પાકની મલાલા અને ભારતના કૈલાશ સત્યાર્થીને નોબેલ પીસ પ્રાઇઝ

Published: Oct 11, 2014, 04:19 IST

બાળકોના અધિકારો માટે લડતા કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનમાં છોકરીઓને શિક્ષણ મળે એ માટે લડત ચલાવતી મલાલા યુસુફઝઈના કામને મળી વિશ્વસ્તરે માન્યતા : બન્ને પાડોશી દેશો અત્યારે સરહદ પર સંઘર્ષની સ્થિતિમાં છે ત્યારે નોબેલ પ્રાઇઝ વિજેતાઓએ શાંતિ જાળવવાની અપીલ કરી : ભારતના પાંચમા નોબેલવિજેતા થયા કૈલાશ સત્યાર્થી


ભારતમાં બાળકોના અધિકારો માટે કામ કરનારા કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનમાં છોકરીઓને શિક્ષણ મળે એ માટે કામ કરતી સોશ્યલ વર્કર મલાલા યુસુફઝઈને ૨૦૧૪નું નોબેલ પીસ પ્રાઇઝ સંયુક્ત રીતે જાહેર કરવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં ઑસ્લોમાં થનારા એક સમારોહમાં આ અવૉર્ડ આપવામાં આવશે. પુરસ્કારરૂપે ૧૧ લાખ ડૉલર (આશરે ૬.૬૦ કરોડ રૂપિયા) મળશે. ૧૭ વર્ષની મલાલા સૌથી ઓછી વયની નોબેલવિજેતા બની છે.

હાલમાં ભારત અને પાકિસ્તાનની સરહદે તનાવની પરિસ્થિતિ છે ત્યારે બન્ને દેશોના નાગરિકોને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર મળવો એ એક અદ્ભુત સંયોગ છે. સરહદપાર પાકિસ્તાનમાં મલાલાને સંયુક્ત રીતે નોબેલ પીસ પ્રાઇઝ મળવાથી ખુશીની લહેર પ્રસરી છે. મલાલા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. કૈલાશ સત્યાર્થી ‘બચપન બચાઓ આંદોલન’ દ્વારા બાળઅધિકારો માટે સતત સંઘર્ષ કરતા આવ્યા છે, જ્યારે મલાલા પણ પાકિસ્તાનમાં બાળકોના શિક્ષણ વિશે કાર્યરત છે. મલાલા પર તાલિબાનોએ જીવલેણ હુમલો કર્યો હતો, પણ તે બચી ગઈ હતી. નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરતાં નોબેલ સમિતિએ કૈલાશ સત્યાર્થીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમણે મહાત્મા ગાંધીની પરંપરા જાળવી રાખીને બાળકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો છે.

યુદ્ધ કરતાં વિકાસ જરૂરી : મલાલા

મલાલા યુસુફઝઈએ આ અવૉર્ડની જાહેરાત બાદ કહ્યું હતું કે ‘હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષભરી સ્થિતિ છે અને એ હતાશ કરનારી વાત છે. જ્યારે આ અવૉર્ડ આપવાનો સમારોહ યોજાશે ત્યારે હું અને કૈલાશ સત્યાર્થી પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરશું. બન્ને પાડોશી દેશો વચ્ચે શાંતિ રહે એ જરૂરી છે. યુદ્ધ કરતાં આ દેશોમાં વિકાસ જરૂરી છે.’

સંઘર્ષની જીત : કૈલાશ સત્યાર્થી

કૈલાશ સત્યાર્થીએ પોતાને નોબેલ પીસ પ્રાઇઝ મળવા વિશે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘આ ઇનામ બાળકોના અધિકારો માટે તેમના સંઘર્ષની જીત છે. આજના આધુનિક યુગમાં દુર્દશાનો ભોગ બનેલાં લાખો બાળકોની વ્યથાની નોંધ લેવા બદલ હું નોબેલ સમિતિનો આભારી છું. હું મલાલાને અંગત રીતે ઓળખું છું અને મલાલાને મારી સાથે કામ કરવા નિમંત્રણ આપીશ.’

પાંચમા ભારતીય

આ અગાઉ ભારતના ચાર નાગરિકોને નોબેલ પુરસ્કાર મળ્યો છે જેમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર, સાયન્ટિસ્ટ ડૉ. સી. વી. રામન, બાળકોની સેવામાં જિંદગી ખર્ચી દેનારાં મધર ટેરેસા અને ઇકૉનૉમિસ્ટ અમત્ર્ય સેનનો સમાવેશ છે. કૈલાશ સત્યાર્થી પાંચમા ભારતીય છે.

કૈલાશ સત્યાર્થી કોણ છે?

કૈલાશ સત્યાર્થીનો જન્મ મધ્ય પ્રદેશના વિદિશામાં ૧૯૫૪ની ૧૧ જાન્યુઆરીએ થયો હતો. ૧૯૯૦માં તેમણે બાળમજૂરી વિરુદ્ધ ‘બચપન બચાઓ’ આંદોલન શરૂ કર્યું હતું. આ સંસ્થાએ અત્યાર સુધી દેશભરમાંથી ૧૮,૦૦૦ બાળમજૂરોને મુક્તિ અપાવી છે અને તેમના પુનર્વસન અને શિક્ષણની વ્યવસ્થા કરી છે. કૈલાશ સત્યાર્થીએ બાળમજૂરીને માનવઅધિકારના મુદ્દા સાથે જોડ્યો છે. તેઓ યુનેસ્કો દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમમાં પણ જોડાયા છે અને ગ્લોબલ પાર્ટનરશિપ ફૉર એજ્યુકેશન બોર્ડના સભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં કૈલાશ સત્યાર્થી દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં પત્ïની સુમેધા, પુત્રી, પુત્ર અને પુત્રવધૂ છે. તેમની સાથે તેમણે મુક્ત કરાવેલાં બાળકો પણ રહે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK