કમર્શિયલ ઍક્ટિવિટી વિશેની તપાસને બહાને વસઈના મૅન્યુફૅક્ચરર્સ પર તવાઈ

Published: 16th December, 2012 05:10 IST

વીજવિતરણ કંપની દ્વારા ગાળાની વિઝિટ લઈને તેમને આ બાબતે ખોટી રીતે સાણસામાં લેવામાં આવતા હોવાનો આક્ષેપમુંબઈમાં રહેતા અનેક ગુજરાતી સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રિયલિસ્ટો વસઈમાં તેમનાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટો ધરાવે છે. તેમના પર હાલ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતી મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસી)ની તવાઈ આવી છે. એમએસઈડીસીના વસઈ સર્કલના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયરની ટીમ તેમના ગાળાની મુલાકાત લઈ રહી છે. જો મૅન્યુફૅક્ચરર્સ કમર્શિયલ ઍક્ટિવિટી કરતા જણાય તો તેમને કમર્શિયલ રેટનો ટૅરિફ લગાડવામાં આવે છે અને એ માટે હેવી પેનલ્ટી તથા ઇન્ટરેસ્ટ ભરવાનું કહેવાય છે. મૅન્યુફૅક્ચરર્સનું કહેવું છે કે કમર્શિયલ વપરાશ થાય છે કે નહીં એ બહાને ગાળાની વિઝિટ પર આવતા એમએસઇડીસીના કર્મચારીઓ કાયદાની વિચિત્ર આંટિઘુટીનો ફાયદો લાઇ મેન્યુફેક્ચરર્સને દબડાવે છે અને દમદાટી આપી કાર્યવાહી કરવાની ધમકી આપે છે. જે લોકો ખરેખર કમર્શિયલ ઍક્ટિવિટી કરતા હોય તેમના પર ઍક્શન લેવાય એ ઠીક છે, પણ તેઓ મૅન્યુફૅક્ચરર્સને પણ કારણ વગર સાણસામાં લે છે જેને કારણે તેમને હેરાન થવું પડે છે. એથી તેમના અસોસિએશન દ્વારા આ માટે એમએસઈડીસીને લેટર લખીને એનું નિરાકારણ માગવામાં આવ્યું છે.

એમએસઈડીસી દ્વારા આપવામાં આવતી ઇલેક્ટ્રિસિટીના ઇન્ડસ્ટ્રિયલ યુઝ અને કમર્શિયલ યુઝના ભાવમાં ફરક છે. કમર્શિયલ યુઝનો ભાવ વધારે છે. આ બાબતે એમએસઈડીસીના વસઈ સર્કલના સુપરિન્ટેન્ડન્ટ દિનેશ સાબુએ કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રિયલ ગાળાઓ ઘણી વાર ભાડે અપાતા હોય છે. જોકે ત્યાર બાદ એમાં મૅન્યુફૅક્ચરિંગને બદલે કમર્શિયલ ઍક્ટિવિટી થાય છે. રોડ-ટચ આવેલા ગાળાઓમાં કુરિયર કંપનીની ઑફિસો, મોટરસાઇકલના શોરૂમ, લૉજિસ્ટિકની ઑફિસો અને ઘણી જગ્યાએ તો રેસ્ટોરાં અને હૉસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જો કોઈએ આ માટે ચેન્જ ઑફ યુઝની અમને જાણ કરી હોય તો અમે તેમને ઇન્ડસ્ટ્રિયલને બદલે કમર્શિયલનો ટૅરિફ લગાડીએ છીએ, પણ પેનલ્ટી નથી લગાડતા કે કાર્યવાહી નથી કરતા; પણ જો એ બાબતે અમને જાણ ન કરી હોય તો અમે તેમને પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ ભરવાનું કહીએ છીએ.’

મૅન્યુફૅક્ચરર્સ શું કહે છે?

એમએસઈડીસીની આ કાર્યવાહી સામે વસઈ ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ અસોસિએશનના પ્રેસિડન્ટ અજય મોદીએ તેમને એક લેટર લખીને આ બાબતે ખુલાસો માગ્યો છે. અજય મોદીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રિયલ ગાળાઓમાં મોટા ભાગે ઇન્ડસ્ટ્રીઓ જ ચાલતી હોય છે. કેટલાક લોકો એનો ઉપયોગ અન્ય કારણ માટે કરતા હોય છે, પણ તેમની સંખ્યા બહુ ઓછી છે. ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં અંદરની સાઇડમાં તો પાનની એક દુકાન પણ મળવી મુશ્કેલ હોય છે. કેટલાક લોકોને કારણે બધાને એક લાકડીએ હાકવું યોગ્ય નથી. આમ પણ લોકલ બૉડી ટૅક્સ અને ઇલેક્ટ્રિસિટીના હાઈ રેટને કારણે અહીંના મૅન્યુફેક્ચરર્સ ગુજરાતના દમણ અને સિલ્વાસામાં તેમનાં યુનિટો શિફ્ટ કરી રહ્યા છે. ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટીના દર ૪૦ ટકા જેટલા ઓછા હોવાના કારણે મૅન્યુફૅક્ચરર્સને ફાયદો રહે છે. અમે એમએસઈડીસીને કહ્યું છે કે આ મુદ્દે મૅન્યુફૅક્ચરર્સની કનડગત કરવામાં ન આવે. જો ગાળો ભાડે આપવામાં આવ્યો હોય અને એમાં મૅન્યુફૅક્ચરિંગ કરવામાં આવતું હોય તો એને ઇન્ડસ્ટ્રિયલ રેટ જ લગાવવો જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK