કરો આ પાંચ જાંબાઝોને એક સલામ

Published: Oct 11, 2014, 04:18 IST

પાકિસ્તાન તરફથી થઈ રહેલા બૉમ્બાર્ડિંગ અને ગોળીબારના ભયાનક માહોલમાં પણ વર્ધમાન સંસ્કારધામના આણંદના પાંચ યુવાનો કરી રહ્યા છે જમ્મુ પાસેનાં સરહદનાં ગામોમાં પૂરગ્રસ્ત લોકો માટે રાહતકાર્ય
અલ્પા નર્મિલ

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા દસ દિવસથી સરહદ પાસે ઘમસાણ મૉર્ટારમારો અને ગોળીબાર ચાલી રહ્યા છે એને કારણે કેટલાય ભારતીય સૈનિકો અને નાગરિકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ઘવાયા છે ત્યારે એ ભયાનક માહોલમાં પણ આણંદ જિલ્લાના ખાખસર ગામના પાંચ યુવાનો જમ્મુના ૨૦૦ કિલોમીટરના પરિઘમાં આવેલાં અનેક ગામોમાં તથા સરહદી ગામોમાં પૂરથી પીડિત દેશબાંધવોને રૅશન-કિટ, ધાબળા, ગરમ કપડાં, હંગામી તંબુ વગેરે પહોંચાડી રહ્યા છે.

રાજેશ દરજી, હર્ષદ મકવાણા, દિલીપ દરજી, આયુષ ચૌહાણ અને નરેન્દ્ર દરજી ગયા મહિનાની ૧૯ તારીખથી વર્ધમાન સંસ્કારધામના અન્ય કાર્યકરો સાથે પૂરગ્રસ્તોને મદદ કરવા જમ્મુ ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ છે. આવા જોખમી માહોલમાં રહેવાનો ડર નથી લાગતો? એવા સવાલના જવાબમાં જમ્મુના રામગઢ તાલુકાના સામ્બા ગામથી રાજેશ દરજીએ ‘મિડ-ડે’ને ફોન પર કહ્યું હતું કે ‘બૉમ્બધડાકાઓ અને ગોળીબારના અવાજો સાંભળ્યા અને ભડાકા જોયા પછી ગભરામણ તો થાય છે, પણ ગયા મહિને ઝેલમ નદીમાં આવેલા પૂરથી તબાહ થયેલા સ્થાનિક લોકોની હાલત જોયા પછી મરવાના ડર કરતાં તેમને મદદ કરવાનું વધુ મહkવનું લાગે છે.’

જમ્મુ-કાશ્મીરમાં આપદા આવતાં વર્ધમાન સંસ્કારધામ-મુંબઈ અને સુરતના કાર્યકરોએ શરૂઆતમાં રસોડું શરૂ કરીને વિપદાગ્રસ્તોને જમાડ્યા હતા. ત્યાર પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને ક્યાં શું-શું નુકસાન થયું છે, શેની જરૂર છે એનો વિસ્તૃત સર્વે કરી હાલ પશુઓને ઘાસ અને માણસોને રાહત-કિટ ઉપરાંત મેડિકલ હેલ્પ પહોંચાડી રહ્યા છે. એમાં આ પાંચ યુવાનો તાણભરેલી પરિસ્થિતિમાં પોતાના જાનના જોખમે ત્યાં જ રહીને જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી રહ્યા છે.

પોતાની ટીમને થયેલા મૉર્ટારમારાનો અનુભવ વર્ણવતાં નરેન્દ્ર દરજીએ ‘મિડ-ડે’ને જમ્મુના નંગાગાવથી કહ્યું હતું કે ‘અમે બુધવારે સવારે અહીં રાહતસામગ્રી ભરેલો ટેમ્પો લઈને આવ્યા હતા અને એની વહેંચણી બાદ રાત્રે સાડાઆઠ-નવ વાગ્યે પાછા જવા ટેમ્પો ચાલુ કયોર્ ત્યાં તો અહીંથી એક કિલોમીટર દૂર આવેલી સરહદે ફાયરિંગ ચાલુ થઈ ગયું એટલે આર્મીએ અલર્ટ જાહેર કરી અને સૈનિકોની સૂચનાથી અમે એ જ ટેમ્પોમાં ગામના લોકોને સલામત સ્થળે ખસેડ્યા. ત્યારે ધડાકાના અવાજો તો સંભળાતા હતા સાથે આગના ભડકા પણ દેખાતા હતા. એ જ રીતે ગુરૂવારની રાત્રે રંગોર ગામમાં હતા અને રાત્રે ફાયરિંગ શરૂ થતાં અમે આર્મીના સૂચનથી ભાગીને જમ્મુ આવી ગયા.’ગયા વર્ષે આવેલી ઉત્તરાખંડની વિપદા વખતે પણ સુંદર કામગીરી કરનારી સંસ્થાના યુવકોને વર્ધમાન સંસ્કારધામના મોવડીઓએ પાછા ફરવાનું કહ્યું હોવા છતાં આ ડેરડેવિલ્સે ત્યાં રહીને સહાયકાર્ય ચાલુ રાખ્યું છે. પાંચ યુવાનોમાંથી એક હર્ષદ મકવાણાએ કહ્યું હતું કે ‘બૉમ્બ-ગોળીબાર બધું ફિલ્મોમાં જોયું હતું, પણ અહીં તો બધું લાઇવ દેખાય છે. મૉર્ટાર ભરેલી ટ્રકો અને શહીદ થયેલા સૈનિકોની ડેડ-બૉડી જોઈને ઢીલા થઈ જવાય છે, પણ અહીં રિલીફકાર્ય કરવા આવ્યા છીએ એટલે એ કરવું જ છે. જોકે આર્મીનો અને અહીંના સ્થાનિક મોવડીઓને સપોર્ટ પણ અમને બહુ સારો મળે છે.’

કોઈ પણ પ્રકારની મદદ નથી

જમ્મુ અને કાશ્મીરમાં આવેલા પૂરમાં રાજ્યના ઘણા વિસ્તારને અસર થઈ હતી, પણ મેઇન ફોકસ શ્રીનગર પર રહ્યું. જમ્મુના મંડાર, અખનુર, રામગઢ-સામ્બા, સુંદરબની જેવા જિલ્લાઓમાં પણ ખૂબ તબાહી થઈ હતી અને ગામોનાં ગામો ધોવાઈ ગયાં છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક નષ્ટ પામ્યા છે અને પશુધન પણ તણાઈ ગયું છે. છતાં સરકાર કે કોઈ સંસ્થાઓ અહીં સહાયઅર્થે પહોંચી નથી. આ વિસ્તારમાં મોટા ભાગે ખેતી થાય છે અને પ્રજા અત્યંત ગરીબ છે. આથી વર્ધમાન સંસ્કારધામે ઘણી સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી હજારો રૅશન-કિટ પહોંચાડી છે અને ૧૮૦૦ પાકાં ઘર બાંધી આપવાનું નક્કી કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK