ટેન્શન, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન

Published: 6th November, 2014 05:13 IST

આ ચાર નેગેટિવ શબ્દોના ઉપાય કયા ચાર પૉઝિટિવ શબ્દો કરી શકે છે?સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

સીને મેં જલન આંખોં મેં તૂફાન સા ક્યૂં હૈ

ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યૂં હૈ

હિન્દી ફિલ્મના ગીતની આ પંક્તિ મુંબઈગરા માટે બહુ જ જાણીતી છે. એનું કારણ એ નથી કે આ પંક્તિ ફિલ્મી છે, પરંતુ મુંબઈનો લગભગ દરેક માણસ આ પંક્તિ જીવે છે. અહીં આપણે લોકોને જોઈએ, રાધર નિરીક્ષણ કરીએ તો મોટા ભાગના માણસો સતત તનાવમાં લાગશે. ટેન્શન તો જાણે તેમની સાથે ફરતું કોઈ પક્ષી હોય એમ તેમના માથા પર બેઠેલું જોવા મળશે. અલબત્ત, ઘણા લોકો એને બતાવતા નથી એમ છતાં એ નજરે ચડી જાય એવું હોય છે. ક્યાંક માણસની વાતોમાં, કયાંક તેની આંખો કે ચહેરા પર વંચાઈ જાય છે. આ ટેન્શન સાથે માણસ એવો ટેવાઈ ગયો છે કે એ ન હોય તો પણ માણસને જીવવું ફાવે કે નહીં એ સવાલ થઈ જાય. તાજેતરમાં રિલીઝ થયેલી ‘હૈદર’ ફિલ્મમાં એક દૃશ્ય એવું છે જેમાં કાશ્મીરમાં રહેતો એક માણસ કાયમ પોતાના ઘરમાં પ્રવેશતાં પહેલાં દરવાજાની બહાર અટકી જાય છે. આ માણસ પોતાના જ ઘરમાં પ્રવેશતાં ખચકાય છે એ જોઈને બીજો એક શાણો માણસ ત્યાં આવીને તે અટકી પડેલા માણસનું સિક્યૉરિટી ચેકિંગ કરવા કહે છે. એ ચેકિંગ થયા બાદ તેને કહેવાય છે કે તું અંદર જા. બસ, આટલા શબ્દો સાંભળીને તે ઘરમાં પ્રવેશી જાય છે. આ મનોવ્યથા છે કાશ્મીરની સામાન્ય પ્રજાની, કારણ કે જ્યાં પણ જાઓ ત્યાં એટલીબધી ચકાસણી થતી હોવાને કારણે ત્યાંના ચોક્કસ વિસ્તારના માણસો હવે એનાથી એવા ટેવાઈ ગયા છે કે તેઓ પોતાના ઘરમાં પણ ચેકિંગ વિના પ્રવેશતાં ખચકાય છે. આ તો એક ફિલ્મી કટાક્ષ છે, પરંતુ મુંબઈમાં ટેન્શન વિના માણસને પોતાને ચેન પડે નહીં એવી મનોવ્યથા છે.

આ ટેન્શન બાદ માણસના જીવનમાં પ્રવેશેલો બીજો શબ્દ છે ફ્રસ્ટ્રેશન. ત્યાર બાદ છવાયેલો શબ્દ છે ઇરિટેશન અને છેલ્લે છે ડિપ્રેશન. ભવિષ્યમાં આનાથી પણ વધુ ભારે શબ્દો આવી શકે છે, કારણ કે માણસ પોતે જ જીવનને સતત એ દિશામાં લઈ જઈ રહ્યો છે.

 મુંબઈ જેવા શહેરમાં તો કંઈ ન હોય તો પણ જાણે માણસ સદા તનાવમાં દેખાય છે. આપણી જાતને જ પૂછીએ તો ખ્યાલ આવી જાય કે સવારે કામધંધે જઈએ ત્યારથી કેટલી બધી અનિશ્ચિતતા લઈને નીકળીએ છીએ. કોઈ અનિશ્ચિતતા ન હોય તો પણ સદા જાતને અસુરક્ષિત ફીલ કરીએ છીએ. અરે, અહીં ત્રાસવાદના ભયની વાત તો બાજુએ રહી; એ વિના પણ અનેક જાતની અસુરક્ષિતતાનો ભય એક યા બીજા સ્વરૂપે આપણા પર છવાયેલો રહે છે. નોકરી, પ્રમોશન, શેઠ કે બૉસનો સ્વભાવ, સ્ટાફ સાથેની સ્પર્ધા અને રાજકારણ, મોંઘવારી, લાઇફ-સ્ટાઇલની જાળવણી, સ્ટેટસ, સમાજના રીતરિવાજ, સંતાનોના શિક્ષણ સહિત ઘરની-પરિવારની જવાબદારી, બજારોની મંદી, ક્રાઇસિસ, જગ્યાના ભાવો, પરિવારોનું વિભાજન, માંદગી, સગાં-સંબંધીઓના વ્યવહારો વગેરે. આ બધા વચ્ચે પણ આપણે પૈસેટકે સંપન્ન હોઈએ તો એ છીનવાઈ જવાનો ભય પણ સતત રહે છે અથવા સંપન્ન ન હોઈએ તો સતત એ પામવાની તાલાવેલી કે બેચેની રહે છે.

આ બધાં ટેન્શનોમાંથી એક અથવા બીજા સ્વરૂપે જન્મે છે ફ્રસ્ટ્રેશન; કારણ કે આખરે કેટલું પણ કરો આ બધામાંથી અમુક જ ટેન્શન દૂર થાય છે, બાકી સાથે જ રહે છે અને ન હોય તો નવાં સર્જા‍ય છે. માણસ સતત ઝઝૂમતો રહે છે, સંઘર્ષ કરતો રહે છે. એમ છતાં જ્યાં-જ્યાં પછડાટ ખાય ત્યાં અને ત્યારે ફ્રસ્ટ્રેટ થયા કરે છે. આ ફ્રસ્ટ્રેશનમાંથી પેદા થાય છે ઇરિટેશન. માણસ નાની-નાની વાતે ઇરિટેટ થયા કરે છે. હાલ તો આ ઇરિટેશનનું ચલણ નાનાં બાળકોમાં પણ ફેલાતું જાય છે. આપણી સાદી ભાષામાં જેને ચીડિયાપણું કહીએ છીએ એ આજના લોકોમાં સવર્‍વ્યાપી છે.

આ સમયમાં આપણી આજુબાજુ જોઈશું તો કેટલાય કિસ્સામાં લોકો બોલતા હશે કે હું તો ઇરિટેટ થઈ ગયો કે થઈ ગઈ, પ્લીઝ ડોન્ટ ઇરિટેટ મી, કેટલું ઇરિટેટિંગ છેને? સાવ સામાન્ય વાતે પણ લોકો ઇરિટેટ થઈ જાય છે. ટૉલરન્સ-લેવલ જાણે સાવ જ નામશેષ થઈ ગયું. આમ ટેન્શનમાંથી ફ્રસ્ટ્રેશન, એમાંથી ઇરિટેશન અને એ બધામાંથી પેદા થાય છે આજના સમયનો મહારોગ ડિપ્રેશન જેને સાદી ભાષામાં કહેવાય છે હતાશા કે નિરાશા. જોકે આ અંગ્રેજી શબ્દ ડિપ્રેશન તો પોતાનો વટ પાડતો હોય એમ માણસને જાણે ખાઈ જવા આવ્યો હોય એમ માણસજાત પર છવાઈ ગયો છે. નાના બાળકથી લઈને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કે પરીક્ષાના અને હરીફાઈના બોજનું ડિપ્રેશન આવી જાય છે. બધાથી આગળ વધો, વર્તમાનનું જે થવાનું હોય એ થાય, લોકોને પછાડીને દોડશો નહીં તો તમારું ભવિષ્ય અંધકારમય બની જશે. જરાસરખી નિષ્ફળતા આજે આપણને ડિપ્રેશનમાં ધકેલી દે છે.

પરીક્ષામાં ટકા ઓછા આવવા, જોઈતી નોકરી ન મળવી કે મળેલી ગુમાવી દેવી, મિત્ર સાથે કે ઘરમાં ઝઘડો થવો, પ્રેમિકા સાથે બ્રેક-અપ થવું, અપેક્ષિત કૉલેજમાં ઍડ્મિશન ન મળવું જેવાં કારણો ડિપ્રેશનમાં લઈ જાય છે અને જિંદગી જાણે અહીં જ પૂરી થઈ ગઈ હોય એવું લાગવા માંડે છે.

આ ચારે બીમારીઓના ઉપાય માટે ચાર પૉઝિટિવ શબ્દો પણ છે જે દરેક માણસની પોતાની પાસે હોવા છતાં તે એને બહાર શોધે રાખે છે. માણસ ટેન્શનનો સામનો ઍક્સેપ્ટન્સ (સ્વીકારભાવ અથવા જો હોગા દેખા જાએગાના ભાવ)થી, ફ્રસ્ટ્રેશનનો ફિલ્ટરેશન (નકામા વિચારોને અલગ કરી ફેંકી દેવા)થી, ઇરિટેશનનો ઇટ્યુશન (આંતરબોધ-સૂઝ)થી અને ડિપ્રેશનનો સામનો ઇનોવેશનથી અર્થાત્ કંઈક નવું કરવાના પ્રયાસથી કરી શકે છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણો ભારેખમ સામાન હાથમાં કે માથા પર રાખીએ એને બદલે શેલ્ફ પર મૂકી દઈએ તો પણ ગાડી ચાલતી રહેવાની છે, પણ આપણને કમસે કમ એ સમયે સામાનનો ભાર નહીં લાગે. આ ઉપરાંત સૌથી મહત્વનો શબ્દ છે પેશન્સ (ધીરજ); જેના અભાવે જ ઉપરના ચાર સમસ્યારૂપ શબ્દો ટેન્શન, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન ઊભા થાય છે. આપણને બધું જ ફટાફટ જોઈએ છે. યાદ રહે કે આ ચાર શબ્દો આપણા વિકાસને રોકે છે અથવા એમાં બાધારૂપ બને છે. એને આપણા પર છવાઈ જવા દઈએ એ કરતાં જે કામ કરીએ એમાં ધ્યાન કેન્દ્રિત કરીએ, પરિસ્થિતિનો સ્વીકારભાવ રાખીએ, આપણી ભીતર નવી સૂઝ વિકસાવીએ અને જીવનમાં ધીરજ સાથે સતત નવા વિચારોને ઊભરવા દઈએ તો ખરેખર ભાર હોય તો પણ જીવન હળવું બની શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK