એ માટે ૨૫થી ૪૫ વર્ષની વયના પેરન્ટ્સ માટે સેમિનાર થવા જોઈએ અને એમાં તેમને શીખવવું જોઈએ કે બાળકોને ખુલ્લામાં રમવા લઈ જાઓ, આકાશ દર્શન કરાવો, બીચ પર રેતીની ઢગલીઓ અને ઘર બનાવવાની મજા લૂંટવા દો.

મમ્મીએ બહુ જરૂર ન હોય તો બાળક ઓછામાં ઓછું છ વર્ષનું  અને વધુમાં વધુ ૧૦ વર્ષનું થાય ત્યાં સુધી કામ છોડી તેની સાથે રહેવાનું પ્રિફર કરવું જોઈએ, કારણ કે આ સમયમાં તેને માની સોથી વધુ જરૂર હોય છે. જો કામ કરવું પડે એમ હોય તો ઘરે જઈને બાળકને વ્હાલ કરવાનું કામ સૌથી પહેલાં કરવું.

બાળકને ઉચ્ચ શિક્ષણ આપવું જરૂરી છે, પણ સાથે લાઇફ સ્કિલ શીખવવાનું એનાથી વધુ જરૂરી છે એમ જણાવતાં ડૉ. સમીર દલવાઈ કહે છે, ‘પેરન્ટે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તે ન હોય ત્યારે પણ તેમનું બાળક ખુશહાલ લાઇફ જીવી શકે. તેને બૅન્ક-બૅલૅન્સ નહીં આપો તો ચાલશે, પણ જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો એ શીખવવું જરૂરી છે. તકલીફો અને પડકારોનો સામનો કરતાં શીખવો. આજના સમયમાં તમે સતત તેની સાથે ન રહી શકતા હો તો પણ તેની પરવરિશ એવી કરો કે તે જિંદગીમાં સુખ-દુ:ખ, હાર-જીત બધું હૅન્ડલ કરી શકે.

આ માટે તેના ભણવા પર ફોકસ વધારે ન કરો. તેને રોજના બે કલાક તેની રીતે ખુલ્લામાં અને મિત્રો સાથે રમવા દો. ભલે પછી તે ઘાસમાં રમે કે માટીમાં, પણ રમવા દો. ચાર વર્ષના બાળકને અઘરા પ્રશ્નોના જવાબ આપવાના હોય તો તેનું બાળપણ ક્યાંથી રહે?  દોસ્તો સાથે હરશ-ફરશે કે રમશે નહીં તો તે સોશ્યલ બિહેવિયર કે જેને લાઇફ સ્કિલ કહેવાય છે એ ક્યાંથી શીખશે?

ડૉ. પ્રજ્ઞા મહેતા બાળકોને ગ્રુપમાં રમવા દેવાની બાબતે પેરન્ટ્સને સલાહ આપતાં કહે છે, ‘બાળક ખુલ્લામાં રમશે તો જ તેનું તન હેલ્ધી થશે અને તેનાથી મન પણ હેલ્ધી થશે. માનસિક વિકાસ થશે, હારને સ્વીકારતાં શીખશે, હેલ્ધી કૉમ્પિટિશન શીખશે, ટીમવર્ક શીખશે, શિસ્ત આવશે, કો-ઑપરેશનનો ગુણ વિકસશે. ફ્રેન્ડ્સ અથવા તો ફૅમિલીનું ગેટ-ટુગેધર કરો જેથી બાળકો સમવયસ્કો સાથે મળી શકે.’

દોઢ વર્ષે પ્લે ગ્રુપમાં આજે લોકો બાળકોને મૂકે છે, પણ એ આજે જરૂરી છે; કારણ કે હવે સંયુક્ત પરિવારો ન રહ્યા હોવાથી ઘરે બાળકોને રમવા માટે કોઈ નથી મળી રહેતું એથી એવી પ્લે ગ્રુપ સ્કૂલમાં મૂકો જેની પાસે ખુલ્લી જગ્યા હોય અને તેની વિવિધ સ્કિલ ખીલે એવી રમતો હોય. સિંગલ રૂમવાળી પ્લે ગ્રુપ સ્કૂલ કે જ્યાં બાળકોને બે કલાક બેસાડી રાખી આંકડા ઘૂંટાવે રાખતા હોય ત્યાં કદી ન મૂકો.

બાળકને જેમાં રસ હોય એ કરવા દો, નહીં કે તમને રસ હોય એ કરાવો. તમારાં એક્સપેક્ટેશન્સ બહુ મોટાં ન રાખો. તેને જે કરાવો એ તેના વિકાસ માટે કરાવો, નહીં કે મેડલ અને ટ્રોફીઓ માટે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK