પૈસા બહોત કુછ હૈ પર સબ કુછ નહીં

Published: 21st October, 2014 04:54 IST

ધનતેરસના દિવસે ધન પાછળ દોડવાને બદલે પોતાની જિંદગીને માણતા, પોતાના લક્ષ્યને જીવતા, પોતાના પરિવાર અને શોખને સમય આપતા દિગ્ગજોને મળીએ
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ


‘નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ’ વર્ષો જૂની આ કહેવત આજે પણ એટલી જ યથાર્થ છે. પૈસાવાળાના બધા ગુના માફ છે. ગુનો-ન્યાય એ સઘળું ગરીબને, મોટાને સૌ માફ એ વાત આજે પણ લાગુ પડે છે. પૈસાનો પાવર જોઈને જ ધનની અભિવૃદ્ધિ કરવા માટે દર ધન તેરસે આપણે ત્યાં ધનની પૂજા કરવામાં આવે છે. છેલ્લા અમુક દાયકાઓમાં ધનનું મહત્વ એટલું બધું વધ્યું છે અને સાથે જ ધન કમાવા માટેની દોટ પણ વધી છે. કોઈ પણ જાતના નીતિનિયમો કે મૂલ્યોની જાળવણી કર્યા વિના માત્ર પૈસો જ પરમેશ્વર માનીને જીવનારો વર્ગ વધ્યો છે. હેલ્થ, પરિવાર, પોતાનું જીવન, પોતાના શોખ, નિદોર્ષ આનંદ જેવી દરેક બાબતના ભોગે ધન પાછળ દોડનારા લોકો સામે એવા પણ લોકો છે જે માને છે પૈસા ઝરૂરી હૈ, પર સબ કુછ નહીં. જે માને છે જિંદગી છે તો પૈસો છે, જે માને છે દોડ નિજાનંદની છે, પૈસો તો એમાં બાય-પ્રોડક્ટ છે. આ પ્રકારના આદશોર્ ધરાવતા અને છતાં પોતાના ફીલ્ડમાં ટૉપ પર રહેલા કેટલાક મહારથીઓ પાસે જાણીએ ધન વિશેના તેમના વિચારો. ધન પાછળ તેમણે કેમ ક્યારેય દોટ મૂકવાનો વિચાર નથી કર્યો એનાં કારણો.

જિંદગી છે તો પૈસો છે, પૈસો છે તો જિંદગી નથી : ડૉ. પ્રકાશ કોઠારી

આજથી ૪૦-૪૨ વર્ષ પહેલાં સેક્સોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. પ્રકાશ કોઠારી અઠવાડિયાના પાંચ દિવસ કામ કરે છે. દિવસના ચાર કલાક તેઓ પોતાના ક્લિનિકને આપે છે. અઠવાડિયાનો એક દિવસ KEM હૉસ્પિટલમાં ફ્રી કન્સલ્ટિંગ કરે છે. ગઝલ અને આર્ટના શોખીન છે. ઇરૉટિક ચીજોનું અનોખું કલેક્શન તેમની પાસે છે.

નૅશનલ અને ઇન્ટરનૅશનલી જાણીતા અને પોતાની લાઇફને ફુલ ઑન જીવતા પ્રકાશભાઈ કહે છે, ‘મેં જ્યારે શરૂ કયુર્ર઼્ ત્યારે હું અઠવાડિયાના ચાર દિવસ જ કામ કરતો હતો. પિતાને નાની ઉંમરમાં ગુમાવી દીધા હતા. એટલે જીવનમાં જે પણ કંઈ કર્યું છે એ પોતાના બલબૂતા પર જ કર્યું છે. શરૂ કર્યું ત્યારે જરૂરિયાતો ઓછી હતી એટલે અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરતો તો ચાલી જતું. જોકે લગ્ન પછી અઠવાડિયાના પાંચ દિવસ કર્યું. બપોરે ૧૨થી ચાર એ મારો કન્સલ્ટિંગ ટાઇમ આજ દિવસ સુધી રહ્યો છે, પણ એ ચાર કલાક ક્વૉલિટી કામ કરતો. રોજના ત્રણ પેશન્ટ જોવાના. પાંચ વાગ્યા પછી મારો કન્સલ્ટિંગ રૂમ મુશાયરો બની જતો. બધા શાયરમિત્રો અમે રોજ ભેગા થઈએ અને શેરો-શાયરીની વાતો કરીએ. આર્ટનો અને ગઝલોનો મને પુષ્કળ શોખ એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું એ દિશામાં વળી જતો. મને એક ફાયદો એ રહ્યો કે હું જે ફીલ્ડમાં હતો એ ફીલ્ડ વર્જિન ફીલ્ડ હતું. લોકોને એક સૂગ હતી આ ફીલ્ડ માટે. એટલે મારે નવેસરથી જ જાણે બધું ઊભું કરવાનું હતું. જોકે તમને આશ્ચર્ય થશે કે હું મારી આ કારકિર્દીમાં હંમેશથી પીક પર જ રહ્યો છું. મેં ક્યારેય એક બોર્ડ પણ મારા ક્લિનિકનું ક્યાંય માર્યું નથી, છતાં મારી પાસે પેશન્ટ આવતા રહ્યા છે અને લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. કદાચ એ માટે હું મારી કિસ્મતનો આભારી છું. હું પૈસાની પાછળ ક્યારેય નથી ભાગ્યો, ધાર્યું હોત તો ડૉક્ટર તરીકે અનેક કંપનીની અનેક ઑફરો મને મળી હતી જેને અપનાવીને અનીતિથી પણ પૈસા કમાઈ શક્યો હોત, પરંતુ ક્યારેય પોતાની પ્રામાણિકતા પણ નથી છોડી. અને છતાં ભગવાનની મહેરબાની રહી છે કે પૈસા માટે ક્યારેય ટળવળવું પણ નથી પડ્યું. મેં જે કોઈ વસ્તુઓ ખરીદી છે એના પૈસા હંમેશાં ઇન્સ્ટૉલમેન્ટમાં ભરવા પડ્યા છે, છતાં એનો ઉચાટ મને ક્યારેય નથી લાગ્યો. બધુ જ એની મેળે ગોઠવાતું રહ્યું છે. મારી ફીને લઈને કે મારા કામને લઈને ક્યારેય મારા પેશન્ટ પાસેથી કોઈ પ્રશ્ન નથી આવ્યો. મન લગાવીને કામ કર્યું છે, મન લગાવીને જીવ્યું છે અને પેસા વિશે હંમેશાં માન્યું છે કે જિંદગી છે તો પૈસો છે, પૈસાના કારણે જિંદગી નથી. શાયર બેફામનો એક બહુ સરસ શેર છે, નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજાં રડીને કહે છે જગતને ભીતર મન જ મોતી ભર્યા છે, પરંતુ સમંદરનાં ખારાં જીવન થઈ ગયાં છે

કામને સ્મૂધ બનાવે ને પ્રોડક્ટિવિટી વધારે એનાથી વધુ પૈસાની જરૂર શું છે? : ડૉ. કિરણ બેદી

દેશનાં પહેલવહેલાં મહિલા ત્ભ્લ્ ઑફિસર ડૉ. કિરણ બેદીએ પોતાના સમયનો વધુ ને વધુ ઉપયોગ કરવા માટે વહેલું રિટાયરમેન્ટ લઈ લીધું હતું. હંમેશાં પ્રામાણિકતાપૂર્વક પોતાનું કામ કરવા માટે જાણીતાં અને દેશમાં ન્યાય અને અનુશાસન લાવવા માટે બહુ મોટું યોગદાન આપનારી ક્રેન બેદી તરીકે જાણીતાં કિરણ બેદી કહે છે, ‘પૈસાની નીડ દરેક માટે અલગ-અલગ હોય છે. કેટલાક લોકો એવા છે જેમના માટે પૈસા લક્ઝરી છે અને લક્ઝરી માટે તો સ્કાય ઇઝ લિમિટ. એમાં ઍરોપ્લેન લીધા પછી બીજા વર્ષે નવા ઍરોપ્લેનની ઝંખના જાગે છે. લક્ઝરીની ઝંખના માણસને લાચાર બનાવે છે. લક્ઝરી માણસને પૈસા પાછળ દોડાવવાનું કામ કરે છે, કારણ કે એમાં તમારી પાસે કેટલું પણ હોય એ ઓછું જ લાગશે. બીજા લોકો એવા હોય છે જેના માટે પૈસા રીઝનેબલ કમ્ફર્ટ લાવી આપે એટલા પૂરતા જરૂરી હોય છે. તમે તમારી લાઇફ-સ્ટાઇલ નૉર્મલ રીતે જીવી શકો અને તમારા સમયનો પૂરેપૂરો ઉપયોગ થાય અને કામ વધુ બહેતર બને એ પ્રકારની વસ્તુઓ ખરીદી શકો એટલે બસ છે. મારી બે ફ્ઞ્બ્ના બધા ડિરેક્ટરો પાસે બ્લૅકબેરી ફોન અને આઇ-પૅડ છે, પરંતુ એ અમારા માટે લક્ઝરી નથી. અમે જે કામ કરીએ છીએ એમાં સતત કનેક્ટ રહી શકવા માટે અને ક્યારેય પણ કોઈ ફોટાની જરૂર પડી અને એ ક્લિક કરીને એકબીજા સાથે બધા શૅર કરી શકે. સોશ્યલ મીડિયા પર અવેરનેસ લાવવા માટે આ બધાં ગૅજેટ્સ જરૂરી છે તો હોવાં જોઈએ, એમાં લક્ઝરી નથી, પણ કામ વધુ સ્મૂધ અને ઝડપી બનાવવા માટે એની જરૂરિયાત છે. એની સામે મારી બીજી જરૂરિયાતો બહુ ઓછી છે. મને ફિઝૂલ ખર્ચની આદત નથી. હું જલદી વસ્તુઓ બદલતી નથી. રહેણીકરણીમાં સાદગી પસંદ કરું છું. બેશક, સમયનું મૂલ્ય મારા માટે સૌથી વધારે છે. ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ કામ થાય એ માટેની મારી લાઇફ-સ્ટાઇલને હું લક્ઝરીમાં નહીં, પણ જરૂરિયાતમાં ગણું છું. અત્યારે પણ મારું ગુજરાન મારા કામમાંથી મળતા રિટર્નથી ચાલી જાય છે. એ સિવાયની જે પણ સરપ્લસ અમાઉન્ટ મને મળે છે એ મારા માટે નથી, એ જરૂરિયાતમંદ લોકો માટે છે અને એ હું આપી પણ દઉં છું. ક્યારેક કોઈ અવૉર્ડ મળ્યો હોય અને એમાં કોઈ રકમ મળી હોય તો એ પણ હું મારી પાસે નહીં રાખીને જ્યાં એની જરૂર છે ત્યાં આપી દઉં છું.’

પ્રતિભા ઊભી કરો તો પૈસા એની મેળે મળે, દોડવાની જરૂર નથી : સિદ્ધાર્થ રાંદેરિયા

છેલ્લાં ૪૦ કરતાં વધુ વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા અને ગુજરાતી રંગભૂમિના અમિતાભ બચ્ચન ઓળખાતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જ્યારે ૧૯૭૨માં પોતાની કારકિર્દી શરૂ કરી ત્યારે પહેલાં નાટકનું માનધન માત્ર ૨૫ રૂપિયા મળતું હતું. એ પછી તેમણે એટલી લોકપ્રિયતા હાંસલ કરી કે દેશ-દુનિયામાં તેમને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. એમ છતાં તેમણે નાટકો સિવાય સિરિયલો કે ફિલ્મો તરફ જવાનો નિર્ણય નથી લીધો. તેઓ ધારત તો બીજી અનેક દિશામાં પાંખ ફેલાવીને ખૂબ સારીએવી ઇન્કમ જનરેટ કરી શક્યા હોત. જોકે એમ છતાં એવી ઑફરો તેમણે જતી કરી, કારણ હતું રંગભૂમિ માટેનો તેમનો પ્રેમ. નાટકો માટેનું તેમનું પૅશન.

શરૂઆતના દિવસોથી વાતની શરૂઆત કરતાં તેઓ કહે છે, ‘એ સમયે મારા પર ઘરની જવાબદારીઓ નહોતી એટલે આટલી નાની રકમથી પણ કામ ચાલી જતું હતું. એ વખતે મેં SSC  પાસ કર્યું હતું. પિતા એ વખતે દેના બૅન્કમાં જૉબ કરતા હતા એટલે મને પણ બૅન્કમાં કામ મળી રહ્યું હતું. બૅન્કમાં કામ કરું તો સારીએવી આવક ઊભી થઈ શકે એમ હતી, પરંતુ ત્યારે પણ નાટકો માટેનું મારું પૅશન જબરદસ્ત હતું. તેમણે મને સજેશન પણ આપેલું કે સાંજના સમયે રિહર્સલ કર, કામ કર અને આખો દિવસ બૅન્કમાં રહે તો આવક પણ થશે અને શોખ પણ પૂરો થશે. જોકે મારું મન નહોતું માન્યું અને પહેલી વાર એ રીતે પૈસા પર ધ્યાન આપ્યા વિના મેં મારા પૅશનને પ્રાધાન્ય આપ્યું હતું. ઇન્ટીરિયર ડિઝાઇનરનો અભ્યાસ પૂરો થયા પછી એ કામની સાથે હું નાટકો કરતો, કારણ કે નાટકની ઇન્કમ ફિક્સ ન હોય અને લગ્ન પછી ઘરની જવાબદારીને પહોંચી વળવા બૅક-અપમાં બીજું કામ કરવું જરૂરી હતું. જોકે એ વખતે પણ મારું ધ્યાન તો નાટકો પર જ હતું, જેને કારણે ઇન્ટીરિયરના કામમાં નુકસાન જવા લાગ્યું. છેલ્લે મારી વાઇફે ઍડ્વાઇઝ આપી કે તને જે ગમે છે એના પર જ બધું ધ્યાન આપ અને લગભગ લગ્નનાં પાંચ વર્ષ પછી મેં નિર્ણય લીધો અને બીજાં બધાં જ કામો છોડી દીધાં, માત્ર નાટકો જ મારું બધું. દિવસના ૧૫-૧૫ કલાક કામ કરીને નાટકની સ્ક્રિપ્ટ, એના પ્રોડક્શનને લગતી નાની-નાની બાબતો પર પણ હું ધ્યાન આપતો. પૈસા કે ક્રેડિટનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું. હંમેશાં મને લાગ્યું છે કે પૈસા મહત્વના છે. દરેકેદરેક માટે પૈસાનું મહત્વ છે, પરંતુ એની પાછળ દોડવાની જરૂર નથી. તમે તમારી પ્રતિભા ઊભી કરો તો પૈસા એની મેળે આવશે. નામ બનાવો, બ્રૅન્ડ ઊભી કરો તો પૈસા પાછળ દોડવાની જરૂર નહીં પડે. નાટક ક્ષેત્ર નાનું છે એટલે એ છોડીને વધુ પૈસા કમાવા મોટા પડદે જવાનો વિચાર મને ક્યારેય નથી આવ્યો. હું મારાં નાટકોના કામમાં જ એટલો વ્યસ્ત અને સંતુષ્ટ રહ્યો છું કે અમુક ઑફરો તરફ ધ્યાન પણ નથી આપી શકાયું. તમે જે કરો છો એ ખંતથી કરો એ જ મારો જીવનમંત્ર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK