પુરુષને યુવાનીમાં પોતાની છાતી ને બુઢાપામાં પોતાના પેટ માટે ગૌરવ હોવું જોઈએ

Published: 7th November, 2014 05:23 IST

એકદમ સીધા-ટટ્ટાર ખડા રહીને માથું ઝુકાવી નીચે જુઓ... તમારા પગના પંજા તમને ન દેખાતા હોય તો ચેતી જાઓ બૉસ! તમારું પેટ તમારા કાબૂ બહાર છે
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ


એક અફલાતૂન વાક્ય ઘણા વખત પહેલાં ક્યાંક વાંચેલું : પુરુષને યુવાનીમાં પોતાની છાતી માટે અને બુઢાપામાં પોતાના પેટ માટે ગૌરવ હોવું જોઈએ.

છાતી અને પેટ માટે ગૌરવ? આમાં ગૌરવ લેવા જેવી વાત જ ક્યાં છે? એમાં પણ પુરુષ માટે? સ્ત્રીને પોતાની છાતી-પુષ્ટ સ્તન માટે ગૌરવ લેવા જેવું હોઈ શકે, પણ પુરુષને શાનું ગૌરવ?

છાતી એટલે સાહસ, છાતી એટલે હિંમત, છાતી એટલે મર્દાનગી. ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ પોતાની છપ્પનની છાતી વિશે ભાષણો કર્યા હતાં એ છાતી. છપ્પન ઇંચની છાતી ભાગ્યે જ કોઈ પુરુષને હોય. સામાન્ય રીતે ત્રીસથી ચાળીસ ઇંચની જ છાતી ઍવરેજ પુરુષની હશે. આ ઇંચમાં મપાતી છાતી એ તો સ્થૂળ છાતીની વાત થઈ, બૉડીના એક અંગની વાત થઈ. પુરુષના આરોગ્યની વાત હોય ત્યારે તેની સામાન્ય છાતી અને ફુલાવેલી છાતીની નોંધ કરવામાં આવે છે. પુરુષ ઊંડો શ્વાસ લઈને એ શ્વાસને છાતીમાં ભરી રાખીને (યોગની ભાષામાં કુંભક) પોતાની છાતી કેટલા ઇંચ ફુલાવી શકે છે એ નોંધવામાં આવે છે. છથી દસ ઇંચ સુધી છાતી ફુલાવનારા પુરુષને મર્દ કહેવાય છે. ઇન શૉર્ટ, છાતી શબ્દ શારીરિક અર્થમાં અને હિંમત-સાહસ-મર્દાનગીના અર્થમાં પુરુષનું ગૌરવ બને છે.

એ છાતીની બરાબર નીચેથી પેટનો ઇલાકો શરૂ થાય છે. પેટ કઈ રીતે ગૌરવરૂપ બની શકે?

ફૂલી ગયેલું અને લબડી-લચી પડેલું પેટ કોઈને શોભતું નથી. પેટ પર નિયંત્રણ ન રાખી શકેલો પુરુષ પોતાની બદસૂરતી માટે પોતે જ જવાબદાર ગણાય. આપણાં મોટા ભાગનાં હીરો-હિરોઇનો આ બાબતે જેટલાં અલર્ટ હોય છે એટલા અલર્ટ આપણા પોલીસમેનો નથી હોતા. કેટલાક ફૂલેલા પેટવાળા પોલીસમેનોને નાનું છોકરું પણ પથ્થર મારીને ભાગી જઈ શકે એવું લાગે છે, તે કોઈ ગુંડા-મવાલીને દોડીને શું પકડી શકે? પેટના માપને અને હપ્તાના વ્યાપને સીધો કે આડકતરો નાતો હશે ખરો?

સપ્રમાણ પેટ સૌંદર્યનું અને આરોગ્યનું પ્રતીક છે. વધારે પડતું બેઠાડુ અને આરામપ્રિય લોકોનું પેટ આખરે બગાવત કરીને બહાર નીકળે છે. જે લોકોને કોઈ જવાબદારીનું કે સમયસર વર્તવાનું ટેન્શન નથી હોતું તે લોકોનું પેટ તેમના બેફિકરા સ્વભાવની ગવાહી પૂરે છે. અલબત્ત, પેટના ઘેરાવા માટે સૌથી વધુ જવાબદાર તો ખોરાક જ છે. તળેલું, ગળ્યું અને ઠંડું ખાવા-પીવાનું પેટમાં પધરાવ્યા કરનાર વ્યક્તિનું પેટ પછી તેના કહ્યામાં નથી રહેતું. તળેલી અને ચટપટા મસાલાવાળી વાનગીઓ આહારમાં જેટલી ઓછી હશે એટલું પેટ નિયંત્રણમાં રહેશે. બ્રેડ-પાંઉ, ચીઝ-બટર, કોલ્ડ ડ્રિન્ક્સ અને ખાંડ જેવા પદાર્થો પેટને ખૂબ લાડ કરીને બેફામ બનાવી મૂકે છે. જીભના ચટાકા કરતાં પહેલાં એટલું વિચારવું કે જીભ જેટલા ચટાકા વધુ માણશે એટલી વધારે પનિશમેન્ટ પેટને વેઠવી પડવાની છે. પેટ વ્યક્તિના આરોગ્યનું કેન્દ્રબિન્દુ છે.

તમારું પેટ ફૂલેલું છે કે નહીં એ જાણવું હોય તો અરીસાની જરૂર નથી કે બીજા કોઈને પૂછવાનીયે જરૂર નથી. એ માટે તો એકદમ સીધા-ટટ્ટાર ખડા રહો અને પછી માત્ર  માથું ઝુકાવીને નીચે જુઓ. તમારા પગના પંજા તમને દેખાય છે? જો તમને એ રીતે તમારા પગના પંજા દેખાતા હોય તો યુ આર ઇન સેફ ઝોન. જેમ-જેમ તમારું પેટ ફૂલતું જશે એમ-એમ સીધા ઊભા રહીને તમારા પગના પંજા જોવાની તમારી ક્ષમતા ઘટતી જશે. એમ થતું હોય તો બી અલર્ટ, યુ આર ઇન ડેન્જર ઝોન.

ઘણા લોકો એવું માને છે કે ભોજનનું પ્રમાણ પેટના ઘેરાવા માટે જવાબદાર છે એ વાત તદ્દન ખોટી અને બેબુનિયાદ છે. ભોજનના પ્રમાણ પર નહીં, ભોજનના પ્રકાર પર પેટના ઘેરાવાનો આધાર છે. ચરબી વગરનું તમે ગમે એટલું ખાઓ, કોઈ ફરક નહીં પડે. ઘણા લોકોનો આહાર સાવ જ ઓછો હોય છે છતાં તેમનાં પેટ ઢમઢોલ હોય છે અને ઘણા લોકોનો આહાર અધધધ હોવા છતાં તેમનાં શરીર સાવ માયકાંગલાં હોય છે. ખોરાકનો જથ્થો નહીં, ખોરાકની જાત પેટનો ઘેરાવો વધારે છે અથવા ઘટાડે છે. કોઈ પણ અનાજના લોટમાંથી બનેલી વાનગીઓ ઓછી ખાવાથી પેટ પર કાબૂ જળવાઈ રહે છે. રોટલી, પૂરી, ભાખરી વગેરે આપણા પેટને ખાસ્સું બહાર ખેંચી કાઢે છે.

શક્ય હોય તો જમતાં પહેલાં ભરપૂર સૅલડ ખાવું જોઈએ. રાંધ્યા વગરની વસ્તુ તમે ગમે એટલી ખાઓ તો કશો વાંધો ન આવે. કાચાં શાકભાજી, ફળો ભરપૂર ખાઈ શકાય. જોકે ઘણા લોકો સૅલડને પણ વઘારીને ટેસ્ટી બનાવે છે કાં તો એમાં નમક વગેરે મસાલા નાખે છે. એને કારણે બ્લડ-પ્રેશર જેવી બીમારીઓને ઇન્વિટેશન પહોંચી જાય છે. ઘણા લોકો કાચાં ફ્રૂટ્સ ખાવાને બદલે એનો જૂસ બનાવીને પીએ છે. જૂસ બનાવો એનો વાંધો નહીં, પ્ાણ એમાં શુગર બિલકુલ ન નાખો અને એને ફ્રીઝ કરીને ન પીઓ. રાત્રે સૂર્યાસ્ત પછી કદી ન જમો (જૈનો ચોવિહાર કરે છે એમ). પગને સતત દોડતા રાખો. આટલું કરો તો પેટની મજાલ નથી કે એ બેફામ બનીને બહાર નીકળે.

બી અલર્ટ

પોતે કદરૂપાં લાગવાનું કોઈ પણસ્ત્રી કે પુરુષને પસંદ નથી હોતું. પોતાનું શરીર અનેક રોગોનું પર્મનન્ટ ઍડ્રેસ બન્ને એવું પણ કોઈ ઇચ્છતું નથી હોતું. પોતાની ચરબીગ્રસ્ત અને વિકૃત કાયાની માયા તો કોને હોય? ભારે શરીર સાથે એક-બે કલાક ઊભા રહેવાનું કે ચાલવાનું બને તો અશક્ય બની જાય એ કંઈ સારી વાત નથી. પિસ્તાળીસ-પચાસની ઉંમર પછી જ આહાર-આરામની ડિસિપ્લિન કેળવવી જોઈએ એવું નથી. શરૂથી જ એ માટે સભાનતા-સજ્જતા કેળવવી જોઈએ. આપણું પેટ એવું હોય જેના માટે આપણે ગૌરવ લઈ શકીએ. પુખ્ત પુરુષના પેટનો ઘેરાવો ત્રીસથી છત્રીસ ઇંચનો હોવો જોઈએ. એથી વધારે કે ઓછો હોય તો બી અલર્ટ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK