જુદા-જુદા છતાં સાથે-સાથે

Published: 13th November, 2014 05:19 IST

વિવાદ નહીં, સંવાદ સાથે થઈ રહ્યાં છે સંયુક્ત પરિવારનાં વિભાજન, પાંચસોની એક નોટ ૧૦૦ની પાંચ નોટ થઈ જાય, પરંતુ કુલ મૂલ્ય એ જ રહે છે
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

આપણે તો પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે દીકરો પરણે કે તરત નવા ઘરમાં શિફ્ટિંગ કરાવી દેવું, સાથે રહીએ તો સાસુ-વહુના કે જેઠાણી-દેરાણીના કે નણંદના વિવાદ થાયને! પહેલેથી જુદા કરી દીધા હોય તો કોઈ ખટપટ નહીં, ઝઘડા કરીને છૂટા થવા કરતાં પહેલેથી જ સમજણપૂવર્‍ક સ્વીકારીને છૂટા રહેવું બહેતર છે...

આવા સંવાદો આપણા સમાજમાં હવે કૉમન થવા લાગ્યા છે. સમાજમાં અનેક પરિવારોમાં વિભાજન થઈ રહ્યાં છે એ સાચી વાત, પરંતુ હવે આ વિભાજન વિવાદને બદલે સંવાદ અને સમજણથી થઈ રહ્યાં છે એ સારી વાત છે. સમાજનું આ પરિવર્તન ચાહો કે ન ચાહો, આવકાર્ય છે. કમસે કમ એમાં વિભાજન પહેલાં કે બાદ વિવાદ નહીં પણ વિધેયાત્મકતા (પૉઝિટિવિટી) છે.

સમાજમાં એક જબરદસ્ત પરિવર્તન શરૂ થયું છે જેને પરિણામે સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે એવું કહેવા કરતાં સંયુક્ત પરિવારો બે કે ત્રણ પરિવારમાં વિભાજિત થઈને એક થઈ રહ્યા હોવાનું પણ કહી શકાય. અર્થાત્ સાથ-સાથ ફિર ભી દૂર અને દૂર-દૂર ફિર ભી સાથ-સાથ. આટલું વાંચીને જો તમને હજી કોઈ મૂંઝવણ હોય તો ઝટપટ સ્પક્ટતા કરી દઈએ.

વિવાદને બદલે સંવાદથી વિભાજન

આપણા સમાજમાં હવે એક નવો કન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે. ખરેખર તો આને નવો નહીં પણ જુનો કહેવો વધુ સાર્થક છે. અગાઉ પરિવારનાં વિભાજન થતાં ત્યારે એના મૂળમાં વિવાદ-ઝઘડા-કંકાસ રહેતા હતા. હવે આ વિભાજન સ્વેચ્છાએ, પ્રેમથી-સ્નેહપૂવર્‍ક થઈ રહ્યાં છે. માતા-પિતા અગાઉ પોતાનાં સંતાનોને પરણાવવાની જવાબદારી પોતાના હસ્તક રાખતા હતા. હવે તો મોટા ભાગે દીકરો પોતાની જીવનસાથી - પત્ની પોતે જ શોધી લે છે તેથી માતા-પિતાની આ ચિંતા કે જવાબદારીનો મહદંશે અંત આવી ગયો છે.

અમુક કિસ્સામાં તો મા-બાપ ઇચ્છે પણ છે કે દીકરો પોતે જ પોતાની મનગમતી છોકરી શોધી લે, કારણ કે હવે આમ પણ અરેન્જ્ડ મૅરેજ માટે પાત્ર શોધવાનું કઠિન બની રહ્યું છે, જોકે આ સમસ્યા યુવતીઓને વધુ સતાવી રહી છે.

હવે મા-બાપ-વડીલો દીકરા કે દીકરાઓ માટે નવું ઘર લેવાની ચિંતા વધુ કરવા લાગ્યાં છે. તેમનું ફોકસ પણ હવે આ જ વાત પર રહે છે. લવ-મૅરેજ હોય કે અરેન્જ્ડ મૅરેજ હોય; આ બાબત જેમને આર્થિક દ્રષ્ટિએ પોસાય છે તેમને લાગુ પડે છે, બાકી જેમને નવું ઘર લેવું પોસાતું નથી તેમની પાસે તો કોઈ વિકલ્પ જ નથી. એમ છતાં આવો વર્ગ પણ હવે મમ્મી-પપ્પા સાથેના પરિવારમાં રહેવાને બદલે બની શકે તો ભાડાનું ઘર લઈને પણ જુદા રહેવાનું પસંદ કરે છે. એનું કારણ સ્પક્ટ છે. હવેના સમયમાં મોટા ભાગની યુવતીઓને સંયુક્ત પરિવારમાં રહેવું હોતું નથી. મજબૂરીથી રહેવું પડે એ જુદી વાત છે. અન્યથા દરેકને મારે પણ એક ઘર હોય જેવી મહેચ્છા હોય છે.

દરેકની પોતાની શૈલી અને સ્પેસ

દરેક જમાનામાં બે પેઢી વચ્ચે વૈચારિક અંતર તો મોટા ભાગે હોય જ છે, જે હવે વધી રહ્યું છે. જોકે એથી પણ વધુ જીવનશૈલી બદલાઈ રહી છે. દરેકને નવા જમાનાની જીવનશૈલી પ્રમાણે સ્વતંત્રતા જોઈએ છે. હા, આ સ્વતંત્રતાની વ્યાખ્યા દરેકની પોતાની છે. પ્રત્યેકને પોતાની આગવી સ્પેસ કે પ્રાઇવસી જોઈએ છે, જેની પણ દરેકની પોતાની વ્યાખ્યા છે. આજનાં નવાં કપલોને પોતાનાં સંતાનોને પોતે ઉછેરવાં છે, રાધર પોતાની રીતે ઉછેરવાં છે. એને કારણે પણ તેઓ સાસુ-સસરાથી દૂર રહેવાનું પસંદ કરે છે. હા, જ્યાં કપલમાં બન્ને જણ વર્કિંગ છે ત્યાં તેમને દાદા-દાદી કે નાના-નાનીની જરૂર પડે છે તેથી થોડુંઘણું ઍડ્જસ્ટ કરી લેવા તૈયાર થાય છે.

દૂર કે જુદા રહીને પણ સાથે

આમ પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય ત્યાં તેમને દાદા-દાદીની જરૂર પણ છે; પરંતુ સાથે રહેવું હવે મુશ્કેલ છે એ સ્વીકારભાવ ગયો, એ જૂના ઍડ્જસ્ટમેન્ટનો સમય પણ ગયો. વિવાદ કોઈ નથી, પણ પહેલેથી જ છૂટા રહેવાય તો વિવાદની શક્યતા પણ ઊગતી ડામી દેવાય એવું માનવામાં આવે છે. આ બધા વચ્ચે નવો માર્ગ છે છૂટા ભલે રહો, વિભાજિત ભલે થાઓ; પણ બીજું ઘર નજીકમાં રાખો. સંભવ હોય તો બાજુમાં કે ઉપર-નીચે જ ઘર લો, સામા મકાનમાં લો કે પછી નજીકના મકાનમાં રાખો એવો અભિગમ ફેલાઈ રહ્યો છે જેથી આમ સાથેના સાથે અને છૂટાના છૂટા પણ ખરા. આ માર્ગે હવે સમાજમાં જૉઇન્ટ ફૅમિલીનો એક નવો જ કન્સેપ્ટ વિકસી રહ્યો છે. વડીલો કે યુવા સંતાનો મૅરેજ બાદ નજીકમાં જ ઘર લેવાનું પસંદ કરવા લાગ્યાં છે. અમારા એક મિત્રને તેમનાં ભાઈ-ભાભી સાથે ઝઘડો કોઈ નહોતો. એમ છતાં એક જ ઘરમાં સાથે નહોતું રહેવું. જોકે બાજુમાં રહેવાની ઇચ્છા જરૂર હતી એટલે તેમણે નવા મકાનમાં ફ્લૅટ લખાવ્યા ત્યારે બન્ને ભાઈઓએ સાથે જ ફ્લૅટ બાજુ-બાજુમાં લીધા. એમાં હવે ગૅલેરી કૉમન છે. એકબીજાના ઘરમાં જવા માટે બેલ મારવી પડતી નથી. એમ છતાં બન્નેનાં રસોડાં જુદાં છે. બન્ને પરિવાર પાસે સ્પેસ છે, પોતાની જીવનશૈલી-પોતાની સ્વતંત્રતા છે. ક્યારેક રસોડાં જુદાં હોવા છતાં કોઈના પણ એકના ઘરની રસોઈ બન્ને ઘરના પરિવાર માણે છે. વાર-તહેવારે કે સુખ-દુ:ખમાં સતત સાથ પણ છે.

આજના સમયનો સુમેળભર્યો માર્ગ

ઘણી વાર સંતાનો પોતે પણ ઇચ્છે છે કે તેમનાં મમ્મી-પપ્પા પોતાની રિટાયર્ડ લાઇફ પોતાની રીતે જીવે, તેમણે પોતાનાં સંતાનોની જવાબદારીમાં ખેંચાતાં રહેવું ન પડે. અન્યથા ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે પહેલાં પોતાનાં સંતાનોને મોટાં કરો અને પછી એ સંતાનોનાં સંતાનોની પણ સંભાળ રાખો ને તેમને પણ મોટાં કરો. આ સમય પણ હવે જવા લાગ્યો છે. દરેકને પોતાની સ્પેસ, પોતાની શૈલી, પોતાની ફ્રીડમ જોઈએ છે. નિવૃત્ત-વયોવૃદ્ધ મમ્મી-પપ્પાના સૂવાના-ઊઠવાના સમય જુદા છે, તેમની ટીવી-સિરિયલોની ચૉઇસ પણ જુદી છે. ખાવા-પીવાની હૅબિટ-પસંદગી પણ ભિન્ન છે. યુવાન દીકરા-વહુનાં ટાઇમિંગ-ચૉઇસ જુદાં છે તેથી બન્નેને પોતાની લાઇફ પોતાના મિજાજ પ્રમાણે જીવવી છે. જોકે બન્ને પરિવારો નજીક છે તો સુખ-દુ:ખમાં એકબીજાને હૂંફ છે, ટેકો છે, આશરો છે. બન્ને પેઢી- બન્ને પરિવાર વચ્ચે એક વાજબી અંતર છે છતાં બન્ને વચ્ચે સુમેળ છે. એકબીજાનો ભાર નથી બલ્કે હળવાશ છે. આવા પરિવારોમાં બે કે ત્રણ ભાઈઓ પણ હોય તો તેઓ જુદા-જુદા પણ નજીક-નજીક રહી શકે છે. ઇન શૉર્ટ, પાંચસોની એક નોટ ૧૦૦ની પાંચ નોટ થઈ જાય તો પણ એનું મૂલ્ય એ જ છે. સંયુક્ત અને વિભાજિત પરિવાર વચ્ચેનો આ સુમેળભર્યો માર્ગ આજના સમયનો સુમાર્ગ છે. જ્યાં વિવાદ વિનાનું વિભાજન છે ત્યાં સંવાદ સાથેનું સંયોજન છે. વાસ્તવિકતા સ્વીકારવામાં દરેક માટે સાર હોય છે. અલબત્ત, આર્થિક મર્યાદાને કારણે આમ કરવું કે પામવું હજી દરેક માટે સંભવ નથી; પરંતુ આ એક વિધેયાત્મક વિચાર ખૂલ્યો છે જે પરિવારો વચ્ચેના સુમેળને વધુ સાર્થક કરી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK