એક જાગૃત અને ડાયનૅમિક મમ્મીની ઇન્સ્પાયરિંગ દાસ્તાન

Published: 28th October, 2014 05:02 IST

દીકરીની શૈક્ષણિક કારકિર્દીમાં તેમણે ભજવેલી ભૂમિકા તમને ઇમ્પ્રેસ કર્યા વિના નહીં રહે એ નક્કી
સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ગુજરાતી કૅલેન્ડર અનુસાર વિક્રમ સંવત ૨૦૭૧નું વર્ષ શરૂ થઈ ગયું છે. નવા વર્ષનો આરંભ કંઈક મજાની અને મોટિવેટિંગ વાતથી કરીએ. તમે એવા ઘણા લોકોને મળ્યા હશો જે બધું રૂટીન મુજબ જ કરે. એટલે કે રાબેતા મુજબ જે થતું હોય એ. હા, એને તમે સરકારી ઢબ પ્રમાણેનું કહી શકો. તો કેટલાક લોકો સતત આગળ વધતા રહેવામાં માને છે. અગર કોઈ જગ્યાએ રોડ-બ્લૉક આવે તો બીજો રસ્તો કે કેડી ક્યાંકથી ને ક્યાંકથી શોધી જ લે છે આવા લોકો. આ બીજા પ્રકારના લોકો ડાયનૅમિક બ્રિગેડમાં આવે છે.

આવાં જ એક બહેનને હમણાં મળવાનું બન્યું. પંચોતેર વર્ષનાં રશ્મિ મહેતાને જોતાં એક સ્માર્ટ મહિલા હોવાની છાપ તો પડે જ છે, પરંતુ તેમના પરિચયમાં આવ્યા બાદ ખબર પડે કે તેઓ કેટલી મજબૂત વ્યક્તિ છે! પતિના મૃત્યુ બાદ ચાલીસ વર્ષનો યંગ બ્રિલિયન્ટ ડૉક્ટર પુત્ર અકસ્માતમાં ગુમાવનાર આ સ્ત્રીની સહનશક્તિ અને સ્વસ્થતા કાબિલે દાદ છે, પરંતુ મને જે ખૂબ ઇમ્પ્રેસ કરી ગઈ એ તો તેમણે પોતાની દીકરીની ઍકૅડેમિક કરીઅરમાં ભજવેલી ભૂમિકા છે.

૧૯૮૩ની સાલની વાત છે. તેમની દીકરી ફાલ્ગુની BComના છેલ્લા વર્ષમાં હતી. તે MBAની એન્ટ્રન્સ એક્ઝામ માટે ટ્યુશન ક્લાસ કરી રહી હતી. એ દરમ્યાન અમદાવાદની IIMની એન્ટ્રન્સ ટેસ્ટ માટેનાં ફૉર્મ્સ જારી થયાં હતાં. ફાલ્ગુની જે ક્લાસમાં જતી હતી ત્યાં પણ ફૉર્મ્સ આવેલાં. તેના સરે પોતાને હોશિયાર લાગતા સ્ટુડન્ટ્સમાં એ ફૉર્મ્સ વહેંચી આપ્યાં. એમાં ફાલ્ગુની નહોતી. અને શાંત પ્રકૃતિની ઓછાબોલી ફાલ્ગુનીને ફૉર્મ ન મળ્યું એનું દુ:ખ તો હતું, પરંતુ એ બાબતે સરને સવાલો પૂછે કે તેમની સાથે દલીલો કરે એવી ફાલ્ગુનીની તાસીર નહોતી. જોકે રશ્મિબહેનને જાણ થઈ કે ત્ત્પ્નું ફૉર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ આડે માત્ર ચાર દિવસ રહ્યા છે ત્યારે તેમણે ફાલ્ગુનીને પૂછ્યું કે તેં હજી સુધી ફૉર્મ કેમ નથી ભર્યું. તો ફાલ્ગુનીએ કહ્યું, સરે મને ફૉર્મ જ નથી આપ્યું! એ હકીકતની ખબર પડી ત્યારે રશ્મિબહેનને બહુ આઘાત લાગ્યો, કેમ કે ફાલ્ગુની એક તેજસ્વી વિદ્યાર્થિની હતી. બારમા ધોરણમાં બોર્ડમાં સાતમા સ્થાને આવેલી. અને તે MBA કરશે જ એવી મમ્મી-પપ્પાને શ્રદ્ધા હતી. એટલે રશ્મિબહેન તો પહોંચ્યાં સીધાં તેના ટ્યુશન ક્લાસના સર પાસે અને પૂછ્યું કે ફાલ્ગુનીને ફૉર્મ કેમ ન આપ્યું? સરે કહ્યું કે જે સ્ટુડન્ટ્સ આ ટેસ્ટ ક્લિયર કરી શકે એમ લાગતું હતું એ બધાને ફૉર્મ આપ્યાં છે. એ સાંભળીને રશ્મિબહેને મનમાં વિચાર્યું કે મારી આટલી બ્રિલિયન્ટ દીકરી વિશે આ સરને આવો ખ્યાલ છે?

તેમણે સરને કહ્યું કે મને ગમે ત્યાંથી એક ફૉર્મ મેળવી આપો. સરે ક્લાસમાં જાહેરાત કરી કે જેની પાસે પણ વધારાનું ફૉર્મ હોય તે ફાલ્ગુનીને આપે. એક છોકરી પાસે વધારાનું ફૉર્મ હતું, પણ તેના ઘરે હતું. રશ્મિબહેન સબર્બમાં આવેલા તેના ઘરે જઈને ફૉર્મ લઈ આવ્યાં. રાત્રે બેસીને મા-દીકરીએ ફૉર્મ ભર્યું અને બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે જોડ્યા. બીજા દિવસે મુંબઈ ઍરર્પોટ પર જઈને અમદાવાદની ફ્લાઇટમાં જતા અજાણ્યા પૅસેન્જર સાથે એ અર્જન્ટ એન્વેલપ મોકલ્યું અને અમદાવાદમાં રહેતા એક ફ્રેન્ડને એ કલેક્ટ કરીને ત્ત્પ્માં પહોંચાડવા વિનંતી કરી. એ પહેલાં તેમના એક નજીકના રિલેટિવ ત્યાં જઈને સ્ટાફ-મેમ્બરને મળી આવ્યા હતા અને ફૉર્મ સ્વીકારવા વિનંતી કરી આવ્યા હતા કે એક છોકરીને આ રીતે ફૉર્મથી વંચિત રાખવામાં આવેલી એટલે ફૉર્મ સબમિટ કરવામાં મોડું થઈ ગયું છે.

અને ફાલ્ગુનીનું ફૉર્મ સબમિટ થઈ ગયું. તે એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈ ગઈ. અન્ય મૌખિક ટેસ્ટ્સ પણ તેણે ક્લિયર કરી લીધી! હવે ઍડ્મિશન ફૉર્મ ભરવાનું હતું. ફૉર્મ ભરીને ત્ત્પ્માં સબમિટ કરવા ગયા તો વળી એક સમસ્યા! BComના રિઝલ્ટની માર્કશીટ અટૅચ કરવાની હતી અને રિઝલ્ટ તો હજી આવ્યું નહોતું, બે દિવસ પછી આવવાનું હતું. હવે? પણ એમ ગાંજ્યાં જાય તો રશ્મિબહેન નહીં. તે અમદાવાદથી મુંબઈ આવ્યાં અને સીધાં યુનિવર્સિટી પહોંચ્યાં. રૂટીન મુજબ પ્યુન અને ક્લર્કની નો એન્ટ્રીની ચોકીઓ વટાવી તે તો પહોંચી ગયાં સીધાં વાઇસ ચાન્સેલર (VC)ની ઑફિસમાં. હકીકતની રજૂઆત કરી અને એક માની એ જોરદાર રજૂઆતમાં એટલી તાકાત હતી કે VCને પ્રતીતિ થઈ ગઈ કે રિઝલ્ટ વિના એક તેજસ્વી સ્ટુડન્ટની કારકિર્દી રોળાઈ જશે. બીજે દિવસે કૉલેજોમાં માર્કશીટ જવાની હતી, પણ ફાલ્ગુનીની માર્કશીટ એક સીલ્ડ એન્વેલપમાં ત્ત્પ્ને મોકલવા માટે રશ્મિબહેનને સોંપાઈ! એ જ રાત્રે એ લઈને તે અમદાવાદ ગયાં અને બીજે દિવસે ફાલ્ગુનીનું ઍડ્મિશન ફૉર્મ ભરાઈ ગયું! ૧૯૮૫માં MBA પાસ કર્યું. લગભગ સત્યાસીમાં  કોટક બૅન્કમાં જોડાઈ અને વર્ષો સુધી કામ કર્યું. ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ ડિવિઝનની CEO બની. લંડન અને અમેરિકામાં બૅન્કની શાખાઓ ખોલી અને અઢાર વર્ષ પછી ફાલ્ગુનીએ બૅન્કનો ઉચ્ચ હોદ્દો છોડીને પોતાનું બિઝનેસ વેન્ચર શરૂ કર્યું. ફાલ્ગુનીનું હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સનું ઈ-રીટેલિંગ વેન્ચર નાયકા ડૉટકૉમ સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે. આનંદની વાત એ છે કે એમાં ફાલ્ગુનીની મમ્મી તેમ જ દીકરી અદ્વૈતા બન્ને ઇન્વૉલ્વ્ડ છે. પોતાના પતિના બિઝનેસમાં  અકાઉન્ટ્સ તથા ઇન્કમ ટૅક્સ ઇત્યાદિ બાબતો જોતાં રશ્મિબહેન આજે દીકરીના વેન્ચરમાં સક્રિય છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે તાલ મિલાવી લીધો છે અને પોતાના અનુભવનો લાભ નવી પેઢીને આપી રહ્યાં છે. અદ્વૈતાને હાર્વર્ડમાં MBA માટે ઍડ્મિશન મળી ગયું છે, પણ તેણે એક વર્ષ મમ્મીના વેન્ચરમાં પ્રૅક્ટિકલ અનુભવ લીધા બાદ હાર્વર્ડ જવાનું નક્કી કર્યું છે. આમ ત્રણ પેઢીના અનુભવ, એજ્યુકેશન અને ઍમ્બિશન્સનો અનોખો સંગમ રચાયો છે. સફળ ઑન્ટ્રપ્રનર પુત્રીની કારકિર્દીમાં એક જાગૃત અને ડાયનૅમિક માની ભૂમિકાની આ દાસ્તાન કેટલી ઇન્સ્પાયરિંગ છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK