રાજ્ય સરકારને સપોર્ટ પર સસ્પેન્સ

Published: 10th November, 2014 05:40 IST

શિવસેનાપ્રમુખે BJPને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું : જોકે શિવસેનાની વેઇટ ઍન્ડ વૉચની નીતિ પાછળ મુંબઈ સહિત ૩ સુધરાઈમાં સત્તા બચાવવાની ગણતરી
રવિકિરણ દેશમુખ


શિવસેનાએ વેઇટ ઍન્ડ વૉચની નીતિ અપનાવવાની જાહેરાત કરી એને કારણે મહારાષ્ટ્રમાં BJPની નવી માઇનૉરિટી સરકારને વિશ્વાસના મત વખતે કઈ પાર્ટી સપોર્ટ કરશે એનું સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. દિવસભર પોતાની પાર્ટીના નેતાઓ સાથે બંધબારણે મીટિંગોના દોર બાદ ગઈ કાલે સાંજે પ્રેસ-કૉન્ફરન્સમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે BJP પહેલાં NCP સાથેના એના સંબંધોની સ્પષ્ટતા કરે ત્યાર બાદ NCPના વલણના આધારે શિવસેના નક્કી કરશે કે દેવેન્દ્ર ફડણવીસની સરકારને સપોર્ટ આપવો કે કેમ?

NCP પર વાર

શરદ પવારની NCPએ જાહેર કર્યું હતું કે વિધાનસભામાં વિશ્વાસના મત વખતે પાર્ટી નવી સરકાર વિરુદ્ધ મતદાન નહીં કરે. એને પગલે શિવસેનાએ BJPને બે દિવસમાં એ નક્કી કરી લેવાનું કહ્યું છે કે તમે જ ચૂંટણીપ્રચારમાં ગાઈ-વગાડીને જેને નૅચરલી કરપ્ટ પાર્ટીનું બિરુદ આપ્યું હતું એ શરદ પવારની પાર્ટીનો સપોર્ટ જોઈએ છે કે બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વવાદી શિવસેનાનો?

સુધરાઈમાં સત્તા પર જોખમ

જોકે શિવસેના હજીયે કેન્દ્રમાં BJPના નેતૃત્વ હેઠળના કેન્દ્રમાં સત્તારૂઢ નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સમાંથી ખસી જતાં અચકાઈ રહી હોવાથી નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં શિવસેનાના ક્વોટાના મિનિસ્ટર અનંત ગીતેને રાજીનામું આપવાનો નર્દિશ નથી કરવામાં આવ્યો. શિવસેનાએ વેઇટ ઍન્ડ વૉચનો આ વચલો માર્ગ અપનાવ્યો એનું કારણ એ માનવામાં આવે છે કે જો રાજ્યમાં અને કેન્દ્રમાં પણ BJP સાથેના સંબંધોનો સંપૂર્ણ અંત લાવવામાં આવશે તો તરત જ મુંબઈ, થાણે અને ઔરંગાબાદ સુધરાઈમાં શિવસેનાના શાસન પર જોખમ ઊભું થશે.

કેન્દ્રમાંથી કેમ ખસવું?

શિવસેનાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે કેન્દ્રમાં મોદી સરકારની કૅબિનેટનું વિસ્તરણ થયું એમાં પાર્ટીએ બે કૅબિનેટ અને એક રાજ્યકક્ષાના મિનિસ્ટરની બર્થની માગણી કરી હતી. જોકે આખરે એક કૅબિનેટ અને એક રાજ્યકક્ષાના મિનિસ્ટરની જ ખુરસી મળવાનું સ્પષ્ટ થયું એટલે શિવસેનાએ દિલ્હી ઍરપોર્ટ પરથી જ તેના મિનિસ્ટરિયલ કૅન્ડિડેટ અનિલ દેસાઈને પાછા મુંબઈ આવી જવાનો આદેશ આપ્યો હતો. જોકે શિવસેનાના ભૂતપૂર્વ નેતા સુરેશ પ્રભુએ BJP જૉઇન કરીને કૅબિનેટ મિનિસ્ટર તરીકેના શપથ લીધા હતા.

એકનાથ શિંદે ગ્રુપ-લીડર

મહારાષ્ટ્ર સરકારને સપોર્ટ સંબંધી જાહેરાત કરતાં પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના વિધાનસભ્યો સાથે ચર્ચા કરીને તેમના વિશ્વાસુ એકનાથ શિંદેને વિધાનસભામાં પાર્ટીના ગ્રુપ-લીડર તરીકેની જવાબદારી આપી હતી. આથી એ પણ સ્પષ્ટ થયું છે કે જો બુધવારે વિધાનસભામાં BJPની સરકારના વિશ્વાસના મત વખતે શિવસેના મતદાનથી દૂર રહેશે કે વિરોધમાં મત આપશે તો એકનાથ શિંદે વિરોધ પક્ષના નેતા બનશે. ઉદ્ધવે કહ્યું હતું કે ‘જો BJP શરદ પવારની પાર્ટીનો સપોર્ટ મેળવવાની દિશામાં આગળ વધતી દેખાશે તો શિવસેના સરકારની વિરોધમાં મત આપતાં નહીં અચકાય.’

NCP ક્યાં દાવ રમી?

ખરેખર તો વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ તરત જ BJPની સરકારને બિનશરતી અને બહારથી ટેકો આપવાની જાહેરાત કરીને NCPએ મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં BJPની સરકાર પાસે શિવસેનાના બાર્ગેનિંગ પાવરનો ફ્યુઝ ખેંચી લઈને જબરો પૉલિટિકલ દાવ ખેલ્યો હતો. શરદ પવારની પાર્ટીના આવા દાવથી રોષે ભરાયેલા ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે NCP પર તૂટી પડ્યા હતા અને કહ્યું હતું કે ‘ઇશરત જહાંના મુબ્રાના ઘરે પવારની પાર્ટીના વિધાનસભ્યો ગયા હતા. ખુદ શરદ પવારે જ દેશમાં પહેલી વાર ભગવો આતંકવાદ એવો શબ્દ ઉચ્ચાર્યો હતો એથી શિવસેના રાજ્યના લોકો સાથે દગો કરીને હિન્દુત્વને ખતમ કરવા માગતી કોઈ ફોર્સિસને મજબૂત કરવાનું સપનેય નહીં વિચારે.’

સત્તા માટે ઘાંઘા નથી

પોતાની પાર્ટી હજીયે કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ ધરાવે છે એ હકીકતને અવગણીને શિવસેનાપ્રમુખે કહ્યું હતું કે અમે સત્તા માટે ઘાંઘા નથી થયા. કેન્દ્રમાં કૅબિનેટના વિસ્તરણમાં હામી ન ભરવાના નિર્ણયનો બચાવ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રાજ્ય સરકારનો પ્રશ્ન લટકતો રાખીને કેન્દ્રીય કૅબિનેટમાં સામેલ થવાનું અયોગ્ય કહેવાય.

પાર્ટી તૂટશે?

રાજ્યમાં શિવસેનાએ આવું વલણ લીધું એનું એક કારણ એ પણ છે કે પાર્ટીના કેટલાક નેતાઓ સત્તાથી દૂર રહેવાના પાર્ટીના નિર્ણયથી નિરાશ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના શિવસૈનિકો સરકારમાં શિવસેના સામેલ નથી થવાની એવું લાગતાં ખૂબ જ નારાજ છે અને એવી અટકળો પણ થઈ રહી છે કે કેટલાક વિધાનસભ્યો કદાચ સત્તા માટે પાર્ટી છોડી જશે.

ફડણવીસની પ્રતિક્રિયા

ગઈ કાલે કેન્દ્રીય કૅબિનેટના વિસ્તરણમાં હાજર રહેલા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાની આ સમારોહમાં ગેરહાજરી વિશે કહ્યું હતું કે ‘પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ નિમંત્રણ આપ્યું હોવા છતાં શિવસેનાના સંસદસભ્ય અનિલ દેસાઈ સેરેમનીમાં ગેરહાજર રહ્યા એ કમનસીબ હતું. ખુરસી અને મિનિસ્ટ્રીની ચર્ચાનો એ સમય નહોતો.’                    

શિવસેનાએ વડા પ્રધાન પર વિશ્વાસ રાખવો જોઈતો હતો : ફડણવીસ

શિવસેનાના વલણ પ્રત્યે દુખ વ્યક્ત કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાને જે કેન્દ્રીય પ્રધાનપદ ઑફર કર્યા હતાં એને ઠોકર મારીને શિવસેનાએ યોગ્ય પગલું નથી ભર્યું. ફડણવીસે એવો મત વ્યક્ત કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો રાખીને બીજું બધું હેમખેમ પાર પડશે એવો વિશ્વાસ શિવસેનાએ રાખવો જોઈતો હતો. શિવસેનાના અનિલ દેસાઈને પ્રધાનપદના શપથ લેવા રાષ્ટ્રપતિભવનમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ ગેરહાજર રહ્યા એ દુર્ભાગ્યપૂર્ણ છે.’

ભાગીદારી માટે જે તાત્વિક મુદ્દા છે એના પર ચર્ચા થવી જરૂરી છે; નહીં કે પદ, સંખ્યા કે વિભાગો પર એમ ફડણવીસે ઉમેર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK