વડીલો બૅક-સીટ ડ્રાઇવિંગ કરતા રહે એવું આજના યુવાનોને પસંદ જ નથી

Published: 14th December, 2012 06:39 IST

નવી જનરેશનના હાથમાં સ્ટિયરિંગ સોંપ્યા પછી પાછળની સીટ પર બેસીને સૂચનાઓ ન આપ્યા કરો. સ્ટિયરિંગ સોંપતાં પહેલાં તેની પાત્રતા જુઓ, પણ સોંપ્યા પછી તેની પાત્રતામાં ડાઉટ કરી-કરીને તેને ડિસ્ટર્બ નહીં કર્યા કરતાફ્રાઇડે-ફલક - રોહિત શાહ

તમને આવો એકાદ અનુભવ ન થયો હોય એ પૉસિબલ જ નથી. તમે કોઈની સાથે કારમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છો. કારનું ડ્રાઇવિંગ તેના માલિકના યુવાન પુત્ર કે પુત્રી કરે છે. કારનો માલિક તમારી સાથે બેઠેલો છે. થોડી-થોડી વારે પેલો કારમાલિક તેના પુત્ર કે પુત્રીને સૂચનાઓ આપતો રહે છે. ધીમે ચલાવ. સંભાળજે, આગળ બમ્પર છે. વાઇપર ચાલુ કર. હેડલાઇટની ડિપર બંધ કર. સ્પીડ ઓછી કર. પાછળવાળાને ઓવરટેક કરી લેવા દે. હૉર્ન માર એટલે આગળવાળો સાઇડ આપશે. હવે સર્વિસ રોડ ઉપર લઈ લે નહીંતર ટૉલ-ટૅક્સ ભરવો પડશે. સીટબેલ્ટ બાંધ્યો છેને?

સ્ટિયરિંગ પુત્ર કે પુત્રીના યુવાન હાથોમાં હોય, પણ પાછળની સીટ પરથી સતત સૂચનાઓનો ધોધ વહ્યા કરતો હોય.

અણગમો થતો જ હોય


પુત્ર કે પુત્રી આમન્યા જાળવીને ચૂપચાપ ડ્રાઇવ કરતાં રહે છે, પણ વડીલની બૅક-સીટ ડ્રાઇવિંગ કરવાની આદત પ્રત્યે તેને તીવþ અણગમો તથા રોષ હોય છે અને એમાં પોતાનું ઇન્સલ્ટ ફીલ થાય છે. તે ભલે મૌન છે, પણ તેનો આક્રોશ અવ્યક્તરૂપે તમને કહે જ છે કે ડ્રાઇવિંગ હું કરું છું અને પૂરી જવાબદારી સાથે કરું છું. મારી આંખો સારી છે. મારી આગળનો રોડ હું જોઈ શકું છું. ક્યારે શું કરવું એની મને સમજણ પડે છે. બમ્પ તમને દેખાય છે તેમ મનેય દેખાય જ છે. હેડલાઇટને હું મારી જરૂરિયાત પ્રમાણે ગોઠવીશ. હૉર્ન મારવાની મને જરૂર જણાશે ત્યારે જ મારીશ. પ્લીઝ, તમે ચૂપ રહો. પાછળની સીટ પર બેઠાં-બેઠાં સૂચનાઓ આપીને મારો મૂડ ન બગાડો અને જો તમને મારું ડ્રાઇવિંગ ન ફાવતું હોય તો તમે સ્ટિયરિંગ સંભાળી લો. હું પાછળની સીટ પર ચૂપચાપ બેસીશ.

ઘણા વડીલો આવા હોય છે. સંતાનોના હાથમાં વ્યવસાય-કારોબાર મૂકે ખરા, પણ વારંવાર સૂચનાઓ આપતા રહે છે. પુત્રવધૂના હાથમાં ઘરનો વહીવટ સોંપે ખરા, પણ સાસુજી સતત આદેશો આપતાં રહે છે. આમ કરવાનું ને આમ નહીં કરવાનું. યે બાત ઠીક નહીં હૈ.

ઘડતર પ્રોપર કરો

તમે તેના હાથમાં સ્ટિયરિંગ સોંપતાં પહેલાં તેને પૂરી ટ્રેઇનિંગ આપો. જે કાંઈ શિખામણો આપવી હોય એ પૂરેપૂરી આપો. તેના હાથમાં વહીવટ મૂકતાં પહેલાં તમામ પ્રકારના વ્યવહાર તેને સમજાવી દો. એકસામટા નહીં, પણ ધીમે-ધીમે. તેને સમજાઈ જાય એ રીતે. તેનું ઘડતર થાય એ રીતે. તેને તેની જવાબદારીનું ભાન થાય એ રીતે પહેલેથી જ બધું તેને ભલે સમજાવો. પણ એક વખત સ્ટિયરિંગ તેને સોંપ્યું એટલે તમારી જીભ પર બ્રેક મારી દો. એક વખત કોઈ પણ વહીવટ ના હાથમાં મૂક્યો, પછી તેને તેની રીતે કામ કરવા દો. વચ્ચે-વચ્ચે ડહાપણ ડહોળીને ચેને ડિસ્ટર્બ ન કર્યા કરો. એ રીત ખોટી છે. આવી રીત તમને શોભનીય નથી અને તમારાં સંતાનોને ગમતીય નથી.

દેખાવ પૂરતું જ તમે તમારાં સંતાનોના હાથમાં બધું સોંપો છો. હકીકતમાં તમારાથી કશું છૂટતું જ નથી.

એમાંય જો પછી કોઈ ઍક્સિડન્ટ થાય કે કંઈક ખોટ ખાવાની આવે કાંઈ ખોટું થઈ જાય તો બન્ને પક્ષ એકબીજાનો દોષ કાઢે છે. તે આમ કર્યું એટલે આવું થયું. તમે આમ કરવાનું કહ્યું એનું જ આ પરિણામ છે. સારું થાય તો બન્ને જણ જશ લેવા પ્રયત્ન કરશે અને જો ખરાબ થાય તો દોષનો ટોપલો બીજાને માથે મૂકવાનો બન્ને પક્ષે પ્રયાસ થશે. આ બન્ને પરિસ્થિતિમાં સંઘર્ષ અવશ્ય થવાનો.

ભરોસો મૂકતાં શીખો


જૂની પેઢીને નવી પેઢી ઉપર ભરોસો મૂકતાં વાર કેમ લાગે છે? તેને ભૂલો કરવા દો. તેને ઠોકર ખાવા દો. તેને થોડી હેરાનગતિય થવા દો. એ બધા દ્વારા તેનું નક્કર ઘડતર થશે. તેને માત્ર કહ્યાગરો ન બનાવશો. તેને સાહસ કરવા દો. તેને નર્ણિય કરવા દો. એ પૂછે તો તેને ગાઇડન્સ અચૂક આપો. પણ પછી તેણે તમારા ગાઇડન્સનો અમલ કર્યો કે નહીં, એની છૂપી તપાસ ન કરો. તમારી સૂચનાઓનો તેની પાસેથી હિસાબ ન પૂછો.

જ્યાં સુધી તમને તેની પુખ્તતા અને પાત્રતા પર ભરોસો ન બેસે ત્યાં સુધી તેના હાથમાં સ્ટિયરિંગ ન સોંપો, પણ સોંપો તો પછી સોંપી બતાવો. એ જેટલી ભૂલો કરશે એટલું નવું-નવું શીખશે. એ જેમ-જેમ ઠોકરો ખાશે તેમ-તેમ વધારે સાવધ થશે. તમે સૂચનાઓ આપીને નાહક કડવા ન થાઓ. તમે બૅક-સીટ ડ્રાઇવિંગ કરીને તમારો અહં ન પંપાળો. તમારા ગાઇડન્સ વગર આ જગત અટકી કે ભટકી જશે એવો વહેમ જરાય ન રાખો. વડીલોના વહેમ અને અહમ નવી પેઢીને તંગ કરે છે, પજવે છે અને ત્રાસ આપે છે.

આવી ભલાઈ નથી જોઈતી


ચાલો, માની જ લઈએ કે તમે કંઈ તેને ખોટું ગાઇડન્સ નથી આપતા. તમે તેનું ચોક્કસ ભલું જ ઇચ્છો છો તેને તમારા અનુભવોનો લાભ આપીને તેનો માર્ગ આસાન બનાવવાની તમારી શુભ ભાવના જ છે, પરંતુ નવી પેઢીને પોતાના ખ્વાબ છે, તેનો પોતાનો મૂડ છે, તેની ખુદની પસંદગી છે, તેની પોતાની કોઈ પદ્ધતિ કે શૈલી છે. યુવાનોને ખબર નથી કે ઘડપણ શું છે, પણ ઘરડાઓને તો ખબર હોય ને કે યુવાની કેવી હોય છે. આંખોનું તેજ ઝાંખું થવું, હાથનું ધ્રૂજવું, fવાસનું હાંફી જવું તેની ભલે યુવાનને જાણકારી ન હોય પણ યૌવનનો તરવરાટ કેવો હોય, યૌવનના હવાઈ ખ્વાબો કેવા હોય, યુવાનીમાં સાહસિકતા કેવી ઉછાળા મારતી હોય, યુવાવસ્થામાં આદર્શોની કેવી મેઘધનુષી ઘેલછાઓ હોય તેની જૂની પેઢીને તો ખબર હોય છેને! જેને ખબર છે એ સમજીને ચૂપ કેમ નથી રહેતા?

ન ઘરનો, ન ઘાટનો


અમારા એક સ્નેહીઓ તેમના સંતાનને બાળપણથી જ ભગતડું બનાવી મૂકેલું. આ ખવાય અને આ ન ખવાય, આમ કરાય એ આમ ન કરાય એવી વાતોનાં મૂળિયાં એટલાં ઊંડા નાખી દીધેલાં કે વાત ન પૂછો. બાળપણ તો ભીની માટી જેવું હોય છે. જેવું બીજ વાવો તેવું જ ઊગે. એ બાળક મોટું થયા પછીય ડગલે ને પગલે તેને ધર્મના નામે ભેળસેળિયું આચરણ જ શીખવાડ્યા કર્યું. તે સંતાન યુવાન થયા પછીય તેને દરેક વાતમાં બસ પાપ જ દેખાય. તે કંઈ પણ કરે ત્યારે પાપ-પુણ્યનો જ હિસાબ કરે. તેને નોકરીમાંથી તેના માલિક વારંવાર તગેડી મૂકે. તે ભગતડો ન સંસારનો રહ્યો, ના વૈરાગ્યમાં જઈ શક્યો.

નવી પેઢી ભરોસાપાત્ર છે

નવી જનરેશનની કેટલીક ખૂબીઓ પણ છે. કોઈ પણ નવી વાત ઝટ સમજી લે છે. પોતાની મેળે શોધવાનું-સમજવાનુંય તેને ફાવે છે. મેં એક નવો કૅમેરા ખરીદ્યો ત્યારે વેપારીએ ખૂબ ઝીણવટથી મને એ કૅમેરાની વિશેષતાઓ અને એનાં ફંક્શન્સ સમજાવેલાં. મને એમાંથી માંડ બે-ત્રણ જ યાદ રહેલાં. ઘેર આવીને મારા પુત્ર પ્રસંગના હાથમાં એ કૅમેરા મૂક્યો અને થોડી વારમાં તેણે બધું જાણી-સમજી લીધું. નવી ટેક્નૉલૉજીએ નવી પેઢીને ખાસ્સી તેજસ્વી બનાવી છે. તે ગૂગલમાં જઈને સર્ચ કરે છે અને ફેસબુક દ્વારા સૌને બધી જાણ કરે છે. તેને જે વિષયમાં રસ પડશે કે જે બાબતનો અનુભવ થશે એમાં તે આપમેળે જ ઘડાશે એવો ભરોસો મૂકવો જ પડશે. હું ખાતરી આપું છું, નવી જનરેશન વધારે ભરોસાપાત્ર છે, કારણ કે તેને આડંબર ગમતો નથી. છુપાવવા જેવું તેની પાસે કંઈ નથી, તે નિર્ભય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK