ટીનેજ છોકરીઓમાં શા માટે વધ્યું છે ડિપ્રેશનનું પ્રમાણ?

Published: 30th October, 2014 05:28 IST

અમેરિકાના રિસર્ચરોએ તાજેતરમાં કરેલા સર્વેનું તો આ કહેવું છે જ, પરંતુ મુંબઈના એક્સપર્ટ પણ આ વાતને સહમતી આપે છે. એમાં પેરન્ટ્સની ભૂમિકા શું હોવી જોઈએ એ વિશે જાણી લો
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

અમેરિકાની ટેમ્પલ યુનિવર્સિટીના રિસર્ચરોએ તાજેતરમાં કરેલા એક સર્વેક્ષણનું તારણ આવ્યું છે કે આજકાલની ટીનેજ છોકરીઓ વધુ ને વધુ ડિપ્રેશનમાં સરી રહી છે. ઘરમાં ચાલતી ફાઇટથી લઈને સોશ્યલ લેવલ પર ચાલતી સ્પર્ધાઓ, પોતાનો દેખાવ, પેરન્ટ્સનાં ડબલ સ્ટૅન્ડર્ડ અને તેમનું પ્રેશર, ફ્રેન્ડ્સની દેખાદેખીને કારણે આવતી ઈર્ષા જેવી અનેક બાબતો આજકાલની ટીનેજરને ચિંતા કરાવી રહી છે અને આ ચિંતા ડિપ્રેશનનું રૂપ લઈ રહી છે. સ્વાભાવિક છે કે છોકરીઓ તુલનાત્મક રીતે વધુ ઇમોશનલ હોય છે અને હ્યુમન-સહજ અટેન્શન મેળવવાની ઝંખના તેમનામાં વધુ તીવ્ર હોય છે. એવામાં અત્યારના વાતાવરણે અને સતત મળી રહેલા એક્સપોઝરે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

કેસ-સ્ટડી

અંધેરીમાં રહેતી ૧૦ વર્ષની અવનિ વોરાની પર્સનાલિટીમાં અચાનક પરિવર્તન આવ્યું. હસમુખા સ્વભાવની આ છોકરી અચાનક ગુમસૂમ રહેવા લાગી. તે બારીની બહાર આકાશમાં જોયા કરે અને કોઈની સાથે વાત ન કરે. તેને ભાવતું ખાવાનું પણ તે ખાતી નહોતી. લગભગ છ મહિના તેની આવી સ્થિતિ જોયા પછી તેના પેરન્ટ્સ તેને કાઉન્સેલર પાસે લઈ ગયા. ત્રણ સેશનના કાઉન્સેલિંગ પછી કાઉન્સેલરને ખબર પડી કે તેની સ્કૂલમાં તેના પેરન્ટ્સ તેને નાની ગાડીમાં લેવા આવે છે એ વાતનું તેને દુખ હતું. તેની સ્કૂલના ક્લાસમેટ્સ તેને વારંવાર તેની પાસે નાની ગાડી છે એ વાત કહીને નીચું દેખાડતા હતા. પૈસેટકે સુખી પરિવાર હતો. ઘરમાં ત્રણ ગાડી હતી. એકાદ વર્ષ પહેલાં પાર્ટનર સાથે છૂટા પડ્યા પછી પડેલા ભાગમાં તેમના ભાગમાં ત્રણ નાની ગાડી આવી હતી. અવનિ જે સ્કૂલમાં ભણતી હતી એ સ્કૂલમાં બધાના પેરન્ટ્સ પોતાનાં બાળકોને BMW અને મર્સિડીઝ જેવી મોટી અને હાઇ-ફાઇ ગાડીમાં લેવા આવતા. એની સામે અવનિની માતા તેને નાની અને સસ્તી કારમાં લેવા જતી જેને કારણે અવનિને તેના ફ્રેન્ડ્સ સામે નીચાજોણું થતું હતું. એ વાત તેને ડંખતી. એને કારણે ધીમે-ધીમે તે ડિપ્રેશનમાં સરી પડી. દોઢ વર્ષ સુધી તેનું કાઉન્સેલિંગ થયું અને ટ્રીટમેન્ટમાં તેને અમુક બેઝિક વૅલ્યુ શીખવવામાં આવી.

૨૬ વર્ષની રાધિકા કૉલેજના બીજા વર્ષમાં હતી. કૉલેજ શરૂ કરી ત્યારથી રાધિકાના નેચરમાં બહુ મોટા ફેરફારો તેના પેરન્ટ્સે નોંધ્યા હતા. અતિશય બોલકણી અને ડાન્સમાં હોશિયાર આ છોકરી કોઈ પણ પ્રોગ્રામમાં ભાગ લેતી નહીં. કૉલેજમાં પણ લાસ્ટ બેન્ચ પર બેસી રહેતી. કોઈની સાથે દોસ્તી કરતી નહોતી. આટલી બધી ગુમસૂમ અને એકલવાયી રહેવા લાગેલી આ છોકરીને જોઈને તેની કૉલેજમાં એક પ્રોફેસરે તેના પેરન્ટ્સનું ધ્યાન દોર્યું અને તેનું કાઉન્સેલિંગ કરીને તેના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા કહ્યું. કાઉન્સેલિંગ શરૂ કર્યાના લગભગ છ મહિના સુધી તે મૂળ વાત પર ન આવી. છેલ્લે કાઉન્સેલર સાથે થોડો સારો રેપો બંધાઈ ગયા પછી તેણે તેના મનની વાત ખોલી. તે એટલી દેખાવડી નથી. કમ્પૅરિટિવલી તેની કૉલેજમાં બધી જ છોકરીઓ ખૂબ સુંદર છે. તેને લાગતું હતું કે લોકો તેને બહેનજીની નજરે જોઈ રહ્યા છે, કારણ કે તેનાં કપડાં પણ આન્ટી જેવાં છે. તે મૉડર્ન કપડાં પહેરવા ઇચ્છતી હતી. તેને બીજી છોકરીઓની જેમ પાર્ટી અને આઉટિંગ કરવું હતું, પરંતુ તેનો પરિવાર એટલો રૂઢિચુસ્ત હતો કે આવી કોઈ વાત કરે તો તેનાં માતા-પિતા તેને કૉલેજમાં જતી બંધ કરી દે. મનોમન તે ખૂબ નાનપ અનુભવતી હતી. આ જ બાબતને કારણે તેને હવે કંઈ કરવામાં રસ નહોતો રહ્યો. માત્ર રૂટીન મુજબ જબરદસ્તીથી તે લાઇફ જીવી રહી હતી.

કારણો શું?

છોકરીઓમાં કમ્પૅરિટિવલી દેખાદેખી અને જેલસીની ટેન્ડન્સી વધારે હોય છે એમ જણાવીને

સાઇકો-ઍનલિસિસ્ટ શીતલ મહેતા કહે છે, ‘રિસર્ચ ભલે અમેરિકામાં થયું હોય, પરંતુ એ આપણા દેશમાં પણ એટલું જ સાબિત થઈ રહ્યું છે. આજકાલ ટીનેજ દીકરીઓના ડિપ્રેશનના કિસ્સાઓ વધ્યા છે એમાં બેમત નથી. જોકે એની પાછળ માહોલ કરતાં પણ હું પેરન્ટ્સને જવાબદાર ગણીશ. પેરન્ટ્સ દ્વારા છોકરીઓનું ઇમોશનલ ડેવલપમેન્ટ બરાબર નથી થઈ રહ્યું. એમાં સમાજમાં આવી રહેલું મૉડર્નાઇઝેશન, ટેક્નૉલૉજીનો અતિરેક, કમ્યુનિકેશનનો અભાવ, મૂલ્યોને બાળકોને શીખવવાની પદ્ધતિનો અભાવ જેવી બાબતો છોકરીઓની ઇમોશનલ કન્ડિશનને અતિશય પ્રભાવિત કરી રહી છે. બીજું, અત્યારે છોકરીઓનો સેક્સ્યુઅલ ગ્રોથ વહેલો થઈ રહ્યો છે એટલે આકર્ષણ, જિજ્ઞાસા, લાગણીઓનો મારો હોય. એમાં તેમનો ઍડ્વાન્ટેજ લેનારા કે લાગણીના નામે તેમને છેતરનારા લોકો સાથે પરિચય થાય એ પણ ડિપ્રેશનનું એક કારણ બન્યું છે. આજકાલની મમ્મીઓ મૉડર્ન બની ગઈ છે. તેમને દીકરીને સમય નથી આપવો. કપડાં મૉડર્ન પહેરે, ખાવાપીવાનું મૉડર્ન રાખે. રહેણી-કરણી અને ખાણી-પીણી પૂરતી વાત પેરન્ટ્સ માટે અટકી જાય છે, પરંતુ એના પછી છોકરાઓ નથી અટકતા. સ્કર્ટ કે વન-પીસ પહેરીને તેમને પાર્ટીમાં જવું છે, ડ્રિન્ક કરવું છે અને એ પાછું જો મમ્મી-પપ્પાને ખબર પડે તો તેમના માથે આભ તૂટી પડે છે. મારી દીકરી બગડી ગઈનાં રોદણાં રડીને તેઓ તેને ટૉર્ચર કરવાનું શરૂ કરે છે. જોકે દીકરી એ દિશામાં આગળ વધી રહી હતી ત્યારે તેને કેમ કોઈ સમજ ન આપી? ઍક્ચ્યુઅલી, એનું કારણ પણ એ છે કે આજકાલનાં મમ્મી-પપ્પા પોતાનામાં જ એટલાં બિઝી છે કે તેમને પોતાને છૂટ રહે એ માટે બાળકોને છૂટ આપી દીધી છે. મેં ઘણી મમ્મીઓ જોઈ છે જે ડ્રાઇવ કરતી વખતે પોતે ફોન પર વાત કરી શકે એટલા માટે બાજુમાં બેઠેલી દીકરીને આઇ-પૅડ પકડાવી દે છે. પેરન્ટ્સનાં આ ડબલ સ્ટૅન્ડર્ડ છોકરીઓને ડિપ્રેસ કરી રહ્યાં છે.’

બીજી મહત્વની વાત એ પણ છે કે આજકાલના પેરન્ટ્સ વધુ ને વધુ મટીરિયલિસ્ટિક થઈ રહ્યા છે એટલે તેમનાં બાળકો પણ મટીરિયલિસ્ટિક બની રહ્યાં છે. આજકાલની સ્કૂલોમાં ભણતાં બાળકોમાં તો ફૉરેનની ટ્રિપ, મોંઘી કાર, બ્રૅન્ડેડ કપડાં વગેરેનું ડિસ્કશન થાય છે. સાથે ભણતા વિદ્યાર્થીઓમાં કોઈની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેને નીચું દેખાડવામાં તેના ફ્રેન્ડ્સ પાછા નથી પડતા.

પેરન્ટ્સનો અપ્રોચ

બાળકનો ઓપિનિયન લેતા રહેવાથી ફાયદો થાય : કવિતા શર્મા

ગોરેગામમાં રહેતી કવિતા શર્માની દીકરી દેવિકા બાર વર્ષની છે. તે કહે છે, ‘મારો અનુભવ છે કે દરેક વસ્તુની વાત થતી રહેવી બહુ જરૂરી છે. અમુક વસ્તુની છૂટ આપણે દીકરીને ન આપી શકીએ, કારણ કે જમાનો ખરાબ છે. અફકોર્સ દીકરા-દીકરીના ભેદની અહીં વાત નથી, પરંતુ દરેક પેરન્ટ્સને દીકરીની સેફ્ટી વિશે વિશેષ ચિંતા રહેતી હોય છે એટલે ના-ના કરતાં પણ થોડા વધુ પઝેસિવ અને પ્રોટેક્ટિવ બની જવાતું હોય છે. જોકે તેની સાથે વાતો કરવાની, પછી તેની વાતમાં રસ પડે કે ન પડે. તેને હું મારી વાતો કરું અને તેને તેની વાતો કરવાનું કહું. તેના જજમેન્ટ પર પણ હું ઑબ્ઝર્વેશન રાખતી હોઉં છું. તે લોકોને કઈ રીતે જજ કરે છે એ માટે તેનો ઓપિનિયન લેતી રહું છું. મારો અનુભવ છે કે બાળકો પાસેથી તમે જ્યારે ઓપિનિયન લો છો ત્યારે તેને પોતાનું ઇમ્પોર્ટન્સ લાગે છે અને એની સાથે એ થોડી રિસ્પૉન્સિબિલિટી પણ ફીલ કરે છે. સાથે આપણને તેનું મેન્ટલ સ્ટેટ શું છે એ પણ સમજાય છે.’

એટલો બધો વધારે પ્રેમ અને ભરોસો કરો કે તેમને તમારો ભરોસો તોડવાનો ડર લાગે : મીનલ અજમેરા

દહિસરમાં રુસ્તમજી સોસાયટીમાં રહેતી મીનલ સંજય અજમેરાની બે દીકરીઓ છે : ૧૮ વર્ષની પ્રાચી અને ૧૬ વર્ષની ખ્યાતિ. બન્ને દીકરીઓને ઇમોશનલી અને સોશ્યલી સ્ટ્રૉન્ગ બનાવવા માટે આ મમ્મી પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘મેં દીકરીઓને હંમેશાં ફ્લો સાથે જીવવાનું શીખવ્યું છે. ભણવામાં અને બીજી એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટી એમ બધામાં રસ લેવાનો. ટ્રેન્ડ સાથે રહો, તમને ગમતું બધું જ કરો; પણ આંધળૂકિયાં નહીં કરવાનાં, બધા કરે છે એટલે મારે કરવું છે એવું નહીં કરવાનું જેવી બાબતો તેમની સાથે રેગ્યુલર બેઝ પર ડિસ્કસ કરતી રહું છું. મારા મતે સંતાનો સાથે તમે કમ્યુનિકેટ કરતા રહો, તેમના મૂડ પ્રમાણે તેમની સાથે તેમને ગમે એ રીતે કમ્યુનિકેટ કરતા રહો તો તેઓ તમારી સાથે પોતાની બધી વાતો ટ્રાન્સપરન્ટલી શૅર કરી શકે છે. બાળક પર પ્રેમ અને વિશ્વાસ મૂકો. એટલો બધો વધારે પ્રેમ અને ભરોસો કરો કે તેમને તમારો ભરોસો તોડવાનો ડર લાગે.’

તમારી જવાબદારી શું છે?

તમારા બાળકનું ઇમોશનલ ડેવલપમેન્ટ કરો. તેની સાથે સમય પસાર કરો. તેના હાથમાં આઇ-પૅડ પકડાવી દેવાથી તમારું કામ નથી થતું. તેની સાથે રમો. તેને ગાર્ડનમાં લઈ જાઓ. તેની સાથે વૉક પર જાઓ. દર રવિવારે સવારે પરિવાર સાથે બીચ પર જવાનું નક્કી કરો. રોજનું ડિનર સાથે કરો. એમાં તમે તમારું રૂટીન પણ બાળક સાથે શૅર કરો. તમે આજે શું કર્યું એ તેને કહેશો તો તેણે આજે શું કર્યું એ તમને કહેશે. એવું પણ કહી શકો કે જ્યારે મમ્મી કે ડૅડી તારી સાથે વૉક પર આવશે ત્યારે તે તારા દોસ્ત બનીને આવશે એટલે એ વખતે તારે જે કહેવું હોય એ તું બિનધાસ્ત કહી શકે છે, તને એમાં હું એક ફ્રેન્ડ બનીને હેલ્પ કરીશ.

તેની લાઇફમાં તમારું ઇન્વૉલ્વમેન્ટ હોવું, હોવું ને હોવું જ જોઈએ. તેના ફ્રેન્ડ્સ સામે તમે તેનું માથું ગર્વથી ઊંચું રહે એ રીતે વર્તન કરો. તેમને ઘરે બોલાવીને તેમને ભાવતું ખવડાવો. પછી તેમને ખબર ન પડે એ રીતે તેમને ઑબ્ઝર્વ કરો. એ લોકો કયા પ્રકારની વાતો કરે છે, તેમની ડિસ્કશનના કૉમન મુદ્દાઓ શું છે એ નોંધો.

યાદ રાખો કે ટીનેજરો સાથે ઑર્ડરિંગ ભાષામાં વાત કરશો તો તેઓ ક્યારેય નહીં સાંભળે. તમે જે પણ કહો છો એને તમારે દાખલા-દલીલ સાથે સમજાવટની ભાષામાં વાત કરવી પડશે. તમારી વાત તેમના પર થોપો નહીં. તમે તેમની પાસે જે કરાવવા માગો છો એ તમે કરતા હોવા જોઈએ. તમારી બધી તર્કબદ્ધ વાતોને તમારાં બાળકો સાંભળશે અને ફૉલો પણ કરશે. બસ, એ વાત તમે તેમના પર થોપેલી ન હોવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK