શું આજે પણ સમાજમાં પુત્રીને સાપનો ભારો સમજવામાં આવે છે?

Published: 17th October, 2014 05:41 IST

હા, એકવીસમી સદીમાં કેટલાંક માબાપ એવાં પણ છે ને બીજી બાજુ એવાં માબાપ પણ છે જેઓ દીકરીને તકલીફ થાય તો સમાજના ડર વગર તેની સાથે ઊભા રહે છે
સ્પેશ્યલ સ્ટોરી - કૃપા પંડ્યા

આપણો સમાજ પોતાને ગમે એટલો સુશિક્ષિત સમજે, પણ હજીયે એ દીકરીઓની બાબતમાં સંકુચિત માનસ જ ધરાવે છે. આજનાં માબાપ હજી પણ એમ જ માને છે કે એક વાર દીકરી પરણીને સાસરે જાય તો માબાપના ઘરેથી તેની ડોલી અને સાસરેથી અર્થી જ નીકળે. એને લીધે કેટલાંય માબાપોએ પોતાની વહાલી દીકરીઓ ગુમાવી દીધી છે. સમાજમાં પોતાનો મોભો જાળવી રાખવા અથવા તો પરિવારને સમાજ તરફથી ઊઠતી આંગળીઓથી બચાવવા માટે પણ કેટલાંય માબાપ પોતાની દીકરીઓની તકલીફો અને તેમની મજબૂરીઓ સામે આંખ આડા કાન કરે છે. વિશ્વાસ નથી બેસતોને કે આજની એકવીસમી સદીમાં પણ આવાં માબાપ છે? તો વાંચી લો આ કિસ્સા.

ઘાટકોપરમાં રહેતી ૩૦ વર્ષની રાધિકાની સગાઈ થઈ, પણ તે છોકરાનું બહાર અફેર હોવાથી સગાઈ તોડવી પડી. એ પછી તેની બીજા છોકરા સાથે સગાઈ થઈ, પણ તે છોકરામાં રાધિકાને કંઈક ગરબડ લાગી. જોકે માબાપની ઇજ્જત અને સમાજના ડરથી તે કંઈ કહી શકી નહીં અને તેનાં લગ્ન તે છોકરા સાથે થઈ ગયાં. લગ્ન પછી રાધિકાની શંકા સાચી પુરવાર થઈ. તેણે છ વર્ષ કોઈને કંઈ કહ્યું નહીં અને પતિનો ત્રાસ સહન કર્યો. રાધિકાએ માબાપને કહ્યું હતું, પણ માબાપ સમાજના ડરથી તેને ત્રાસ સહન કરવાનું કહેતાં. એક દિવસ ત્રાસ એટલો અસહ્ય થઈ ગયો કે રાધિકા તેનાં ૧૦ વર્ષના દીકરાને લઈને પહેરેલાં કપડે ઘર છોડીને જતી રહી. તેનાં માબાપને ખબર પડી ત્યારે તેના પપ્પાની આંખ ઊઘડી અને તેને ઘરે લઈ આવ્યા. જોકે આજ સુધી તેની મમ્મી તેને ટોણા મારે છે. મમ્મીના ટોણાથી રાધિકા એટલી ડિપ્રેશનમાં આવી ગઈ છે કે તેને રોજ સાઇકોલૉજિસ્ટ પાસે લઈ જવી પડે છે.

આવું કેમ? આમાં રાધિકાનો શું દોષ હતો? તે કેટલો ત્રાસ સહન કરત સાસરિયાંનો? જો તેની મમ્મીએ તેને અપનાવી લીધી હોત તો તેને સાઇકોલૉજિસ્ટની જરૂર કેમ પડત? રાધિકા જેવી કેટલીયે દીકરીઓ આપણા સમાજમાં છે જેઓ સાસરિયાંના ત્રાસનો શિકાર બને છે. અમુક કેસમાં સમાજના ડરથી માબાપને પોતાના દીકરીઓથી પણ હાથ ધોવા પડે છે.

જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ સમાજની પણ બે બાજુ છે. આપણા સમાજમાં જ્યાં દીકરીને સાપનો ભારો સમજવામાં આવે છે ત્યાં એવાં માબાપ પણ છે જેઓ દીકરીને બોજ નથી સમજતાં.

મોટા થઈને નાનાની ભૂલને માફ કરવી

કાંદિવલીમાં દહાણુકરવાડીમાં રહેતાં ૬૪ વર્ષનાં ચંદા જયંત મામતોરા કહે છે, ‘સાસરે કોઈ પ્રૉબ્લમ હોય તો માબાપે પોતાની દીકરીને ઘરે લઈ આવવી જોઈએ અને સારું સાસરું શોધીને બીજાં લગ્ન કરાવી દેવાં જોઈએ. જો ઘરની વિરુદ્ધ જઈને લવ-મૅરેજ કર્યા હોય તો એમાં ભૂલ છોકરીની છે એટલે અમે હેલ્પ નહીં કરીએ એમ વિચારતાં પહેલાં બન્ને પક્ષે સમજૂતી થતી હોય તો કરી લેવી જોઈએ અને જો ન થાય તો પછી તેમને છૂટાં કરી દેવાં જોઈએ. લવ હોય કે અરેન્જ્ડ મૅરેજ, માબાપે પોતાનાં સંતાનોને સાથ આપવો જ જોઈએ. આપણે મોટા છીએ અને એ લોકો નાના અને ભૂલ નાનાથી જ થાય એમ વિચારીને માબાપે વચ્ચેનો કોઈ રસ્તો કાઢવો જોઈએ.’

છોકરી સાપનો ભારો નથી

ન્યુ પનવેલમાં રહેતાં ૬૨ વર્ષનાં ભારતી શનિષ્ટરા છોકરીને સાપનો ભારો નથી માનતાં. તેઓ કહે છે, ‘માબાપે દીકરી દુ:ખી હોય તો ફુલ સપોર્ટ આપવો જોઈએ. કોઈ પણ પ્રૉબ્લેમ હોય ત્યારે બન્ને પક્ષે સામસામે બેસીને વિચારોની આપ-લે કરવી જોઈએ અને જેની ભૂલ હોય એને શોધી કાઢવી જોઈએ. જો આપણી દીકરીની ભૂલ હોય તો તેને સમજાવીને સાસરામાં ઍડ્જસ્ટ થવાની ટ્રેઇનિંગ આપવી જોઈએ. જો સાસરિયાં ખોટાં હોય તો તેમની સાથે વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ. તો પણ એ લોકો ન માનતા હોય તો દીકરીને ઘરે લઈ આવવી જોઈએ. દીકરી ક્યારેય માબાપ પર બોજ નથી. આજકાલ તો સાસરિયાંએ પણ સમજવું જોઈએ કે આપણે કોઈના ઘરની દીકરી લાવીએ છીએ. તે પોતાનું ઘર છોડીને કોઈના નવા ઘરે એક નવા વાતાવરણમાં આવી છે તો તેને એ નવા વાતાવરણમાં સેટ થવા માટે સમય આપવો જોઈએ.’

માવતર કમાવતર ન થાય

આજની તારીખે દીકરી કોઈ પણ તકલીફમાં હોય તો તેને પૂરો સપોર્ટ કરવો જોઈએ એમ જણાવીને મલાડ (ઈસ્ટ)માં રહેતા કિરીટ ભુતા કહે છે, ‘માબાપની ફરજ છે કે દીકરી તકલીફમાં હોય તો તેને પોતાની પાસે રાખવી જોઈએ. એ સાથે તેને એટલી સ્ટ્રૉન્ગ બનાવવી જોઈએ કે નાના-મોટા ઝઘડા થતા હોય તો એને સહી શકે. દીકરા કે દીકરીએ માબાપ વિરુદ્ધ લગ્ન કર્યા હોય તો પણ તે પોતાનું સંતાન છે એમ સમજીને તેમને અપનાવી લેવાં જોઈએ અને બનતી મદદ કરવી જોઈએ. છોકરી બહાર લગ્ન કરે છે ત્યારે આપણી ફરજ ઊલટાની વધી જાય છે અને બાળક છે ભૂલ તો કરે. એનો મતલબ એ નથી કે તેને સજા આપવી જોઈએ. કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.’

સાઇકોલૉજિસ્ટ શું કહે છે?

દીકરીને વર્ષોથી સાપનો ભારો સમજવામાં આવે છે. જે લોકો જુનવાણી હોય છે તેઓ હજી પણ એમ જ વિચારે છે કે સમાજ શું કહેશે? બીજું, દીકરીનાં માબાપ પૈસેટકે સુખી ન હોય તો એ કારણે પણ તેઓ દીકરીને ઘરે લાવી નથી શકતાં. બીજી બાજુ સમાજમાં આજે એવાં પણ માબાપ છે જેઓ દીકરીની ભૂલ ન હોય અને તે સાસરે સુખી ન હોય તો તેને અપનાવી લેતાં હોય છે. કોઈ પણ માબાપની એ જ ઇચ્છા હોય કે મારું સંતાન જ્યાં છે ત્યાં ખુશ રહે. એ માટે તેઓ સંતાનને સમજાવે પણ છે કે થોડું ઍડ્જસ્ટ કરી લેવાનું, પણ જ્યારે પાણી માથાથી ઉપર જાય છે ત્યારે તે દીકરો હોય કે દીકરી તેને અપનાવી લે છે.

- નેહા પટેલ, સાઇકોલૉજિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK