પાછલી ઉંમરે શા માટે બ્રહ્મચર્યનું વ્રત લેવાનું?

Published: Oct 06, 2014, 05:10 IST

પાછલી ઉંમર એટલે ફક્ત નીરસ અને કંટાળાજનક જીવન જ જીવવાનું? ના. ઊલટાનું આયુષ્યની મૂડી ઘટતી જાય તેમ-તેમ એનો ભરપૂર આનંદ માણવો જોઈએ. અપ્રાકૃતિક જીવન જીવવું એ જ નરક છે. પાછલી વયે પ્રાકૃતિક જીવનની પ્રસન્નતા માણવી જોઈએAmitabh Bachchanસોશ્યલ સાયન્સ - રોહિત શાહ

લવ અને સેક્સના પ્રશ્નો માત્ર યુવાનોને જ નથી હોતા, વડીલોને પણ હોય છે. ક્યારેક તો મોટી ઉંમરની વ્યક્તિઓને આવા પ્રશ્નો અત્યંત ક્રૂરતાપૂર્વક ભીંસમાં લેતા હોય છે. યુવાનો શરમ-સંકોચને કારણે લવ અને સેક્સ વિશેના પોતાના પ્રૉબ્લેમ્સ કોઈને કહી નથી શકતા અને મોટી ઉંમરના લોકો ઇજ્જત-આબરૂના ભયને કારણે પોતાના એવા પ્રૉબ્લેમ્સ માટે કોઈનું ગાઇડન્સ નથી લઈ શકતા.

એક બહેનનો પ્રૉબ્લેમ એવો વિકરાળ બન્યો છે કે હવે તેમનું દામ્પત્યજીવન દાવ પર મુકાઈ જાય એવા સંજોગો ઊભા થયા છે. તે બહેને ખૂબ વિસ્તારથી પોતાની વાત જણાવી છે. આ બહેનની લાઇફમાં જેવો પ્રૉબ્લેમ ખડો થયો છે એવો પ્રૉબ્લેમ બીજા કોઈની  લાઇફમાં ખડો ન થાય. એ ઉપરાંત બીજા કોઈનેય આવો પ્રૉબ્લેમ પજવતો હોય તો તેનેય થોડું ગાઇડન્સ મળે એ હેતુથી થોડી વિગતવાર ચર્ચા કરવી છે.

પેલાં બહેન લખે છે, ‘અમારાં લગ્ન પાંત્રીસ વર્ષ પહેલાં થયાં હતાં. એક દીકરી છે તેને પરણાવીને સાસરે મોકલી છે. એક દીકરો છે તેનાં લગ્ન પણ થઈ ગયાં છે. સુખી-સંસ્કારી પરિવાર છે. પરંતુ ત્રણેક વર્ષ અગાઉ અમારા એક ધર્મગુરુની પ્રેરણાથી અમે પતિ-પત્ની બન્નેએ સાથે મળીને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. સંસારસુખ ભરપૂર ભોગવી લીધું હોવાથી અમે સંતુષ્ટ હતાં અને પાછલી વયે ધર્મમાર્ગમાં વૃત્તિ-પ્રવૃત્તિ સ્થિર બને એ માટે ખૂબ વિચાર કરીને અમે પરસ્પરની સહમતીથી બ્રહ્મચર્યની બાધા લીધી હતી.

‘પરંતુ મારા પતિ હવે સેક્સ માટે તૈયાર થયા છે અને મને પણ પ્રતિજ્ઞા-બાધા તોડવા દબાણ કરે છે. હું તેમને સમજાવું છું કે આપણે એકબીજાની અનુમતિ લીધા પછી જ બ્રહ્મચર્યનો સંકલ્પ કર્યો હતો, હવે તમે કેમ ડગી જાઓ છો; મન મક્કમ કરો અને જે લોકોએ વિષયવાસના પર વિજય મેળવ્યો છે એવા લોકોનાં દૃષ્ટાંતો વાંચો તો પાપમાં પડવાનો વિચાર નહીં આવે. જોકે મારા પતિ મારી વાત ગણકારવા બિલકુલ તૈયાર નથી. તે હવે એમ કહે છે કે તું મારી સાથે સેક્સ માટે તૈયાર થઈ જા નહીંતર મને મારી રીતે મારો સંતોષ મેળવી લેવાની છૂટ આપી દે; આપણે સંમતિથી બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું એ ખરું, પણ એ વખતે ધર્મનો ઊભરો હતો; હવે શરીરના આવેગો જાગ્યા છે અને એમને કાબૂમાં રાખી શકાય એમ નથી; ભલે પાપ લાગતું હોય તો લાગે, નરકમાં જવું પડે તોય વાંધો નથી; પણ મારે સેક્સનો આનંદ લેવો જ છે.

મારા પતિને અત્યાર સુધી તો મેં ગમે તેમ કરીને રોકી રાખ્યા છે, પણ મને મનમાં સતત ભય લાગ્યા કરે છે. હવે એક વખત ફરીથી અમારા પેલા ધર્મગુરુ પાસે જઈને તેમની પાસેથી જ આનો કોઈ ઉપાય મેળવવો જોઈએ એમ લાગે છે. મારા પતિ તો હવે એ ધર્મગુરુની પાસે જવાય તૈયાર નથી.

મારે શું કરવું? તેમની ઇચ્છાને આધીન થઈને પાપમાં પડવું?’

તે બહેનને મેં અંગત રીતે જવાબ આપી જ દીધો છે. એનો મહત્વનો અંશ અહીં રજૂ કરવો છે.

બહેનશ્રી, વહેલામાં વહેલી તકે તમે તમારા પતિની ઇચ્છા પૂરી કરો. એમ કરવાથી તમને જેટલું પાપ લાગે (એવો તમને ભય છે) એ બધું પાપ મારા માથે, બસ! બીજી મહત્વની વાત, તમે તમારા પેલા ધર્મગુરુ પાસે ઉપાય માટે કદીયે ન જશો. તેણે તો તમારા સુખી દામ્પત્યજીવનને ઝેર જેવું કરી મૂક્યું છે. હવે જો તેની પાસે જશો તો તમારા પ્રૉબ્લેમને સૉલ્વ કરવાને બદલે તે વધુ ગૂંચવશે. ધર્મના નામે પોતાનો પ્રભાવ પુરવાર કરવા તમને ફરીથી અવળા રવાડે ચડાવશે.

તમારા પતિ સજ્જન અને સંસ્કારી છે એટલે તમને વારંવાર સેક્સમાં સહયોગ આપવા સમજાવે છે. બીજો કોઈ લંપટ પુરુષ હોત તો તેણે ખાનગીમાં પોતાનો રસ્તો ખોળી જ કાઢ્યો હોત. પતિ-પત્ની સેક્સ ઍન્જોય કરે તો જરાય પાપ ન લાગે. ઊલટાનું જો તે બન્ને પરસ્પરને કો-ઑપરેટ ન કરે તો પાપ લાગે. તમારા પતિને ચારિhયવાન રાખવો છે કે ચારિhયભ્રષ્ટ કરવો છે એ તમારે નક્કી કરવાનું છે. પતિ-પત્ની ભલે સંમતિથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લે તોય એ ખોટું જ છે. એવાં વાહિયાત વ્રતો લેવાની કોઈ જરૂર નથી.

મેં જગતમાં એવો કોઈ બ્રહ્મચારી જોયો નથી અને જોઉં તો પણ મને તેના પ્રત્યે જરાય આદર કે અહોભાવ થવાની શક્યતા નથી. આવાં ધતિંગો તો ઢોંગી લોકોએ જ કરવાં પડે. ગાયને આપણે પવિત્ર સમજીએ છીએ. ગાયને આપણે માતા કહીએ છીએ. ગાયના શુકનનેય આપણે શુભ અને પવિત્ર માનીએ છીએ. એ જ ગાયને જેટલાં વાછરડાં હોય છે એ તમામ અલગ-અલગ આખલા (સાંઢ) દ્વારા થયેલાં હોય છે. છતાં ગાયની પવિત્રતા અભડાતી નથી. માણસે લગ્નવ્યવસ્થા કરીને સેક્સને બે પાત્રો પૂરતી મર્યાદામાં મૂકી છે. તો એનો આદર જરૂર કરો. સમાજવ્યવસ્થાનું સન્માન ભલે કરો, પણ પતિ-પત્ની સેક્સ કરે તો પાપ લાગે એવો ભ્રમ તાત્કાલિક છોડી દો.

મને ઘણી વખત ઘણા લોકો કહે છે કે હવે ૫૫-૬૦ વર્ષ થઈ ગયાં છે. હવે પહેલાં જેટલા સેક્સના આવેગો પજવતા નથી. સંતાનોય પરણીને ઠરીઠામ થઈ ગયાં છે. આવી સ્થિતિમાં બ્રહ્મચર્યનું વ્રત લઈ લેવામાં શું ખોટું છે? આ ઉંમરે હવે શું સેક્સ ભોગવવાનું? બે-ત્રણ મહિને, છ મહિને માંડ એકાદ વખત એનો આનંદ લઈએ છીએ એ જતો કરીને પુણ્યમાર્ગે વળવામાં શો વાંધો? હું તેમને કહું છું કે ધંધામાં મોટી ખોટ જાય પછી બચેલી થોડી પૂંજીને કંઈ કૂવામાં ન ફેંકી દેવાય, તેને તો જતનથી સંભાળવાની હોય. ઉંમરને કારણે કે બીજી કોઈ પરિસ્થિતિને કારણે સેક્સ એન્જૉય ન કરવું હોય તો તમને પરાણે સેક્સ કરવા કોણ મજબૂર કરે છે? પણ એને દબાવી દેવા પ્રયત્ન કરશો તો એ વારંવાર ડોકું ઊંચું કર્યા કરશે.

તો સાચી શાંતિ નહીં મળે

હું ઘણી વખત વ્યાખ્યાનોમાંય કહું છું અને સતત લખતોય રહ્યું છું કે આ દુનિયાને જેટલાં સુખ-સમૃદ્ધિ મળ્યાં છે એમાંથી એકેય કોઈ બ્રહ્મચારીએ આપ્યાં નથી. કહેવાતા બ્રહ્મચારીઓએ ભ્રાંતિઓ ફેલાવવા સિવાય કશી ધાડ મારી નથી. કોઈ બ્રહ્મચારીએ રાષ્ટ્રના કે સમાજના પ્રશ્નો ઉકેલ્યા નથી. કોઈ બ્રહ્મચારીએ અત્યાચાર, દુરાચાર, મોંઘવારી, ભૂખમરો, નિરક્ષરતા, ભ્રૂણહત્યા જેવી સમસ્યાઓ સૉલ્વ કરી નથી. ઊલટાનું મનની શાંતિને ડહોળવાના ઉધામા કરાવ્યા છે. સહજ જીવન જીવવાથી જે શાંતિ મળે છે એ અપ્રાકૃતિક અને તરંગી જીવન જીવવાથી કદીયે મળતી નથી.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK