સુહાગરાત હૈ... ઘૂંઘટ ઉઠા રહા હૂં મૈં

Published: 28th December, 2012 06:55 IST

ન્યુ મૅરિડ કપલે લગ્નની પહેલી રાતે એકબીજાની અણઆવડતો, ગેરસમજો, ઉતાવળ, ભય, વહેમ ને આશંકા વગેરે પ્રત્યે ઉદાર રહેવું જરૂરી છે. પ્રશ્નો અને આક્ષેપો કરીને બાજી બગાડવાની જરૂર નથીફ્રાઇડે-ફલક - રોહિત શાહ

સુહાગરાતની ઉત્કટ પ્રતીક્ષા કરવાનો પ્રત્યેક ન્યુ મૅરિડ વ્યક્તિને રોમાંચસિદ્ધ અધિકાર છે.

સામાન્ય રીતે એવું બને છે કે માણસ રાત્રે ઊંઘ દરમ્યાન સ્વપ્નો જુએ છે. સુહાગરાતની અસામાન્ય હકીકત એ છે કે આ રાત માટે વ્યક્તિ દિવસે જાગ્રત અવસ્થા દરમ્યાન સ્વપ્નો જુએ છે અને સજાવે છે.

સુહાગરાત એટલે બે લાઇફ-પાર્ટનર દ્વારા ફસ્ર્ટ ટાઇમ પ્રૅક્ટિકલ સેક્સનો અનુભવ. બન્ને પાત્રો યુવાન છે. બન્નેમાં વિજાતીય આકર્ષણ છે. બન્નેને સમાજ તરફથી આર્શીવાદ અને શુભેચ્છાપૂર્વક સંમતિ મળી ચૂકી છે. જે ક્ષણની બન્નેને ઘણા સમયથી ઉત્કટ પ્રતીક્ષા હતી એ ક્ષણનું અભિવાદન કરવા બન્ને ઉત્સુક છે. બન્ને પક્ષે થોડો રઘવાટ, ભય, આશંકા અને બીજું ઘણુંબધું છે. પરસ્પરના આલિંગનમાં હૃદયના બદલાતા ધબકાર-લયનું સંગીત સાંભળીને જિંદગી સ્વયં એક ગીત બની જાય છે.

આજના જનરેશન માટે સેક્સ વિશે ગૅરન્ટીપૂર્વક કંઈ જ કહી શકાય એવું નથી. મૅરેજ પહેલાં ડેટિંગ દરમ્યાન તેઓ સેક્સ માણી ચૂક્યા હોય એ સાવ ઇમ્પૉસિબલ નથી. તેમને મળેલી આઝાદી, અનુકૂળતા તથા એકાંતનો લાભ લઈને બૉયફ્રેન્ડ તેમ જ ગર્લફ્રેન્ડ સાથે સેક્સ એન્જૉય કરવાનો અનુભવ બન્નેએ અથવા બેમાંથી કોઈ એક વ્યક્તિએ મૅરેજ પહેલાં કરી જ લીધો હોય એ પૉસિબલ છે. ભૂતકાળમાં મર્યાદાના જે ચુસ્ત ખ્યાલો હતા એમાં હવે પાર વગરનાં ગાબડાં પડી ચૂક્યાં છે. બિનજરૂરી બંધનોમાં સ્વેચ્છાએ શા માટે કેદ થઈને રહેવું એવું યંગ જનરેશન માનવા લાગ્યું છે. ક્યારેક એમ લાગે કે સ્વતંત્રતાને બહાને સ્વચ્છંદતા તરફ નવી પેઢી ફંટાઈ રહી છે. તો ક્યારેક એમ પણ લાગે છે કે વધુપડતી દબાવી રાખેલી સ્પિþગનું આ રીઍક્શન સ્વાભાવિક છે.

એવાં અનેક કપલ્સ અત્યારે આપણી વચ્ચે હશે જેમણે સુહાગરાત વખતે જ ફસ્ર્ટ ટાઇમ પરસ્પરનું મુખદર્શન કર્યું હોય. જેની સાથે વ્યક્તિએ પોતાની આખી લાઇફ જીવવાની હોય તેનું મોઢુંય જોવા ન મળતું હોય ત્યારે વાતચીત કરવાની કે પરસ્પરને મળવાની તો વાત જ શાની હોય? સમયની સાથે-સાથે સતત સમજણ બદલાતી રહી. પરિવર્તનો આવતાં ગયાં. મર્યાદાનાં બંધનો સહેજ ઢીલાં થતાં ગયાં.

અત્યારે આપણે બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના એવા મુક્ત વાતાવરણમાં જીવી રહ્યા છીએ કે જેમાં યુવાન વિજાતીય પાત્રોએ પ્રથમ સ્પર્શની સંવેદના કદાચ ખોઈ નાખી છે. જાહેરમાં પરસ્પરનો હાથ પકડવાનું તો ઠીક, હગ કરવાનું-ભેટવાનું પણ હવે નૉર્મલ બની ચૂક્યું છે. ત્યારે સુહાગરાતનો પ્રથમ સ્પર્શનો રોમાંચ કેટલો રહ્યો હશે એ પણ એક સવાલ છે. મૅરેજ પહેલાં લાઇફ પાર્ટનરની સાથે અથવા તો અન્ય વ્યક્તિ સાથે સેક્સ એન્જૉય કરી ચૂકેલી વ્યક્તિ માટે સુહાગરાત એટલી રોમાંચક ન જ હોય, જેટલી ફસ્ર્ટ ટાઇમ સેક્સ માણવા ઉત્સુક ન્યુ-મૅરિડ વ્યક્તિને હોય.

વાસ્તવિકતા એ છે કે સુહાગરાત એ મૅરિડ લાઇફનું ઉદ્ઘાટન છે. એમાં માત્ર શારીરિક મિલન નથી હોતું. ભાવનાત્મક અને વૈચારિક મિલન પણ હોય છે. જવાબદારીપૂર્વક એક પુરુષ પતિ બને છે તથા એક યુવતી પત્ની બને છે.

ફિલ્મોમાં આપણે હજારો સુહાગરાતો જોઈ છે. એ બધી આર્ટિફિશ્યલ હોય છે. અલબત્ત, ફિલ્મોની સુહાગરાતો જોઈ-જોઈને લોકો એનું અનુકરણ કરવા લાગ્યા છે. હવેની સુહાગરાતો ઘરના ઓરડામાં કે બેડરૂમમાં નહીં, પણ કોઈ વૈભવી હોટેલમાં ઊજવાતી હોય છે. પોતાના ઘરમાં, પોતાના બેડરૂમમાં, ભલે થોડી અગવડો હોય તો પણ સુહાગરાત ઊજવવી જોઈએ. એમાં પોતીકાપણું હશે, વાસ્તવિકતા હશે અને વાસ્તવિકતા કડવી હોય તોય એની મજા અનોખી હોય છે.

માણસ મૅરેજના પ્રસંગની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાવે છે, પણ સુહાગરાતની ઘટનાઓ ખાનગી હોવાથી એની ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી નથી કરાવવામાં આવતી. મૅરેજનાં દસ-પંદર કે વધુ વરસ વીતી ગયા પછી જ્યારે સુહાગરાતની ક્ષણો યાદ કરીએ છીએ ત્યારે ઘણુંબધું ભુલાઈ ગયું હોય છે. અંગત ઉપયોગના હેતુથી અથવા પર્સનલ-પ્રાઇવેટ સ્વીટ મેમરીરૂપે કોઈએ પોતાની સુહાગરાતનું વિડિયો-રેકૉર્ડિંગ કરી રાખ્યું હોય તો વર્ષો પછી એ જોવાની ખૂબ મજા પડે. એ રેકૉર્ડિંગ ગુપ્ત ન રહે તો અનેક પ્રકારનાં જોખમો સર્જાઈ શકે છે. એનો મિસયુઝ પણ થઈ શકે છે. જો એટલી સજાગતા રાખી શકાય તો જ સુહાગરાતનું વ્યક્તિગતરૂપે જાતે જ રેકૉર્ડિંગ કરવું અને પછી સાચવી રાખવું.

ના પ્રશ્નો, ના આક્ષેપો


સુહાગરાતે લાઇફ-પાર્ટનર પ્રત્યે અવિશ્વાસ કે આશંકા નહીં કરવાની ખાસ સમજ બન્નેએ કેળવવી જરૂરી છે. મોટે ભાગે યુવતીને સેક્સ વખતે બ્લીડિંગ ન થાય તો પુરુષ તેની વર્જિનિટી ઉપર ડાઉટ કરી બેસે છે. ફસ્ર્ટ ટાઇમ સેક્સ વખતે યુવતીને બ્લીડિંગ થવું જેટલું સ્વાભાવિક છે એટલું જ બ્લીડિંગ ન થવુંય સ્વાભાવિક છે. એ જ રીતે યુવક જલદી ‘આઉટ’ થઈ જાય તો એના પૌરુષ પર યુવતીએ ડાઉટ કરવાની જરૂર નથી હોતી. સુહાગરાતની આવેગાત્મક ક્ષણોમાં ઘણીબધી ઉતાવળ પણ થઈ જતી હોય છે અને ઘણુંબધું આપણે ધારી લીધેલું કે સાંભળેલું હોય એવું ન બનવાની શક્યતા પૂરેપૂરી હોય છે. ‘તને કશું આવડતું નથી...,’ ‘તને કેમ કાંઈ સમજ પડતી નથી?’ એવા પ્રશ્નો અને આક્ષેપો કરવાનું ટાળીને પરસ્પરમાં ઓતપ્રોત થઈ જવાની કુનેહ જરૂરી છે. બન્ને માટે સુહાગરાતનો પ્રથમ અનુભવ હોય ત્યારે એકબીજાને અનુકૂળ થઈને, પરસ્પરને પ્રેમાળ સહકાર આપીને આગળ વધવું જોઈએ.

સુહાગરાતનો ઘટનાક્રમ


સાચી વાત એ છે કે આપણે માણસોએ સુહાગરાતને વિશેષ મહત્વ આપીને એને થોડી વધારે રોમાંચક અને રમણીય અને સ્મરણીય બનાવી છે. પશુ-પંખીઓ પણ એમની લાઇફમાં ક્યારેક તો ફસ્ર્ટ ટાઇમ સેક્સ એન્જૉય કરતાં જ હશેને! એમને વળી ક્યાં સુહાગરાતની જરૂર પડે છે? પત્ની વહેલી-વહેલી બેડરૂમમાં દૂધનો પ્યાલો લઈને બેડરૂમમાં પહોંચી જાય... ઘૂંઘટમાં પોતાનું મોં છુપાવીને આતુર નયને પતિની પ્રતીક્ષા કરતી હોય... પતિને બહારથી તેના મિત્રો, ભાભીઓ ધક્કો મારીને બેડરૂમમાં મોકલતી હોય... પતિ અંદર પ્રવેશે એટલે મેંદીવાળા નાજુક હાથ વડે પતિ સામે દૂધનો ગ્લાસ પત્ની ધરતી હોય... દૂધ પીને પતિ પત્નીની લગોલગ બેડ પર બેસતો હોય... હળવે હાથે પત્નીના માથેથી ઘૂંઘટ ઉઠાવતો હોય... શું હંમેશાં આવો જ ઘટનાક્રમ થતો હોય છે? આ તો ફિલ્મોએ બતાવેલો ઘટનાક્રમ છે. ખરેખર તો સુહાગરાતના ઘટનાક્રમ બડા વિચિત્ર અને રોમાંચક હોય છે. તમે ઑલ્ડ-મૅરિડ હો તો તમારી સુહાગરાત યાદ કરી જુઓ... તમે ન્યુ મૅરિડ હો તો તમને હવે બધી ખબર છે. હા, જેમના જીવનની સુહાગરાત હજી હવે આવવાની છે તેમને અનુભવ થવાનો બાકી છે. તેમને આપણે શુભકામનાઓથી વિશેષ શું કહી શકીએ?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK