વાયદા, વિલંબ ને ધક્કાની આપણી જીવનશૈલી બદલાશે ખરી?

Published: Oct 29, 2014, 05:08 IST

આપણી જિંદગીનો ત્રીસ ટકા હિસ્સો નિદ્રામાં વીતે છે અને ત્રીસ ટકા હિસ્સો કશાકની પ્રતીક્ષા કરવા પાછળ કે ધક્કા ખાવા માટે વેડફાતો હોય છે
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ


તમારે કોઈ મિસ્ત્રી, પ્લમ્બર કે ઇલેસ્ટ્રિશ્યન પાસે કામ કરાવવું હશે તો તમારે જ તેને અનુકૂળ થવું પડશે, તે તમને અનુકૂળ થાય એવું વિચારવાનો પણ તમને હક નથી. પ્લમ્બરે તમને સવારે દસ વાગ્યે આવવાનો વાયદો કર્યો હશે તો તે બાર વાગ્યે આવશે. પોતે મોડો પડવાનો હશે તો તે તમને સામેથી કદીયે ફોન નહીં કરે. તમે તેને ફોન કરશો તો એક-બે વખત તો તે ફોન લેશે જ નહીં. લેશે તો પોતાના વિલંબને જસ્ટિફાય કરશે, ‘મારે મારા દીકરાને સ્કૂલમાં મૂકવા જવું પડ્યું...’ મિસ્ત્રીએ આપેલો સમય તે ચૂકી જશે તો મોડો આવીને સૉરી નહીં કહે. ઊલટાનું એમ કહેશે કે મારી સાળીને ઓચિંતી હૉસ્પિટલમાં દાખલ કરવી પડી, મારે હૉસ્પિટલમાં રહેવું જ પડે એવું હતું તોય હું તમારું કામ કરવા આવ્યો છું! ઇલેસ્ટ્રિશ્યન તેણે આપેલા સમયે નહીં આવે, તેની ફુરસદે આવશે અને પછી કહેશે કે મારાં બા-બાપુજી ગામડેથી આવવાનાં હતાં એટલે મારે સ્ટેશને તેમને લેવા જવું પડ્યું.

મજાની વાત એ છે કે આવી દરેક ઘટનામાં તમે જ હંમેશાં ખોટા હોવાના અને મિસ્ત્રી, પ્લમ્બર, ઇલેસ્ટ્રિશ્યન વગેરે લોકો હંમેશાં સાચા જ હોવાના.

ઘરનું છૂટક કામ કરતો રામો તમને અગાઉથી જાણ કર્યા વગર મનફાવે ત્યારે રજા પાડી દેશે. તમારે ત્યાં ચોવીસે કલાકના ઘરકામ માટે ઘરઘાટી રાખેલો હશે અને તે કોઈ વાર-તહેવારે કે અવસરે દસ દિવસની છુટ્ટી લઈને ગયો હશે તો તે કદી સમયસર પાછો નહીં જ આવે.

હવે રેડીમેડ કપડાં અને જ્વેલરીનો જમાનો આવી ગયો છે એટલે આપણને એ બાબતે ખાસ કડવો અનુભવ થતો નથી, પણ ભૂતકાળમાં તો એક કહેવત હતી કે સોની અને સઈ (ટેલર)નો વાયદો કદી સાચો ન પડે. ત્રણ-ચાર ધક્કા ખાધા પછી તમે છેલ્લે ખૂબ ગુસ્સે થઈને જાઓ ત્યારે ટેલર કહેશે, ‘સાહેબ, બધું રેડી જ છે; બસ ગાજ-બટન બાકી છે. બે મિનિટ બેસો, તમને હમણાં જ કરાવી આપું છું.’ તમે ગુસ્સો ગળી જઈને બેસશો એટલે પોણા કલાકે તમારું શર્ટ કે બ્લાઉઝ તમને આપશે. બે મિનિટમાં જ વસ્તુ તૈયાર કરી આપવાનો વાયદો પણ તે પાળતો નથી. આપણે વસ્તુ તેને આપી બેઠા હોઈએ (કાપડ કે સોનું આપણે તેને આપેલું હોય) કાં તો થોડીક ઍડ્વાન્સ રકમ આપેલી હોય એટલે આપણે શું કરી શકીએ? અને સપોઝ તમે આપેલી તમારી વસ્તુ કે ઍડ્વાન્સ રકમ તમે પાછી મેળવી લો તો પણ અલ્ટિમેટ્લી શું થવાનું? તમારે બીજા કોઈ સોની કે ટેલર પાસે જ જવું પડવાનુંને? તમે નવા કારીગર પાસે જાઓ એટલે વાયદાબજાર ફરી પાછું એકડે એકથી જ શરૂ થવાનુંને?

મને ઘણી વખત વિચાર આવે છે કે આપણી જિંદગીનો ત્રીસ ટકા હિસ્સો નિદ્રામાં વીતે છે અને ત્રીસ ટકા હિસ્સો કશાકની રાહ જોવામાં કે ધક્કા ખાવામાં વીતી જાય છે.

મોડા પડવામાં કે ખોટા પડવામાં આપણને ક્યાં શરમ નડે છે? એમાં આપણને અસભ્યતા દેખાતી જ નથી.

હમણાં એક જ્ઞાતિના સમારોહમાં મારે વક્તા તરીકે જવાનું હતું. એ લોકોએ સરસ કાર્ડ છપાવ્યાં હતાં. કાર્ડમાં કાર્યક્રમનો સમય સાંજે પાંચ વાગ્યાનો પ્રિન્ટ કરેલો હતો. આયોજકોએ મને કહ્યું કે તમે છ વાગ્યા પછી આવજો.

મેં પૂછ્યું, ‘કાર્ડમાં પાંચ વાગ્યાનો સમય લખ્યો છે, તમારી કંઈ ભૂલ તો નથી થતીને?’

તે ઠાવકા મોઢે બોલ્યા, ‘પાંચ વાગ્યાનો સમય લખ્યો હોય એટલે ગેધરિંગ તો છ વાગ્યે જ થવાનુંને! આપણે ત્યાં સમયસર કોણ આવે જ છે વળી?’

બોલો, આયોજકોને ખુદને જ કેટલી હૈયાધારણ હોય છે!

મારા એક પાડોશી મારી જેમ રોજ સવારે વહેલા ઊઠી જાય છે. એક વખત તે ખાસ્સા મોડા ઊઠ્યા. મેં હળવાશથી પૂછ્યું, ‘કેમ, આજે તમારો સૂરજ મોડો ઊગ્યો?’

તેમણે કંટાળેલા અવાજે જણાવ્યું, ‘ગઈ કાલે રાત્રે મારી ડૉટરને સ્કૂલમાંથી પ્રવાસે જવાનું હતું એટલે તેને સ્કૂલ પાસે મૂકવા ગયો હતો. સ્કૂલવાળાએ લક્ઝરી બસ કરી હતી અને લક્ઝરી બસવાળાએ બાર વાગ્યાનો સમય આપેલો. એ કારણે સ્કૂલવાળાઓએ દરેક વાલીને રાત્રે અગિયાર વાગ્યાનો સમય આપેલો. અમે તો અગિયાર વાગ્યે પહોંચી જ ગયા હતા, પણ કોઈ શિક્ષક ત્યાં નહોતા. બીજા વિદ્યાર્થીઓ અને પ્રવાસમાં સાથે જનારા શિક્ષકો બધા પોણાબાર વાગ્યા સુધીમાં આવી ગયા. દરેક વિદ્યાર્થીની પ્રેઝન્સ પણ લેવાઈ ગઈ... પરંતુ લક્ઝરી બસવાળો રાત્રે બાર વાગ્યાને બદલે દોઢ વાગ્યે આવ્યો! અમે તો અગિયાર વાગ્યાથી સ્કૂલના ગેટ પર ફીલ્ડિંગ ભરી-ભરીને કંટાળી ગયા હતા. મારી ડૉટરે જીદ ન કરી હોત તો હું તો તેને લઈને ઘેર પાછો જ આવી ગયો હોત.’

સાવ નાનકડા અને મામૂલી કામમાં પણ આપણે કેમ સમયસર રહેવાનો ચુસ્ત આગ્રહ નથી રાખતા? આપણા રેઢિયાળપણા માટે આપણને કેમ કદી શરમ નથી આવતી? ઊલટાનું ખોટાં બહાનાં બતાવીને આપણા રેઢિયાળપણાને જસ્ટિફાય કરવાના ઉધામા આપણે કેમ કરીએ છીએ? એક વખત તો એક જગ્યાએ એક ધર્માચાર્ય પધારવાના હતા. તેમનું સામૈયું કરવા પાંચસો-સાતસો લોકોની ભીડ ભેગી થયેલી હતી, પણ તે ધર્માચાર્ય પોતે જ એક કલાક મોડા આવ્યા. તોય પાછી તેમના ચહેરા પર શરમ નહોતી. ઊલટાનું ઉપકાર કરતા હોય એમ પોતાનું સામૈયું કરાવવા માંડ્યા અને આર્શીવાદ આપવાનો કાર્યક્રમ રોડ પર જ શરૂ કરી દીધો! સામૈયા માટે આવેલા ઘણા લોકોને જૉબ પર પહોંચવાની ઉતાવળ હતી, ઘણા લોકોને તકલીફ હતી; પણ ધર્માચાર્યની સામે કોઈ એક સવાલ પણ પૂછવા તૈયાર નહોતું કે ભાઈ, તમે તો સાધુ; તમે એવા તે કેવા કારોબારમાં રોકાયેલા હતા કે અહીં મોડા પધાર્યા?

તો આપણે અણઘડ છીએ

આપણે બસ કે ટ્રેનમાં પ્રવાસે જવાનું હોય તો કેવા સમયસર પહોંચી જઈએ છીએ! આપણને ખાતરી હોય છે કે બસ અને ટ્રેન કંઈ આપણી રાહ જોવાની નથી. એવા વખતે આપણી નફટાઈ અને બેદરકારી કેવી ડાહીડમરી થઈ જાય છે! જો એવી સમયસરતા દરેક બાબતમાં આપણે ન લાવી શકીએ તો આપણે ગમે એટલા એજ્યુકેટેડ હોઈએ તોય અણઘડ જ છીએ અને ગમે એટલા ખાનદાન હોઈએ તોય ભોટ જ ગણાઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK