ટ્રેન-અકસ્માતમાં પગ ગુમાવીને પણ હિંમત નથી હાર્યા આ ભાઈ

Published: Nov 04, 2014, 04:58 IST

૧૦ વર્ષ પહેલાં બનેલી આ ઘટના પછી કાંદિવલીમાં રહેતા વિજય લાખાણીએ અનેક મુસીબતોનો સામનો કરીને પણ પોતાનો બિઝનેસ સ્થાપ્યો અને પોતાનું ઘર લીધું. અટકવું નહીં અને ઝઝૂમ્યા કરવું એ તેમના જીવનનો એકમાત્ર મંત્ર છેસ્પેશ્યલ સ્ટોરી - કૃપા પંડ્યા

જ્યારે ભગવાન એક રસ્તો બંધ કરી દે છે ત્યારે બીજા ચાર રસ્તાઓ ખોલી દે છે. ક્યારેક આપણી સાથે એવી કોઈ ઘટના બને છે જ્યારે આપણે લાગે છે કે હવે જીવનમાં કંઈ બચ્યું નથી. પણ ત્યારે જ ભગવાન એક દ્વાર બંધ કરે છે અને બીજાં ચાર દ્વાર ખોલી દે છે. આ ફિલોસૉફી નહીં, પણ હકીકત છે. આજે આવી જ એક વ્યક્તિની વાત કરવાની છે.

કાંદિવલીમાં રહેતા ૪૩ વર્ષના વિજય લાખાણીનો ડાબો પગ ટ્રેનના ગૅપમાં આવીને ઘૂંટણથી કપાઈ ગયો. પરંતુ આજની તારીખમાં તેઓ કોઈના પર પણ નિર્ભર નથી. મોટા મોટા મૉલમાં કે દુકાનોમાં શૉપિંગ કરતા સમયે તમને સામાન ભરવા માટે પ્લાસ્ટિકની પ્રિન્ટેડ થેલીઓ આપે છે એ થેલીઓ બનાવવાનો તેમનો વ્યવસાય છે. આ વ્યવસાય તેમણે અકસ્માત પછી જાતમહેનતથી ઊભો કર્યો છે જેમાં તેમને એક પગ ન હોવાથી ઘણી તકલીફો પડી, પણ તેમણે હાર ન માની અને બધી પરિસ્થિતિનો હિંમતથી સામનો કર્યો.

ક્યારેય નહીં ભુલાય એ દિવસ

૨૦૦૪ની ૨૮ મેએ વિજયભાઈ તેમના પરિવાર સાથે સાસરે કોઈ પ્રસંગમાં હાજરી આપવા આણંદ ગયા હતા. ત્યાંથી તે મુંબઈ પાછા એકલા આવતા હતા. ત્યાં ટ્રેનમાં ચડતાં- ચડતાં પ્લૅટફૉર્મ અને ટ્રેન વચ્ચે જે ગૅપ હોય એમાં તેમનો પગ લપસી ગયો. પસીનાથી હાથ ભીના થઈ ગયા હોવાથી તે દાંડો પણ ન પકડી શક્યા. વિજયભાઈ એવી રીતે પડ્યા કે તે પ્લૅટફૉર્મની દીવાલ પર ચીપકી ગયા, પણ તેમનો ડાબા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ ટ્રૅક વચ્ચે આવી જવાથી કપાઈ ગયો.

પ્લૅટફૉર્મ પર વિજયભાઈને તેમનાં સગાં મૂકવા આવ્યાં હતાં. એમાં તેમનાં સાસુ પણ હતાં. તેઓ કહે છે, ‘ટ્રેન ઊપડવાની શરૂ થઈ તો મારાં સગાં જવા લાગ્યાં, પણ મારાં સાસુ ટ્રેન પ્લૅટફૉર્મ ન છોડે ત્યાં સુધી ઊભાં હતાં. તેમને એમ કે હું ટ્રેનમાં જતો રહ્યો હોઈશ, પણ મેં સાસુને બૂમ પાડી અને મારાં સાસુમાએ જેવું મારી તરફ જોયું ત્યાં તો તેઓ એ દૃશ્ય જોઈને પ્લૅટફૉર્મ પર જ ચક્કર ખાઈને પડી ગયાં. તેમને બેહોશીની હાલતમાં જોઈ પ્લૅટફૉર્મ પર જે ચાર-પાંચ મુસાફર હોય તેમણે મારાં સગાંને બોલાવ્યાં. તેઓ આવ્યાં અને તે જે ચાર-પાંચ મુસાફરો હતા તેઓ મને ટ્રૅક પરથી સ્ટ્રેચર પર મૂકી પ્લૅટફૉર્મ પર લાવ્યા અને માલસામાન લઈ જવાની ગાડી હોય એના પર મને સુવડાવ્યો. ત્યાં એક માણસ આવ્યો અને અમને કહે કે આને મારી ઍમ્બેસેડર ગાડીમાં સુવડાવી દો, તેને હૉસ્પિટલ લઈ જઈએ. મને તરત તેની ગાડીમાં સુવડાવ્યો અને બારસડ ચોકડી પર આવેલી કરમસદ હૉસ્પિટલમાં લઈ ગયા. એ સમયે એ વ્યક્તિ અમારા માટે ભગવાન બનીને આવી હતી. મને હૉસ્પિટલના સ્ટ્રેચર પર સુવડાવી ખબર નહીં તે ક્યાં જતા રહ્યા. કોઈને તેમના વિશે કંઈ ખબર નહોતી.’

લાઇવ જોયું ઑપરેશન

હૉસ્પિટલમાં સ્ટ્રેચર પર સુવડાવી તેમને તરત ઑપરેશન થિયેટરમાં લઈને ગયા. તેઓ કહે છે, ‘મને જ્યારે ઑપરેશન થિયેટરમાં લઈને ગયા ત્યારે મને ડૉક્ટરે પૂછ્યુ કે તમને તમારું ઑપરેશન જોવું છે? તો મં હા પાડી અને તેમણે મારા ઘૂંટણથી નીચેના પગ ખોટા કર્યા અને મારી આંખ સામે મારું ઑપરેશન કર્યું. તમે આવી હિંમત ક્યાંથી લાવી એવું તેમણે પૂછ્યુ તો મેં કહ્યું, મને ડૉક્ટરે કહ્યું કે અમે તમારા પગ પાછા જોડી શકવાના નથી. બસ, તમે ભગવાનનો એટલો પાડ માનો કે તમારા પેટનો કોઈ હિસ્સો એમાં ફસાયો નહોતો. બસ, એ સાંભળી મને ઑપરેશન જોવાની હિંમત આવી. તમે માનશો નહીં, મને ઑપરેશન થિયેટરમાં ૪થી ૫ ડિગ્રીમાં પણ પસીનો આવતો હતો.’

વિજયભાઈ દોઢ મહિનો આણંદ હૉસ્પિટલ રહ્યા અને પછી છ મહિના સુધી ત્યાં સાસરે જ રહ્યાં. કેમ કે તેમને દર અઠવાડિયે ડ્રેસિંગ કરવા આવવાનું હતું.

 છ મહિના પછી મુંબઈ

ઑપરેશનના છ મહિના પછી વિજયભાઈ મુંબઈ આવ્યા. વિજયભાઈના પરિવારમાં ત્રણ ભાઈઓ છે. બૉમ્બે આવી વિજયભાઈ આઠ મહિના સુધી ઘરની બહાર જ નીકળ્યા નહોતાં. તેઓ કહે છે, ‘હું સાસરેથી આવી આઠ મહિના સુધી ઘરની બહાર જ નહોતો નીકળ્યો. મારી પત્ની જ્યાં કામ કરતી હતી ત્યાં તેમના જે બૉસ હતા તેમના મોટા ભાઈના એક અકસ્માતમાં ઘૂંટણ નીચેથી બન્ને પગ કપાઈ ગયા હતા એટલે તે જયપુર ફૂટ વાપરતા હતા. તેમણે અમને ગાઇડ કર્યા અને પછી મેં પણ જયપુર ફૂટ પહેરવા માંડ્યા. એ પર્હેયા પછી મને કૉન્ફિડન્સ આવવા લાગ્યો.’

નોકરી માટે ઘણી મુશ્કેલીઓ નડી

વિજયભાઈને નોકરી માટે ઘણી મુશ્કેલીઓ આવી. શારીરિક રીતે અસક્ષમ હોવાને કારણે તેમને કોઈ નોકરી પર રાખવા તૈયાર નહોતું. તેઓ કહે છે, ‘મને આવી અવસ્થામાં કોઈ નોકરી પર રાખવા તૈયાર નહોતું. અરે, મારા મામા પણ તેમની પોતાની પ્લાસ્ટિકની બૅગ બનાવવાની ફૅક્ટરીમાં રાખવા તૈયાર નહોતા. તેમને રિક્વેસ્ટ કરી ત્યારે તેમણે મને મહિને ૨૨૦૦ રૂપિયા સૅલરી પર એક પ્યુનની જેવી જૉબ હોય એ આપી. થોડો સમય મેં એ નોકરી કરી પછી મને ખ્યાલ આવ્યો કે આખી જિંદગી આવી રીતે નોકરી કરીશ તો નહીં ચાલે, કંઈક કરવું પડશે. એટલે મેં મારા મામાને ત્યાં જ મશીનરીનું કામ શીખ્યો. ત્યાં મે લગભગ સાડાત્રણ વર્ષ જૉબ કરી. હું મશીન ઑપરેટર બની ગયો અને પછી મારી સૅલરી પણ વધી. પણ મને એ પણ ઓછી લાગતી હતી. પછી મં વિચાર્યું કે જે માલ તૈયાર થાય છે એની ડિલિવરીનું કામ કરું તો કદાચ ઇન્કમ વધી જશે. આમે મને ડ્રાઇવિંગ આવડતું જ હતું એટલે મં મારુતિ કાગોર્ લીધી અને માલની ડિલિવરી કરવા લાગ્યો. માલની ડિલિવરીનાં બે-અઢી વર્ષ દરમ્યાન મને પ્લાસ્ટિક બૅગના બિઝનેસની પૂરી જાણકારી આવી ગઈ હતી. એટલે હું માલની ડિલિવરી સાથે-સાથે મારા મામા માટે ક્લાયન્ટ લાવવા લાગ્યો. પણ મારા મામાને એ પસંદ ન પડ્યું અને તેમણે મને મારું કમિશન પણ ન આપ્યું. એ ઉપરાંત મને નોકરીમાંથી પણ કાઢી મૂક્યો.’

એક દ્વાર બંધ તો બીજું ખૂલ્યું

વિજયભાઈને જ્યારે તેમના મામાએ નોકરીમાંથી કાઢી મૂક્યા ત્યારે તેમના મામાના જ પાર્ટનર નીતિન શાહે તેમને કામ કરવા માટે બોલાવ્યા. તેમને પ્લાસ્ટિકના બિઝનેસનું ભરપૂર નૉલેજ આવી ગયું હતું એટલે તેમણે નીતિન શાહની વાત માની લીધી અને તેમની સાથે જોડાઈ ગયા. જે કામ તે ત્યાં કરતા હતા એ જ કામ તેમણે અહીં કરવાનું હતું. તેમણે પગાર પર નહીં, પણ કમિશન પર કામ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તેમણે લેબર જૉબનું કામ ચાલું કર્યું. એટલે એમાં પ્લાસ્ટિકની થેલીઓના રોલ મશીનમાં કટિંગ કરવા, એના હૅન્ડલને કટ કરવા અને પછી એના પર જે પણ ક્લાયન્ટ હોય તેનું નામ પ્રિન્ટ કરવું. આને લેબર જૉબનું કામ કહેવાય. એ કામ વિજયભાઈએ બે વર્ષ સુધી નીતિન શાહ પાસે કરાવડાવ્યું. પણ પછી નીતિનભાઈને ત્યાં તેમના કરતાં વિજયભાઈનું કામ વધારે થવા લાગ્યું એટલે તેમણે પણ વિજયભાઈને ના પાડી દીધી. એ પછી વિજયભાઈ ભાઈંદરમાં કામ કરવા લાગ્યાં. ધીરે-ધીરે તેમની પર પણ કામનો બોજો આવતાં તેણે પણ વિજયભાઈને ના પાડી દીધી. એ પછી વિજયભાઈએ છેવટે દમણની એક ફૅક્ટરીમાં પોતાનું કામ શિફ્ટ કરી દીધું. તે પ્લાસ્ટિકની થેલીઓ સાથે પ્રિન્ટેડ લેમિનેટેડ પાઉચ પણ બનાવે છે. તેમની પાસે ઝવેરી પ્લસ (ઇમિટેશન જ્વેલરીની શૉપ), ગુરુકૃપા ફૂડ (ફરસાણની શૉપ) જેવા અનેક ક્લાયન્ટો છે.

જયપુર ફૂટથી ઑટો બૉક ફૂટ પર

વિજયભાઈએ જયપુર ફૂટ ૨૦૧૧ સુધી પહેર્યો. તેઓ કહે છે, ‘મારી પત્નીના બૉસના મોટા ભાઈ જે જયપુર ફૂટ વાપરતા હતા તેમને પછી ઑટો બૉક ફૂટ પહેરવાનું શરૂ કર્યું જે જર્મન કંપનીનો છે. આ ઑટો બૉક જર્મન કંપની ટેક્નૉલૉજી પ્રમાણે આર્ટિફિશ્યલ પગ બનાવે છે જેની કિંમત ૯૦,૦૦૦ રૂપિયા છે. આની ખાસિયત એ છે કે આમાં તમે બે કિલોમીટર ચાલો તો પણ તમને થાક ન લાગે. એટલે અમે પણ પૈસા જમા કરી આ ઑટો બૉક ફૂટ બનાવડાવ્યો જે અત્યારે પણ હું પહેરું છું.’

પરિવારનો ફુલ સપોર્ટ

વિજયભાઈને તેમના પરિવારનો પૂરો સપોર્ટ હતો. તેમનાં ૧૯૯૯માં લવ-મૅરેજ થયાં છે. તેમને ૧૪ વર્ષની દીકરી સાક્ષી પણ છે. તેઓ કહે છે, ‘મને મારા પરિવારનો પૂરો સપોર્ટ મળ્યો છે. એ સાથે મારા સાસારાવાળાનો પણ પૂરો સપોર્ટ મળ્યો. મારી પત્ની બીના ફાઇનૅન્શિયલી સ્ટેબલ હતી એટલે હું કંઈ પણ નવું ચાલુ કરવાનું રિસ્ક ઉઠાવી શક્યો. અમે પતિ-પત્ની જ્યારે કામ પર જતાં ત્યારે મારાં સાસુ મારી દીકરીને સંભાળતાં. અમારું ઘર મારા સાસરેથી નજીક જ હતું એટલે તેને સાસુ પાસે સવારે મૂકવા જવાનું અને સાંજે લેવા જવાનું કામ હું કરતો. ઍક્સિડન્ટ પહેલાં અમે ભાડાના ઘરમાં રહેતાં હતાં. ઍક્સિડન્ટ પછી મેં ઘર ખરીદ્યું. આ ઘર પણ મારા સસરાનું જ હતું. તેમણે મોટું ઘર લીધું એટલે જે ભાવમાં તેમણે લીધું હતું એ જ ભાવમાં અમને ઘર આપ્યું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK