સગીર પુત્રના ભરણપોષણમાંથી છટકી જવા માગતા પિતાને હાઈ કોર્ટની ફટકાર

Published: 4th November, 2014 05:01 IST

ઊલટું ભરણપોષણ ૨૦૦૦થી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરી આપ્યુંબૉમ્બે હાઈ કોર્ટે એક વેપારીને તેના પુત્રને ભરણપોષણ આપવાની જવાબદારીમાંથી છટકી જતાં રોક્યો છે એટલું જ નહીં, ભરણપોષણ વધારી આપ્યું છે. આ વેપારીના સગીર પુત્રની માતાનું મૃત્યુ થયું છે અને તે ૨૦૦૧થી પોતાના મામાને ત્યાં ઊછરી રહ્યો છે.

ન્યાયમૂર્તિ અભય ઓક અને ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે પિતાને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. આ સગીર બાળકે પોતાના મામા દ્વારા પોતાનું ભરણપોષણ મન્થ્લી ૨૦૦૦ રૂપિયાથી વધારી આપવા માટે અરજી કરી હતી. હાઈ કોર્ટે પિતાને ૨૦૦૮થી બાકી રહેલી રકમ એક અઠવાડિયામાં તેના પુત્રના બૅન્ક-અકાઉન્ટમાં જમા કરવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર મહિનાથી પિતાએ આ રકમ દર મહિનાની ૧૦ તારીખ સુધીમાં પુત્રના અકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. ન્યાયમૂર્તિઓએ પિતાને કાનૂની ખર્ચપેટે ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. અરજીમાં પુત્રના મામાએ જણાવ્યું હતું કે આ વ્યક્તિનાં લગ્ન ધામધૂમથી રાજસ્થાનમાં જૂન ૧૯૯૮માં કરવામાં આવ્યાં હતાં ત્યારે કન્યાદાનમાં સારીએવી રકમ આપવામાં આવી હતી. ૨૦૦૧માં તેની પત્ની દાઝીને મૃત્યુ પામી હતી ત્યારે આ બાળક અઢી વર્ષનું હતું અને ત્યારથી તે તેના મામા સાથે રહે છે.

પિતાએ આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તેની આવક વિશે ખોટા દાવાઓ રજૂ કરવામાં આવ્યા છે અને તેણે બીજાં લગ્ન કર્યા છે અને આ લગ્નથી તેને બે બાળકો છે. એથી તેની આવક ભરણપોષણ આપવા જેટલી નથી, પરંતુ આ દાવો કોર્ટે ફગાવી દીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK