રેડી ટુ વર્ક ૨૪/૭

Published: Nov 13, 2014, 05:20 IST

જરાક અમથું કામ કરીને થાકી જનારા લોકોનો આજકાલ તોટો નથી ત્યારે મળીએ  કેટલાક એવા કર્મવીરોને જેમની ડિક્શનરીમાં રવિવાર કે હૉલિડે જેવા શબ્દો જ નથી. સતત પોતાના વર્કને પ્રાધાન્ય આપ્યા પછી પણ બોરડમ અને કંટાળો તેમને સ્પર્શ્યા નથી
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

સતત એકનું એક કામ કરીને આપણામાંના ઘણા લોકો કંટાળી જતા હોય છે. જોકે દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જેમને માટે તેમનું કામ એટલે સર્વસ્વ. જાણીતા ગીતકાર ગુલઝારે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કામ એ જ તેમનું વેકેશન છે. એક જમાનામાં ખૂબ વગોવાયેલું વકોર્હૉલિઝમ પણ હેલ્થ માટે સારું હોઈ શકે એવી પુષ્ટિ કેટલાંક સંશોધનોએ આપી છે. થોડાક સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની સ્પીચમાં આ વાતને સમર્થન આપ્યું હતું. તેમનું કહેવું હતું, ‘માણસ કામ કરવાને કારણે ક્યારેય થાકતો નથી. કામ કરવાથી તો ઊલટાની ફ્રેશનેસ આવતી હોય છે. ઇનફૅક્ટ કંટાળો કે થાક હંમેશાં કામ નહીં કરવાને કારણે આવતા હોય છે.’

કેટલાક એવા લોકોને મળીએ જેમના કામનો કોઈ ફિક્સ સમય નથી, સતત ઇમર્જન્સી તેમના માથે મંડરાતી હોય છે છતાં તેમને કામ કરવાનો આનંદ આવે છે.  

હું રાઇટોહૉલિક છું, લખ્યા વિના મને ચાલે જ નહીં : કાન્તિ ભટ્ટ, વરિષ્ઠ પત્રકાર અને લેખક

છેલ્લાં ૪૫ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા ૮૫ વર્ષના કાન્તિ ભટ્ટનું લકવાને કારણે ડાબું અંગ કામ નથી કરી રહ્યું છતાં ઓછામાં ઓછા બે લેખો તો રોજ તેઓ લખે છે. અત્યારે પણ પાંચથી વધુ ગુજરાતી અખબારો અને મૅગેઝિનોમાં તેમની કૉલમો ચાલે છે. લખાણ માટેના તેમના આ જુનૂન વિશે તેઓ કહે છે, ‘૪૫ વર્ષમાં લખ્યા વિનાનો એકેય દિવસ ગયો નથી. સેંકડો વાર તો એવું પણ થયું છે કે રાતે ત્રણ વાગ્યે ઊઠીને કોઈ વિષય યાદ આવ્યો હોય અને એના વિશે લખવા બેઠો હોઉં. ‘ગાર્ડિયન’, ‘ટેલિગ્રાફ’, ‘વૉલસ્ટ્રીટ જર્નલ’, ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’, ‘ઇન્ડિપેન્ડન્ટ’ જેવાં છ વિદેશી અખબારો રોજના વાંચવાનું રૂટીન છે. એ પછી જે વિષય પર લેખ લખવાનું નક્કી કરું એ વિષયને લગતાં બીજાં પુસ્તકો અને રેફરન્સિસ વાંચું, ઇન્ટરનેટ પરથી એ વિષયને લગતી લેટેસ્ટ માહિતી પણ મેળવી લઉં અને પછી લેખ લખું છું. લગ્નજીવનની નિષ્ફળતા અને ૧૦ વર્ષની એકલતા પછી પણ લેખન માટેનો મારો ઉમળકો ઘટ્યો નથી. એટલે મને એ કામનો થાક નથી લાગતો. આ ઉપરાંત મારા ઘરના કામની અને મારા પ્રોફેશનને લગતી જવાબદારીઓ હેમાએ (કાન્તિભાઈની કૅરટેકર) સંભાળી લીધી છે. આર્ટિકલ ફૅક્સ કરવાથી લઈને કોઈ પુસ્તક જોઈતું હોય કે મારા લેખનું ફાઇલિંગ કરવું હોય એ એક રેફરન્સ ડિક્શનરીની જેમ હેમા કરી લે છે.’

બીજી એક મહત્વની વાત કરતાં કાન્તિભાઈ કહે છે, ‘હું વષોર્થી ખાનપાનની બાબતમાં ખૂબ સભાન રહ્યો છું. રોજ સવારે તુલસી અને આદુનો ઉકાળો પીઉં છું. મારા ઘરે રસોઈવાળીએ શું રાંધવું એ ૩૬૫માંથી એકેય દિવસ મને પૂછવું પડતું નથી. રોજ સવારે પ્રવાહી મગ, બપોરે એક રોટલી તથા પરવળ, દૂધી, ટિંડોળા અને મેથીની ભાજીનું મિક્સ શાક એ મારો રોજનો ખોરાક છે. છેલ્લાં ૪૫ વર્ષથી મને તાવ આવ્યો નથી. મારું મેડિકલ બિલ ઝીરો છે. આ બાબત પણ સતત કામ કરવાના તમારા મૂડને અને અંદરની તાકાતને જાળવી રાખવા માટે બહુ જરૂરી છે.’

દેશની સેવા કરવાનો આનંદ છે એટલે કંટાળો નથી : હિમાંશુ રૉય, પોલીસ-ઑફિસર

સ્ટેટ ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડના ચીફ અને મુંબઈ પોલીસમાં જૉઇન્ટ કમિશનર તરીકેની સેવા આપી ચૂકેલા હિમાંશુ રૉયનું કહેવું છે કે કામ કરવાથી સૅટિસ્ફૅક્શન મળતું હોય છે, પછી બીજા કોઈ વેકેશનની જરૂર નથી રહેતી. તેઓ ઉમેરે છે, ‘હું રોજ દોઢ કલાક મારા વર્કઆઉટને આપું છું જેમાં મને ગમતું ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું. જે કામ કરવાથી તમને સંતોષ મળતો હોય એમાં સ્ટ્રેસ નથી આવતું. એ કામ બોજારૂપ નથી લાગતું. અને એમાંય હું તો દેશની સેવા કરું છું. એમાં મને ૨૪ કલાક પણ ઓછા પડે છે. કામના રૂટીનમાં જ અમુક રિલૅક્સેશનનો સમય હું કાઢી લઉં છું. છેલ્લાં ૧૦ વર્ષથી એક પણ રજા કે એક પણ વેકેશન મેં નથી લીધું. હું કન્ટિન્યુઅસલી કામ કરતો રહ્યો છું. એ વાત સાચી છે કે સતત કામને કારણે ફૅમિલી અને ફ્રેન્ડ્સને થોડોક સમય ઓછો આપી શકાય છે, પરંતુ એ પાર્ટ ઑફ જૉબ છે જે બધાએ સ્વીકારી લીધું છે. અને આમેય રિટાયરમેન્ટ પછી અત્યાર સુધીનું તમામ વેકેશન સાથે મનાવીશું, ઉતાવળ ક્યાં છે?’

સમયનું યોગ્ય મૅનેજમેન્ટ આવડે તો બધા માટે સમય મળે : શીલા રાવલ, ન્યુઝ એડિટર

છેલ્લાં ૨૫ વર્ષથી મીડિયામાં સક્રિય અને ખ્ગ્ભ્ ન્યુઝ-ચૅનલનાં ઇન્વેસ્ટિગેટિવ એડિટર શીલા રાવલ પોતાના પ્રોફેશન પ્રમાણે તેમણે સતત સાબદાં રહેવું જ પડે એમ જણાવીને આગળ ઉમેરે છે, ‘જ્યારથી હું પત્રકાર બની છું ત્યારથી સતત અલર્ટ રહેવાની આદત છે મને. જોકે મહત્વની વાત એ છે કે જ્યારે તમે તમારા કામને એન્જૉય કરતા હો છો ત્યારે તમને થાક નથી લાગતો. તમારા કામનું રિઝલ્ટ જોઈને તમને અંદરથી એક સુકૂન મળતું હોય છે. માત્ર પત્રકારત્વ જ નહીં; પોલીસ, ડૉક્ટર, ફાયરમૅન જેવા ઘણા પ્રોફેશન એવા હોય છે જ્યાં કોઈ પણ સમયે ઇમર્જન્સી આવીને ઊભી રહે. કોઈ પણ ઘડીએ તમારે દોડાદોડ કરવી પડે. વષોર્ પછી એ રૂટીનમાં તમે ગોઠવાઈ ગયા હો, એ માઇન્ડસેટ અને એ બૉડી સાઇકલ પણ સેટ થઈ ગયાં હોય. તમારા પ્રોફેશનની પસંદગી જ તમને એના માટે મેન્ટલી તૈયાર કરી દે છે.’

પરિવારના સમયનું શું એવા પ્રશ્નના જવાબમાં શીલા રાવલ ઉમેરે છે, ‘તમને તમારા સમયનું મૅનેજમેન્ટ કરતાં આવડવું જોઈએ. ન્યુઝમાં સિનિયર પૉઝિશન પર હોવા છતાં હું મ્યુઝિક શીખું છું, જિમમાં જાઉં છું, મારી ફૅમિલીને સમય આપું છું અને સાથે કામને પણ પૂરો ન્યાય આપું છું. આળસ એ માણસનો સ્વભાવ હોય છે. કેટલાક લોકો સ્વભાવે જ આળસુ હોય તો તેમને કામ કરવું ન જ ગમે, જ્યારે અમુક સ્ફૂર્તિ કે કામ માટેનું કમિટમેન્ટ ઇનબિલ્ટ હોય છે.’

જન્મતા બાળકની ખુશી કામનો થાક ઓસરાવી દે : ડૉ. રન્ના દોશી, ગાયનેકોલૉજિસ્ટ

છેલ્લાં ૪૦ વર્ષથી ગાયનેકોલૉજિસ્ટ તરીકે સક્રિય ડૉ. રન્ના દોશી પોતાની જ હૉસ્પિટલ હોવાને કારણે એક દિવસની પણ રજા લઈ શકતાં નથી. તેઓ કહે છે, ‘મારા માટે ઇમર્જન્સી કોઈ પણ ઘડીએ આવી શકે છે, કારણ કે જન્મનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો. અનેક વાર એવું થયું છે કે ઘરમાં લગ્નપ્રસંગ હોય, દિવાળીની પૂજા હોય, નવા વર્ષનું ગેટ-ટુગેધર હોય અને મારે બધું પડતું મૂકીને હૉસ્પિટલ દોડવું પડ્યું હોય. રાતે બે વાગ્યે જાગીને હૉસ્પિટલ પહોંચવું પડ્યું હોય. જોકે એમાંય મને તો મજા જ આવે છે. એનાં બે કારણો છે, એક તો તમે જ્યારે તમારો પ્રોફેશન નક્કી કરતા હો છો ત્યારે જ આ બધા માટે માઇન્ડ સેટ તૈયાર થઈ જાય છે. અને બીજું એ કે તમને તમારા કામથી સંતોષ મળતો હોય ત્યારે તમને એ કામનો કંટાળો ન આવે. એકાદો ફેઝ આવે પણ ખરો કે ધાર્યું કામ ન થાય તો થાક લાગે, પરંતુ એ થાક બહુ લાંબો ન ચાલે; કારણ કે મૂળમાં તમે જે કરો છો એમાં તમને મજા આવી રહી છે.’

કટોકટીભરી જૉબ કરતાં હોવા છતાં રન્નાબહેન પોતાના માટે પણ સમય કાઢી જ લે છે. રોજ સવારે વહેલાં ઊઠીને પોણો કલાક વૉક, મંદિરે દર્શન જેવી ક્રિયાઓ માટે ફાળવે છે. ઘરનાં કામ કરવાં અને કુકિંગ તેમની હૉબી છે તો એનો પણ તેઓ સમય કાઢી જ લે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK