ડાબા અંગના અવયવોની નિષ્ક્રિયતાએ આ લેડીની હિંમતને પાછી નથી પાડી

Published: Oct 09, 2014, 04:49 IST

ઘાટકોપરમાં રહેતાં ૫૮ વર્ષનાં રમીલા દોશીને ૨૦૧૦માં એકાએક પૅરૅલિસિસનો અટૅક આવ્યો અને ડાબું અંગ લકવાગ્રસ્ત થયું. ત્યારથી લઈને આજ સુધીની સંઘર્ષમય સફરમાં ક્યાંય હાથ હેઠા મૂકી દઈને લાચારીને વહાલી કરવાનું તેમણે નથી વિચાર્યું
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ


ઘાટકોપરમાં રહેતાં ૫૬ વર્ષનાં રમીલા દોશીના જીવનમાં ચાર વર્ષ પહેલાં એવી ઘટના બની કે તેમના જીવનની આખી રૂપરેખા બદલાઈ ગઈ. ચાર નણંદોનાં લગ્ન કરવાની, ત્રણ બાળકોને ઉછેરવાની અને તેમને સેટલ કરવાની બધી જ બેસિક જવાબદારીઓ પૂરી થઈ ગઈ હતી. તેમણે અને તેમના હસબન્ડે વિચાર્યું હતું કે બધી જ ફરજો અને કર્તવ્યો પૂરાં થઈ ગયા છે તો હવે પછીનાં પાંચ વર્ષ આપણે આપણા માટે જીવીશું, હરીશું-ફરીશું અને મનને ગમે એ કરીશું. પરંતુ કુદરતની કોઈ જુદી જ ઇચ્છા હતી. જીવનની હાફ સેન્ચુરી દરમ્યાન જેના નખમાં પણ રોગ નહોતો અને જેણે એકલે હાથે નીડરતાપૂર્વક અનેક જવાબદારીઓ પાર પાડી હતી એ રમીલાબહેનને અચાનક પૅરૅલિસિસનો અટૅક આવ્યો. આખું ડાબું અંગ સુન્ન પડી ગયું. એ ઘટનાને ચાર વર્ષ થયાં પછીયે હજી પણ શરીરમાં પૅરૅલિસિસની અસરો છે. લંગડાઈને ચાલવું પડે છે, હાથમાં વજન આજે પણ નથી ઊંચકાતું. બીજું કોઈ હોત તો હિંમત હારીને પરવશતાની જિંદગી જીવતું હોત, પરંતુ રમીલાબહેને હાર નથી માની. દૃઢ મનોબળથી હું પાછી મારા પગ પર ચાલીશ એ નિર્ધાર સાથે દવા, કસરત અને સહનશક્તિ સાથે ધીમે-ધીમે પોતાના રૂટીનમાં બને એટલા ગોઠવાવાના પ્રયત્ન કર્યા છે. તેમની ઇચ્છાશક્તિ અને ઝિંદાદિલી પાછળના રહસ્યને જાણવાની કોશિશ કરીએ.

અચાનક આવી આફત

૨૦૧૦ની ૨૦ ઑગસ્ટનો દિવસ રમીલાબહેન અને તેમનો પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. એ આખી ઘટના દરમ્યાન નહીં રડેલાં રમીલાબહેન એ ઘટનાને યાદ કરતાં અત્યારે સહેજ ઢીલા અવાજે કહે છે, ‘એ દિવસે અમે બપોરના સમયે બધા સાથે મળીને બેઠાં હતાં. મારા દીકરાનો બર્થ-ડે હતો. તે બહાર હતો. એમાં અચાનક મારી નસ ખેંચાવા લાગી. બહુ જ દુખાવો થવા માંડ્યો. હાથમાંથી જાણે હામ જવા માંડી. તરત ડૉક્ટર પાસે ગયા તો ખબર પડી કે લકવાનો હુમલો છે. આખું ડાબું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હતું. મને પણ બહુ મોટો ધ્રાસકો પડ્યો હતો. લગભગ ૧૨ દિવસ સુધી હૉસ્પિટલમાં રાખીને ઇલાજ કરવામાં આવ્યો હતો.’

આટલી મોટી તકલીફ આવી એ પહેલાં રમીલાબહેનને નખમાંય રોગ નહોતો. પોતે બીમારની સેવાચાકરી કરી હતી, પરંતુ પોતાની બીમારીની તો ક્યારેય કલ્પના સુધ્ધાં નહોતી કરી. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી પણ લગભગ અઢી મહિના સુધી તેમણે એકધારો બેડરેસ્ટ કરવો પડ્યો હતો. પથારીમાંથી ઊભા થઈને કુદરતી ક્રિયાઓ કરવી પણ તેમના માટે શક્ય નહોતી.

ઊભાં તો થવું જ હતું

અઢી મહિના સુધી પડખું પણ ફેરવ્યા વિના પડ્યાં રહેલાં રમીલાબહેન શરૂઆતના થોડાક દિવસો કોઈની સાથે બોલતાં પણ નહોતાં. અતિશય આઘાતમાંથી તેમણે ધીમે-ધીમે બહાર આવવાનું શરૂ કર્યું. હું આમ લાચારીવાળી લાઇફ નહીં જીવું, મારાં કામ જાતે કરી શકું એટલી તો સક્ષમતા કેળવી જ લઈશ એ નિર્ધાર સાથે તેમણે આખી પરિસ્થિતિને પૉઝિટિવલી જોવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, ‘હાર માનીને કેટલા દિવસ બેસી રહેવાય? પરિવારના બધા જ લોકો સતત પડખે હતા, પરંતુ એમ છતાં મને એમ થયા કરતું હતું કે ક્યારે આમાંથી બેઠી થાઉં અને ક્યારે પાછી પોતાની નૉર્મલ લાઇફ જીવવાનું શરૂ કરું. દવા નિયમિત લેતી હતી. ફિઝિયોથેરપી કરાવવાવાળા રોજ ઘરે આવતા. એ પણ ખૂબ ધ્યાનથી કર્યા કરતી હતી. પછી ધીમે-ધીમે બધાને રજા આપીને તેમણે શીખવ્યું હોય એ રીતે કસરત કર્યા કરતી. એક દિવસ પણ ખાડો નહોતો પાડ્યો. ઉદ્દેશ્ય એક જ હતો કે ગમે તેમ કરીને પાછા પગ પર ઊભાં થવું.’

લગભગ બે વર્ષ સુધી ઘરમાં રસોઈવાળી, ઘરકામવાળી એમ બધાં જ હતાં. બે-બે ડગલાં કરીને ટેકે-ટેકે રમીલાબહેને ચાલવાની શરૂઆત કરી અને તેમનો કૉન્ફિડન્સ વધતો ગયો.

સુધારો આવ્યો નહીં, લાવ્યાં

મોતના મુખમાં જઈને પાછાં આવેલાં રમીલાબહેને પોતાની ઇચ્છાશક્તિ અને કસરતથી પોતાની ફિઝિકલ કન્ડિશનને પણ બહેતર બનાવી દીધી. તેઓ કહે છે, ‘હું જ્યારે કસરત કરતી ત્યારે ખૂબ પીડા થતી. ચાલવાના પ્રયત્ન કરતી ત્યારે પણ અનેક વાર લડખડાઈને પડી જવાની સ્થિતિમાં આવી જતી. છતાં પ્રયત્નો કરતી રહી. એટલે જ ખૂબ મક્કમતાપૂર્વક કહું છું કે મારી હાલતમાં સુધારો આવ્યો નથી, મેં લાવ્યો છે. પ્રભુની કૃપા, પરિવારનો સપોર્ટ અને મારી મક્કમતાને કારણે આ સુધાર આવ્યો છે.’

હજી પણ તકલીફ છે જ

રમીલાબહેન ચાલે છે, પરંતુ ટેકે-ટેકે. હજી પણ પગનું બૅલૅન્સ નથી જ. તેમ છતાં લાકડી લેવાનું તેમને મંજૂર નથી. પોતાનું કામ જાતે કરે છે. રસોઈ જાતે બનાવે છે. નિયમિત કસરત અને યોગ કરે છે. પહેલાં કરતાં દરેક કામ કરવામાં દોઢગણો સમય વધારે લાગે છે; કારણ કે સ્મૂધલી ચલાતું નથી, હાથ બરાબર વળતો નથી. ડાબા હાથથી વજન ઊંચકાતું નથી છતાં તેમનું રૂટીન તો જળવાય જ છે. પોતે સાડી પણ પહેરી શકતાં નથી. ક્યાંક અચાનક બહાર જવાનું આવે કે સંબંધીને ત્યાં ગંભીર પ્રસંગ હોય તો તેમણે સાડી પહેરવા માટે કોઈકની મદદ લેવી પડે છે. ઘરથી ૧૦ મિનિટના અંતરે દેરાસર આવેલું છે, અઠવાડિયામાં ચાર વાર દર્શન કરવા માટે દેરાસર જાય છે જ્યાં પહોંચતાં અડધો કલાક લાગે છે. થાકીને લોથપોથ થઈ જવાય છે છતાં તેઓ અટકતાં નથી અને લાકડી લેતાં નથી, કારણ કે તેમનો નિર્ધાર આજે પણ દૃઢ છે. લાચારીવાળી જિંદગી નથી જોઈતી. તકલીફ સાથે પણ પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરવા છે પોતાની રીતે જીવવા માટેના.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK