તમારું પેરન્ટિંગ યોગ્ય છે?

Published: 6th November, 2014 05:14 IST

બાળઉછેરમાં તમારા બાળકની પર્સનાલિટી સમજવી બહુ જરૂરી છે અને એ મુજબનું પેરન્ટિંગ કરવું સલાહભર્યું છે. એ માટેની વિગતો અને ગાઇડલાઇન્સ વિશે જાણી લો
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

બાળકો અમારા કહ્યામાં નથી. કંઈ કહેવા જઈએ તો સામું બોલે છે. બિલકુલ અમારી ઇચ્છા પ્રમાણે નથી કરતાં. આવી ફરિયાદો ઘણા પેરન્ટ્સ પાસે સાંભળી હશે. કોઈકને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે મોટો દીકરો બધું માને છે. હું જેમ કહું એમ પણ કરે છે, પરંતુ નાનો તો બિલકુલ એટલે બિલકુલ સાંભળતો જ નથી. એક જ ઘરનાં બે બાળકો. બન્નેને એક જ જેવો ઉછેર મળ્યોહોવા છતાંય શું કામ એક બાળક કહ્યામાં હોય અને એક ન હોય? બાળકોનો દોષ કે પેરન્ટ્સનો? જવાબ છે પેરન્ટિંગનો. મોટા ભાગે બાળકને સમજ્યા વિના, બાળકની પર્સનાલિટી વિશે જાણ્યા વિના પેરન્ટ્સ પોતા

રીતે બાળકનો ઉછેર કરવા જાય છે અને અવળું પરિણામ આવે છે. તમારા બાળકની પર્સનાલિટીની વિરુદ્ધમાં તમે તેનો ઉછેર કરી રહ્યા હશો તો એ બાળકના વિકાસ માટે અને બાળક સાથેના તમારા બૉન્ડિંગ માટે જોખમી સાબિત થઈ શકે છે.

બાળક પર અસર

બાળકના જન્મ પછી તેના સ્વભાવ અને વ્યવહાર પર ત્રણ વસ્તુઓની અસર હોય છે. પહેલું તો એ કે તે એક પર્ટિક્યુલર નેચર સાથે બૉર્ન થયું હોય. બીજું, તેના પેરન્ટ્સ, ભાઈ-બહેન અને ફ્રેન્ડ્સનું તેની સાથેનું કમ્યુનિકેશન અને એ એન્વાયર્નમેન્ટની અસર પણ તેના પર થતી હોય છે. અને ત્રીજું, આસપાસના અનુભવોને કારણે તેનું એક માઇન્ડસેટ તૈયાર થાય છે જે મોટા ભાગે જીવનભર તેની સાથે રહે છે. જોકે બાળક આઠ-દસ વરસનું થાય ત્યાં સુધીમાં તેની એક પોતીકી પર્સનાલિટી ડેવલપ થઈ ગઈ હોય છે અને એ પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને જો મા-બાપ તેનો ઉછેર કરે તો શ્રેષ્ઠ રીતે તેનો ઉછેર થઈ શકે છે.

પર્સનાલિટીને ઓળખીને ટ્રીટ કરો

બાળકની મુખ્યત્વે ત્રણ પર્સનાલિટી હોય છે.

પહેલી છે પૅસિવ પર્સનાલિટી : આ પર્સનાલિટી ધરાવતાં બાળકો એકદમ કહ્યાગરાં હોય છે. બને ત્યાં સુધી તેઓ ક્યાંય પોતાની બુદ્ધિ વાપરવામાં નથી માનતાં. પેરન્ટ્સ જે કહે એ એક પણ સવાલ કર્યા વિના ચૂપચાપ કરી લે છે. તેમને આગળ વધવા માટે સતત એક ડાયરેક્શનની જરૂર પડે છે. તમને જો એમ લાગે કે તમારું બાળક પૅસિવ પર્સનાલિટી ધરાવે છે તો તેને ઇન્ડિપેન્ડન્ટ બનાવે એવી પેરન્ટિંગ સ્ટાઇલ હોવી જોઈએ. જેમ કે કેટલાક નિર્ણય બાળકને આખી પરિસ્થિતિ સમજાવીને તેની પાસે જ લેવડાવવાની આદત, સારા-ખરાબનું જ્ઞાન આપીને બાળકને તેની રીતે આગળ વધવા માટેનો અવકાશ અને આધાર પૂરો પાડવો જેવી બાબતોનું ધ્યાન આ પ્રકારના બાળકના પેરન્ટ્સે રાખવું જોઈએ.

બીજી પર્સનાલિટી છે કો-ઑપરેટિવ પર્સનાલિટી : આ પર્સનાલિટી ધરાવતાં બાળકો ઘણાં કો-ઑપરેટિવ અને બધાનું વિચારીને આગળ વધનારાં હોય છે. કોઈની પણ વાત તેઓ બ્લાઇન્ડ્લી ફૉલો નથી કરતાં, પરંતુ તેમને સમજાવીને કામ લેવું પડે છે. આવી પર્સનાલિટી ધરાવતાં બાળકોના પેરન્ટ્સે કોઈ પણ વાતની બાળક સામે રજૂઆત કરવાની સાથે એની પાછળના તર્કને પણ કહેવો પડે છે. કોઈ કામ તેમની પાસે કરાવવું હોય તો એની પાછળનું કારણ આપીને સમજાવીને એ કરાવો તો બાળક એ બરાબર રીતે કરે છે. આવાં બાળકોને એક્સપ્લેનેશન આપીને કોઈ પણ ઑર્ડર કરવો આઇડિયલ છે.

ત્રીજા પ્રકારની પર્સનાલિટી છે રિબેલ્યસ પર્સનાલિટી : આજકાલ આવાં બાળકો વધુ જોવા મળી રહ્યાં છે. આ પર્સનાલિટીનાં બાળકો મનનું ધાર્યું કરશે જ. એમાંય કોઈ બાબતમાં પેરન્ટ્સ દ્વારા જો ના પાડવામાં આવે તો પેરન્ટ્સથી છુપાવીને અથવા પેરન્ટ્સની ઉપરવટ જઈને પણ તેઓ મનનું ધાર્યું કરશે. રિબેલ્યસ પર્સનાલિટી ધરાવતાં બાળકો પોતાને ઇન્ડિપેન્ડન્ટ માને છે અને એટલે જ પોતાને કરવું હોય છે એ કરી જ લે છે. આવાં બાળકોને મા-બાપે ખૂબ સિફતપૂર્વક હૅન્ડલ કરવાની જરૂર છે. પહેલી વાત તો આવાં બાળકો માટે પરમિસિવ પેરન્ટિંગ હોવું અતિ જરૂરી છે. એટલે કે બાળક કોઈ વાતની પરમિશન માગે અને એ બાબતમાં પરમિશન આપવામાં બહુ વાંધો ન હોય તો એ પરમિશન આપી દેવી. ધારો કે બપોરના સમયે બહાર રમવા જવાની પરમિશન માગી હોય અને જો તમે ના પાડી તો યાદ રાખવું કે બીજી વાર એ પરમિશન માગ્યા વિના પણ પોતાની રીતે જ્યાં રમવા જવું હોય ત્યાં પહોંચી જ જશે. એને બદલે તમે તેને બહાર રમવા જવા દો અને શક્ય હોય તો તેની પાછળ રહીને તેનું ધ્યાન પણ રાખો. ધારો કે તમારો દીકરો રમતાં-રમતાં પડી જાય ત્યારે કોઈ સવાલ કર્યા વિના તેને ઊંચકી પણ લો. આ વાતથી તેને તમારા પરનો ભરોસો વધશે અને બીજી વાર ક્યારેક બપોરે તમે રમવા જવાની ના પાડી તો માનશે. બીજી તરફ કોઈક વાતો એવી હોય જેમાં બાળકોને પરવાનગી ન આપી શકાતી હોય ત્યારે પેરન્ટ્સ વીટો-પાવર વાપરીને તેને ના પાડી જ શકે છે, પરંતુ યાદ રાખો કે એવી બાબતો હોય તો જ. ૫૦માંથી પાંચ વસ્તુની પરમિશન નહીં આપો તો બાળક સમજશે, પણ ૫૦માંથી ૩૦ વસ્તુઓમાં તમારી ના હશે તો ધીમે-ધીમે બાળક તમારા ઓપિનિયનની પરવા પણ નહીં કરે અને જુઠ્ઠું બોલીને કે તમને ઉલ્લુ બનાવીને પણ પોતાને કરવું હશે એ જ કરશે.

અત્યારનો સિનારિયો

આજકાલ રિબેલ્યસ પર્સનાલિટી ધરાવતાં બાળકો વધુ જોવા મળી રહ્યાં છે અને સામે પેરન્ટ્સ પણ ઓવર-પરમિસિવ બની ગયા છે. દરેક વાતમાં બાળકને પરવાનગી આપવાને કારણે ડિસિપ્લિન તેમની લાઇફમાંથી બહાર નીકળી રહ્યું છે અને બાળકો વધુ રિબેલ્યસ થઈ રહ્યાં છે. આવા સમયે બાળકની બિનજરૂરી ડિમાન્ડ પેરન્ટ્સે પૂરી ન કરવી અને જરૂર હોય ત્યાં બાળક પર કન્ટ્રોલ પણ રાખવો જોઈએ.

મારો જાતઅનુભવ

સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા પોતાનો જાતઅનુભવ જણાવતાં કહે છે, ‘મારાં બે બાળકો છે. દીકરી માહી ૧૧ વર્ષની છે અને તે કો-ઑપરેટિવ પર્સનાલિટી ધરાવે છે અને આઠ વર્ષનો દીકરો કબીર રિબેલ્યસ પર્સનાલિટી ધરાવે છે. બન્નેને મારે જુદી-જુદી રીતે ટ્રીટ કરવાં પડે છે. દીકરીને હું અમુક વાતો સમજાવી દઉં અને તેની રીતે અમુક કામ કરવા માટે તેને સોંપી દઉં તો તે કરી લે છે, પરંતુ દીકરાને ખૂબ સમજપૂર્વક હૅન્ડલ કરવો પડે છે. કોઈક વાર પેરન્ટ્સ તરીકે તેની કોઈ જીદ પર અકળાઈ પણ જાઉં, ઘસીને ના પાડી દઉં અને પછી અચાનક રિયલાઇઝ થાય કે નહીં આ રીતે હું ના પાડીશ તો તે ડબલ જોશથી એ કામ કરવા માટેના રસ્તાઓ શોધશે. આવા સમયે પેરન્ટ્સે વધુ કૅરફુલ રહેવું પડે છે. બાળક નાસમજ છે, તેને સમજાવવું અઘરું છે ત્યારે પેરન્ટ્સ જો પોતે સમજીને તેની પર્સનાલિટી પ્રમાણે તેને ટ્રીટ કરે એ લાભમાં છે.’

કિંજલ પંડ્યા પોતાનો અનુભવ ઉમેરતાં કહે છે, ‘હું પોતે પણ નાનપણમાં રિબેલ્યસ ચાઇલ્ડ હતી, પરંતુ મારા પેરન્ટ્સનો ફન્ડા હતો તેમની ઇચ્છા પ્રમાણે હું કરું. તેમના મતે જે યોગ્ય ન હોય એવી ઘણીબધી બાબતમાં મને તેમની પાસેથી પરમિશન નહોતી મળતી અને હું ખોટું બોલીને જતી. જેમ કે મૂવીમાં જવા માટે મને ના પાડવામાં આવી હોય અને હું મૂવી જોવા ગઈ હોઉં એમાં પણ પર્સનાલિટી પ્રૉબ્લેમ થતો. ખોટું બોલવાને કારણે સતત મનમાં એક ડર અને ગિલ્ટ રહ્યા કરતી. રિબેલ્યસ હોવાને કારણે ધાર્યું પણ કરતી અને અંદરથી ખોટું કર્યાની લાગણીને કારણે મૂંઝાયા પણ કરતી. આ ડર અને મૂંઝવણની અસર મારા કૉન્ફિડન્સ અને સેલ્ફ-એસ્ટીમ પર પડવા લાગી. મારું કૉન્ફિડન્સ લેવલ નીચે આવવા માંડ્યું. જેમ-જેમ સમજણ વધી એમ એમાંથી બહાર આવી. બીજી એક મહત્વની વાત એ છે કે રિબેલ્યસ ચાઇલ્ડને જેટલું દબાવવામાં આવે એટલું સ્પ્રિંન્ગની જેમ તે એટલી જ ગતિથી ઊછળે છે. જેમ કે નાનપણથી મને પૈસા વધુ નહીં ખર્ચવા અને બચત કરવાનું કહેવામાં આવતું, જે મને નહોતું ગમતું એટલે જ્યારે કમાવા લાગી તો આખેઆખો પગાર હું ખર્ચી નાખતી. મારા હાથમાં પૈસા રહેતા જ નહીં. આ તો મારાં લગ્ન થયાં અને મારા હસબન્ડે મને બધી જ છૂટ આપી. એટલે ધીમે-ધીમે જાતે જ એ વાતમાં સુધારો થઈ ગયો.’

તમારું બાળક સાવ અલગ : ડૉ. સમીર દલવાઈ

જાણીતા ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશ્યન ડૉ. સમીર દલવાઈ કહે છે, ‘દરેક બાળક અલગ હોય છે. પેરન્ટ્સ માત્ર ઑબ્ઝર્વેશનથી અને બાળકના વર્તનને સતત ધ્યાન આપીને તેનામાં રહેલી સારપ, તેની નબળાઈઓ અને તેની ક્ષમતાઓને ઓળખી શકે છે. યોગ્ય પેરન્ટિંગ માટે બાળકને ઓળખવું ખૂબ જરૂરી છે. બાળકમાં સારી અને ખરાબ બન્ને બાબતો હોય તો પેરન્ટ્સે બાળકની સારી બાબત પર વધુ ફોક્સ કરીને એ દિશામાં તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. એટલે ખરાબ બાબતો આપોઆપ દૂર થઈ જતી હોય છે. સાત વર્ષ સુધીનાં બાળકો માટે આ ગાઇડલાઇન હોઈ શકે. એનાથી મોટા બાળક માટે મા-બાપે બાળકોની ભૂલ માટે ટકોર કરવી જોઈએ, પરંતુ એક પદ્ધતિથી. જેમ કે ધારો કે તમારું બાળક બહાર કોઈની સાથે મારામારી કરીને આવ્યું અથવા પડી ગયું, તેને વાગ્યું છે, હાથ છોલાઈ ગયા છે, શર્ટ ફાટી ગયું છે. તો પેરન્ટ્સ તરીકે તમે સીધું તેને વઢવાનું શરૂ કરશો તો એ રીત ખોટી છે. એ બાબત બાળકના મનમાં તમારા માટે નેગેટિવિટી ભરશે. તમને બાળકથી દૂર કરવાનું કામ કરશે. મમ્મીને તો મારી જરાય ચિંતા નથી એવી તેની માનસિકતા બનાવશે. જ્યારે પણ બાળક કોઈ ભૂલ કરીને આવે ત્યારે એ જ ઘડીએ એનું ડિસ્કશન ન કરો. થોડો સમય જવા દો. એ સમયે તો તેને પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવો. તેને ક્યાંક વાગી ગયું હોય તો એનો ઇલાજ કરો. તેનાં કપડાં ચેન્જ કરો. તું તો ગુંડો જ બનાવાનો છે એમ કહીને તેને કોસો નહીં. કોસશો તો તે ખરેખર ગુંડો જ બનશે. એના બદલે ધારો કે બે દિવસ પછી જેની સાથે ઝઘડ્યો હતો એ જ ફ્રેન્ડ સાથે તેને રમતો જુઓ ત્યારે એક વાક્યમાં તેને કહી દો કે પેલા દિવસે ઝઘડો કરીને શું ફાયદો. એટલે તે સમજી જશે. બીજી વાર પોતાના ગુસ્સાને કન્ટ્રોલ કરવાની ટ્રાય કરશે. બાળકને પ્રવચન આપવા જશો તો તે બિલકુલ નહીં સાંભળે. એટલે તમારું બાળક યુનિક છે એમ સમજીને તેને હૅન્ડલ કરવાના પ્રયત્ન કરો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK