દાઉદને લાવવાનું કામ સહેલું હોય તો બ્લૅક મનીને લાવવાનું કામ તો એકદમ ઈઝી ગણાય

Published: 8th November, 2014 06:22 IST

બ્લૅક મનીનો જે પૉઇન્ટ અત્યારે આખા દેશમાં નરેન્દ્ર મોદીએ પ્રસરાવી દીધો છે એને બધા ગાઈવગાડીને દેખાડી રહ્યા છે, પણ મને તો આ મુદ્દો માર્કેટિંગનો લાગે છે. BJPનો આ પ્રોપેગૅન્ડા છે.


(સ્પેશ્યલ કમેન્ટ-ઇમ્તિયાઝ પટેલ રાઇટર-ડિરેક્ટર)

 આ પ્રકારની વાતો કરીને એની ઇચ્છા જે કોઈ સ્ટેટની વિધાસનભામાં BJPની સરકાર નથી એ તમામ સ્ટેટમાં BJPની સરકાર લાવવાની છે એવું કહીએ તો એમાં કંઈ ખોટું નથી. બાકી કાળું નાણું દેશમાં પાછું આવે એ વાતમાં મને તો કોઈ ભલી વાર નથી લાગતો. આવે તો-તો સારું જ છે. એનાથી દેશને જ લાભ થવાનો છે, પણ અત્યારે તો એ બ્લૅક મની પાછું લાવવાની વાતનો ફાયદો નરેન્દ્ર મોદી અને ગ્થ્ભ્ને થઈ રહ્યો છે.


હું માનું છું કે વાયદો આપવો અને વાયદો પાળવો આ બન્ને વચ્ચે બહુ ફરક છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતની જે સમિટ થતી રહી છે એમાં કેટલા હજારો-કરોડોનાં MOU સાઇન થયાં? MOU સાઇન થવાં એ વાયદો થયો. હવે મને કહો કે એ વાયદાઓમાંથી કેટલી ઇન્ડસ્ટ્રીઓ સાચેસાચી ગુજરાતમાં શરૂ થઈ? એક ટકા, બે ટકા, ત્રણ ટકા? જો એ MOU મુજબની ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં આવી ગઈ હોય તો-તો આજે ગુજરાતને ચાર ચાંદ લાગી ગયા હોત, પણ એવું નથી થયું. ગુજરાતને રોલમૉડલ દેખાડવાનો એ એક પ્રોપેગૅન્ડા હતો અને એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હું એ વાત સાથે સહેજ પણ સહમત નથી કે ગુજરાતમાં જે વિકાસ થયો છે એ આખા દેશમાં સૌથી વધુ છે. ના, સહેજ પણ નહીં. ગુજરાત કરતાં પણ મહારાષ્ટ્રમાં વધુ વિકાસ થયો છે અને આ વાત આંકડાકીય રીતે પણ પ્રૂવ થઈ શકે છે. એમ છતાં ગુજરાત રોલમૉડલ સૌથી વધારે ચગ્યું. કયા કારણે? માર્કેટિંગ.


બ્લૅક મનીને ક્યાં રડવાનું છે. દાઉદ ઇબ્રાહિમને જ જુઓને. દાઉદ ઇબ્રાહિમ આજે પાકિસ્તાનમાં છે એ વાત જગતભરને ખબર છે અને બધાને ખબર છે કે પાકિસ્તાન ગવર્નમેન્ટ તેને પૂરો સર્પોટ કરી રહી છે. એમ છતાં આપણે દાઉદ પાછો લાવી નથી શકતા. એવું જ બ્લૅક મનીનું છે. બ્લૅક મની સ્વિસ બૅન્કમાં છે એ આપણને બધાને ખબર છે, પણ એ આપણે પાછું નથી લાવી શકવાના એ પણ એટલી જ સત્ય હકીકત છે. જો દાનત હોય તો પણ એ પાછું લાવવાનું કામ સહેલું નથી. શું તમે એવું માનો છો ખરા કે દેશના તમામ ઉદ્યોગપતિઓ દૂધે ધોયેલા છે અને તેમના પૈસા સ્વિસ બૅન્કમાં નથી પડ્યા? શક્ય જ નથી અને જો એ લોકોના પૈસા ત્યાં પડ્યા હોય તો ચોખ્ખી વાત છે કે ગવર્નમેન્ટ તેમની સાથે કોઈ સંબંધો બગાડી નહીં શકે. સો મૉરલ ઑફ ધ સ્ટોરી, મને તો નથી લાગતું કે બ્લૅક મની પાછું આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK