કોણે પાથર્યો છે તમારા જીવનમાં પ્રકાશ?

Published: 23rd October, 2014 05:50 IST

દિવાળી પ્રકાશનું પર્વ છે. નવા વરસથી મનને પણ ઉજાસથી ભરી દેવાના સૂચક પ્રતીકરૂપે જ દિવાળીના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડા જેમ અંધારી રાતને અજવાળે છે એમ આપણે આપણા મનને ઉજાળવાનું છે. કેટલાક જાણીતા લોકોને પૂછી જોઈએ કે તેમના જીવનમાં ઉજાસ કોણ લઈને આવ્યું છે?સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

મારા પેરન્ટ્સ અને મારી સાથે કામ કરતી દરેક વ્યક્તિ : અર્ચના ત્યાગી

મારો પરિવાર જ નહીં; મારી સાથે કામ કરતા, મારી આસપાસ રહીને મને પૉઝિટિવ એનર્જી આપતી દરેક વ્યક્તિ મારા જીવનમાં ઉજાસ લઈને આવી છે એવું કહેવું છે સ્ટેટ પોલીસ હેડ-ક્વૉર્ટરનાં ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ અર્ચના ત્યાગીનું. અર્ચના એ બાહોશ પોલિસ ઑફિસર છે જેણે મુંબઈના ભલભલા માફિયાઓ, ડૉન અને ગુંડાઓના છક્કા છોડાવી દીધા છે. બહારથી જેટલાં બાહોશ અને સખત દેખાય છે એટલાં જ દિલથી •જુ અર્ચના કહે છે, ‘મારા જીવનને પ્રકાશથી ઝળાંહળાં કરી દેનારા મારા પેરન્ટ્સ છે. આજે હું જે છું એ તેમના કારણે છું, કારણ કે તેમણે જો મને મારી રીતે આગળ ન વધવા દીધી હોત તો આજે હું જે છું એ કદાચ ન હોત. તેમણે મને સારા સંસ્કાર આપ્યા, સારું એજ્યુકેશન આપ્યું, આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી, હૉસ્ટેલમાં ભણવા મૂકી. મારું એજ્યુકેશન થોડું દેહરાદૂન અને થોડું દિલ્હીમાં થયું. ૧૯૯૩માં ઘર છોડ્યા પછી હું મહારાષ્ટ્રમાં છું.’

દેહરાદૂનનાં અર્ચનાએ દિલ્હીથી ઇકૉનૉમિક્સમાં ગ્રૅજ્યુએશન કર્યા પછી IPSની એક્ઝામ્સ આપી. અર્ચનાના પેરન્ટ્સ ટીચર હતા, હવે રિટાયર્ડ છે.

અર્ચનાને મન ઉજાસ એટલે પોતાના પરિપ્રેક્ષ્યમાં જે લોકો પૉઝિટિવિટી સાથે ખુશી લઈને આવે એ. આ લિસ્ટમાં પેટ્સ પણ આવી જાય. અર્ચના પાસે ત્રણ ડૉગ છે.

દિવાળી ખુશીનો તહેવાર છે, પણ દિવાળીમાં તેમની સાથે એક ભયાનક ઘટના પણ વણાયેલી છે. લગભગ ૧૯૯૧માં દેહરાદૂનમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો, બહુ નુકસાન થયું હતું. એથી ત્યારથી અર્ચના દિવાળીના દીવા નથી પ્રગટાવતાં કે તે અને તેમનો પરિવાર દિવાળીમાં ફટાકડા નથી ફોડતાં. તેમને ૧૪ વર્ષની એક દીકરી છે તે પણ દિવાળીમાં ફટાકડા નથી ફોડતી.

આંખો ખુલ્લી રાખો તો જ જીવનમાં ઉજાસ આવે : દિશા વાકાણી

‘ઓ મા, માતાજી...’ જેવા તકિયા-કલામથી વધુ જાણીતી બનેલી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દયા એટલે કે દિશા વાકાણીના જીવનમાં બનેલી એક ઘટના તેની લાઇફમાં થોડીક શિસ્ત લાવી છે. દિશાનું કહેવું છે કે મારા જીવનમાં આજે જે કાંઈ ઉજાસ છે એ મારા પેરન્ટ્સ અને મારા પરિવારને કારણે છે. દિશા પોતાના જીવનને આ મુકામ પર લઈ આવવા માટે તેની સાથે કામ કરતા લોકો અને તે જેની સાથે કામ કરી રહી છે એ લોકોના યોગદાનની વાત કરતાં કહે છે, ‘જાણે-અજાણે આ લોકોએ મારા જીવનને અજવાળવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. તમારામાં જો શીખવાની ભાવના હોય તો જીવનમાં ચોક્કસ ઉજાસ આવે છે. મરાઠીનાં બહુ જાણીતાં ઍક્ટ્રેસ સુલભા દેશપાંડેને મળ્યા પછી જીવનની શિસ્ત બાબતે મારામાં જે ઉજાસ આવ્યો છે એ જો હું તેમને ન મળી હોત તો ન આવી શક્યો હોત.’

૭૨ વર્ષનાં સુલભા દેશપાંડેને એક વાર દિશાએ મળવાનું થયું ત્યારે તેણે જોયું કે શૂટિંગ પત્યા પછીના થાક છતાં આ વૃદ્ધ મહિલાએ પોતાનો અંબોડો, હેર-પિન્સ, કપડાં, જ્વેલરી વગેરે ચીજોને વ્યવસ્થિત અલગ-અલગ બૅગમાં પૅક કરીને વ્યવસ્થિત મૂકી દીધી. કપડાંને હૅન્ગર પર લટકાવી દીધાં અને પછી જ ત્યાંથી ઘરે જવા નીકળ્યાં. દયા કહે છે, ‘આવું કોઈ કરે છે એ મેં તો પહેલાં જોયું જ નહોતું. એથી મને ખબર જ નહોતી કે શૂટિંગ પછી આવું કરવું જોઈએ. અમે તો કપડાં સહિત બધું જ જેમતેમ ફેંકીને જતાં રહેતાં હતાં. સુલભાજીને મળ્યા પછી મેં તેમની જેમ બધું વ્યવસ્થિત મૂકીને જવાનું નક્કી કર્યું. એ દિવસથી મારા જીવનમાં એ શિસ્ત આવી છે.’

હવે દિશા પોતાનું શૂટિંગ પૂરું થયા પછી બધી વસ્તુ વ્યવસ્થિત મૂકીને જવાનો પ્રયત્ન કરે છે. આ સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદીની કામની નિષ્ઠા, શિસ્તબદ્ધતા અને સર્જનાત્મકતા જોઈને પોતાના જીવનમાં આ બધી બાબતો મહત્વની છે એવી અસર દિશા પર થઈ રહી છે.

દિશાના પપ્પા તેને કહેતા કે તું શૂટિંગ પર અથવા તો કોઈ પણ જગ્યા પર જવાનું હોય તો નિયત સમયની પાંચ મિનિટ વહેલાં ત્યાં પહોંચી જવાનું રાખ. પિતાની આ વાત દિશા સુપેરે પાળવાનો પ્રયત્ન કરે છે. આમ સમયપાલનની શિસ્ત તેને પિતાએ શીખવી છે. આ બાબત પણ તેના જીવનને ઉજાળવામાં બહુ મહત્વની છે. દિશા કહે છે કે શીખવાની વૃત્તિ હોય, તમારી આંખો જો ખુલ્લી હોય તો જ જીવનમાં ઉજાસ આવી શકે.

હું કોઈને મદદ કરી શકું એ મારા માટે દિવાળી : હિમાંશુ રૉય

મહારાષ્ટ્રની ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના ચીફ હિમાંશુ રૉયને લાગે છે કે તેઓ આ દુનિયામાં જે કામ માટે આવ્યા છે એને સારી રીતે કરી શકે છે એ તેમના જીવનનો ઉજાસ છે. તેઓ કહે છે, ‘સમાજની, દેશની હું સેવા કરવા માટે જ આ પૃથ્વી પર આવ્યો છું. મારા આ કામને હું જેટલી સારી રીતે કરી શકું છું એટલી મને ખુશી થાય છે. મદદની જરૂરવાળાને હું મદદ કરી શકું, તેને થતા અન્યાય સામે ન્યાય અપાવી શકું છું ત્યારે મને બહુ ખુશી થાય છે. કોઈ ગરીબ પર અન્યાય થયો હોય તો મારો હંમેશાં એ જ પ્રયત્ન રહે છે કે તેને કોઈ પણ રીતે ન્યાય મળે અને આ બધા લોકોનું સારું થાય તો એ જ છે મારે મન દિવાળી. મારું આ કામ જ મારા જીવનમા સૌથી વધુ ઉજાસ લાવ્યું છે.’

એ લોકો જે મને અનકન્ડિશનલ લવ કરે છે : શૈલેશ લોઢા

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી વધુ જાણીતા થયેલા ઍક્ટર શૈલેશ લોઢા કહે છે, ‘મારા જીવનમાં ઉજાસ લાવનારા જો કોઈ હોય તો તે મારા પેરન્ટ્સ છે જેમણે આ દુનિયાનો પ્રકાશ મને બતાવ્યો. મારા પેરન્ટ્સ પછી જો કોઈએ મારા જીવનને ઉજાળ્યું હોય તો તે મારી પત્ની ડૉ. સ્વાતિ લોઢા છે અને એ પછી છે મારી દીકરી સ્વરા. આ લોકોને કારણે હું આજે મારા જીવનના ઉજાસને મહેસૂસ કરી રહ્યો છું.’

 શૈલેષ લોઢા માને છે કે તેમના શોમાં આવતી અને એના જરિયે તેમને અનકન્ડિશનલ લવ કરતી ઑડિયન્સે પણ તેમના જીવનને પ્રકાશિત કર્યું છે અને તેમને વધુ જોરથી પ્રકાશિત થવાનું બળ આપ્યું છે. તે કહે છે, ‘હું હજારો લોકો સામે પર્ફોર્મ કરું છું ત્યારે મારી સાથે તેઓ મારી વાતોમાં જોડાઈને આંસુ પણ વહાવે છે ત્યારે હું બહુ ભાવવિભિોર થઈ જાઉં છું. એ જ છે મારા જીવનનો પ્રકાશ.’

આ સંદર્ભમાં એક પ્રસંગ તેમણે ટાંક્યો. ઔરંગાબાદમાં તેમનો એક કાર્યક્રમ હતો. ૨૫થી ૩૦ હજાર લોકો હતા. મા પરની કવિતા અને એની વાતોનો એ કાર્યક્રમ હતો. બહુ હૃદયસ્પર્શી વાતો એમાં હતી. શૈલેશ કહે છે, ‘કાર્યક્રમ પત્યા પછી હું ત્યાંથી નીકળ્યો. ગેટની બહાર નીકળ્યો ત્યાં એક છોકરી મારી રાહ જોતી જ ઊભી હતી. મારો હાથ પકડીને ખૂબ રડી પડી. તે બહુ ઇમોશનલ થઈ ગઈ હતી. મીડિયા સાથે સંકળાયેલી આ છોકરી મને કહે, હું તમારી રાહ જોતી હતી; આજે મારો મારી મા સાથે મતભેદ થયો, ઝઘડો થઈ ગયો; તમારી કવિતાએ મારી આંખો ખોલી દીધી છે કે મા શું હોય છે? ટીવી-જર્નલિસ્ટ આ છોકરીને મારો પર્ફોર્મન્સ સત્ય રિયલાઇઝ કરાવી શક્યો એનાથી વધુ જીવનમાં પ્રકાશ શું હોય? બસ, આ અને આવા પ્રસંગોમાં લોકોની મારા તરફની જે લાગણી છતી થાય છે એનાથી વધુ પ્રકાશ જીવનમાં શું હોય?’

મારા ગુરુ ભય્યુ મહારાજ : મિલિંદ ગુણાજી

ભય્યુ મહારાજને મળ્યા પછી મારું થિન્કિંગ સાવ બદલાઈ ગયું છે. ગાડી, ઘોડા, બંગલા વગેરે ચીજો આવે ને જાય; પણ આપણી પાસે જે રહેવું જોઈએ એ હવે મારી પાસે છે એવું ઍક્ટર, ઍન્કર અને મૉડલ મિલિંદ ગુણાજીનું કહેવું છે. સ્ટાર ટીવી પર ૩ નવેમ્બરથી શરૂ થઈ રહેલા આશુતોષ ગોવારીકરના શો ‘એવરેસ્ટ’માં રોલ કરી રહેલો મિલિંદ કહે છે, ‘અગાઉ જીવનમાં ભૌતિકતાને પ્રાધાન્ય હતું, પણ મારા વિચારોમાં બહુ પરિવર્તન આવ્યું છે. મારું માનસિક લેવલ શાંત બન્યું છે જેને લઈને મને મારું જીવન બહુ પ્રકાશિત લાગે છે.’

ગુરુ સાથેની આ મુલાકાતનો પ્રસંગ યાદ કરતાં મિલિંદ કહે છે, ‘ત્રણેક વર્ષ પહેલાં મારા મિત્ર ઉદ્ધવ ઠાકરેના ઘરે મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. વાસ્તવમાં ઉદ્ધવે જ મને તેમને મળાવ્યા પછી ગુરુએ મને ઇન્દોર બોલાવ્યો હતો, કારણ કે તે ઇન્દોરમાં રહે છે. ત્યાં જઈને હું તેમનો શિષ્ય બન્યો એ પછી જીવનમાં હું ખરેખર સુખી થયો છું.’

મેડિટેશન પછી જે મળે એ આ ગુરુના સાંનિધ્યમાં પ્રાપ્ત થયું છે એમ જણાવતાં મિલિંદ કહે છે, ‘ગુરુ મળ્યા પછી મારા વિચારો સાવ બદલાઈ ગયા છે. અગાઉના અને આજના મારા વિચારોમાં બદલાવ વગેરે તો જુદી વાત છે, પણ મારું મેન્ટલ સ્ટેટસ ઘણું શાંત બન્યું છે. આજના વર્લ્ડમાં આ માનસિક સ્તર સુધી જવું બહુ અઘરું છે જે મને મળી શક્યું છે. મારા ગુરુએ મારા જીવનને પ્રકાશિત કર્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK