બાપુનું નામ ઇલેક્શ નમાં ચલણની જેમ વપરાય છે

Published: 9th October, 2014 05:06 IST

દેશમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે પૉલિટિશ્યનો મહાત્મા ગાંધીનું નામ બોલવાનું શરૂ કરી દે છે.
સ્પેશ્યલ કમેન્ટ - તુષાર ગાંધી, ગાંધીજીના પ્રપૌત્ર

દેશમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે પૉલિટિશ્યનો મહાત્મા ગાંધીનું નામ બોલવાનું શરૂ કરી દે છે. પાંચ વર્ષમાં ક્યારેય તેમના નામનો ઉલ્લેખ ન થાય, પણ ઇલેક્શન આવે એટલે તરત જ નામ બોલાય. દુખ થાય કે બાપુનું નામ ઇલેક્શનમાં ચલણની જેમ વપરાઈ રહ્યું છે. એ વાતનું પણ દુખ છે કે બાપુએ પોતાની જાતને રાષ્ટ્રને સમર્પિત કરી દીધી એને કારણે તેમની વાતોની, તેમની કાર્યશૈલીની અને તેમના વિચારોની પણ કેટલીક વાર બહુ જ વિચિત્ર રીતે તોડી-મરોડીને નુકતેચીની કરવામાં આવે છે. જો ક્રીએટિવ મુદ્દા સાથે આ થઈ રહ્યું હોય તો કોઈ જ તકલીફ નથી. સરદાર અને નેહરુ અને કાશ્મીર અને નોઆખલી અને એ બધી વાતોમાં સચ્ચાઈ કોઈ જાણતું નથી હોતું, પણ માત્ર રાજકીય મત અને જ્ઞાતિકીય લાભ મેળવવા માટે આ બધું થાય ત્યારે ચોક્કસ એ વાત તકલીફ પહોંચાડે. આજે એવું કોઈના ફૅમિલી-મેમ્બરના વડીલો સાથે નથી થઈ શકતું. જો કોઈના પરદાદાની ઇજ્જતની ઘસાતી વાત થાય તો બીજી જ ક્ષણે માનહાનિનો દાવો કરી દેવામાં આવે અને એ વાતને ત્યાં જ અટકાવી દેવામાં આવે. કબૂલ કે બાપુ એક રાષ્ટ્રીય પ્રતિભા હતા એટલે એવું કંઈ કરવાનું ગાંધી પરિવાર ક્યારેય વિચારે સુધ્ધાં નહીં. જોકે જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય પ્રતિભા હોય ત્યારે સ્વાભાવિક રીતે તેનું માન અને સન્માન એ સ્તર પર જળવાયેલું હોવું જોઈએ અને એ જળવાવું જ જોઈએ, પરંતુ એ નથી થઈ રહ્યું એ પણ સત્ય હકીકત છે. હું કોઈ સુઝાવ આપું એ યોગ્ય નથી, પણ રાષ્ટ્રપિતા વિરુદ્ધ બીજા દેશોમાં બોલવા બદલ કેવી સજા થઈ શકતી હોય છે એની તપાસ કરવી જોઈએ, જેથી એ આદરની કિંમત શું છે એનો અંદાજ આવી શકે.

મેં કહ્યું એમ બાપુ જે તબક્કામાં હતા અને જે તબક્કામાં તેમણે કોઈ નિર્ણય લીધા એ તબક્કાની એક પણ વ્યક્તિ આજે હયાત નથી તો પછી એ તબક્કા વિશે ‘જો અને તો’ના મુદ્દા સાથે ચર્ચા કરવી કઈ રીતે યોગ્ય કહેવાય એ સમજશક્તિ દરેકમાં હોવી જોઈએ. ખાસ કરીને રાજકારણ કે ઇતિહાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં તો હોવી જ જોઈએ. એ પછી પણ હું દૃઢતા સાથે કહું છું કે સર્જનાત્મક મુદ્દા સાથે થનારું ક્રિટિસિઝમ તો બાપુ પણ સ્વીકારવા માટે તૈયાર રહેતા એટલે એની પણ કોઈ પીડા નથી હોતી. જોકે વાત એ છે કે બાપુના પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખવી જોઈએ અને એ પરિવારની ભાવનાઓને સમજવાનો પ્રયાસ થવો જોઈએ. એ લાગણીઓ અને ભાવનાઓના આધારે કંઈ પણ કમેન્ટ કરતી વખતે વિચાર કરવો જોઈએ અને બાપુને માત્ર વૈચારિક ચર્ચાના મુદ્દા સુધી સીમિત રાખવાને બદલે તેમને આચરણમાં લાવવાનો પણ પ્રયાસ હવે સંનિષ્ઠપણે કરવો જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK