બડબડ કરીને બોર કરનારને ટૅકલ કરવાના રસ્તા જાણી લો

Published: 25th December, 2012 07:09 IST

એક નાનકડી વાત જે એક સિમ્પલ વાક્ય દ્વારા કહી શકાય એ કહેવામાં કેટલાક લોકો આઠ-દસ વાક્યો બોલી નાખે છે. મુદ્દા પર આવતાં પહેલાં તેઓ પ્રસ્તાવનામાં જ કલાક કાઢી નાખે. આવા લોકો સાથે પાલો પડ્યો હોય ત્યારે ક્યારેક પોતાની ઇમેજના ભોગે પણ પોતાના સમયનું રક્ષણ કરવું જરૂરી બની જાય છેમંગળવારની મિજલસ - તરુ કજારિયા


ધારો કે તમે એક અઠવાડિયા માટે પરદેશ ગયા છો અને તમારી પાસે એક લાખ રૂપિયાની કિંમતનું એ દેશનું ચલણ છે, જે તમારા ત્યાંના રોકાણ દરમ્યાન વાપરવા માટે તમને કામ લાગવાનું છે. તો તમે એ નાણું કેટલું કૅરફુલી વાપરો. તમે જોશો કે તમારા રોકાણ દરમ્યાન તમને ખેંચ ન પડે એવી રીતે સાચવી-સાચવીને તમે એ રકમ ખર્ચ કરશો. પરંતુ રૂપિયા કે નાણાંની બાબતમાં રાખીએ છીએ તેવી કાળજી આપણે આપણા શબ્દો માટે કેમ નથી દાખવતા એ સવાલ કેટલાક લોકોની લાંબું-લાંબું બોલવાની આદત જોઈએ ત્યારે થાય છે. એક નાનકડી વાત જે એક સિમ્પલ વાક્ય દ્વારા કહી શકાય એ કહેવામાં કેટલાક લોકો આઠ-દસ વાક્યો બોલી નાખે છે. તેમના દરેક વાક્યનો અંત ‘શું?’ અને શરૂઆત ‘એટલે કે...’ શબ્દોથી થાય છે. મુદ્દા પર આવતાં પહેલાં તેઓ પ્રસ્તાવનામાં જ કલાક કાઢી નાખે. આવા લોકોના ફોન આવે કે તમને ફોન કરીએ ત્યારે ખાસ્સો સમય સ્પેરમાં રાખવો પડે. આપણા બધાના પરિચયમાં આવા ચૅટરબૉક્સિસ ક્યારેક ને ક્યારેક તો આવ્યા જ હશે. ક્યારેક આપણે પણ બીજાઓને એવા લાગ્યા હોઈશું, પરંતુ શાંતિથી આપણે એ બધા શબ્દોનું ઍનાલિસિસ કરીએ તો લાગે કે તેમાંથી નેવું ટકા જેટલા ન બોલ્યા હોત તો પણ આપણે જે કહેવું છે એ કહી શક્યા હોત, પૂછવું છે એ પૂછી શક્યા હોત.

એકની એક વાત


એજ રીતે રિપીટેશન પણ એક મોટો હેડેક છે. આપણે બધા રોજિંદી વાતચીતમાં પણ એકની એક વાત કેટલી વાર રિપીટ કરીએ છીએ એનો ખ્યાલ જ નથી રહેતો. એક મિત્ર જ્યારે મળે ત્યારે પોતાના હેલ્થ પ્રૉબ્લેમ્સની જ રામાયણ કરતા હોય છે. તેમને કૉન્સ્ટિપેશનની તકલીફ છે, પણ તેઓ પોતાની કૉન્સ્ટિપેશનની કથા સંભળાવી સંભળાવીને સામેવાળાના દિમાગને જામ કરી દેતા હોય. જાણે તેમનું કૉન્સ્ટિપેશન આપણી બદોલત હોય! કેટલાક વિરલા વળી પોતાનાં બાળકો કે ઇવન મોટા છોકરાઓથી પણ એટલા ઑબ્સેસ્ડ હોય છે કે તેમને જ્યારે પણ મળીએ ત્યારે તેમનાં બાળકોની નર્સરી કે કિન્ડરગાર્ટન કે સ્કૂલ યા કૉલેજના ફંક્શનની વાતો કમ્પલસરી સાંભળવી પડે. આપણે આપણા કામમાં કે અભ્યાસમાં ગળાડૂબ હોઈએ અને આવા કોઈ મહાશય કે મહાશયા આવી ચડે ત્યારે અને આપણે તેના બચ્ચાપ્રેમના ભોગ બનવું પડે ત્યારે બોર થતાં-થતાં પણ એક વાત શીખવા મળે જ કે આપણા છોકરાઓ ગમે એટલા હોશિયાર હોય અને આપણને તેમનામાં ગ્રેટ જિનિયસ દેખાતું હોય તો પણ બીજા લોકોને માટે તેઓ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ન હોઈ શકે. તે શા માટે આપણાં બાળકોને કોઈના બોરડમ કે નીરસતાનું નિમિત્ત બનાવવાં? આ સવાલ ક્યારેય પણ સંતાનાખ્યાન કરવાનું શરૂ કરીએ ત્યારે જાતને પૂછી લેવો.

રાજકારણી હો તો ચાલે

ચૅટરબૉક્સ જમાતની વધુ એક લાક્ષણિકતા છે કે તેઓ બોલવાનું શરૂ કરે પછી સિંગલ ટ્રૅક ટ્રાફિકની જેમ સામેવાળાને બોલવાની તક જ નથી આપતા. ટેલિફોન ઉપર તો હૅબિટ ખૂબ જ ઇરિટેટિંગ લાગે. ટીવી ઉપર કોઈ ચર્ચામાં ભાગ લેવા ભેગા મળેલા રાજકારણીઓને સાંભળીએ ત્યારે આ કલામાં તેમની નિપુણતા જોઈ શકાય છે. હા, આવી આદત અંગત વતુર્ળમાં લોકોને અણગમતી લાગે પણ રાજકારણ જેવા ફીલ્ડમાં એ મહત્વની આવડત ગણાય.

સવાલ નહીં

હવે સવાલ એ છે કે આવા ચૅટરબૉક્સિસના વાણીવિલાસના પ્રવાહ અને પ્રહારથી બચવું કેમ? એક તો તેમને બહુ ફુટેજ ન આપવું. મતલબ કે તેમની વાતોમાં બહુ રસ ન લેવો કે ઉત્સાહથી વધુ પ્રશ્નો ન પૂછવા, કેમ કે તેમને એક સવાલ પૂછી બેઠા તો મર્યા સમજો. તેમના દસ પૉસિબલ જવાબો અને પેટા-જવાબો સાંભળવા તૈયાર રહેવું પડશે. અલબત્ત, આવી વ્યક્તિ આપણાથી ઉંમરમાં, હોદ્દામાં કે સગપણમાં સિનિયર હોય તો પરિસ્થિતિ નાજુક બની જાય છે. આમ છતાં તેમની લંબાણપૂર્વકની વાતો માટે આપણી પાસે અત્યારે ટાઇમ નથી અથવા તો તેમણે શરૂ કરેલા વિષય પુરાણમાં આપણને રસ નથી એ વિવેકપૂર્વક કહી શકાય. કમસે કમ એટલું કન્વે તો કરી જ શકાય કે આપણે બીજાં કામ પતાવવાનાં છે કે છાપું વાંચવાનું છે અથવા તો અગત્યના ફોનકૉલ્સ કરવાના છે એમ કહી શકાય. અથવા તો કંઈ કામ યાદ આવ્યું હોય તેમ ઊઠીને બીજા રૂમમાં ચાલ્યા જવાય. આવું એક-બે વાર કરીએ એટલે સામેવાળી વ્યક્તિને હિન્ટ મળી જાય અને આગળ ઉપર આપણા સમય ઉપર આક્રમણ કરતા અટકી શકે.

ઓછું બોલું છું

બીજી એક ટેક્નિક છે પોતાને બહુ બોલવું પસંદ નથી એવો મેસેજ આપતા રહેવાની. એવા એક-બે સ્નેહીને ઓળખું છું. તેમણે પોતાના પૂરા સર્કલમાં પોતાની એક ઇમેજ બનાવી લીધી છે કે તેમને બહુ બોલવું પસંદ નથી અને બહુ બડ-બડ કરે તેવા લોકો પણ તેમને પસંદ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ તેમને ફોન કરે ત્યારે કે ઘરે મળવા જાય ત્યારે પણ તેમની એ ચીમકી તેમને યાદ રહે છે અને તેમની સાથે જરૂર પૂરતી જ વાત કરે છે. અલબત્ત આને કારણે તેમની અતડા અને મિજાજી છાપ ઊપસી છે, પણ તેમને એનો કોઈ વાંધો નથી. તેઓ કહે છે કે બિનજરૂરી લપથી તો હું બચું છુંને. પોતાની ઇમેજને ભોગે પણ પોતાના સમયનું રક્ષણ તેઓ કરી શકે છે.

યાદ રહે કે આવા લોકોથી બચવાની આ બધી યુક્તિઓ આપણી જાતને પણ એ જમાતમાં ભળતા અટકાવવા માટે કામ લાગશે. ઑલ ધ બેસ્ટ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK