સબ કુછ લુટાકે હોશ મેં આએ તો ક્યા કિયા?

Published: Oct 27, 2014, 05:24 IST

કેટલાક અણઘડ અને મૂરખ લોકો પોતાની લાઇફની તબાહીને તમાશો સમજીને જોયા કરે છે. એનો ઉપાય કરવાને બદલે બેદરકાર રહે છે અને પછી સહાનુભૂતિ કે હેલ્પ માટે કાગારોળ કરી મૂકે છે, પણ ત્યારે તેમનું સાંભળનાર કોઈ નથી હોતું
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

ટ્રૅજેડી એ નથી કે તમને ભૂખ લાગી હોય અને તમારી પાસે ભોજન ન હોય, ટ્રૅજેડી એ પણ નથી કે તમારી પાસે ભોજન ન હોય અને ભૂખ જ ન હોય. ટ્રૅજેડી તો એ છે કે તમને ભરપૂર ભૂખ લાગી હોય, તમારી સામે ભોજનના રસથાળ પડેલા હોય અને છતાં તમે એમાંથી કશું જ ખાઈ શકતા ન હો.

ટ્રૅજેડી એ નથી કે તમને તીવ્ર પ્રેમ-હૂંફની તરસ હોય અને તમારી પાસે કોઈ સ્વજન ન હોય. ટ્રૅજેડી એ પણ નથી કે તમારી પાસે અગણિત સ્વજનો હોય અને તમને ખુદને જ તેમના પ્રત્યે વહાલ વહાવવાની કે તેમનો પ્રેમ પામવાની વૃત્તિ જ ન હોય! ખરી ટ્રૅજેડી તો એ છે કે તમને સાચી હૂંફ અને લાગણીની ઉત્કટ ઝંખના પણ હોય છતાં તમારા એ સંબંધો સાવ શુષ્ક હોય અને તમારી જિંદગી બિલકુલ નીરસ કાંટાળી બની ગઈ હોય.

વાંઝણી સ્ત્રી કરતાં વંઠેલી ઓલાદની માતા વધારે પીડા વેઠતી હોય છે. ખાલીપો અને અભાવ આપણને એટલી બળતરા નથી આપતાં જેટલી બળતરા અર્થહીન સભરતા અને સમૃદ્ધિ આપણને આપે છે.

એક બહેનની આવી જ બળતરા હું ફોન પર વારંવાર સાંભળું છું. જે દિવસે તેમનો દાહ વધી જાય અથવા તો જે દિવસે તેમની એકલતા તેમને વસમા ડંખ મારવા લાગે એ દિવસે તે મને ફોન કરીને તેમના હૈયાની પીડા ઉલેચે છે. તે બહેનને પતિ છે છતાં વિધવા જેવું જીવન જીવે છે. તેમને દીકરો છે તોય વાંઝણી સ્ત્રી કરતાં ભૂંડી તેમની દશા છે. તેમનો દીકરો જૉબ પણ કરે છે, તોય આર્થિક સંકટનો પાર નથી. તેમને પુત્રવધૂ છે, પણ તે પિયરમાં જઈને પડી રહી છે. તેમને પૌત્ર પણ છે, પરંતુ તેય પુત્રવધૂની સાથે જતો રહ્યો છે. તેમની પાસે બંગલો છે, બંગલામાં વિશાળતા છે, બંગલો ખૂબ મોકાની જગ્યાએ છે, એ બંગલો વેચવામાં આવે તો ત્રીસ-પાંત્રીસ કરોડ રૂપિયા તો ઈઝીલી આવે...એમાંથી પાંચ કરોડનો ફ્લૅટ લઈને બાકીની રકમની FD (ફિક્સ્ડ ડિપોઝિટ) કરવામાં આવે તો એના ઇન્ટરેસ્ટની ઇન્કમમાંથી આખી ફૅમિલી ભરપૂર જલસા કરે તોય સેવિંગ પણ કરી શકે. તે બહેનને દીકરી-જમાઈ પણ છે અને બસ, એ જ થોડું તેમનું આશ્વાસન છે. બાકી તો ભરપૂર વૈભવ વચ્ચેય તે વિષાદપૂર્ણ જિંદગી જીવી રહ્યાં છે અને તમામ સ્વજનો હોવા છતાં તેઓ એકલતાનો અભિશાપ વેઠી રહ્યાં છે.

પતિને બે ટાઇમ લૂખું-સૂકું જમવા મળી જાય છે એટલું જ ઇનફ છે. મોજમજા, પ્રેમ, થનગનાટ, ઉત્સાહ વગેરે સાથે તેમણે જાણે બિલકુલ છેડો ફાડી નાખ્યો છે. તેમનું એક જ જીવનસૂત્ર છે કે ઈશ્વર જેમ રાખે એમ રહેવું.

આ મહાશયને એટલી સમજ નથી પડતી કે ઈશ્વર તો તેમને રસ-સુખથી છલોછલ જીવન જિવાડવા ઇચ્છે છે એટલે જ તો સુંદર પત્ની, બંગલો, સંતાનો વગેરેનું સુખ તેમની આસપાસ પથરાઈને પડ્યું છે. પણ તેમની દાનત (કે આવડત) જ નથી કે તેઓ એ સુખ ભોગવે. પોતે તો રિબાય છે અને પરિવારનેય રિબાવી રહ્યા છે. પતિને જાણે પોતાની પત્નીની પીડાની કશી જ પરવા નથી.

દીકરો દર મહિને ફિક્સ રકમ તે બહેનને આપી દે છે, પણ એટલી રકમમાંથી તો માત્ર શાકભાજી અને દૂધ-પાણીનો ખર્ચ નીકળે; પછી ઘર ચલાવવું શી રીતે? દીકરાને વારંવાર કહ્યું કે તું થોડી વધારે રકમ આપ, પણ તે સાંભળતો નથી. તેને એમ પણ રિક્વેસ્ટ કરી કે બેટા, તું તારી પત્નીને અને પુત્રને તેના પિયરથી પાછાં તેડાવી લે; આપણે સૌ સાથે મળીને રહીશું. પણ દીકરો એ વાતેય ગાંઠતો નથી. દરરોજ તેની પત્નીને મળવા સાસરે પહોંચી જાય છે. પત્નીને અને પુત્રને હેલ્પફુલ થવા જાય છે, પણ માતા પ્રત્યે ઉપેક્ષા રાખે છે.

ખૂબ ખાનદાન અને ઊંચા કુળની ફૅમિલીની આ સાવ સાચી વિકટતા છે.

આ બહેનનોય કોઈ વાંક હોઈ શકે છે. સૌ તેમનાથી દૂર કેમ ભાગે છે? તેમણે પોતાના અનુભવોના આધારે પરિવારને એક તાંતણે બાંધી કેમ ન રાખ્યો? પાણી પહેલાં પાળ તેમણે કેમ ન બાંધી? ભયાનક આગની પ્રચંડ જવાળાઓ લપટાઈ વળ્યા પછી કૂવો શોધવા-ખોદવા માટે કેમ નીકળવું પડ્યું? ઘરનો કારોબાર સંભાળવામાં, પતિનું દિલ જીતવામાં અને સંતાનોનો સ્નેહ પામવામાં તે બહેન ટોટલી ફેલ થયાં છે એટલું તો તેમણે પોતેય સ્વીકારવું જ પડશે. આ કોઈ અણધારી આફત નથી કે ન તો આ કોઈ એકસામટી આવી પડેલી મુસીબત છે. ખૂબ ધીમી ગતિએ આ સમસ્યા ઉછેર પામી છે તો પછી એને સભાનતાથી-સજગતાપૂર્વક શરૂથી જ કેમ ન અટકાવી? તન્હાઈ અને તબાહીને મૂંગે મોઢે આજ સુધી કેમ તે બહેન જોતાં જ રહ્યાં? હવે ‘બચાવો... મને મદદ કરો... મને કોઈક સાંભળો...’ એવી બૂમો મારવાથી બગડેલી બાજી સુધરવાનો કોઈ ચાન્સ છે ખરો?

હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે?

લાઇફમાં કેટલીક સમસ્યાઓને આપણ પોતે જ પંપાળી-પંપાળીને જતનથી ઉછેરેલી હોય છે. શરૂથી સાવધ નથી રહેતા, ઊલટાનું ઇરાદાપૂર્વક એને ઇગ્નૉર કરીએ છીએ. ક્યારેક તો આપણી જ તબાહીને આપણે તમાશો સમજીને જોયા કરતા રહીએ છીએ. ધીમે-ધીમે પરિસ્થિતિ વિકટ બને છે. એક તબક્કો એવો આવે છે કે જ્યાંથી આગળ પણ નથી જવાતું કે યુ-ટર્ન પણ નથી લેવાતો, આપણે ફરિયાદ કરવાનો હક પણ ખોઈ બેઠા હોઈએ છીએ. ફરિયાદ કરીએ તો કોઈ સાંભળનારું હોતું નથી. સૌ દૂર રહીને કહે છે કે હાથના કર્યા હૈયે વાગ્યાં છે તો હવે એ તમે ભોગવો!

સંભવિત સમસ્યાનો શરૂથી ઉકેલ

દરેક વ્યક્તિએ સંબંધોમાં, આર્થિક બાબતોમાં સ્પષ્ટ રહેવું જોઈએ. કોઈ સમસ્યા ઊગવાની સંભાવના હોય તો એનો તરત રચનાત્મક ઉકેલ લાવી દેવો જોઈએ. આયોજન અને વ્યવસ્થા બદલી નાખીને, જરૂરી ચોકસાઈ કરી લઈને સંભવિત સમસ્યાને ટાળવાની સમજ તથા નિષ્ઠા બતાવવી જોઈએ. પરિવારમાં કોઈને અન્યાય  ન થાય એવી તટસ્થતા તથા વ્યવહારકુશળતા બતાવીને આરંભના તબક્કો જ ઉપાય કરી લેવો જોઈએ. સમજુ વ્યક્તિ કદી સમસ્યાને ઊછરવા નથી દેતી. અણઘડ અને મૂરખ વ્યક્તિ અપાર સુખ-સાહ્યબી વચ્ચેય લાઇફટાઇમ ઠેબાં ખાય છે, ઠોકરો ખાય છે. સબ કુછ લૂટા કે હોશ મેં આએ તો ક્યા કિયા?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK