ડમ્પિંગ રોડનાં તૂટેલાં સ્પીડબ્રેકરોથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે

Published: 26th December, 2012 06:58 IST

મુલુંડ-વેસ્ટમાં આવેલો દેવીદયાલ રોડ ડમ્પિંગ રોડ તરીકે પણ ઓળખાય છે. આ રોડ પર સ્પીડબ્રેકરોની ખરાબ હાલતને કારણે અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. આ રોડ મુલુંડ-વેસ્ટના પાંચ રસ્તા, ચેકનાકા અને તાંબેનગરને કનેક્ટ કરતો મુખ્ય રોડ છે જ્યાંથી સાઇકલ જેવાં નાનાં વાહનોથી લઈને બસ અને ટ્રક જેવાં મોટાં વાહનોની અવરજવર ચાલુ હોય છે.દરરોજ ડમ્પિંગ રોડથી મોટરસાઇકલ પર આવતા અને તૂટેલાં સ્પીડબ્રેકરોથી ત્રાસી ગયેલા ૫૩ વર્ષના મનોજ ચાવડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ડમ્પિંગ રોડ પરનાં તૂટેલાં સ્પીડબ્રેકરોને કારણે વાહન ચલાવવામાં તકલીફ થાય છે. ઉપરાંત એના પર બૅલેન્સ રહેતું ન હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે. આ સ્પીડબ્રેકરને કારણે અહીંના રોડનો ટ્રાફિક પણ સ્લો થઈ જાય છે. સુધરાઈ દ્વારા આવી નાની બાબતો પર કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી એને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં કોઈ મોટો અકસ્માત થાય એ પહેલાં સુધરાઈ ચેતી જાય એ લોકોના હિત માટે સારું રહેશે. અહીં નાના-મોટા બનાવોને લઈને લોકો વચ્ચે ધાંધલ-ધમાલ થતાં પણ વાર લાગતી નથી.’

ડમ્પિંગ રોડ પર ટેલરિંગની દુકાન ચલાવતા વજુભાઈ ચુડાસમાએ તૂટેલાં સ્પીડબ્રેકરો વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વ્ વૉર્ડ કોઈ મોટો બનાવ બનવાની રાહ જોઈ રહ્યો હોય એવું લાગે છે. તાંબેનગર, પાંચ રસ્તા અને મુલુંડ ચેકનાકાને જોડતા આ રોડ પર તૂટેલાં સ્પીડબ્રેકરોને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્પીડબ્રેકરની બરાબર સામે બૌદ્ધોનું ધાર્મિક સ્થળ બુદ્ધ વિહાર આવેલું છે જેને કારણે રજાના દિવસોમાં અને ખાસ કરીને તહેવારોમાં અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર ચાલુ રહે છે. અત્યાર સુધીમાં બાઇક ઊછળવાના અનેક બનાવ અહીં બન્યા છે.’

વૉર્ડ-નંબર ૯૯નાં બીજેપીનાં નગરસેવિકા ભાવના જોબનપુત્રા સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે મેં ડમ્પિંગ રોડ અને એ સિવાયના રોડ પર આવેલાં બીજાં આઠ જેટલાં સ્પીડબ્રેકરો બાબતે સુધરાઈને ત્રણથી ચાર મહિના પહેલાં લેખિતમાં ફરિયાદ કરી હતી, પરંતુ સુધરાઈ પાસે સમારકામ માટેનું મટીરિયલ ન હોવાથી કામ અટકેલું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK