ઑડિયન્સનું ઘડતર થતું હોવાથી ગુજરાતી થિયેટરના જૂના દિવસો પાછા આવે એવી આશા રાખીએ

Published: Oct 07, 2014, 05:24 IST

એક સમય હતો જ્યારે જેન્યુઇનલી થિયેટર-લવર્સ હતા અને ક્લાસી કહેવાય એવા પ્રયોગો જોવા માટે તેઓ રૂપિયા ખર્ચીને પણ ઑડિટોરિયમ સુધી આવતા.સ્પેશ્યલ કમેન્ટ - હોમી વાડિયા, ઍક્ટર-ડિરેક્ટર


આજે પણ એવું ઑડિયન્સ મરાઠી કમ્યુનિટીમાં છે, પણ ગુજરાતી થિયેટરની કમનસીબીએ એ ઑડિયન્સ રહ્યું નહીં અને એટલે જ દસ કે બાર વર્ષ પહેલાં શરૂ થયેલી ગુજરાતી સંસ્થાઓને શો વેચવાની માનસિકતાએ ગુજરાતી થિયેટરની સિકલ બદલી નાખી. એવું થવા માટેનું જો કોઈ કારણ હોય તો એ હતું કે આ સંસ્થાઓનું ઑડિયન્સ ક્લાસિક ક્રીએશનનું નહીં પણ એન્ટરટેઇનમેન્ટનું ઑડિયન્સ હતું. ફિલ્મમાં કે ટીવીમાં જે કંઈ થતું હોય એ બધું એમને જોવું હતું એટલે એમની ડિમાન્ડ એ મુજબની આવવાની શરૂ થઈ. એકલા મુંબઈમાં સવાસોથી વધુ સંસ્થાઓ છે. આટલી મોટી સંખ્યામાં સંસ્થાઓ હોવાથી ઇકૉનૉમી લેવલ પર પણ પ્રોડ્યુસરે એ સંસ્થાઓને ધ્યાનમાં રાખવાની હતી અને એમની ડિમાન્ડને પણ પૂરી કરવાની હતી જે સ્વાભાવિક રીતે કરવામાં આવ્યું અને એ કારણે જ ગુજરાતી થિયેટર એની જે ક્લાસિકનેસને કારણે બહુ જાણીતું હતું એ ક્લાસિકનેસ નીકળી ગઈ અને બે કલાકના ફૅમિલી એન્ટરટેઇનરના રૂપમાં આવી ગયું જે મારી દૃષ્ટિએ ખોટું થયું. થિયેટર જોનારું એક ઑડિયન્સ હોય છે અને નાટક જોવું એ પણ એક કળા હોય છે, પણ દસ-બાર વર્ષ પહેલાં જે ઑડિયન્સ થિયેટર તરફ વળ્યું એ નવા નિશાળિયા જેવું હતું. મારું એક સસ્પેન્સ-થ્રિલર અને જેન્યુઇનલી ક્લાસી કહી શકાય એવું નાટક હતું. નામ હતું ‘૩ કરોડ, ૨૪ કલાક, ૧ સવાલ’. આ નાટકના અંતમાં ઑડિયન્સને નાટકમાં સામેલ કરવાનું હતું. બહુ સરસ રીતે બધું થયું અને એક સંસ્થાના ઑર્ગેનાઇઝરે આવીને સજેશન આપ્યું કે નાટક પૂરું થાય ત્યારે ઑડિયન્સવાળું કરવાને બદલે હોમીભાઈ અને કેતકી દવેનો ડાન્સ ગોઠવોને, અમારા મેમ્બરોને બહુ મજા આવશે. તમે માનશો નહીં પણ બાવીસ શોના એ ખરીદદાર માટે મને બે જ ઇચ્છા થતી હતી : કાં તો તેને લાફો મારું અને કાં તો ગંદી ગાળો દઈને થિયેટરની બહાર કાઢું. જોકે આ બેમાંથી મારાથી કંઈ નહોતું થયું અને એ પણ એટલું જ સાચું છે કે મેં એવો કોઈ ડાન્સ પણ ઍડ નહોતો કર્યો.

આજે સિનારિયો બદલાયો છે. ઍટ લીસ્ટ અત્યારે એવું લાગી રહ્યું છે. હવે આવી વિચિત્ર ડિમાન્ડવાળું ઑડિયન્સ રહ્યું નથી. કહોને કે ઑડિયન્સ પણ હવે ટ્રેઇન્ડ થઈ રહ્યું છે. નવા વિષય અને નવી વાત સાથેનાં નાટકો સ્વીકારતું થયું છે જે બહુ જરૂરી હતું. ઑડિયન્સમાં થયેલા આ ઘડતરને કારણે જ કહી શકાય કે આવતા દિવસોમાં ફરી એ જ નાટકના જૂના સુવર્ણ દિવસો પાછા આવશે એવી આશા દેખાઈ રહી છે. હવે ફૅમિલી ડ્રામા કે ફારસ કૉમેડી પર હાથ મૂકવાને બદલે પ્રોડ્યુસર અને ડિરેક્ટરને નવા વિષયો જોઈએ છે અને એ માટે તેઓ રિસ્ક ઉઠાવવા પણ તૈયાર છે. ગુજરાતી થિયેટર માટે એ સારી નિશાની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK