મારે કોઈ શત્રુ નહીં હોય તો મને કોણ સજ્જ રાખશે?

Published: 15th October, 2014 04:31 IST

શત્રુ પેદા કરવાનું સામર્થ્ય જેનામાં ન હોય એવો આદમી સંસારમાં કોઈ બડી સિદ્ધિ પામી શકે એ વાતમાં માલ નથીસોશ્યલ સાયન્સ - રોહિત શાહ


લાઇફમાં એક પણ શત્રુ ન હોય તો જીવવાની કોઈ મજા રહે ખરી? તમે માર્ક કરજો. જેને એક પણ શત્રુ નહીં હોય એવો માણસ બિલકુલ પ્રતિભા અને પરાક્રમ વગરનો હશે. તમારી પાસે પ્રતિભા હોય અને તમારે કોઈ શત્રુ જ ન હોય એ તો સાવ ઇમ્પૉસિબલ છે બૉસ! જો તમે એમ કહેતા હો કે આ જગતમાં તમારે એક પણ શત્રુ નથી તો મારે તમને પૂછવું છે કે તમે એવા તે કેવા કંગાળ છો કે તમે લાઇફમાં એકાદ શત્રુની કમાણી પણ નથી કરી શક્યા?

પ્રભુ ઈશુને શત્રુ હોય, કારણ કે તેમની પાસે પ્રેમનો વૈભવ હતો. ભગવાન મહાવીરને શત્રુ હોય, કારણ કે તેમની પાસે અહિંસાનો વૈભવ હતો. મહાત્મા ગાંધીને શત્રુ હોય, કારણ કે તેમની પાસે સત્યની અને સરળતાની પારાવાર સમૃદ્ધિ હતી. સ્વામી દયાનંદ સરસ્વતીને શત્રુ હોય, કારણ કે તેમની પાસે વિચારોનો વૈભવ હતો. શું આપણી પાસે એવું કંઈ નથી કે આપણો કોઈ શત્રુ હોય?

શત્રુ હોવો એ તો આપણા વ્યક્તિત્વની શોભા છે. મારે કોઈ જ શત્રુ નહીં હોય તો મને કોણ સજ્જ રાખશે? મારે કોઈ શત્રુ નહીં હોય તો હું કોની સાથે સ્પર્ધા માટે ઝઝૂમીશ? પળે-પળે આપણને ઝઝૂમવાનો નશો આપે એવો એકાદ શત્રુ આપણી પાસે અચૂક હોવો જોઈએ.

સિકંદર જ્યારે કિશોરવયનો હતો ત્યારે કોઈકે તેને કહેલું કે તારા પિતા આખા વિશ્વના તમામ દેશો પર વિજય મેળવવાના છે. ત્યારે સિકંદર નિરાશ થઈને બોલી ઊઠ્યો, ‘ઓહ! તો પછી હું શું કરીશ? શું મારે એકેય દેશ નહીં જીતવાનો?’

જીતવા માટે તો ઠીક, ક્યારેક પોરસની જેમ પરાજિત થવા માટે પણ આપણી પાસે એકાદ શત્રુ ખાસ હોવો જોઈએ.

શત્રુ પેદા કરવાનું સામર્થ્ય જેનામાં ન હોય એવો આદમી સંસારમાં કોઈ સિદ્ધિ પામી શકે એ વાતમાં માલ નથી. ઔર અબ ઝરા ગૌર સે સુનો, સંસારમાં તમારે કોઈ શત્રુ પેદા કરવાની જરૂર નથી. તમારે તો માત્ર તમારું સામર્થ્ય વિકસાવવાનું છે, તમારી પ્રતિભાને તેજદાર બનાવવાની છે, તમારા વિચારોમાં ડાઇવર્ઝન લાવવાનું છે. પછી શત્રુઓ તો આપોઆપ પેદા થઈ જશે. તમે જગતમાં ભલે કોઈને શત્રુ માનતા હો કે ન માનતા હો, પણ તમને શત્રુ સમજીને તમારા પર હલ્લા બોલ કરનારા ગમે ત્યાંથી ફૂટી જ નીકળશે. ઉપર જે વિભૂતિઓનાં નામ લખ્યાં છે એમાંથી એક પણ ક્યાં કદી કોઈને શત્રુ માનતી હતી? ઊલટાનું એ વિભૂતિઓ તો જગત મારું મિત્ર છે અથવા તો વસુધૈવ કુટુંબકમનો મેસેજ આપનારી હતી. બસ, આ જ તો બડી ખૂબી છે. તમે જેમ-જેમ કોઈને શત્રુ ન માનવા મક્કમ થતા જશો અને બીજાઓને પણ મૈત્રીનો-પ્રેમનો બોધ આપવા લાગશો તેમ-તેમ તમારા શત્રુઓની સંખ્યા વધવા માંડશે.

એક નાનકડી, સાચી, માર્મિક વાત તમને કરવી છે. આ વાત બે સહેલીઓની છે. એક સહેલીનો બર્થ-ડે હતો અને તેણે પાર્ટી યોજી હતી. પાર્ટીમાં તેણે બીજી સહેલીને ઇન્વાઇટ કરી હતી. બન્યું એવું કે બીજી સહેલી આખી વાત ભૂલી ગઈ અને પાર્ટીમાં જઈ ન શકી. બીજા દવિસે તેને યાદ આવ્યું, ‘અરે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું મારી ફ્રેન્ડની બર્થ-ડે-પાર્ટીમાં જવાનું ભૂલી ગઈ. ઓહ, મારી ફ્રેન્ડ મારાથી કેટલી નારાજ થઈ ગઈ હશે. તેને કદાચ માઠું લાગ્યું હશે. મારે તેની માફી માગવી જોઈએ.’

તેણે પહેલી સહેલીને ફોન કર્યો અને કહ્યું, ‘આઇ ઍમ વેરી સૉરી, હું તારી પાર્ટીમાં આવવાનું ભૂલી ગઈ!’

તરત પહેલી સહેલી બોલી, ‘એમ? ગઈ કાલે તું મારી પાર્ટીમાં નહોતી આવી? મને તો ખબર જ નથી પડી. પરંતુ હવેથી આપણી ફ્રેન્ડશિપ ખતમ. મારો બર્થ-ડે ભૂલી જાય-મારા ઇન્વિટેશનને ભૂલી જાય એવી વ્યક્તિ સાથે મારે શા માટે રિલેશન રાખવું જોઈએ?’

બીજી સહેલીની નિખાલસતાએ વર્ષોની મૈત્રી ખતમ કરી નાખી. આખીયે વાતની ટ્રૅજેડી તો એ ગણાય કે પહેલી સહેલીને તો પોતાની બીજી સહેલી પાર્ટીમાં આવી હતી કે નહીં એનીયે ખબર નહોતી, કદાચ તેની તેને પ્રતીક્ષા પણ નહીં હોય. જેની પ્રતીક્ષા હોય, જે પ્રિય હોય એ વ્યક્તિની ઉપસ્થિતિ ન હોય તો કેવી ખોટ પડે! પહેલી સહેલીને એવી ખોટ જ ક્યાં પડી હતી? બીજી સહેલી પાસે માફી માગવાની નિખાલસતા હતી અને પહેલી સહેલી પાસે માફ નહીં કરવા માટે પૂરતો અહંકાર હતો. નફટાઈ કદી નિખાલસતાને સહન નથી કરી શક્તી.

ગુજરાતીમાં સરસ કહેવત છે કે કોલસા સાથે કદી દોસ્તી ન કરવી, કોલસો જલતો હશે તો દઝાડશે અને બુઝાયેલો હશે તો હાથ કાળા કરશે. એવી જ એક બીજી પણ ઉક્તિ છે કે શ્વાન (કૂતરા) સાથે દોસ્તી કરવામાં બે બાજુથી આફત છે : જો એ ખુશ થશે તો તમારું મોઢું ચાટવા આવશે અને જો એ ખિજાશે તો તમારા પગમાં બચકું ભરશે. કેટલાંક પાત્રો કદી દોસ્તીને લાયક જ નથી હોતાં. સૉરી, મારે એમ કહેવું જોઈએ કે કેટલાંક પાત્રો તો આપણી દુશ્મનીને લાયક પણ નથી હોતાં.

એક કચ્છી કહેવત છે : સચો સગી મા કે ન સીંભાજે (સત્ય તો સગી માતા પણ સહન કરી શકતી નથી). ઘણા લોકો સાચી વાત કહેતાં ડરતા હોય છે. ફૅમિલીમાં, આડોશ-પાડોશમાં, ઑફિસમાં કોઈનેય તેઓ સાચી વાત કહી શકતા નથી. ‘સામેની વ્યક્તિને માઠું લાગશે તો?’ અથવા ‘પછી સંબંધ સમાપ્ત થઈ જશે તો?’ એવો ભય તેમને સાચી વાત કહેતાં રોકે છે. મારો બેઝિક સવાલ એ છે કે આપણી સાચી-નિખાલસ વાત સાંભળ્યા પછીયે જેને માઠું લાગી જાય અથવા તો એ જ કારણે આપણી સાથેનો સંબંધ તોડી નાખે એવી વ્યક્તિ સાથે સંબંધ રાખીને આપણે પણ શું કરવાનું છે? એવા લોકો એકલા પડી જાય એ જ તેમની પનિશમેન્ટ છે. મિત્ર કે સ્વજન હોય તેને આપણી સાચી વાતથી કદી માઠું નહીં લાગે અને જેને માઠું લાગી જતું હોય તેને મિત્ર કે સ્વજન સમજવાની ભૂલ આપણે ન કરવી જોઈએ.

તમને એવું પરવડશે ખરું?

જો તમને શત્રુતાનો ડર લાગતો હશે, જો તમે કોઈકને શત્રુ બનાવતાં ડરતા હશો તો તમે અંગત મિત્ર કદીયે નહીં બનાવી શકો. તમે સૌની સાથે ગોળ-ગોળ અને ગળી-ગળી અને ડાહી-ડાહી અને શાણી-શાણી વાતો કરતા રહેશો તો તમારે કોઈ શત્રુ પેદા નહીં થાય એટલું નક્કી, પરંતુ એનો સૌથી મોટો ગેરલાભ એ હશે કે તમારે એકેય સાવ અંગત મિત્ર પણ નહીં જ હોય. સૌકૌઈ સાથે મીઠો પણ છીછરો સંબંધ હશે, કોઈનીયે સાથે સાચો અને ગહન નાતો નહીં હોય. તમને એવું પરવડશે ખરું?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK