જ્યાં સુધી તિરંગો રહેશે ત્યાં સુધી ખાદીનું અસ્તિત્વ રહેશે

Published: 4th October, 2014 04:28 IST

ખાદીનું ભવિષ્ય શું લાગે છે?મને આજકાલ આ સવાલ બહુ પૂછવામાં આવે છે. જ્યારે પણ આ સવાલ પૂછવામાં આવે ત્યારે મારો જવાબ એક જ હોય છે કે જ્યાં સુધી દેશમાં તિરંગાનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ દેશમાં ખાદીનું અસ્તિત્વ રહેશે


(સ્પેશ્યલ કમેન્ટ- દેવેન્દ્ર દેસાઈ  ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચૅરમૅન)

મારા આ જવાબમાં આશાવાદ નહીં પણ એક હકીકત છે. ભારતીય સંવિધાન મુજબ સરકારી કચેરીઓ પર અને સરકારી કાર્યક્રમોમાં માત્ર અને માત્ર ખાદીનો જ તિરંગો લહેરાવામાં આવે છે. આપણા દેશમાં કોઈ સરકાર એવી નથી આવવાની જે આ નિયમમાં ફેરફાર કરી શકે અને એ સંદર્ભથી હું સહેજ પણ ખોટો નથી પડવાનો કે જ્યાં સુધી તિરંગો છે ત્યાં સુધી દેશમાં ખાદી અકબંધ છે.

ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને દેશને આઝાદી અપાવી એ જ ગાંધીજીએ આ આઝાદી પહેલાં દેશવાસીઓને એક કર્યા હતા અને દેશવાસીઓને એક કરવામાં જો કોઈ મહત્વપૂર્ણ પરિબળ બન્યું હોય તો એ ખાદી અને રેંટિયો હતાં. આ ખાદીએ જ બાપુની પાસે વિલાયતી કપડાંઓનો ત્યાગ કરાવ્યો અને આ જ ખાદીએ દેશના અન્ય લોકોને પણ આ પ્રકારના મૂક વિરોધની દિશા દેખાડી. ખાદી એ બાપુનું સપનું હતું એના કરતાં એવું કહેવું જોઈએ કે ખાદી થકી બાપુએ સ્વરોજગારની માનસિકતાને લોકો સુધી પહોંચાડી હતી. તેમનો કહેવાનો ઉદ્દેશ એવો હતો કે પર્યાવરણની રક્ષા થતી રહે અને એની સાથોસાથ રોજગાર પણ જન-જન સુધી પહોંચે એ માટે પ્રયાસ થવો જોઈએ. આ નીતિ સાથે જ તેમણે ખાદી લોકો સુધી પહોંચાડી.

હું દૃઢપણે માનું છું કે ખાદી અને બાપુ એ રીતે જોવાને બદલે બાપુ અને ખાદી એ રીતે આખી વાતને જોવી જોઈએ. બાપુના સિદ્ધાંતો આ ખાદી સાથે જોડાયેલા છે અને આજે પણ અનેક લોકો એવા છે જેઓ ખાદીને જુએ છે ત્યારે તેમને બાપુના સિદ્ધાંતો યાદ આવી જાય છે એટલે એવા સમયે એવી નકારાત્મક માનસિકતા મનમાં લઈ આવવાની જરૂર નથી કે ખાદીનું ભવિષ્ય કેવું છે અને કેટલું છે. ખાદીનું ભવિષ્ય ઉજ્જ્વળ છે અને એનો ભૂતકાળ પણ જાજરમાન જ હતો. ગાંધીજીએ ખાદી લોકો સુધી પહોંચાડી, પણ એ પહેલાં પણ ખાદી હતી જ અને એનો ઉલ્લેખ છેક રામાયણકાળથી થતો આવ્યો છે. આ જ દેખાડે છે કે ખાદી એ કંઈ આજકાલનો ઇતિહાસ નથી અને જેનો ઇતિહાસ જાજરમાન હોય એનો વર્તમાન અને ભવિષ્ય બન્ને ઉજ્જ્વળ જ હોય. નવી જનરેશન હવે ખાદી હોંશભેર પહેરે છે અને એ જ દેખાડે છે કે ખાદીની ચિંતા કરવાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK