ન બોલે તુમ ન મૈંને કુછ કહા

Published: Nov 10, 2014, 05:39 IST

સંજીવ કપૂરની ફિલ્મ કોશિશ અને નાના પાટેકરની ખામોશી તો રીલ લાઇફમાં હતી, રિયલ લાઇફમાં પણ એવાં દંપતી છે જે બોલી કે સાંભળી નથી શકતાં અને તોય એક હૅપી મૅરિડ કપલની જેમ રહે છે
સ્પેશ્યલ સ્ટોરી - અજબ પ્રેમ કી ગજબ કહાની - કૃપા પંડ્યા


ઘરમાં સવાર-સાંજ પતિ-પત્ની વચ્ચે... ‘અરે સાંભળો છો... આ તો મારું કંઈ સાંભળતા જ નથી...’ અથવા ‘આ મારી વાઇફ કેટલુંબધું બોલે છે... ભગવાન આને ક્યારેક ચૂપ બેસાડ...’ જેવા અનેક સંવાદોની આપ-લે થતી હોય છે, પણ જે પતિ-પત્ની બોલી કે સાંભળી નથી શકતાં તેમના સંવાદોની આપ-લે કેવી રીતે થતી હશે?

રાહુલ અને મેદની પણ આવા જ દંપતી છે જે એકબીજા સાથે નૉર્મલ દંપતીની જેમ વાત નથી કરતાં. એકબીજાના દિલની વાત તેઓ હાથના ઇશારાથી અથવા લિપ-રીડિંગની મદદથી કરે છે. ફોન દ્વારા તેમને કંઈ પણ જણાવવું હોય તો તેમને મેસેજ દ્વારા જણાવવું પડે છે. આ બન્નેને પોતાના પગ પર ઊભાં રાખવામાં તેમનાં માતાપિતાનો ઘણો મોટો ફાળો છે. પોતાના બાળકને સંભાળી શકે અને તેને ખુશ રાખી શકે એ માટે તેના જેવું પાત્ર પસંદ કરવું એ ઘાસમાં સોય શોધવા જેટલું અઘરું કામ છે.

જન્મથી જ હતી આ તકલીફ

રાહુલ લુથરા તેનાં મમ્મી-પપ્પાનું પહેલું સંતાન છે. તેને એક બહેન છે, પ્રિયંકા. રાહુલ જન્મથી જ સાંભળી કે બોલી નહોતો શકતો. તેના પપ્પા કહે છે, ‘અમારા ઘરે પહેલું બાળક હતું એટલે અમે ઘણાં ખુશ હતાં, પણ પછી અમને ધીરે-ધીરે ખબર પડી કે અમારું બાળક કોઈ પણ અવાજને રિસ્પૉન્સ નથી આપતું. ત્યારે અમે ચેમ્બુર રહેતાં હતાં. અમે એ વખતે બૉમ્બેના દરેકેદરેક ENT સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પાસે રાહુલને લઈને જતા. એવામાં કોઈકે અમને ENT ડૉક્ટર રમેશ ઓઝાનું નામ સજેસ્ટ કર્યું. અમે તેમની પાસે ગયાં. તેમણે રાહુલના કાનનો ઑડિયોગ્રામ કાઢ્યો (ECGની જેમ નીકળે). એમાં રાહુલની ૯૫ ટકા ડેફિશ્યન્સી આવી. રાહુલનો કાનનો પડદો સુકાઈ ગયો હતો. ઑપરેશન કરવાની વાત આવી, પણ ડૉક્ટરે કહ્યું કે ઑપરેશન કરીને કોકલિયરઇન પ્લાન્ટ બેસાડવું પડશે. આ એક એવું ઇન્સ્ટ%મેન્ટ છે જે કાનની અંદર બેસાડવામાં આવે છે. એ બેસાડી શકાય, પણ એ ઑપરેશન સક્સેસ જાય કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી એટલે અમે વિચાર્યું કે દુનિયામાં ઘણાં બધાં બાળકો છે જેઓ સાંભળી કે બોલી નથી શકતાં. પછી અમે ઑપરેશન ન કર્યું અને કાનમાં શ્રવણ-યંત્ર લગાવવાનું નક્કી કરીને સાથે ફિઝિયોથેરપી આપવાનું વિચાર્યું.’

રાહુલ રમેશ ઓઝાની સ્કૂલમાં દસમા ધોરણ સુધી ભણ્યો, પણ તે આગળ ભણી ન શક્યો. તેનો કમ્પ્યુટરમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો એટલે પપ્પાએ તેને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ઍનિમેશન, ઑટો કૅડ જેવા કોર્સ કરાવડાવ્યા. કોર્સ કર્યા પછી બાંદરાની એક કંપનીમાં તેણે ઇન્ટરવ્યુ આપ્યો અને ત્યાં તે સિલેક્ટ થઈ ગયો. ૧૯૯૩થી રાહુલ ત્યાં કામ કરે છે.

તાવને લીધે જતી રહી શ્રવણશક્તિ

મેદનીનો જન્મ નયન શાહ અને અનીશા શાહના ઘરે ૧૯૮૦ની ૧ જૂને થયો. મેદની જ્યારે જન્મી ત્યારે તેને કોઈ પ્રૉબ્લેમ નહોતો. મેદની તેમની મોટી દીકરી છે. તેમને અભિષેક નામનો એક દીકરો પણ છે. મેદની ૯ મહિનાની થઈ ત્યારે તેને અચાનક તાવ આવી ગયો હતો અને તાવને લીધે તેની શ્રવણશક્તિ જતી રહી હતી. અનીશા શાહ એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘અમે ત્યારે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હતાં. મેદનીને તેના કાકા પાસે મૂકીને અમે બહારગામ ગયાં હતાં. ત્યાંથી આવ્યાં ત્યારે મારા જેઠે કહ્યું કે મેદની કોઈ પણ અવાજનો રિસ્પૉન્સ નથી આપતી એટલે અમે મેદનીને ENT ડૉક્ટર પાસે લઈ ગયાં. એમાં અમને ENT સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પુલાસકરે જર્મનીમાં જઈ બધાં ટેસ્ટિંગ કરાવવા કહ્યું. અમે જર્મની ગયાં અને ત્યાં જઈ બધાં ટેસ્ટિંગ કરાવ્યાં ત્યારે ખબર પડી કે મેદનીના કાનની નસ ડૅમેજ થઈ ગઈ છે. અમે ત્યાંથી જ બન્ને કાન માટે શ્રવણયંત્ર લઈને આવ્યા. એ પછી અમે મેદનીને નેપિયન સી રોડ પર આવેલા ઈયર્સ સેન્ટર પર ૩ વર્ષ સુધી ટ્રેઇનિંગમાં મોકલી. એ પછી બૉમ્બે સેન્ટ્રલ પર આવેલી એક ઇન્સ્ટિટ્યૂટમાં અને ૫-૬ વર્ષ સુધી શ્રવણયંત્ર લગાવીને કેવી રીતે વાત કરવી એ અને બોલવાની સ્પીચ કેવી હોવી જોઈએ એની ટ્રેઇનિંગ આપતાં રહ્યાં. ત્યાં તેની સ્પીચ ઘણી સારી થઈ ગઈ હતી એટલે પછી મેદનીને પાંચમા ધોરણથી કોલાબાની સેન્ટ ઍન્સ ગલ્ર્સ સ્કૂલમાં મૂકી. ત્યાં તે દસમા ધોરણ સુધી ભણી અને પછી નિર્મલા નિકેતનથી હોમ સાયન્સનો ત્રણ વર્ષનો કોર્સ કર્યો. એ પછી તેણે સોફિયા કૉલેજમાં પૉલિટેક્નિક અને ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કર્યું. કોર્સ પૂરો થયા પછી નોકરી માટે અમે અપ્લાય કરવા લાગ્યાં. એમાં તેને એક મિત્ર દ્વારા પરેલના ઝેબા ડિઝાઇન સ્ટુડિયોમાં નોકરી મળી ગઈ, જ્યાં તે છેલ્લાં ૭ વર્ષથી નોકરી કરી રહી છે.’

રાહુલને મળી મેદની

રાહુલના ઘણા મિત્રો હતા. તે જે સ્કૂલમાં ભણતો હતો ત્યાં મિત્રોનું એક ગ્રુપ તૈયાર થઈ ગયું હતું. ધીરે-ધીરે તેના બધા મિત્રોનાં લગ્ન થવા લાગ્યાં અને બધાનાં લગ્નમાં અને એની પાર્ટીઓમાં રાહુલ જતો. ત્યાં એક દિવસ રાહુલના મિત્રની પત્નીએ મેદનીની મમ્મીને કહ્યું કે અમારા ગ્રુપમાં એક છોકરો છે જે મેદનીની જેમ સાંભળી શકતો નથી. આ વાતને વાગોળતાં અનીશા શાહ કહે છે, ‘બન્ને ગેટ-ટુગેધરમાં મળ્યાં હતાં. મેદની અને રાહુલ કૉમન ફ્રેન્ડ્સ છે એટલે પછી અમે તેમને ફોન કર્યો અને અમે ભેગાં મળ્યાં. પંજાબી ઘર હતું એટલે મેદનીને થોડો ડર લાગતો હતો. તેણે અમારી પાસે ત્રણ મહિનાનો સમય માગ્યો. ત્રણ મહિના સુધી મેદની તેમના ઘરે આવતી-જતી હતી. ત્રણ મહિનામાં મેદનીને રાહુલ અને તેના ઘરવાળા ગમી ગયા અને પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.’

રાહુલની મમ્મી નીલમે જ્યારે મેદનીની મમ્મીને ફોન કર્યો હતો ત્યારે તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો અને ૬ મહિનાનો સમય માગ્યો હતો. એનું કારણ આપતાં નીલમ કહે છે, ‘મને મેદનીની મમ્મીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે અમને રાહુલ વિશે ખબર પડી છે અને અમારી દીકરી છે રાહુલ જેવી જ એટલે અમે તમને મળવા માગીએ છીએ, પણ મારી સાસુ બીમાર હોવાથી મેં તેમને એ વખતે મળવાની ના પાડી હતી. ૬ મહિના પછી મેં તેમને ફોન કર્યો અને અમારા ઘરે બોલાવ્યાં હતાં. તેઓ અમને મળીને ઘણા ખુશ હતા. એ પછી અમે પણ તેમના ઘરે ગયા. તેમની દીકરીને મળીને અમને પણ આનંદ થયો હતો. તેમની દીકરી અમને ગમી ગઈ અને ત્યાર બાદ અમે તેમને હા પાડી હતી.’

લગ્નને પૂરાં થશે બે વર્ષ

રાહુલ અને મેદનીનાં લગ્ન ૨૦૧૩ની ૨૦ જાન્યુઆરીએ થયાં હતાં. તેમનાં લગ્નને ૨૦૧૫માં બે વર્ષ પૂરાં થશે. જોકે અત્યારે બન્નેનું લગ્નજીવન એકદમ નૉર્મલ ચાલી રહ્યું છે. રાહુલ અને મેદની રોજ સવારે એકલાં ઑફિસ જાય છે. રાહુલ બાંદરા અને મેદની લોઅર પરેલ જાય છે. બન્ને એકમેક સાથે લિપ્સ-મૂવમેન્ટ અને હાથના ઇશારાથી વાત કરે છે. મેદનીની બોલવાની સ્પીચ રાહુલ કરતાં ઘણી સારી છે, પણ તે માત્ર અંગ્રેજીમાં જ બોલે છે. બીજી કોઈ ભાષા તેને આવડતી નથી. મેદની સાંજે ઑફિસથી આવી સાસુને રસોડામાં મદદ કરે છે. હવે રાહુલ અને મેદની ફૅમિલી પ્લાનિંગ પણ કરી રહ્યાં છે.

રાહુલ કમ્પ્યુટરમાં માસ્ટર છે. તેને કમ્પ્યુટરનું ઘણું નૉલેજ છે. મેદની થાળી-ડેકોરેશન અને રંગોળી માટે ફેમસ છે. એ સિવાય મેદની સ્વિમિંગમાં પણ ચૅમ્પિયન છે. તેને સ્વિમિંગમાં ઘણાં સર્ટિફિકેટ મળ્યાં છે. એ સાથે સ્ર્પોટ્સ અને આર્ટમાં પણ ઘણાં સર્ટિફિકેટ્સ મળ્યાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK