સ્કૂલમાંથી છૂટે પછી તમારા બાળકને બહાર રમવા જવા દો છો?

Published: 6th October, 2014 05:11 IST

જવાબ જો ના છે તો આજથી શરૂ કરો, કારણ કે અમેરિકામાં થયેલા એક રિસર્ચ મુજબ સ્કૂલથી છૂટ્યા પછી બાળક જો ઓપનમાં રમે તો તેનું બ્રેઇન શાર્પ થાય છેસ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

મોટાં-મોટાં દફતરો લઈને સ્કૂલ જતાં નાનાં-નાનાં બાળકો પર આજે ભણવાનો એટલોબધો ભાર છે કે તેમને ખૂલીને રમવા પણ નથી મળતું. અગાઉના જમાનામાં સ્કૂલ છૂટવાનો બેલ વાગતાં જ ઘરે દોટ મૂકતું બાળક દફતરને દરવાજેથી જ ઘરમાં છુટ્ટું ફગાવી મિત્રો સાથે રમવા દોડી જતું, યુનિફૉર્મ બદલવા પણ નહોતું રહેતું. આજના જમાનામાં બાળકો જો આવું કરવા જાય તો તેમના પર પેરન્ટની પસ્તાળ પડે. બિચારાં કરે પણ શું? એટલું જ નહીં, સ્કૂલ-બસની મુસાફરી કરીને કલાકે ઘરે પહોંચેલું બાળક થાકીને એટલું ઠૂસ થઈ ગયું હોય કે બોલવાના હોશ પણ ન રહ્યા હોય ત્યાં રમવા તો ક્યાંથી જાય? મુંબઈના કેટલાક પેરન્ટ્સને અમે પૂછી જોયું કે સ્કૂલથી આવીને તેમનું બચ્ચું શું કરે છે? તો સરપ્રાઇઝિંગ્લી મોટા ભાગના લોકોનો જવાબ હતો કે તે હોમવર્ક કરે એટલું જ નહીં, મેટ્રો સિટીનાં મોટા ભાગનાં બાળકો ખુલ્લામાં રમવા માત્ર સાંજે થોડો સમય જાય છે. ચાલો, મુંબઈના પેરન્ટ્સને મળીને જાણીએ કે તેમનાં બાળકો સ્કૂલથી છૂટીને શું કરે છે.

ટીવી જુએ

કાંદિવલી (ઈસ્ટ)માં ઠાકુર વિલેજમાં રહેતાં મિતલ અને સમીર પુજારાની સેવન્થમાં ભણતી દીકરી મિસરીનું આખા દિવસનું ટાઇમટેબલ ફિક્સ છે એની વાત કરતાં તેની મમ્મી મિતલ કહે છે, ‘સ્કૂલથી આવી મિસરી અડધોથી પોણો કલાક ટીવી જુએ, જમે, બે કલાક હોમવર્ક કરે. પછી સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રમવા જાય છે.’

એ પછી ઉપર આવી મમ્મી-પપ્પા સાથે મસ્તી કરે, જમે, ટીવી જુએ અને ૧૧ વાગ્યે સૂઈ જાય. તે રોજ સવારે સાડાસાત વાગ્યે ઊઠી જાય છે, કારણ કે તેની સ્કૂલ સવારે સાડાઆઠથી અઢીની છે.

મિતલ હાઉસવાઇફ છે અને સમીર JP મૉર્ગન કંપનીમાં ઑફિસર છે. મિતલ કહે છે, ‘સ્કૂલમાંથી આવ્યા પછી મિસરીનું હોમવર્ક થઈ જાય પછી જ હું તેને રમવા જવા દઉં છું, કારણ કે જો પહેલાં રમે તો એક તો રમતમાં પડી જાય અથવા તો થાકી જાય તો હોમવર્ક સાઇડમાં થઈ જાય. મિસરીને પોતાને પણ એવું છે કે હોમવર્ક થઈ જાય પછી જ રમવા જવું. આમ પણ બપોરે તડકો હોય તેથી રમવા માટે બધા છોકરા પણ સાંજે જ ગાર્ડનમાં આવે છે.’

મિસરીનું આ શેડ્યુલ હવે છે, ફોર્થ સુધી તે બહુ રમતી હતી.

જમે અને સૂઈ જાય

દહિસરની લેક્સિકન સ્કૂલમાં સિનિયર KGમાં ભણતો સાડાચાર વર્ષના તીર્થ જાનીની સ્કૂલનો ટાઇમ સવારે સાતથી અગિયારનો છે. સ્કૂલથી આવીને તે સીધો ટીવી સામે ગોઠવાઈ જાય છે ‘છોટા ભીમ’ જોવા માટે. ટીવી જોતાં-જોતાં જ તે જમે છે. આમ અડધો- પોણો કલાક ટીવી જોઈને બપોરે ૧થી ૩ સૂએ છે. એ પછી ૪થી ૬ ટ્યુશનમાં હોય. ઘરે આવીને હોમવર્ક કરે. પછી સાંજે સાતથી નવ સુધી તે કમ્પાઉન્ડમાં રમવા જાય છે અને રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જાય છે. તીર્થની મમ્મી શ્રદ્ધા હાઉસવાઇફ છે. પપ્પા સંદીપ જાની એસ્ટેટ એજન્ટ છે. શ્રદ્ધા કહે છે, ‘તીર્થ સ્કૂલથી આવે ત્યારે તેની એક જ જીદ હોય છે, ‘છોટા ભીમ’ જોવાની! ટીવી જોતાં તે જમે એટલે જમવામાં અડધોથી પોણો કલાક લગાવે છે. સ્કૂલથી છૂટીને તેને રમવા જવું નહીં, પણ ‘છોટા ભીમ’ જોવું ગમે છે.’

ક્લાસમાં જાય

થાણે (વેસ્ટ)માં રહેતાં દર્શિકા અને કેતન ઠક્કરની ૧૧ વર્ષની દીકરી આરુષીની સ્કૂલનો ટાઇમ સવારે સાડાઆઠથી બપોરે સાડાત્રણનો છે. આરુષી ઘરે આવી થોડી રિલૅક્સ થઈ જમે ત્યાં તેનો ક્લાસમાં જવાનો ટાઇમ થઈ જાય છે. સાડાચારથી સાંજે છ સુધી ક્લાસ હોય પછી ઘરે આવીને તે ફ્રેન્ડ્સ સાથે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં થોડું રમે પછી પાછા સાતથી આઠ તેના સ્વિમિંગ, ડાન્સિંગ કે ડ્રૉઇંગમાંથી કોઈ ક્લાસ હોય. આરુષીને સ્કૂલના હોમવર્કનું બહુ ટેન્શન નથી હોતું એની વાત કરતાં તેની મમ્મી દર્શિકા કહે છે, ‘આરુષીને હોમવર્ક પૂરું કરવા ૩ દિવસનો ટાઇમ આપે છે. રોજ હોમવર્ક ચેક ન થાય. વીકમાં એક જ દિવસ નોટબુક ચેક કરવા આપવાની હોવાથી તેને રોજ-રોજ હોમવર્કનું ટેન્શન નથી હોતું.’

આરુષીની સ્કૂલમાં ફિઝિકલ ઍક્ટિવિટીને પણ બહુ મહત્વ આપવામાં આવતું હોવાના કારણે સ્કૂલમાં જ યોગ, સાઇક્લિંગ, સ્વિમિંગ વગેરે પણ કરાવવામાં આવે છે. દર્શિકા કહે છે, ‘આરુષી હવે સિક્સ્થમાં હોવાથી તેને રમવાનો ઓછો ટાઇમ મળે છે. બાકી ફિફ્થ સુધી તે રાતના આઠથી નવ સુધી રમતી હતી એટલું જ નહીં, ફોર્થ સુધી તો તે સ્કૂલથી આવીને પણ બહુ રમતી હતી, ઘરે જ નહોતી રહેતી. તેથી તે ઘરે હોય તો લોકો કહેતા, આરુષી આજે ઘરે છે!’

દર્શિકા યુનિવર્સલ મૅથ્સના ક્લાસ લે છે અને કેતન ઠક્કર હોટેલમાં જૉબ કરે છે. ફોર્થમાં હતી ત્યાં સુધી આરુષી ખૂબ રમી છે એની વાત કરતાં તેની મમ્મી કહે છે, ‘છોકરીઓ પજામા પાર્ટી કરતી ત્યારે તે ફ્રેન્ડ્સના ઘરે જતી અને ફ્રેન્ડ્સ તેના ઘરે પણ રોકાવા આવતા, પણ હવે તે ખુદ સમજી ગઈ છે. તેનામાં મૅચ્યૉરિટી ઘણી છે.’

સ્કૂલમાં જમા થયેલી એનર્જી તે રમે તો વપરાય

સ્કૂલમાંથી છૂટ્યા પછી બાળકોને એક કલાક ખુલ્લામાં રમવા દેવાં જ જોઈએ એ વાત પર ભાર મૂકતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. દીપ્તિ શાહ કહે છે, ‘બાળક સ્કૂલથી આવે પછી તેને રમવા મોકલવાના ત્રણ ફાયદા છે. બાળકમાં એનર્જી બહુ હોય છે. તે સ્કૂલમાં હોય ત્યારે કોઈ ફિઝિકલ ઍક્ટિવિટી નહીં હોવાથી તેની એનર્જી વધુ જમા થાય છે. તેથી જ સ્કૂલથી આવ્યા પછી બાળકને જો ખુલ્લામાં રમવા મોકલવામાં આવે તો તેની એનર્જી સાચી દિશામાં ચૅનલાઇઝ થાય છે. આના કારણે તેની ચંચળતા ઓછી થાય છે અને તેની એકાગ્રતા વધે છે. રમવાના કારણે બાળકની પર્સનાલિટી, સ્વભાવ અને ઇમોશન્સ આ બધાનું ડેવલપમેન્ટ થાય છે. બાળકો માટે તેથી જ આઉટડોર ગેમ્સ કમ્પલ્સરી છે. જે બાળક બીજાં બાળકો સાથે રમે તેનું ડેવલપમેન્ટ ઘણું સારું થાય છે, તેના કૉન્ફિડન્સમાં વધારો થાય છે. આજકાલ ક્લાસિસનું પ્રમાણ વધી ગયું હોવાથી બાળકોનું રમવાનું ખૂબ ઓછું થઈ ગયું છે. સમય ન હોય તો પણ બાળકને એક કલાક તો આઉટડોર રમવા મોકલવું જ જોઈએ. સ્કૂલમાં બાળકને પોતાની એનર્જી યુઝ કરવાનો વધુ સમય નથી મળતો તેથી એક્સ્ટ્રા એનર્જી તેનામાં જમા થઈ જાય છે અને એ જો યુઝ ન થાય તો રૉન્ગ સાઇડ પર ચાલી જાય છે. તે બધા સાથે ફાઇટિંગ કરે, વધારેપડતી મસ્તી કરે, જરા પણ શાંત બેસી ન શકે. સ્કૂલથી છૂટીને જો તે રમે તો તેનું કૉન્સન્ટ્રેશન વધે, સિટિંગ ટૉલરન્સ એટલે કે એક જગ્યા પર બેસવાની ક્ષમતા વધે. આ કારણે તેનો ઓવરઑલ પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય.’

રિસર્ચ શું કહે છે?

સ્કૂલ પત્યા પછી ૬૦ મિનિટ માટે જો બાળકને ફિઝિકલ ઍક્ટિવિટી મળે એવી રમત રમવા દેવામાં આવે તો તેનું મગજ શાર્પ થાય છે. તેની એકાગ્રતા વધે છે એવું અમેરિકાની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે. રિસર્ચરોએ સતત નવ મહિના સુધી રર૧ બાળકોનો અભ્યાસ કર્યો હતો. બાળકોની રમવાની પૅટર્ન અને તેમના બ્રેઇનની અલર્ટનેસની તપાસ ચોક્કસ સમયાંતરે કરી હતી. સ્કૂલથી છૂટીને રમત રમતાં બાળકોના બિહેવિયર અને અલર્ટનેસમાં સુધારો નોંધાયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK