પતિ-પત્ની એક જ પ્લેટમાંથી જમે તો પ્રેમ વધે?

Published: 7th November, 2014 03:13 IST

લગ્નનાં ૫થી ૨૫ વર્ષ પછી પણ એકસાથે એક જ પ્લેટમાં જમતાં ચાર કપલને મળીએ ને જાણીએ કે આ એક આદત કે ઇચ્છાએ તેમની મૅરેજ-લાઇફમાં કેવો સ્પાર્ક ઉમેર્યો છે
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

પ્રેમ અને સંબંધો કુમળા છોડ જેવા હોય છે. એને સતત માવજતની જરૂર પડે છે. જેમ છોડને પાણી પાતા રહીએ તો જ એ ખીલે એમ સંબંધોમાં પણ સતત હૂંફ, કૅર, લાગણી, નિષ્ઠા અને સમયનું સિંચન કરતા રહેવું પડે છે. એમ ન કરીએ તો બની શકે કે સંબંધોનાં પણોર્ અકાળે પાનખરનો અનુભવ કરે. સંબંધોને મૂરઝાવા નહીં દેવાની જવાબદારી એ સંબંધમાં સામેલ બન્ને વ્યક્તિની છે. અન્ય બધા સંબંધો કરતાં સૌથી વધુ ગાઢ અને ઓતપ્રોત થઈ જવાનો અને બન્નેની જરૂરિયાતોથી જોડાયેલો સંબંધ છે પતિ-પત્નીનો સંબંધ. જીવનભરનો સંબંધ હોવાને કારણે આ સંબંધમાં કેટલી માવજતની જરૂર પડતી હશે એ સમજી શકાય એમ છે. અત્યારની ઝડપી અને જવાબદારીને પહોંચી વળવાની દોડમાં પતિ-પત્ની એકબીજાને પૂરતો સમય આપી નથી શકતાં. અનેક પ્રકારનાં કર્તવ્યોના બોજા તળે આપસી પ્રેમ તો ક્યાંક ઉડનછૂ થઈ જતો હોય છે. જોકે કેટલાંક કપલો એવાં છે જે તેમની બીબાઢાળ જિંદગીને પણ રોમાંચિત રાખી શકાય એ માટે પ્રયત્નો કરી રહ્યાં છે. બીજો કોઈ સમય સાથે ન મળે તો કંઈ નહીં, દિવસમાં એક ટાઇમ જમવાનું તો સાથે જ અને એ પણ એક જ થાળીમાં. એવાં કેટલાંક કપલને મળીએ જેઓ લગ્ન પછી નિયમિત એક જ થાળીમાં જમે છે. લોકો જુએ કે તેમને જોઈને ક્યારેક મજાક પણ ઉડાવે એની તેમને પડી નથી. પોતાના લાઇફ-પાર્ટનર સાથે ગુજારવા મળતો એ ક્વૉલિટી ટાઇમ અને એક જ થાળીની વહેંચણી કરીને થતી પ્રેમની વહેંચણી એ બધી ઠેકડીઓથી તેમને મન સવોર્પરી છે. લોકો કે દુનિયા માટે નહીં પણ એકબીજા માટે જ તેઓ જીવે છે એ વાત સાથે એક જ પ્લેટમાં જમવાની નાનકડી વાતથી તેઓ સાબિત કરી રહ્યા છે.

પ્રેમ અને હેલ્થ બન્ને વધે : શાદૂર્લ અને નિશા ઝવેરી

સાઉથ મુંબઈમાં ચોપાટી ખાતે રહેતાં શાદૂર્લ અને નિશા ઝવેરીનાં લગ્નને ૨૫ વર્ષ થઈ ગયાં છે. મૂળ સુરતી હોવાને કારણે તેમના ઘરનો રિવાજ છે કે એક મોટી પ્લેટમાં પરિવારના બધા સભ્યો સાથે જ જમવા બેસે. કેટરિંગનું કામ કરતા શાદૂર્લભાઈ કહે છે, ‘મારા પેરન્ટ્સ પણ સાથે એક જ પ્લેટમાં જમતા હતા. એ વાતમાં કોઈ શંકા નથી કે સાથે જમવાથી પ્રેમ વધે. જોકે લગ્નમાં અમે એક જ પ્લેટમાં નથી જમતા, કારણ કે બે માણસ એક જ પ્લેટમાં જમે તો કેટરર્સને તો નુકસાન થાયને? હું પોતે કેટરર છું એટલે આ વાત મને સમજાય છે. લગ્ન સિવાય ઘરે હોઈએ અને સાથે હોઈએ ત્યારે તો એક જ પ્લેટ હોય.’

સાથે જમવાના કેટલાક પ્રૅક્ટિકલ ફાયદા જણાવતાં નિશાબહેન કહે છે, ‘પ્રેમ વધે એ તો બધા જ કહેશે, પરંતુ એની સાથે તમે એક પ્લેટમાં જમો તો તમને ખબર પડે કે તમારો હસબન્ડ પેટ ભરીને જમે છે કે નહીં. તે અનહેલ્ધી વસ્તુઓ વધુ ખાય છે કે હેલ્ધી વસ્તુ વધુ ખાય છે. તમે તેને ટોકી પણ શકો જો તે માત્ર તળેલું જ ખાય. એટલે પ્રેમ સાથે હસબન્ડ-વાઇફની હેલ્થ પણ સાથે જમવાથી વધે છે.’

ઝઘડો થયો હોય તો પણ જમીએ સાથે : ડિમ્પલ અને ભાવિક લાલન

૧૦ વર્ષનું લગ્નજીવન અને એક સન થઈ ગયા પછી પણ થાણેમાં રહેતાં ભાવિક અને ડિમ્પલ લાલન માટે એક જ પ્લેટમાં જમવાનું રૂટીન તૂટ્યુ નથી. લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં માત્ર એકબીજાના બૉન્ડિંગને એક્સપ્રેસ કરવા માટે સાથે જમવાનું શરૂ કર્યું હતું અને હવે એ રૂટીન બની ગયું છે. ભાવિક કહે છે, ‘એક પ્લેટમાં જમવાથી પ્રેમ તો વધે જ, સાથે એકબીજાની રાહ જોવાની તક પણ મળે. રૂટીન લાઇફમાં હવે કામ સિવાય રાહ જોવાની બાબતની પણ બાદબાકી થઈ રહી છે ત્યારે સાથે જમવાની આ આદત એમાં હેલ્પ કરે છે. અમારી વચ્ચેનું અન્ડરસ્ટૅન્ડિંગ લેવલ આનાથી વધ્યું છે. ઘણી વાર કોઈ વાતે ઝઘડો થયો હોય તો એકબીજાની સાથે બોલીએ નહીં, પણ જમવા સાથે જ બેસીએ અને એને કારણે અમારું પૅચ-અપ પણ જલદી થઈ જાય છે.’

ડિમ્પલનું પણ દૃઢતાપૂર્વક માનવું છે કે સાથે જમવાની આદત રિલેશનશિપમાં કૅર વધારે છે, એકબીજાની ચૉઇસથી વધુ દૃઢતાપૂર્વક માહિતગાર કરે છે.

લોકો બોલે એના પર ધ્યાન નથી આપતાં : નૈના અને અશ્વિન સચદે

ઘાટકોપરમાં રહેતાં નૈના અને અશ્વિન સચદેને તેમના સંબંધીઓ અને ફ્રેન્ડ્સ લગ્નનાં ૨૫ વર્ષ પછી પણ લવબર્ડ્સ તરીકે જ ઓળખે છે. પરિવારના પ્રારંભિક વિરોધ વચ્ચે લવમૅરેજ કરનારું આ કપલ ૨૫ વર્ષમાં એક દિવસ પણ અલગ-અલગ જમ્યું નથી. લગ્ન હોય કે સંબંધીઓના ઘરે જમવાનું હોય, તેઓ તો સાથે જ જમે. નૈનાબહેન કહે છે, ‘મારું માનવું છે કે સાથે જમવાને કારણે તમારી વચ્ચે પ્રેમ ઊભરાયા કરે છે. ઘણી વાર એવું હોય કે કોઈ ફંક્શનમાં લેડીઝ અને જેન્ટ્સ અલગ-અલગ હોય. તો પણ જમવાના સમયે હું તેમની બાજુમાં જઈને બેસી જાઉં. બધા જેન્ટ્સ હોય તો પણ મારે મારા વર સાથે જમવામાં શું કામ શરમાવું જોઈએ એવું લાગ્યા કરે એટલે બધાની બહુ પરવા કર્યા વિના અમે અમારામાં જ હોઈએ. શરૂઆતમાં સાસુ-સસરાને ઑકવર્ડ લાગતું. કોઈ એમ પણ કહેતું કે લગ્ન તો અમે પણ કર્યા છે, અમારી વચ્ચે પણ પ્રેમ છે; પરંતુ એની જાહેરાત કરવાની શું જરૂર છે. જોકે એના વિશે પણ મેં બહુ ધ્યાન નથી આપ્યું. હવે તો બધા સામેથી જ અમને ભેગાં જમવા બેસાડે છે.’

તેમની વચ્ચેના પ્રેમનું વધુ એક ઉદાહરણ આપતાં અશ્વિનભાઈ કહે છે, ‘અમે લવમૅરેજ કર્યા છે. સ્વાભાવિક છે કે ત્યારે તો કુંડળી બતાવી નહોતી અને જરૂર પણ નહોતી. લગ્નનાં અમુક વષોર્ પછી એક મહારાજ મળ્યા તો અમે માત્ર દેખાડવા ખાતર કુંડળી દેખાડી તો પણ એમાં ૩૬માંથી ૩૨ ગુણ મળ્યા હતા. અત્યારે પણ ક્યારેક કોઈ વસ્તુ તેને ખાવાની ઇચ્છા હોય અને તેણે મને કહ્યું પણ ન હોય છતાં હું દુકાનથી પાછા ફરતાં તેના માટે મારી મરજીથી એ વસ્તુ લઈ ગયો હોઉં એવું સેંકડો વાર બન્યું છે. અમારી વચ્ચે આટલી સ્ટ્રૉન્ગ ટેલિપથી છે.’

પેટની સાથે તમારું મન પણ ભરાય : નિત્તલ અને હિતેશ સાવલા

મીરા રોડમાં રહેતાં નિત્તલ અને હિતેશ સાવલાનાં લગ્નનાં પાંચ વર્ષ પછી પણ સાથે જમવાનો તેમનો નિયમ અકબંધ છે. એનું કારણ આપતાં નિત્તલ કહે છે, ‘રાતનું ડિનર સાથે ન થાય, કારણ કે હિતેશ બહુ મોડા આવે છે; પરંતુ બપોરનું જમવાનું અમે સાથે જ કરીએ છીએ. મારું માનવું છે કે સાથે જમવાથી તમે એકબીજા સાથે સારો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકો છો, એકબીજાની વાતો કરી શકો છો. સાથે જમવાથી તમારું પેટ તો ભરાય જ, સાથે મન પણ ભરાય. એકલા માત્ર ખાવા માટે ખાઈએ, પરંતુ સાથે ખાતા હોઈએ તો ભોજનનો ટેસ્ટ બેવડાઈ જાય છે. અમારા સર્કલમાં માત્ર અમે જ છીએ જે હોટેલથી લઈને લગ્ન અને પાર્ટીમાં પણ એક જ પ્લેટ શૅર કરીને સાથે જમતાં હોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK