ડાન્સની બાબતમાં હિન્દી ફિલ્મો હજી પણ નેવુંના દશકમાં જ છે

Published: 4th November, 2014 05:13 IST

આજના સમયમાં તમે કોઈ પણ સૉન્ગ જોઈ લો, તમને એવું જ લાગશે કે આ ડાન્સ-સ્ટેપ્સ તો અગાઉ જોયાં છે. આ હકીકત છે.સ્પેશ્યલ કમેન્ટ - સરોજ ખાન, કોરિયોગ્રાફર


આજના સમયમાં તમે કોઈ પણ સૉન્ગ જોઈ લો, તમને એવું જ લાગશે કે આ ડાન્સ-સ્ટેપ્સ તો અગાઉ જોયાં છે. આ હકીકત છે. ડાન્સની બાબતમાં હિન્દી ફિલ્મો હજી પણ નેવુંના દશકમાં જ છે એવું કહીએ તો ચાલે. માધુરી દીક્ષિતના ‘ધક ધક કરને લગા...’ ગીતમાં જે સ્ટેપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ આજે પણ વપરાઈ રહ્યાં છે. અરે, તમે આઇટમ-સૉન્ગ્સ જુઓ. તમને બધાં આઇટમ-સૉન્ગ્સ એકસરખાં લાગશે. મને લાગે છે કે કોઈને હવે મહેનત નથી કરવી. રેડી ફૂડની જેમ બધાને સીધી રીતે જે કંઈ મળે છે એ જ બધું વાપરી લેવું છે. પહેલાંના સમયમાં જે મહેનત થતી એ તો હવે ભૂલી જ જવામાં આવી છે એવું કહેવામાં મને અતિશિયોક્તિ નથી લાગતી. આજે તો લોકો ઇન્ટરનેટ પરથી અને બીજી બધી જગ્યાએથી સીધાં સ્ટેપ્સ લઈ લે છે. એસ્ટૅબ્લિશ્ડ કોરિયોગ્રાફરો પણ પોતાની અગાઉની કોરિયોગ્રાફીમાંથી કંઈ ને કંઈ લેતા રહે છે. હું કહીશ કે ઉઠાંતરી કરવાનું કામ બીજા પર છોડવું જોઈએ, આપણે આપણી જ ઉઠાંતરી કેવી રીતે કરી શકીએ.

પહેલાંના સમયની વાત જુદી હતી. પહેલાં ગીતને ઓળખવામાં આવતું, વાર્તાને સમજવામાં આવતી અને એ પછી કૅરૅક્ટર્સને સમજવામાં આવતાં. આ બધું થઈ જાય પછી પણ એને કલ્ચર સાથે કે કૅરૅક્ટરના મૂડ સાથે જોડવાની ટ્રાય કરતા. બહુ મહેનત થતી અને એ મહેનત પછી સૉન્ગની કોરિયોગ્રાફી તૈયાર થતી. એટલું જ નહીં, મ્યુઝિકની એકેક બીટને અમે પકડતા. હું માનું છું કે કોરિયોગ્રાફર હોય તેને મ્યુઝિકની સેન્સ હોય જ છે. મ્યુઝિકની એ સેન્સ વચ્ચે જ ડાન્સનાં સ્ટેપ્સ ગોઠવાતાં હોય છે. હું અનેક વખત કહી ચૂકી છું કે જેમ સારી રેસિપીમાં બધું એકસરખું જોઈએ અને એકસરખા પ્રમાણમાં જોઈએ એ રીતે જ કોરિયોગ્રાફીમાં પણ બધું એકસરખા પ્રમાણમાં હોવું જોઈએ.

ફિલ્મો જે ક્વૉન્ટિટીમાં હવે બની રહી છે અને મ્યુઝિકની જે ડિમાન્ડ છે એ જોતાં હું કહીશ કે બૉલીવુડ ડાન્સ કોરિયોગ્રાફીનો સારો ર્કોસ શરૂ થાય એ બહુ જરૂરી છે. શાસ્ત્રીય નૃત્ય શીખવવા માટે તો આદરણીય લેખાય એવી અનેક સંસ્થાઓ ચાલે છે, પણ એ ઉપરાંત બૉલીવુડ ડાન્સ માટે કંઈક હોવું જોઈએ. બૉલીવુડ ડાન્સની સૌથી મોટી ડિમાન્ડ છે જે બધા જાણે છે. આજે એ પ્રકારના ડાન્સ શીખવતા ક્લાસિસ તો પુષ્કળ ચાલી રહ્યા છે, પણ એમની ઑથેન્ટિસિટી નથી હોતી એ બધાને ખબર છે. જો યોગ્ય રીતે એની કોઈ સ્કૂલ શરૂ થાય તો ચોક્કસ એને સારો રિસ્પૉન્સ મળે. આજના સમયમાં તો આ ફીલ્ડમાં ઇન્ટરેસ્ટ લેનારા લોકો પણ વધ્યા છે એટલે એ રીતે પણ સારી બૉલીવુડ ડાન્સ-સ્કૂલ હોય તો એમાં કંઈ ખોટું નથી. હા, એ ઑથેન્ટિક હોવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK