બાપ-દીકરા વચ્ચે અણબનાવ થાય છે એવો મા-દીકરી વચ્ચે કેમ નથી થતો?

Published: Nov 05, 2014, 05:27 IST

દરેક રિલેશનમાં કોઈ પણ અણબનાવનો ઉપાય હોય જ છે. બસ, એ ઉપાય માટે બન્ને પક્ષે સજ્જતા હોવી જોઈએસોશ્યલ સાયન્સ - રોહિત શાહ


રિલેશન કોઈ પણ હોય, એમાં બે સંભાવનાઓ હોવાની જ : એક સંભાવના સહયોગની અને બીજી સંભાવના સંઘર્ષની.

ફૅમિલી રિલેશન પણ આ બે સંભાવનાઓથી મુક્ત નથી. સામેના પાત્રને અનુકૂળ થવાની ભાવના હશે ત્યાં સહયોગનું શાસન હશે અને સ્વાર્થ કે મમત્વની જીદ હશે ત્યાં સંઘર્ષનું સામ્રાજ્ય પ્રવર્તતું હશે. કેટલાક લોકો લાઇફમાં ક્યારેય લેટ-ગો કરવા તૈયાર નથી થતા, એ કારણે તેઓ અનવૉન્ટેડ થઈ જતા હોય છે. વાતેવાતે જીદ કરવી, પોતાના અહંકારને ચીપકી રહેવું, પોતાની જડતા તથા અનુકૂળતાને કારણે બીજાઓને કેટલી તકલીફ પડશે એની દરકાર ન કરવી, પોતાનો વાહિયાત વટ પાડવા માટે બીજાની વિશેષતાઓ પર પોતાના પ્રદૂષિત વિચારોની ઊલટીઓ કર્યા કરવી- આવાં કારણોને લીધે એવા લોકોનું આભામંડળ જ એવું બની ગયું હોય છે કે તેઓ ક્યારેક સાચી વાત કરે તોય કોઈ સાંભળતું-ગણકારતું નથી.

ઘણી વખત એવું બને છે કે આપણે તો સ્વજનો માટે સ્નેહની વાયેગ્રા લઈને સમર્પણ કરવા સંપૂર્ણ સજ્જ હોઈએ છીએ, લેકિન-કિન્તુ-પરંતુ આપણા એ સ્વજન સ્નેહ ઝીલવા બાબતે ડાયેટિંગ કરવાની જીદ પકડીને બેઠા હોય છે. આપણે તેમના હિતની વાત કરીએ તોય તેમને વાંકું પડી જતું હોય છે. આપણી ઉત્સુકતાને વૈધવ્ય સિવાય કાંઈ જ નથી મળતું!

આટલી ભૂમિકા પછી હવે મૂળ વાત પર આવી જાઉં છું. સંસારમાં બાપ-દીકરા વચ્ચે જેટલો તીવ્ર અણબનાવ થતો હોય છે એટલો તીવ્ર અણબનાવ મા-દીકરી વચ્ચે મોટા ભાગે નથી થતો. કોઈ રિલેશન-રિસર્ચર અથવા કોઈ સાયકોલૉજિસ્ટ આ બાબતે નક્કર કારણો શોધી શકે, જણાવી શકે. આપણો પનો તો ટૂંકો જ પડવાનો.

અલબત્ત, સમજણની ટૂંકી ફૂટપટ્ટી લઈને રિલેશનના આ વિરાટ સત્યને માપવાનો ઉદ્યમ તો આપણે જરૂર કરી જ શકીએ... ચાલો, કરીએ!

પહેલી વાત એ છે કે જનરલી સ્ત્રીઓ સંઘર્ષમાં પડવાનું પસંદ નથી કરતી. સંઘર્ષ થવાનું જોખમ આવે તો તે કોઈ પણ ફેંસલો કરવાનું તત્કાળ પૂરતું ટાળી દે છે. ‘પછી, નિરાંતે ચર્ચા કરીશું’ અથવા ‘ઠીક છે, અત્યારે આ બાબતે વાત નથી કરવી’ એવું સોચીને તે પરિસ્થિતિને ટર્ન આપી દે છે. પુરુષ ભાગ્યે જ આટલી ધીરજ ધરાવતો હોય છે. તેને તો ‘અભી અભી ફૈસલા હો જાએ!’નું ઝનૂન હોય છે.

લેટ-ગો કરવામાં પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે બહુ મોટો ડિફરન્સ નથી હોતો, પરંતુ ફેંસલો કરવાનો રઘવાટ પુરુષમાં તીવ્ર હોય છે. તડ-ફડ કરતાં પુરુષને વાર નથી લાગતી. આખરે લેટ-ગો તો પુરુષ જ વધારે કરતો હોય છે, પણ તેનો પર્ફોર્મન્સ એવો હોય છે કે તે ક્રૂર અને આક્રોશપૂર્ણ પુરવાર થઈ જાય છે. પિતા-પુત્રના રિલેશનમાં તો બન્ને નબળા ખેલાડીઓ જ છે જ્યારે મા-દીકરીના રિલેશનમાં બન્ને કુશળ-કાબેલ રમતવીર હોય છે!

બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દીકરી હંમેશાં ‘પારકી થાપણ’ ગણાય છે. દીકરી લાઇફટાઇમ આપણી સાથે નથી જ રહેવાની એની ખાતરી પણ સંઘર્ષને હળવો કરે છે. મા-દીકરી વચ્ચે ચડભડ થઈ જાય તો મા તરત કહેશે, ‘અહીં તો ઠીક છે કે તારાં નખરાં અમે ચલાવી લઈએ છીએ, પણ તારા સાસરે જઈને તું આવું બિહેવિયર કરીશ તો એ લોકો બિલકુલ નહીં ચલાવે, સમજી?’ માતા જાણે છે અને ભીતરથી તેને ભરપૂર ભરોસો હોય છે કે મારી દીકરીની જીદ મારે ક્યાં પર્મનન્ટ વેઠવાની છે? એટલું જ નહીં, તેને એ બાબતની ચિંતા પણ રહે છે કે જો મારી દીકરી સાથે મારે વારંવાર કંકાસ થશે તો આડોશ-પાડોશમાં અને સમાજમાં તે વગોવાઈ જશે, પછી તેનો હાથ ઝાલવા કોઈ તૈયાર નહીં થાય. માતાની આ ચિંતા તેને શાંત રહેવામાં ખૂબ હેલ્પ કરે છે. બીજી તરફ દીકરીયે વિચારે છે કે મારી મમ્મીનો વિચિત્ર સ્વભાવ મારે થોડાં વરસ જ વેઠવાનો છેને? શા માટે તેની સાથે નાહકનો કંકાસ કરવો?

પરંતુ પિતા-પુત્રનું રિલેશન પર્મનન્ટ સાથે રહેવા માટેનું હોય છે, ભલે પછી દીકરાઓ મૅરેજ પછી અલગ રહેવા જતા રહેતા હોય, છતાં શરૂઆતથી અલગ રહેવાની હૈયાધારણ બન્નેમાંથી કોઈને નથી હોતી. બન્ને જણ એમ સોચે છે કે અત્યારથી જો હું મારું પ્રભુત્વ નહીં

બતાવું તો પછી લાઇફટાઇમ મારે લેટ-ગો કરવું પડશે.

ત્રીજી વાત આધિપત્યની છે. દીકરો યુવાન થાય એટલે તેની સત્તાઓ વિસ્તરે, તેના અધિકારો મજબૂત બને. આજ સુધી ફૅમિલી પર પિતાનું વર્ચસ હતું, હવે ધીમે-ધીમે દીકરાનું વર્ચસ વધી રહ્યું છે એનો ઝીણો અજંપો પણ પિતાને દઝાડ્યા કરતો હોય છે. તમે જોજો, મા-દીકરીના રિલેશનમાં આવા આધિપત્યનું કારણ નથી હોતું એટલે તેમની વચ્ચેનું ઘર્ષણ તીવ્ર નથી હોતું, પણ પુત્રવધૂ ઘરમાં આવે ત્યારે આધિપત્યની લાગણી છૂપા વેશે પ્રવેશી જ જતી હોય છે. આ કારણે મા-દીકરીના રિલેશનમાં હોય છે એટલી ઋજુતા કદાચ સાસુ-વહુના રિલેશનમાં નથી દેખાતી.

એ ન ભૂલવું જોઈએ કે આ વાત સાર્વત્રિક સંદર્ભમાં કરી છે. એમાં અદ્ભુત અને આદરણીય અપવાદો અવશ્ય હોઈ શકે છે. સાસુ-વહુની વચ્ચે સગાં મા-દીકરી કરતાં વધારે મીઠાશભર્યો વ્યવહાર હોઈ શકે છે અને પિતા-પુત્ર વચ્ચે પણ સ્નેહ-સમજણ અને સમર્પણનો સુગંધિત નાતો હોઈ શકે છે.

અને છેલ્લી એક વાત એ છે કે મા-દીકરી વચ્ચે ઘર્ષણ થશે તો બાપ મોટે ભાગે દીકરીનો પક્ષ લે છે. જ્યારે બાપ-દીકરા વચ્ચે ઘર્ષણ થશે તો માતા હંમેશાં દીકરાની ફેવર કરશે. જનરલી, પુરુષપ્રધાન સમાજમાં માતા કરતાં પિતાનું પ્રભુત્વ પ્રબળ હોવાને કારણે મા-દીકરી વચ્ચેનું ઘર્ષણ (પિતાની દખલગીરીને કારણે) ઝાઝું ટકતું નથી, પરંતુ પિતા-પુત્ર વચ્ચેનો સંઘર્ષ (માતાની દખલગીરી હોવા છતાં) જલદી ટળતો નથી.

ઉપાય તો છે જ

તમામ અપવાદોની સંભાવનાઓનો સ્વીકાર કર્યા પછીયે આ સત્ય સ્વીકારવું પડશે કે બાપ-દીકરા વચ્ચે જેટલો ઉગ્ર અણબનાવ થાય છે એટલો ઉગ્ર-તીવ્ર-તીખો અણબનાવ મા-દીકરી વચ્ચે થતો નથી. જોકે આ કોઈ એવો રોગ નથી કે જેનો ઉપાય થઈ જ ન શકે. સાચી વાત અત્યંત વિનમ્રતા અને આદરપૂર્વક સ્વીકારવાની સજ્જતા બન્ને પક્ષે હોય, મમત્વને બદલે લેટ-ગો કરવાની ઉદારતા બન્ને પક્ષે હોય તો એ કોઈ પ્રૉબ્લેમ જ નહીં લાગે! જ્યાં આટલી સજ્જતા અને ઉદારતા ન હોય ત્યાં માઠાં પરિણામ વેઠવાની બન્ને પક્ષે તૈયારી પણ રાખવી જ પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK