હેલ્પ કરવી જ છે તો કરી જ દેવાની વળી

Published: 17th October, 2014 05:41 IST

હેલ્પ કરવા માટે સામેની વ્યક્તિ ડિમાન્ડ કરે એની રાહ ન જોવાની હોય અને હેલ્પ કરી લીધા પછી એનો ઢંઢેરો પણ ન પીટવાનો હોય. હેલ્પ સામે પગલે થાય ને મૌન રહીને થાય તો માણસાઈ મહોરી ઊઠે

સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

મારા ફ્લૅટની બરાબર સામેના ફ્લૅટમાં બહારગામથી ગેસ્ટ આવેલા હતા. એ ગેસ્ટની સાથે સાત-આઠ વર્ષની એક ગુડિયા હતી. ગુડિયા ખૂબ ક્યુટ અને ચિબાવલી હતી. આખો દિવસ તેને વાતો કરનારું કોઈક જોઈએ. વાતો કરનારું એટલે માત્ર તેની જ વાતો સાંભળનારું એમ સમજજો હોં. તે ગુડિયા એવી મીઠી-મીઠી વાતો કરે કે આપણને જરાય થાક ન લાગે કે જરાય કંટાળો ન ઊપજે. મારી સાથે તેને સારું ફાવી ગયું હતું. ‘સામેવાળા અંકલ બહુ સારા છે’ એવું મારા વિશે તેણે સર્ટિફિકેટ પણ આપી દીધું હતું.

ગેસ્ટ ગુરુવારે સવારે પાછા જવાના હતા એની મને ખબર હતી. ગુડિયાએ જ મને કહેલું. એટલે હું વહેલો-વહેલો ઊઠી ગયો હતો અને મારા ફ્લૅટનો દરવાજો ખુલ્લો રાખીને હીંચકા પર બેઠો-બેઠો રાહ જોતો હતો. ગેસ્ટ જ્યારે નીકળે ત્યારે મારે તેમને ગુડ બાય કહેવું હતું. ખાસ તો પેલી ગુડિયાને. ત્યાં તો સામેના ફ્લૅટમાંથી ગુડિયાનો અવાજ આવ્યો:

‘આન્ટી, હું સામેવાળા અંકલને વાત કરું? તે ના નહીં પાડે. તે અંકલ બહુ સારા છે.’

ગુડિયા મારી જ વાત કરતી હતી. તે મને કંઈક કહેવા માટે જ આન્ટીની (એટલે કે હોસ્ટની) પરમિશન માગતી હતી. આન્ટીએ જરાક દબાતા સ્વરમાં કહ્યું, ‘અંકલ હજી સૂતા હશે... ગઈ કાલે રાત્રે તેમને કહ્યું હોત તો સારું હતું...’

મને થયું કે આ લોકો મને કઈ વાત કહેવાની મૂંઝવણ અનુભવતાં હશે? ત્યાં તો ફટાક કરતો દરવાજો ખૂલ્યો. ગુડિયાએ મને હીંચકા પર બેઠેલો જોયો. તે તરત બોલી, ‘આન્ટી, સામેવાળા અંકલ સૂતા નથી. તે તો જાગતા બેઠા છે... હું તેમને કહું?’

મારી ક્યુરિયૉસિટી વધતી જતી હતી. ત્યાં જ ગુડિયા દોડી આવીને બોલી, ‘અંકલ, તમે તમારી કારમાં અમને સ્ટેશન સુધી મૂકવા આવશો?’ પછી જરા સ્માઇલ કરીને બોલી, ‘ચાલો, ફટાફટ હા પાડી દો ... ટ્રેનનો ટાઇમ થઈ ગયો છે...’

પાડોશીના ગેસ્ટને સ્ટેશને મૂકવા માટે જવાનું? ઠીક છે, ગેસ્ટની ગુડિયા સાથે મારે ફ્રેન્ડશિપ થઈ ગયેલી એ ખરું, પણ...

ત્યાં જ મને યાદ આવ્યું કે આજથી રિક્ષાવાળાઓ હડતાળ પર ઊતર્યા હતા. ગેસ્ટને સ્ટેશને પહોંચવા કોઈ વાહન મળે એમ નહોતું. જેમના ઘેર તેઓ ગેસ્ટ બનીને આવ્યા હતા તેમની પાસે પણ કોઈ વાહન નહોતું.

એ લોકો આ કારણે જ સવારથી મૂંઝાતા હતા કે સ્ટેશને પહોંચવું શી રીતે?

મને હવે શરમ ઊપજી.

હું જાણતો હતો કે આજથી રિક્ષાવાળાઓની હડતાળ છે. હું જાણતો હતો કે સામેના ફ્લૅટમાં આવેલા ગેસ્ટને આજે વહેલી સવારે પાંચ વાગ્યાની ટ્રેનમાં જવાનું હતું. આવા સંજોગોમાં મારે સામે ચાલીને તેમને કહેવાની જરૂર હતી કે સવારે સ્ટેશને હું તમને પહોંચાડી દઈશ, ડોન્ટ વરી. એ લોકોને કેટલું બધું ટેન્શન થઈ ગયું હશે! એક પાડોશી તરીકે મારે સામે ચાલીને તેમને જે વાત કરવી જોઈએ એ મેં ન કરી એટલે હવે એ વાત કરવામાં તેમને સંકોચ થતો હતો. હું પાડોશીધર્મ ચૂક્યો હતો એ માટે મને શરમ ઊપજી હતી.

મેં તરત કહ્યું, ‘હા બેટા! તમે બધા તૈયાર થઈને નીકળો એની જ હું રાહ જોતો હતો... એટલે તો આટલો વહેલો ઊઠીને હું તૈયાર થઈ ગયો હતો.’

ગુડિયા રાજી-રાજી થઈ ગઈ. ગેસ્ટ અને હોસ્ટ સૌની આંખોમાંથી આભારની લાગણી છલકાતી હતી.

પાડોશી હોય કે કોઈ સજ્જન હોય, મિત્ર હોય કે કોઈ અજાણી વ્યક્તિ હોય - તે સંકટમાં હોય ત્યારે આપણે સામે ચાલીને તેને હેલ્પ કરવા દોડી જવાનું હોય. દુનિયામાં સૌથી ઊંચો માનવતા-ધર્મ છે. માનવતા-ધર્મ એટલે બીજાને હેલ્પ કરવી, તેનું ટેન્શન ટાળવું.

જેને હેલ્પની જરૂર હોય એ વ્યક્તિ હેલ્પ માગે ત્યાં સુધી કંઈ રાહ જોવાની ન હોય, આપણે સામેથી જ હેલ્પ કરવાની તૈયારી બતાવવાની હોય. સામેની વ્યક્તિ ખાનદાન અને સંસ્કારી હશે તો તે હેલ્પ માગવાની હિંમત નહીં કરે અને આપણને આપણો ધર્મ નિભાવવાની તક નહીં મળે. એટલે તેને હેલ્પની જરૂર છે એ ખબર પડે એટલે આપણે તો તરત તેની પાસે પહોંચી જ જવાનું. આપણા પહેલાં બીજી કોઈ વ્યક્તિ તેને હેલ્પ કરવા પહોંચી જાય તો આપણે રહી જઈએને.

કોઈ હેલ્પ માગે અને આપણે હેલ્પ કરીએ એમાં હેલ્પનું ગૌરવ નથી. હેલ્પ તો ત્યારે જ ગૌરવશાળી લાગે છે જ્યારે એ માગ્યા વગર જ સામેની વ્યક્તિ સુધી પહોંચાડી દેવામાં આવી હોય. હેલ્પ માગનારને શરમ-સંકોચ કે ક્ષોભની સ્થિતિ સુધી પહોંચવું જ શાનું પડે? આપણી હેલ્પ કરવાની નિષ્ઠા અને નીયત શુદ્ધ હોય તો સામે ચાલીને હેલ્પ કરવાનો ઉમળકો પેદા થશે.

ઢંઢેરો ન પીટો

કેટલાક લોકો હેલ્પ તો કરે જ છે, માગ્યા વગર કરે છે, સમયસર કરે છે; પણ પછીથી આખા ગામમાં એનો ઢંઢરો પીટે છે. પોતાને યશ મેળવવો હોય છે. આ પણ હેલ્પનું વિકૃત સ્વરૂપ છે. હેલ્પ કર્યા પછી જો એનો પ્રચાર કરીએ તો આપણે ખૂબ વામણા પુરવાર થઈએ. માણસાઈના શિખરે બેઠેલા માણસને તો વળી એવા તમાશા કરવાનું ગમતું હશે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK