ગુજરાતી લહેકાવાળી હિન્દીએ પકડાવી દીધો હીરાઠગને

Published: 4th October, 2014 04:37 IST

ઘાટકોપરની જ્વેલરી-શૉપમાંથી ૯૦ લાખ રૂપિયાના ડાયમન્ડ્સ તફડાવીને એની જગ્યાએ નકલી હીરા મૂકી દેનારી ત્રણ જણની ટોળકીના માસ્ટર માઇન્ડ ધીરુભાઈ પટેલની અમદાવાદથી ધરપકડ : તેની પાસેથી ૨૦ લાખ રૂપિયાના ડાયમન્ડ્સ મળ્યાસપ્ટેમ્બર મહિનાની ૨૩ તારીખે ઘાટકોપર (ઈસ્ટ)માં મહાત્મા ગાંધી રોડ પર આવેલી ભારતી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસેલા ત્રણ જણે ૯૦ લાખ રૂપિયાના હીરાની કરેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે અને આ ઘટનામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં ઉતરાણના રહેવાસી ૫૦ વર્ષના ધીરુભાઈ પટેલને ગુરુવારે અમદાવાદથી પકડી પાડી તેમની પાસેથી ૨૦ લાખ રૂપિયાની કિંમતના હીરા જપ્ત કર્યા હતા, જ્યારે બાકીના હીરા મેળવવા તેમના બે સાથીને પોલીસ હજી શોધી રહી છે.

શું હતી ઘટના?

૨૧ સપ્ટેમ્બરે ભારતી જ્વેલર્સમાં ત્રણ જણ હીરા ખરીદવાના બહાને આવ્યા હતા. તેઓ દુકાનના માલિક વસંત દોશીના ભત્રીજા મૌલિક દોશીને મળ્યા હતા અને હીરા ખરીદવા છે એમ કહ્યું હતું. તેમણે ૯૦ લાખ રૂપિયાના હીરા પસંદ કર્યા હતા અને બે દિવસ પછી આવીને આ હીરા ખરીદીશું એમ જણાવીને જતા રહ્યા હતા. બે દિવસ બાદ ૨૩ સપ્ટેમ્બરે તેઓ ફરી આવ્યા હતા અને વેપારી સાથે વાતચીત દરમ્યાન હીરાનું પૅકેટ બદલી નાખ્યું હતું અને ૯૦ લાખ રૂપિયાના હીરાનું પડીકું લઈને જતા રહ્યા હતા. તેઓ ગયા બાદ હીરાના પડીકામાં બનાવટી હીરા જોતાં વેપારીએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં અજાણ્યા લોકોનું પગેરું મેળવવા પોલીસે દુકાનમાંથી અને આસપાસના પરિસરમાંથી CCTV ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી.

ગુજરાતમાં તપાસ


પોલીસને મુંબઈમાં વિવિધ સ્થળોએ આ લોકોની શોધમાં નિષ્ફળતા મળ્યા બાદ ગુજરાતમાં તપાસ શરૂ કરવા વિશે બોલતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સંજય સુર્વેએ કહ્યું હતું કે ‘ફરિયાદી મૌલિક દોશીએ કહ્યું હતું કે આરોપીઓ હિન્દીમાં વાત કરતા હતા, પણ તેમનો ટોન ગુજરાતીવાળો હતો. વળી આરોપીઓને હીરા વિશે સારી જાણકારી હતી. CCTV ફુટેજમાં આરોપીઓના ચહેરા અસ્પષ્ટ દેખાતા હોવા છતાં પોલીસે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના ડાયમન્ડ માર્કેટમાં આરોપીઓની શોધ આદરી હતી. અમદાવાદમાં કોઈકે મુખ્ય આરોપીને ઓળખી બતાવતાં અમે ગુરુવારે ધીરુભાઈ પટેલને પકડી પાડ્યો હતો અને તેમની પાસેથી ચોરાયેલા હીરામાંથી ૨૦ લાખ રૂપિયાની કિંમતના હીરા જપ્ત કર્યા હતા. તેમના બે સાથીદારોને અમે શોધી રહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK