શક્તિની સાથે નબળાઈઓ પણ જે કોઈ પારખી શકશે તે વ્યક્તિ ઊંચાઈને પામી શકશે

Published: 14th October, 2014 05:13 IST

મહિલાઓના હિતની જે વાતો પહેલાં થતી હતી એમાં હવે દેખીતો ચેન્જ આવ્યો છે. હવે સાવ પહેલાં જેવું વાતાવરણ રહ્યું નથી.


સ્પેશ્યલ કમેન્ટ - ઇલા ભટ્ટ, સેવા સંસ્થાનાં ફાઉન્ડર ચૅરમૅન

હવે મહિલાઓના હિતને જોવામાં આવે છે અને એ હિત માટે મહિલાઓ પણ સભાન થઈ હોય એવું દેખાય છે. શહેરી વિસ્તારમાં તો આ જે ચેન્જ આવ્યો છે એ સ્પષ્ટ દેખાય છે, રૂરલ વિસ્તારમાં પણ મહિલાઓ પોતાના હિત માટે સભાન થઈ છે જે સારી વાત છે. એક સમય હતો કે મહિલાઓને તેમના હિતની ખબર હતી, પણ કેટલાંક અંગત કારણોસર તેમણે ક્યારેય એ હિત પર ધ્યાન આપ્યું નહોતું. જોકે હવે મહિલાઓ પણ એ અંગત કારણો વચ્ચેથી જગ્યા બનાવીને પોતાના હિત વિશે વિચારતી થઈ છે અને લાંબા ગાળાનું વિચારતી થઈ છે જે બહુ ઉચિત છે.

આપણે ત્યાં એક ગેરમાન્યતા પ્રવર્તી રહી છે કે શહેરની મહિલાઓ જ કામ કરે છે અને ગામડાંના વિસ્તારોમાં એ પ્રકારે કામ કરવાની માનસિકતા ઓછી રહી છે, પણ હકીકત જુદી છે. અંતરિયાળ ગામમાં જઈને જુઓ તો દેખાશે કે મહિલાઓ પણ કામ કરે જ છે. ફરક એ છે કે તેઓ જે કામ કરે છે એ ગૃહઉદ્યોગની દિશા હોય છે, પણ મહત્વનું એ છે કે તેમનામાં કામ કરવાની સૂઝ છે જ. કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવા અનેક જિલ્લાઓ એવા છે જ્યાંના રૂરલ વિસ્તારની મહિલાઓનો કામ કરવાનો રેશિયો બહુ મોટો છે. છેલ્લાં થોડાં વષોર્થી કે દશકાઓથી બન્યું એવું છે કે એ જે કામ કરવામાં આવી રહ્યું છે એને એક દિશા મળી છે અને કામ સંકલિત થયું છે. આ સંકલન જો મોટા પાયે થાય તો આ દેશની મહિલાઓને બહુ મોટો ફાયદો થશે અને એ તેમના હિતમાં પણ રહેશે.

મહિલાઓને તેઓ છે એના કરતાં સહેજ ઓછી કે ઊતરતી આંકવામાં આવતી રહી છે એ પણ હકીકત છે. પહેલાંના સમયમાં મહિલાઓ ઘરનું કામ પૂરું કરીને ખેતર કે વાડીએ જઈને સાથ આપતી હતી અને એ પછી પણ તેમના કામની નોંધ લેવામાં આવતી નહીં. નોંધ લેવી એ આપણા હાથમાં હોય છે અને જો મન હોય તો ચોક્કસપણે કોઈ પણ કામની નોંધ લેવાતી રહેતી હોય છે. મારા મતે મહિલાઓ હવે સંગઠિત થઈ છે અને સંગઠનની ભાવના પણ તેમના વિચારોમાં આવી છે. આજની મહિલાઓને પોતાની શક્તિની સભાનતા પણ છે અને તેઓ પોતાની નબળાઈઓને પણ જાણે છે. હું માનું છું કે તે જ વ્યક્તિ ઊંચાઈ પર પહોંચી શકે જે પોતાની ક્ષમતાની સાથોસાથ નબળાઈઓથી પણ વાકેફ હોય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK